વંચિતોની વેદના અનુભવી મોતીલાલ તેજાવતે

ઇન્ટરવલ

ગુજરાતનો જલિયાવાલા કાંડ – પ્રફુલ શાહ

ઇ. સ. ૧૯૨૨ની સાતમી માર્ચે દ્રઢવાવમાં હત્યાકાંડ કેમ બન્યો એ સમજવા માટે એ વિસ્તારના આદિવાસી અને ભીલોના સામાજિક અને આર્થિક સંજોગોનો ચિતાર મેળવવો અનિવાર્ય ગણાય. અલ્પ શબ્દોમાં કહી શકાય કે હાલના ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી વિસ્તારમાં દેશી રજવાડાઓના શોષણ અને અંગ્રેજોના અત્યાચાર સામેના વિદ્રોહને કચડી નાખવાની ફળશ્રુતિ એટલે આ નિર્મમ હત્યાકાંડ.
અલબત્ત, અતીતને ઉલેચીએ તો આછીપાતળી જાણકારી મળે કે સ્વતંત્રતા અગાઉ અત્યાચારી રજવાડા સામે આદિવાસીઓના નાના-મોટા આંદોલન થયા હતા ખરા. પરંતુ રજવાડાના સશસ્ત્ર જવાનો સામે તીર-કામઠા અને ભાલાવાળાની લડાઇ કેટલી ટકે!
દ્રઢવાવ હત્યાકાંડ જે આંદોલનને લીધે થયો એનો વ્યાપ હાલના ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના ગામો તથા રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, સિરોહી, ચિતોડ અને ડુંગરપુર જિલ્લાના ગામોમાં હતો. એ સમયે આ વિસ્તારોમાં ઘણાં દેશી રજવાડા હતા. એનું એક કારણ એ કે અરવલ્લી ગિરીમાળાઓમાં પ્રસરેલા આ આદિવાસી વિસ્તારોમાં અનેક નદીઓ હતી. આ રજવાડાનો ધ્યેય આદિવાસીઓનું શોષણ કરતા રહેવા અને એમાં અવરોધરૂપ બનતા પ્રતિકાર કે આંદોલનને કચડી નાખવાનું રહેતું હતું.
અઢારમી સદીમાં આદિવાસીઓના આંદોલન જોવા મળ્યાં. જે જંગલ અને જમીન પર સદીઓથી બાપ-દાદાનો હક હતો એ આંચકી લેવા માટે અંગ્રેજો કાયદો લાવ્યા. આના નકારાત્મક પ્રત્યાઘાત ન પડે તો જ નવાઇ. આ અન્યાય કરવા સાથે સ્થાનિક શોષકો એટલે રજવાડા પર અંગ્રેજોએ લગામ ન તાણી. આથી આદિવાસીના સમાજને બમણો ફટકો પડ્યો. એક તો અગાઉ વિકાસ અને પ્રગતિના ફળથી વંચિત રખાયા હતા. શિક્ષણનો લાભ સુદ્ધાં નહોતો મળ્યો. આ હાલતમાં કોઇપણ સરકાર પર વિશ્ર્વાસ ક્યાંથી ટકેલો રહે?
ઇતિહાસના પાના ઉખેળીએ તો ૧૭૮૯, ૧૮૦૧, ૧૮૦૭, ૧૮૦૮માં સરકાર સામે નાના-નાના બળવા થયા. આદિવાસી વિસ્તારોમાં વહીવટના બહાના હેઠળ અંગ્રેજોએ પહેલાવહેલા બિહારના છોટાનાગપુરમાં પગપેસારો કર્યો હતો. આવા બળવાનો સખ્તાઇથી દાબી દીધા બાદ આદિવાસીઓની ઉપજાઉ જમીન સૈનિકોને આપી દેવાતી હતી. આદિવાસીઓ પાસે ઘર કે પેટિયું રળવા ખેતી રહે, ઉપરથી આકરા કરવેરા ઝિંકાય. આમાંથી જન્મ થયો વેઠ પ્રથાનો અસંતોષમાંથી અનેક બળવા થયા પણ અંગ્રેજોએ પ્રચંડ તાકાતથી એને કચડી નાખ્યા.
ભારતમાં આવા આંદોલનોની યાદી લાંબી છે, પણ એનો ઇતિહાસ નથી બરાબર સચવાયો કે નથી ભણાવાયો. ચાલો, મગજ પર જોર આપીએ કે આપણે બિરસા મુડા ભગવાનનું આંદોલન, ઉરાંવના ભક્તિ આંદોલન તાના ભગતનું આંદોલન, ઝારખંડનું સાંથલ આંદોલન, છોટાનાગપુરનું સદગુરુ આંદોલન કે
