‘લોર્ડ ટચ’: આ દાદાજીએ વગાડેલાં ડ્રમ આજેય યુવા પેઢીને થિરકવા મજબૂર કરે છે!

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

ભારત ગીચ વસ્તી ધરાવતો દેશ છે અને જ્યાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોનો વર્ગ બહુ મોટો હોય એવા દેશને કેટલાક વિશિષ્ટ પ્રકારના સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્ર્નો હોવાના જ! ભારત સ્વતંત્ર થયું એ પછીના ઇતિહાસ પર નજર નાખશો તો જણાશે કે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી અને કચ્છથી પશ્ર્ચિમ બંગાળ સુધીની સરહદો વચ્ચે પાર વગરની વિવિધતાઓ છે. સાથે જ પાર વગરના વિરોધાભાસ પણ છે. કાશ્મીર અને તમિળનાડુમાં વસતા લોકો એકબીજાની ભાષાનો એક્કેય શબ્દ નથી સમજી શકતા અને મધ્ય ભારતમાં વસતો નાગરિક પણ ક્યાં આ ભાષાઓ સમજે છે? ગીચ વસ્તી, આટઆટલા પ્રશ્ર્નો અને વિરોધાભાસો છે, તેમ છતાં ભારતમાં હજી સિવિલ વોર નથી ફાટી નીકળ્યું, એ વિદેશી રાજનીતિજ્ઞો માટે નવાઈની બાબત છે! બીજી તરફ પોઝિટિવ પાસું વિચારશો તો સમજાશે કે ભારતીયોને એકબીજા સાથે જોડી રાખતી કેટલીક મજબૂત કડીઓ છે. આવી જ એક મજબૂત કડી એટલે ભારતીય ફિલ્મ સંગીત! એક વાર સંગીત તમારી નસોમાં લોહી બનીને દોડવા માંડે, પછી ભાષાનાં બંધનો ક્યાંય પાછળ છૂટી જાય!
એમાંય ઈ. સ. ૧૯૪૫થી ૧૯૮૦ સુધીનો સમયગાળો ભારતીય ફિલ્મ સંગીતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. રાજ-દેવ-દિલીપની ત્રિપુટી હોય કે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનું સુપરસ્ટારડમ હોય, આ બધાની સફળતા પાછળ એમની ફિલ્મોનાં લોકપ્રિય ગીતોનો ફાળો બહુ મોટો છે. હુસ્નલાલ-ભગતરામ, ખૈયામ, રવિ, નૌશાદ, ઓ. પી. નૈયર, સચિન દેવ બર્મન-રાહુલ દેવ બર્મન, શંકર-જયકિશન, કલ્યાણજી-આનંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, રોશન પિતા-પુત્ર… તમે એકનું નામ લખો ને બીજાને ભૂલો, એવા ધુરંધર સંગીતકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા. તત્કાલીન સુપરસ્ટાર્સની કારકિર્દીને ચાર ચાંદ લગાવવામાં જેમ આ સંગીતકારોનું અમૂલ્ય પ્રદાન હતું, એ જ પ્રમાણે આ સંગીતકારોના સંગીતને કર્ણપ્રિય-લોકપ્રિય બનાવવામાં એમના સાજિંદાઓનો સિંહફાળો હતો. મનોહરી સિંહ, એન્થની ગોન્સેલ્વિસ, વસંત સામંત, દત્તારામ… કેટલાંય નામો એવાં છે, જેમણે વગાડેલાં ઇન્સ્ટ્રુમેન્ટ્સને પ્રતાપે અનેક ગીતો લોકપ્રિય થઈને દશકાઓ સુધી લોકોના હોઠો પર રમતાં રહ્યાં, પણ આ વાદકોનાં નામ લોકો માટે અજાણ્યાં જ રહ્યાં! જોકે ફિલ્મ સંગીતના રસિયાઓએ કેટલાંક નામોને ધબકતાં રાખ્યાં, જે પૈકી સૌથી વધુ લોકપ્રિયતા મળી હોય તો લોર્ડ્સ ફેમિલીને! કાવસજી લોર્ડ બ્રિટિશ આર્મીના બેન્ડ સાથે મ્યુઝિશિયન તરીકે જોડાયેલા હતા. અહીં તેઓ ડ્રમર અને બેગપાઇપર તરીકે સંગીત પીરસતા હતા. વિવિધ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરની એમની હથોટીને કારણે ઝડપી પ્રગતિ થઈ અને મુંબઈની વિખ્યાત તાજ હોટેલ સુધી પહોંચ્યા. અહીં એ સમયના ખ્યાતનામ સંગીતકાર સી. રામચંદ્રની નજર ફક્કડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા