વડીલો અમથા નથી કહી ગયા…

વીક એન્ડ

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

એ ‘મન હોય તો માળવે જવાય’. ‘મુંબઈ સમાચાર’ની બસો વર્ષની ઉજવણી અખબાર જગતનો ઇતિહાસ બની ગઈ. તંત્રીશ્રી નીલેશ દવેના મસ્ત આગ્રહ, આમંત્રણ અને સ્ટેજ આપવાની વાતથી ‘બત્રીસે કોઠે દીવા’ જેવું અનુભવ્યું. આ જેટલાં અવતરણચિહ્ન વચ્ચેનાં વાક્યો-શબ્દો છે તે આપણા બાપદાદાઓએ કહેલી વાતો છે જે આજે કહેવતો છે. આખેઆખાં પિક્ચર બની જાય તો એક લેખ તો બને જને.
લખવા બેઠો એ પહેલાં કહેવત યાદ આવી કે ‘નવરો બેઠો નખ્ખોદ વાળે’ એના કરતાં કંઈક લખી નાખું, એટલે જ તો કહેવાય છે કે ‘બેઠા કરતાં બજાર ભલી’. જોકે આ કહેવત વર્ષો પહેલાં બની છે. અત્યારે તો બેસી રહેવું સારું, કારણ કે બજારમાં લોકો ઊઠી બહુ જાય છે અને આપણે ક્યાં વિજય માલ્યા હતા કે લંડન જઈને રહી શકાય!
કહે છે કે ‘લખ્યું વંચાય’ પણ સારું લખ્યું હોય તો ભલે વંચાય, બાકી ન લખવાનું લખ્યું હોય અને વંચાય તો છૂટાછેડા સુધી વાત પહોંચી જાય. લખેલું ભલે વોટ્સએપમાં હોય!!!
જે તે સમયે કહેવત બની હશે ત્યારે આગળપાછળના કોઈ ઇતિહાસ જોડાયેલા હશે, પરંતુ આજે એ જ કહેવત આપણે આપણી રીતે ફિટ કરીએ અને સાચી પણ લાગે.
આપણી આજુબાજુ નજર કરો તો ઘણી વાર એક કહેવત મનમાં બોલીએ ‘વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે’. ભલે આ કહેવત વાંદરાને જોઈને બની હોય, પણ આપણે ક્યારેક આપણા માટે કે આજુબાજુ રહેતા નિયર એક્સ્પાયરી વડીલો માટે પણ બોલ્યા હોઈશું.
ઘણા લોકો ખૂબ પ્રયત્નો પછી એક પણ ગર્લફ્રેન્ડ નથી બનાવી શકતા. કોઈક ફેસબુકમાં કે વોટ્સએપમાં જવાબ આપશે એવી આશામાં નેટનું રિચાર્જ પૂરું કરી નાખે અને ખૂબ રાહ જોઈને એકાદ જગ્યાએથી ખાલી ‘હાય’ આવ્યું હોય ત્યારે જ નેટનું પેક ખલાસ થઈ જાય અને તે દિવસે જ નેટનું પેક શોધવામાં સાંજ પડે અને ભાઈ સામે ‘હાય’ લખે તો પછી જવાબ જ ન આવે, કેમ કે એ છોકરી અઠવાડિયે એક વાર જ ઓનલાઇન થતી હોય. આને કહેવાય ‘અક્કરમીનો પડિયો કાણો…’
એક કહેવત છે કે ‘અક્કલનો ઓથમીર, મગાવી ભાજી ને લાવ્યો કોથમીર’. આ કહેવતનો ઇતિહાસ તપાસો તો મૂળમાં કંઈક આવું નીકળે કે સારા ઘરની છોકરી ચીંધાડી હોય તો તેની સાથે ઝઘડો કરીને વટમાં ને વટમાં, દેખાડી દેવાની ભાવનાથી કજિયાળીને પરણીને આવ્યો હોય, પાછા ધામધૂમથી લગ્ન કરે કે જોયું ભાયડાને તરત મળી ગઈ. આ ભૂલની પાછળ મોટો જમણવાર કર્યો હોય અને ભાઈબંધો પણ માંડ મોકો મળ્યો છે એવું વિચારે અને ભોજન પર તડાપીટ બોલાવી હોય, પણ ભરબપોરે જે આકુળવ્યાકુળ થાય ત્યારે કાન પકડીને કહેવાની ઇચ્છા થાય કે ‘અનાજ પારકું છે, પેટ થોડું
પારકું છે’.