પાંડવ સભા ગવર્નમેન્ટ આંદોલનનાં નામ સુદ્ધાં સાંભળ્યા છે.
પાડોશના રાજસ્થાનમાં થયેલા મીઠા આંદોલન,
કરૌલી આંદોલન કે કિસાન આંદોલનની જાણ છે!
અરે, ગુજરાતમાં જ થયેલા ગોવિંદ ગુરુના આંદોલન, સતકેવલ આંદોલન, મોક્ષમાર્ગીય સંપ્રદાયના આંદોલન વિશે કંઇ વાંચ્યું છે? અથવા મહારાષ્ટ્રના સતિ-પતિ આંદોલન કે રામદાસ મહારાજ આંદોલનની જાણકારી છે? ના, ના. ના.
આ જ રીતે, દ્રઢવાવ હત્યાકાંડ ભણી દોરી જનારા ‘એકી’ (અથાત્ એકતા) આંદોલન વિશેય આપણામાંથી મોટાભાગના પૂરેપૂરા અંધારામાં છે. આ આદિવાસી આંદોલનની સૌથી નોંધપાત્ર બાબત એ કે બિન-આદિવાસી એટલે કે જૈન વણિક જ્ઞાતિના મોતીલાલ તેજવતે એનું નેતૃત્વ સંભાળ્યું હતુંં. ‘આદિવાસીના ગાંધી’નું હુલામણું બિરુદ મેળવનારા મોતીલાલ તેજાવત જન્મ હાલના રાજસ્થાનમાં આવેલા મેવાડના ઉદયપુર સ્થિત ભોમટના કોલિયાત ગામમાં ઇ. સ. ૧૮૯૬થી ૧૬મે મેના રોજ થયો હતો.
માતાનું નામ કેશરબાઇ અને પિતા નંદલાલ કોલિયાતમાં જ પ્રાથમિક શિક્ષણ સાથે હિન્દી, ઉર્દૂ અને ગુજરાતીનું જ્ઞાન મેળવ્યું હતું.
આદિવાસીઓના મસિહા ગણાવાયેલા મોતીલાલ નાનપણથી જ ખૂબ સ્વાભિમાની અને એટલા જ સાહસિક વૃત્તિના હતા. સામાન્ય શિક્ષણ મેળવ્યા બાદ તેમણે ઉદયપુરના ઝડોલ ગામની એક દુકાનમાં મુનીમ તરીકેની નોકરી સ્વીકારી.
આ નોકરી દરમિયાન તેમણે જાગીરદારોના અત્યાચારોથી પીડાતા ભીલો અને ખેડૂતોની દુર્દશા જોઇ. કારણ કે જાગીરદાર સાથે વિવિધ ગામોની મુલાકાતે જવાનુ થતું હતું. માટે શું? હું ભલોને મારી નોકરી ભલી. એવું મોતીલાલ વિચારી ન શકયા. એમના હૃદયના એક ખૂણામાં શોષિત-પીડિતો માટે લાગણીનો દીવો ટમટમવા માંડ્યો.
ઇ. સ. ૧૯૧૯-૧૯૨૦માં એમાંય આદિવાસીની બહુમતી ધરાવતા જયસમાન્દ, જહાજપુરા, મગરા
અને નાહર જેવા સ્થળે જવાનું થયું. સ્થળના નામ ભલે અલગ-અલગ હોય પણ બધે દૃશ્ય લગભગ સરખા
જોવા મળે.
લાચાર ભીલો-કારાસિયાઓ અને નાના ખેડૂતોને પકડી-પકડીને બળજબરીથી કરની વસૂલી કરાતી જોઇ કોઇ કર પેટે કંઇ જ ન આપી શકે તો તેને જુત્તા, ચંપલ અને લાકડીથી ઢીબી નાખવામાં આવે. મોતીલાલનું દિલ આ બધું જોઇને કકળી ઉઠે પણ જાગીરદારોના રુંવાડાય ફરકે. એમને તો આ અત્યાચાર કરવો એ પોતાનો જન્મજાત હક લાગતો હતો.
૨૬ વર્ષની ઉંમરે મોતીલાલે કોલિપદી નજીકના ગામ ઝડોળના લહરબાઇ સાથે પ્રભુતામાં પગલાં માંડયા. જવાબદારી વધી પણ મુશ્કેલીય વધવાની હતી.
અત્યાર સુધી અન્યોની પીડા જોઇને વ્યથિત થનારા મોતીલાલ તેજાવતે બહુ જલદી આ બધુ પોતીકા સાથે બનતું જોવાનું હતું. (ક્રમશ)ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.