આ પારસીબાવા પર પડી અને એમની સલાહ અનુસરીને કાવસજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા. પછી તો એમનો મોટો દીકરો કેરસી પણ પિતાને પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયો. કેરસી લોર્ડે પણ પિતાની માફક ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળતા મેળવી, પરંતુ આજે આપણે કાવસજી લોર્ડના નાના દીકરા – બરજોર લોર્ડની વાત કરવાની છે. તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કોઈ સિનિયર વ્યક્તિ અથવા ફિલ્મ સંગીતના કોઈ રસિયા સમક્ષ બરજોર લોર્ડ નામ ઉચ્ચારો, એટલે એ તરત એમાં સુધારો કરે, ‘બજી લોર્ડ’, કારણ કે ઇન્ડસ્ટ્રીનાં વર્તુળોમાં અને સંગીત રસિયાઓમાં તેઓ ‘બજી’ના નામે પ્રખ્યાત છે. લોર્ડ પિતા-પુત્રોની તિકડીએ અધધધ કહેવાય એટલી હજારો ફિલ્મોમાં સંગીત પીરસ્યું! એકલા બજી લોર્ડે જ પંદરેક હજાર ઉપરાંત ગીતોમાં વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડ્યાં છે! લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીવાળા પ્યારેલાલે એક જાહેર કાર્યક્રમમાં કહેલું, ‘કાવસજી લોર્ડે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બે હીરા આપ્યા છે, કેરસી લોર્ડ અને બજી લોર્ડ.’ બંને ભાઈઓનો ટ્રેક રેકોર્ડ ચકાસતાં સમજાશે કે પ્યારેલાલજીની વાત સાવ સાચી છે.
સંગીત સાધના
પિતા કાવસજી લોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઠીક ઠીક નામના કમાઈ ચૂક્યા હતા. મોટો ભાઈ કેરસી પણ પિતાને પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડી ચૂક્યો હતો. આ એ સમયગાળો હતો જ્યારે ભારતીય જનમાનસ પર ફિલ્મોનો પ્રભાવ વિસ્તરી રહ્યો હતો. ફિલ્મી નગરીનું ગ્લેમર લોકોને આકર્ષી રહ્યું હતું. બરજોર લોર્ડને પણ પિતા અને મોટા ભાઈને પગલે ફિલ્મી દુનિયામાં પગ મૂકવાના અભરખા જાગે એ સ્વાભાવિક હતું, પણ થયું સાવ ઊંધું. બજીને તો મર્ચન્ટ નેવીમાં જોડાવું હતું! કેમ કે બાળપણમાં સંગીત કરતાં સ્ટીમરમાં બેસીને દુનિયાભરમાં ફરવાનું આકર્ષણ વધુ હતું, પણ નસીબજોગે મેટ્રિકમાં ટકા ઓછા આવ્યા. વળી આંખો પણ પ્રમાણમાં નબળી હોવાથી નેવીમાં જવાનું સ્વપ્ન રોળાયું. એ પછી એકમાત્ર વિકલ્પ રહેતો હતો સંગીતનો. બજીએ સંગીતમાં ખૂબ મહેનત કરી. સવારે છ વાગ્યાથી શરૂ કરીને સાંજે છ-સાત વાગ્યા સુધી એમનો રિયાજ ચાલતો. જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત રહ્યા, ત્યાં સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. સંગીત શીખવામાં પિતાનો પણ સારો એવો સાથ મળ્યો. બજી કહે છે, ‘મારા પિતા આમ બહુ મજાકિયો સ્વભાવ ધરાવતા, પણ સંગીત શિખવનારા ગુરુ તરીકે તેઓ અત્યંત કડક – હિટલર જેવા હતા!’
બજી જ્યારે તરુણાવસ્થામાં ડ્રમ વગાડતાં શીખતા, ત્યારે પિતા કાવસજી ડ્રમ વગાડતા દીકરાની પાછળ આવીને ઊભા રહેતા. પછી અચાનક જ ડ્રમસ્ટિક (ડ્રમ વગાડવાની સોટી) ખેંચી લેવાનો પ્રયત્ન કરતા. જો બજીના હાથમાંથી સ્ટિક છૂટી જાય, તો એ જ સ્ટિકથી માર પડતો! ડ્રમ વગાડવાનું કામ અતિશય અઘરું ગણાય. તમારે બંને પગ અને બંને હાથ વચ્ચે તાલમેલ સાધવો પડે.