આવા બહાદુર એક તબક્કે કંટાળી કાલાઘેલા થતાં બૈરીને રોજ કહેતા હોય, ‘થાકી ગઈ હોઇશ. પિયર એકાદ આંટો દઈ આવ.’ મહામહેનતે ગ્રહ દશા સુધરે અને પત્ની રાજી થઈ હા ભણે એટલે મોટા ઉપાડે ઉછીના લઈ ટેક્સી કરીને મૂકવા જાય. ઘરે આવીને હાશકારો એવો અનુભવે જાણે પરણ્યો જ નથી. પછી જલસા પેક ચાલુ થાય ત્યારે એમ કહેવાય કે ‘સ્વર્ગને અને મારે હાથવેંતનું
છેટું છે’.
કહેવત બનવા પાછળ ખાલી પતિ નહીં, ઉદ્યોગપતિઓ પણ એટલા જ જવાબદાર છે. લેગિન્સ વેચવાવાળા વેપારી ગમે તેટલાં મહાકાય બૈરાંઓને લેગિન્સ પરાણે બટકાવે અને મનમાં અને મનમાં બોલે ‘કપાસીયે કોઠી ફાટી ન જાય’ બહેન. તમે તમારે ઠઠાડો. અમારી ગેરંટી કે ફાટશે નહીં…
નવા પરણેલા હનીમૂન માટે હિમાલયના ખોળે ગયા હોય અને ગોરધન પડ્યો બોલ ઉપાડતો હોય. તેમાં પત્ની બોલે ‘ગુલ્ફી ખાધી હોય તો કેવી મઝા પડે?’ ત્યાં તો ગોરધન ‘પડ્યો બોલ ઝીલી’ સીધી દોટ મૂકે. આખો હિમાલય ફરી વળે ગુલ્ફી શોધવા! આને કહેવાય ‘કરમીની જીભ અને અકરમીના ટાંટિયા.’
પાડોશમાં પતિ-પત્નીનો ઝઘડો ચાલતો હોય અને હજુ શાંત પડવાની તૈયારી હોય ત્યાં તેમના ઘેર પહોંચે અને શું થયું? પૂછીને એકડે એકથી ફરી શરૂ કરાવે. એક પછી એકને સાઇડમાં લઈને એવી સલાહ આપે કે ઝઘડો શાંત પડવાને બદલે એટલો વકરે કે છૂટાછેડા સુધી પહોંચી જાય. આને કહેવાય ‘કોઈનો બળદ, કોઈની વેલ ને બંદાનો ડચકારો’.
એક કહેવત છે ‘ડાબા હાથે મૂકી દેવું’. લગ્ન પછી પણ લફરાં ચાલુ હોય અને એકાદ વોટ્સએપનો મેસેજ આવ્યો હોય પણ સવારમાં ઘાંઘો થઈને મોબાઇલ શોધે અને મળે નહીં ત્યારે એમ કહેવાય કે આ મોબાઇલ ડાબા હાથે મુકાઈ ગયો અને તેમાં પણ જો ઘરવાળીના હાથમાં આવ્યો હોય તો ડાબા અને જમણા બેય હાથે ભાઈ લેવાઈ ગયા હોય…
મોંઘવારીના જમાનામાં ખાવાનું ખૂટતું હોય, આ મહિનાના હપ્તાના રૂપિયા ક્યાંથી કાઢીશું તેની ચિંતા થતી હોય, લેણિયાતો મોબાઇલ ઓન થવા ન દેતા હોય અને સવારના પહોરમાં ડરતાં ડરતાં ઘરની બહાર નીકળતો હોય ત્યાં સામે નજર
પડે કે સાળો, સાળાની વહુ, છોકરા અને સાસુ-સસરા ઘર-ખાટલા સાથે રિક્ષામાંથી ઊતરે ત્યારે એમ લાગે કે ‘દૂબળી ગાયને બગા ઝાઝી’. ઘરવાળીનું મોઢું તો ફુલ્લીના એક્કા જેવું થઈ જાય, પણ રસ્તો તો કાઢવોને, એટલે એક વાટકી દાળ ઓરી અને ઘરવાળીનું ધ્યાન ન હોય ત્યાં દાળના તપેલામાં ચાર લોટા પાણી ઠપકારી આવે અને કહેવત બોલે કે ‘દે દામોદર દાળમાં પાણી’.
