વરસાદની આગાહી: આધુનિક વિજ્ઞાનને આંટી આપે છે અનુભવ જ્ઞાન

ઇન્ટરવલ

અપરાજિતા – કવર સ્ટોરી

વિશ્ર્વના લોકોનો વરસાદ સાથે એક અતૂટ નાતો છે. ખાસ કરીને સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધના કેટલાક પ્રદેશોનો, કેમ કે કેટલાક પ્રદેશોમાં માત્ર શિયાળો અને ઉનાળો બે જ ઋતુ છે ત્યારે આપણે ત્યાં ચોમાસું એક સંપૂર્ણ ઋતુ છે. ખેતીપ્રધાન દેશો માટે વરસાદ ક્યારે આવશે અને ક્યારે જશે, ઓછો પડશે કે વધારે? તે જાણવું અત્યંત મહત્ત્વનું હતું.
વિજ્ઞાન હજી એટલું આધુનિક થયું નહોતું અને અવકાશમાં ઉપગ્રહો તરતા મૂકીને વાયુમંડળનું નિરીક્ષણ કરવાની કોઈ જાણકારી નહોતી ત્યારે પણ આપણા દેશના વડીલો અનુભવને આધારે સંકટ પારખીને વરસાદની આગાહી કરતા એ સર્વવિદિત છે. હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે ત્યારથી વરસાદની આગાહીની શરૂઆત થતી હતી. ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં એક અથવા બીજા નામે ભડલી વાક્યો પ્રચલિત છે, જે કોઠાસૂઝ ધરાવતા વડીલો દ્વારા વરસાદના સંકેત આપતા હતા. ખેડૂતો માટે એ લોકો કોઈ વેધશાળાથી કમ નહોતા! આ દિશાનિર્દેશો માત્ર વરસાદનો સંકેત જ નહોતા આપતા, પરંતુ અભણ અને ગમાર ગણાતા લોકોની તીવ્ર નિરીક્ષણશક્તિનાં ઉત્તમ ઉદાહરણ પણ હતાં. આવી જ નિરીક્ષણશક્તિના જોરે ઋષિમુનિઓએ આખેઆખું ખગોળશા લખ્યું છે. આપણા અનુભવી વડીલો દેશના મોસમ વિભાગ કરતાં વધારે સટિક આગાહી કરી શકતા હતા!
ઉનાળાના સમયમાં જંગલી જાનવરો જો ક્યાંક છુપાવા માંડે અથવા સુરક્ષિત જગ્યા શોધે તો સમજવું કે ઘનઘોર વર્ષાનો વરતારો છે. તમે પક્ષીઓને વરસાદમાં પલળતાં કે હેરાન થતાં ભાગ્યે જ જોયાં હશે, કારણ કે તેમને વરસાદનો અંદેશો આવી જતો હોય છે. આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે ચકલી ધૂળમાં આળોટવા માંડે ત્યારે સમજવું કે વરસાદ આવવાનો છે. પક્ષીઓ આકાશમાં ઊંચે ઊડતાં હોય તો વરસાદ સારો વરસે અને નીચાં ઊડે તો આંધીતોફાનનો અંદેશો હોય છે. કીડીઓ પણ પોતાનો ખોરાક લઈને ભાગમભાગ કરતી દરમાં જવા માંડે ત્યારે વરસાદ ક્યાંક આસપાસ છે તેવું અનુમાન લગાડી શકાય. કઈ દિશાનો પવન છે તે પણ વરસાદનો સંકેત આપે છે. જો પૂર્વની હવા ધરતીથી જઈને ધૂળ ઉડાડી રહી હોય તો સમજો હવે ગરમીનો ખાત્મો નજીક છે.
‘ઉત્તર ચમકે વીજળી, પૂરબ વાયુ વાય,
હું કહું તુજને ભડલી, બરઘા ભીતર લાય.’
અર્થાત્ ઉત્તર દિશામાં વીજળી ચમકારા કરે અને પૂર્વ દિશાનો વાયરો વાય તો ગાય-ભેંસને પાછાં વળીને કોઢમાં કે ગમાણમાં બાંધો, વરસાદ આવવાનો છે.
આવી રીતે મધ્યકાળના વડીલોએ કવિતા દ્વારા મોસમની આગાહીઓ લખી છે. આપણાં શાો પણ મોસમના અનુમાન અને આગાહી પર ઘણું જ્ઞાન આપણને આપે છે. જ્યોતિષશાના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી વાક્યો છે. ‘નારદ સહિંતા’, ‘બૃહત્ સંહિતા’, ‘વર્ષાબોધ’ જેવા અનેક ગ્રંથો ઉપલબ્ધ છે.
દાખલા તરીકે
સિંહ સંક્રાંતિને દિવસે વરસાદી વાદળાં હોય તો વર્ષા ન થાય. કર્ક સંક્રાંતિને દિવસે વરસાદી વાદળ જો હોય તો વર્ષા તત્કાળ હોય.
બીજું ઉદાહરણ કે શુક્રવારે બંધાયેલાં વાદળાં જો શનિવાર સુધી કાયમ રહે તો અચૂક વરસે.
શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ર્વર છાય,
ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવ જાય.
જ્યોતિષશા ગ્રહો-નક્ષત્રોના નિરીક્ષણને આધારે વરસાદની સચોટ આગાહી કરે છે.
શ્રાવણ સુદિ સપ્તમી સ્વાતિ ઊગે સૂર,
ડુંગર બાંધો ઝૂંપડાં, પાદર આવે પૂર.
પક્ષીઓ અને પ્રાણીઓ ક્યારે બોલે અને કેવું બોલે તેના આધારે પણ આગાહીઓ થાય છે. મરઘો જો રાત્રે સૂતાં પૂર્વે બાંગ પોકારે તો એ વરસાદ આવવાનો સંકેત છે. દેડકા જો મોટા અને લાંબા અવાજથી ટર્ર ટર્ર ટર્ર કરવા લાગે તો વરસાદ આવે છે, પરંતુ જો તે ધીમે અને મીઠા સ્વરમાં ગાય તો બીજા દિવસે આસમાન સાફ રહેશે. શિયાળ જો દિવસે બોલે તો કાં અતિવૃષ્ટિ થાય કાં અનાવૃષ્ટિ. હસ્ત નક્ષત્રના વરસાદનો બહુ મહિમા કહેવાયો છે. ‘જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથિયો’.
આજે આધુનિક તંત્રજ્ઞાનની મદદથી થતી આગાહીઓ પણ ઘણી વાર અચોક્કસ સાબિત થાય છે. ત્યારે માત્ર અને માત્ર નિરીક્ષણશક્તિ, કોઠાસૂઝ અને અનુભવના જોરે કરેલી આવી આગાહીઓ સારું માર્ગદર્શન આપે છે. તેને જ કારણે આજે પણ હોળીના દિવસથી લોકો સંકેતોને પારખવાનું શરૂ કરી દે છે. આ બતાવે છે કે આજે પણ આપણા પૂર્વજો અને ઋષિમુનિઓમાં શ્રદ્ધા અને વિશ્ર્વાસ અતૂટ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.