પિતાનું માનવું હતું કે જે ડ્રમસ્ટિક પર મજબૂત પકડ ન બનાવી શકે, એ શું ખાખ ડ્રમ વગાડી શકે? પિતાની આવી કડક ટ્રેનિંગ બજીને બહુ કામ આવી. ફિલ્મ ‘શોલે’ના ‘મહેબૂબા મહેબૂબા…’ ગીત કે ‘હરે રામા હરે ક્રિશ્ના’ ફિલ્મના ‘દમ મારો દમ…’ ગીતમાં વાગતાં ડ્રમ સાંભળીને આજની યુવા પેઢીના પગ પણ થિરકવા માંડતા હોય, તો એની પાછળ પિતા કાવસજી લોર્ડની ‘સોટી’નો કમાલ ગણવો રહ્યો.
બજી લોર્ડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી
સંગીત શીખી લીધા પછી પણ કંઈ એવું નહોતું કે કાવસજી પોતાના દીકરાની ભલામણ કરી નાખે! પણ નસીબનું કરવું તે એક દિવસ મોટો ભાઈ કેરસી બીમાર પાડ્યો અને એ જ દિવસે કોઈ ગીતના રેકોર્ડિંગમાં જવાનું હતું. લોર્ડ પરિવારના ઘરની નજીક જ રહેતા મ્યુઝિક એરેન્જર દત્તારામ રેકોર્ડિંગ સ્ટુડિયો પર પહોંચવાનું કહેણ લઈને કેરસી લોર્ડને મળવા આવ્યા, પણ કેરસીભાઈ તો બીમાર હતા. દત્તારામે નાના ભાઈ બરજોરને કહ્યું, ‘બજી, તારા ભાઈને બદલે તું આવી જા રેકોર્ડિંગમાં.’ બસ, ત્યારની ઘડી ને આજનો દિવસ, બજી લોર્ડે પાછું વાળીને જોયું નહિ.
…ઔર ફિર ઝમાના બદલ ગયા!
સમયને ટેવ છે બદલાતા રહેવાની. એક જમાનો હતો જ્યારે એક ગીતના રેકોર્ડિંગમાં ઓછામાં ઓછા પચાસથી સાઠ કલાકારોનું ઓર્કેસ્ટ્રા રહેતું. પડદા પર ભલે એકલો હીરો જ વાયોલિન વગાડતો દેખાય, પણ હકીકત એ હતી કે ધારી અસર ઉપજાવવા માટે મ્યુઝિક સ્ટુડિયોમાં પચાસ વાદકો એકસાથે શિસ્તબદ્ધ રીતે વાયોલિન વગાડતા હોય! લોર્ડ ફેમિલી ભારતીય સિનેમામાં નવાં નવાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવવા માટે જાણીતું છે. પિતા કાવસજી લોર્ડ બ્રિટિશ આર્મીના બેન્ડમાં વગાડતા, એટલે એમના પ્રતાપે કોન્ગો, બોન્ગો, કેસ્ટાનેટ જેવાં અનેક લેટિન વાદ્યો ભારતીય સિનેમામાં આવ્યાં. ભાઈ કેરસી લોર્ડ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિન્થેસાઈઝર લઈ આવ્યા. આ સિન્થેસાઈઝરે ફિલ્મી મ્યુઝિકમાં આખો જમાનો બદલી નાખ્યો! સિન્થેસાઈઝરે માત્ર લોકોને જ નહિ, પણ આર. ડી. બર્મન જેવા સંગીતકારોને પણ ભારે ઘેલું લગાડ્યું.
પરંતુ સિન્થેસાઈઝરના આગમન સાથે ઓર્કેસ્ટ્રાના અનેક કલાકારોને બેરોજગારી આભડી ગઈ. બરજોર લોર્ડે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પડખું ફેરવી રહેલા સમયને પારખી લીધો. ૧૯૫૮-૫૯થી શરૂ થયેલી ફિલ્મ સંગીતની કારકિર્દીને બરજોર લોર્ડે ત્રણ દાયકાની સફર બાદ વિરામ આપવાનો નિર્ણય કર્યો. ખૂબીની વાત એ છે કે એ સમયે તેઓ કારકિર્દીની ટોચે હતા. બજી લોર્ડ કહે છે કે ‘જ્યારે ટોચ પર હોવ, ત્યારે જ રિટાયર્ડ થઈ જવા માટેનો યોગ્ય સમય હોય છે, કેમ કે એ પછી પડતી શરૂ થતી હોય છે!’