તમે ભલે એમ માનો કે દરેક કહેવતો સાચી હોય, પણ એવું સ્વીકારતા નહીં, કેમ કે હવે પછીની કહેવત હું કહીશ એ કહેવતમાં ક્યાંય સત્ય નથી. કહેવત છે કે ‘ધાર્યું ધણીનું થાય’. મારી માન્યતા મુજબ ધણી એટલે ભગવાન નહીં, પણ પતિદેવ. હા, કહેવત તો સાચી પડે જો ધણિયાણી ધણીને ધારવાનું કહે અને એ જ ધણી ધારે તો.
આવી જ બીજી કહેવત છે ‘ધોકે જાર બાજરી, ધોકે નાર પાંસરી’. ઇતિહાસમાં આવા કોઈ નર વીર થઈ ગયા હોય તો ખબર નથી, બાકી અત્યારે કરી જોજો હિંમત. ધોકા સાથેની નારી પાંસરી હોય, બાકી ધોકે તો નહીં જ…
હમણાં મેં એક ધોળિયું કૂતરું પાળ્યું હતું, પણ ખૂબ કો-ઓપરેટિવ. સામાન્ય રીતે અજાણ્યો આવે તો ભસવું જોઈએ, પણ ધોળિયું લટૂડાંપટૂડાં કરતાં ખોળામાં બેસી જતું. મારે ત્યાં ચોર આવ્યા તો મોઢામાં બેટરી લઈને આખું ઘર દેખાડ્યું, પણ નસીબ સારાં કે આપણે ઘેર માત્ર પેન્ડિંગ બિલની ફાઇલો જ જોવા મળી એટલે સારા ચોર બિચારા ૫૦૦ રૂપિયા મૂકી ગયા અને ચિઠ્ઠી મૂકતા ગયા કે તમારું કૂતરું બહુ કો-ઓપરેટિવ છે. મેં ચૂનિયાને વાત કરી તો ચૂનિયો કહે કે ‘મારા કાળિયા આગળ મૂકી જાવ. અઠવાડિયામાં જાણીતાને પણ ભસવા ન મંડે તો કહેજો.’ પેલી કહેવત નથી ‘કાળિયા સાથે ધોળિયો રહે, વાન ન આવે પણ શાન આવે’. સાચે જ મારા ઘેર પાછો આવ્યો એવો મને જ ભસવા લાગ્યો. તપાસ કરતાં ખબર પડી કે કાળિયો એટલે કૂતરો નહીં, પણ ચૂનિયાનો સાળો! એટલે એક જાતિ હોવી જરૂરી નથી…
ઘરવાળીએ આજે ૫૦૦ રૂ. માગ્યા અને છેલ્લા વધ્યા હતા એટલે મેં કહી દીધું કે આજે રૂપિયા નથી. હાથફેરો ન થાય તેની ફડકમાં આખી રાત જાગ્યો, પણ વહેલી સવારે ઘરવાળીનાં નસકોરાં સંભળાયાં એટલે સબ સલામત માની મેં સોડ તાણી. પત્નીની કાબેલિયતનો વિચાર આવતાં ઝબકીને જાગી ગયો અને પાકીટ ચેક કર્યું તો ૫૦૦ની નોટ તો નહોતી, પણ બે-ચાર સિક્કા પડ્યા હતા એ પણ ગાયબ હતા. ‘મારી પાસે રૂપિયા નથી’ કહ્યા પછી ચોરાવાની ફરિયાદ પણ ક્યાંથી કરવી! પત્નીની વિજય ચાલ જોઈને કહેવત યાદ આવી કે ‘ધણીની એક નજર ને ચોરનારની ચાર’…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.