આજકાલ બજી લોર્ડ જીવનના આઠ દાયકા પાર કરીને દક્ષિણ ગુજરાતના નારગોળ ખાતે રિટાયર્ડ લાઈફ જીવી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચકાચૌંધ વચ્ચે જુવાની વિતાવનાર બહુ થોડા ખુશનસીબ કલાકારોને આવી રિટાયર્ડ લાઈફ ભોગવવા મળે છે.
દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ: એક અનોખો રેકોર્ડ
લોર્ડ પરિવાર માટે એવોર્ડ્સની કોઈ નવાઈ નથી. વિવિધ સિદ્ધિઓ બદલ એમને અનેક એવોર્ડ્સ મળતા રહ્યા છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાદાસાહેબ ફાળકેના નામ સાથે જોડાયેલા વિવિધ એવોર્ડ્સનો એક અલગ જ દરજ્જો છે. લોર્ડ પરિવાર સાથે આ એવોર્ડને લઈને એક અનોખો રેકોર્ડ સંકળાયેલો છે. ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર કપૂર પરિવાર એવો છે, જેના ત્રણ ત્રણ સભ્યો (પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને શશી કપૂર) ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ મેળવી શક્યા છે. આવો જ રેકોર્ડ ‘દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન’ એવોર્ડ બાબતે લોર્ડ પરિવારનો છે. પિતા કાવસજી લોર્ડ પછી બંને પુત્રો – કેરસી લોર્ડ અને બરજોર લોર્ડને આ એવોર્ડ મળી ચૂક્યો છે.
બોક્સ
ફિલ્મી ગીતોમાં બજીએ વગાડેલાં વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ
એક જમાનો એવોય હતો, જ્યારે તમે કોઈ પણ ત્રણ ગીત પસંદ કરો, તો એ પૈકીનાં બે ગીતમાં લોર્ડ પરિવારના કોઈ ને કોઈ સભ્યે મ્યુઝિક પીરસ્યું હોય! વળી આ ગીતોમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ બાબતે પણ ભારોભાર વૈવિધ્ય રહેતું. બરજોર લોર્ડને સંગીતનાં અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર મહારથ હાંસલ છે. ડ્રમ, બ્રશીસ, ચાઈનીઝ ટેમ્પલ બ્લોક, ઘૂંઘરુ, કોન્ગો, બોન્ગો, કેસ્ટાનેટ્સ, વાઈબ્રાફોન, ઝાયલોફોન જેવાં અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા તેમણે આશરે પંદર હજારથી વધુ ગીતોમાં કર્ણપ્રિય સંગીત પીરસ્યું છે. બજીને અંગત રીતે ડ્રમ પ્રત્યે વિશેષ લગાવ છે. એમનાં કેટલાંક લોકપ્રિય ગીતો અને એ ગીતોમાં બજીએ વગાડેલાં ઈન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ જુઓ. કૌંસમાં સંગીતકારનું નામ લખ્યું છે.
ડ્રમ્સ
ફૂલોં કે રંગ સે… (એસ. ડી. બર્મન)
પિયા તૂ, અબ તો આજા…. (આર. ડી. બર્મન)
માય હાર્ટ ઇઝ બીટિંગ…. (રાજેશ રોશન)
યે મેરા દિલ, પ્યાર કા દીવાના…. (કલ્યાણજી-આણંદજી)
બ્રશીસ
મૈં હૂં ઝુમ ઝુમ ઝુમ ઝુમ ઝુમરુ – કિશોર કુમાર
બેકરાર કરકે હમે – હેમન્ત કુમાર
કોન્ગો અને બોન્ગો
સુન સાયબા સુન… (રવીન્દ્ર જૈન)
છોડો કલ કી બાતેં… (ઉષા ખન્ના)
ઘૂંઘરુ
કજરા મુહબ્બતવાલા… (ઓ. પી. નૈયર)
દિલ ચીઝ ક્યા હૈ… (ખય્યામ)
ઇન આંખોં કી મસ્તી કે… (ખય્યામ)
વાઈબ્રાફોન
કોઈ હમદમ ના રહા… (કિશોર કુમાર)
બહારોં ફૂલ બરસાઓ… (જયકિશન)
કોઈ સાગર દિલ કો… (નૌશાદ)
ઝાયલોફોન
પિયા તોહ સે નૈના લાગે રે… (એસ. ડી. બર્મન)
સામને યે કૌન આયા… (આર. ડી. બર્મન)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.