લી ઈઝરાયલ: દુનિયા જેમના ફ્રોડ પાછળ પાગલ થઈ ગઈ

લાડકી

લી ઈઝરાયલ (ડાબે)ની આત્મકથા પરથી બનેલી ફિલ્મમાં લીની ભૂમિકામાં મેલિસા મેકાર્થી

લાઈમ લાઈટ -નિધિ ભટ્ટ

એ પત્રો ક્યારેય નહોતા લખવામાં આવ્યા તો શું થયું. લખી શકાય તેમ હતા અને જો લખાયા હોત તો હૂબહૂ એવા જ હોત જેવા લી ઈઝરાયલે તેને લખ્યા હતા. હા, એ શક્ય છે કે તે હકીકત કરતાં થોડા વધારે સારા હોય. ન્યુ યોર્ક ટાઈમ્સની શિકાગો બ્યુરો ચીફ જૂલી બોસમેને લી ઈઝરાયલના કેસ પર લખવામાં આવેલા પોતાના લેખમાં લખ્યું કે આ કોર્ટની અધિકૃત ટિપ્પણી નહોતી, પણ કોર્ટનું કંઈક આવું જ માનવાનું હતું. અર્થ સ્પષ્ટ હતો, કોર્ટ પણ ઈઝરાયલની કલમ પાછળ પાગલ થઈ ગઈ હતી. જી, હા. સત્ય આ જ છે કે અમુક ફ્રોડ સારાં લાગે છે અને રચનાત્મક પણ.
લિયોનર કેરલ ઈઝરાયલ (૩ ડિસેમ્બર ૧૯૩૯-૨૪ ડિસેમ્બર ૨૦૧૪)નો જન્મ ન્યુ યોર્ક શહેરમાં થયો. તેમણે બ્રુકલીનની મિડવુડ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ૧૯૬૧માં બ્રુકલીન કોલેજથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દસકમાં લી ઈઝરાયલે એક લેખકના રૂપમાં પોતાની જિંદગીની શરૂઆત કરી અને આ કામ સારું ચાલવા લાગ્યું. ન્યુ યોર્ક ટાઈમ્સ અને સોપ ઓપેરા ડાયજેસ્ટ જેવાં પ્રકાશનો માટે તેમણે જબરજસ્ત પ્રોફાઈલ સ્કેચ લખ્યા. તેને આત્મકથાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા અને શાનદાર સફળતા પણ મળી. અભિનેત્રી તલ્લુલ્લાહ બેંકહેડ પર તેમની પહેલી આત્મકથા, મિસ તલ્લુલ્લાહ બેંકહેડ, ૧૯૭૨માં પ્રકાશિત થઈ અને બેસ્ટ સેલર બની. તેમની બીજી બુક પત્રકાર અને ટેલિવિઝન વ્યક્તિત્વ ડોરોથી કિલગૈલનના જીવનનું વિસ્તૃત વિવરણ આપે છે.
જોકે તેમની ત્રીજી બુક જે ૧૯૮૫માં પ્રકાશિત થઈ, એસ્ટી લોડર: બિયોન્ડ ધ મેજિકનું વિમોચન ફ્લોપ રહ્યું. આ પણ એક આત્મકથા જ હતી. તે બાદ તેમની કારકિર્દી સીડી પરથી નીચે ઊતરતી ગઈ.
લોડરે મીડિયા સમક્ષ તેમની આ આત્મકથાને ખોટી અને સનસનાટી ફેલાવતી જણાવી. આના પરિણામે વાચકો ઈઝરાયલથી દૂર થવા માંડ્યા. આ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
ઈઝરાયલે પોતાનાં સંસ્મરણોની લખેલી બુક, કેન યુ એવર ફરગિવ મી… જેને મીડિયા એક સાહિત્યિક ફ્રોડ તરીકે જાણે છે તેમાં ઈઝરાયલે લખ્યું હતું કે આ મારા માટે એક બહુ મોટો ઝટકો હતો, પણ આ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તેમણે લખ્યું હતું કે આ પહેલી વાર હતું કે મારે એક ઝટકાનો સામનો કરવો પડ્યો. આ ઝટકાએ મને હચમચાવી નાખી.
આ બનાવ બાદ એક આત્મકથા લેખિકા તરીકે ઈઝરાયલની કારકિર્દી ડૂબી ગઈ. તેમની આર્થિક હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. ત્યાં સુધી કે તેમની પાળેલી બિલાડીએ પણ ભૂખે મરવાનો વારો આવ્યો. આ બધાના લીધે જ લીએ એ કરી નાખ્યું જેણે એને એક તરફ
ખ્યાતિ આપી અને બીજી તરફ બદનામીના કાદવમાં
ધકેલી દીધી.
૧૯૯૨ સુધીમાં તો લીના લેખ અખબારો અને મેગેઝિનોએ પણ છાપવાના બંધ કરી દીધા હતા. તેમણે મજૂરી કરી પોતાનું અને બિલાડીનું પેટ પાળવાની કોશિશ કરી, પરંતુ તે પણ ન થઈ શક્યું. લીએ ૨૦૦૮માં અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયોના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી બિલાડી બીમાર હતી. મારે પૈસાની ખૂબ જરૂર હતી, પણ ક્યાંયથી કંઈ જ થઈ રહ્યું નહોતું. તે દિવસોમાં જ હું ન્યુ યોર્કની એક પબ્લિક લાઇબ્રેરીમાં ગઈ. ત્યાં મને જાણીતા લેખકોના પત્રોનો એક સંગ્રહ મળ્યો. સુરક્ષા યોગ્ય ન હોવાથી તેનો ફાયદો લઈ મેં ફેની બ્રાઈસના અમુક પત્રો ચોરી લીધા. આ પત્રોને મેં ન્યુ યોર્ક શહેરના પૂર્ણ વિસ્તારમાં ૪૦ ડોલરમાં પહેલી વાર વેચી નાખ્યા અને આ પૈસાથી મેં અને મારી બિલાડીએ ઘણા દિવસો બાદ પેટ ભરીને ખાધું, પણ આ ચોરી માત્ર ચોરી નહોતી, રચનાત્મક વિચારોની શરૂઆત હતી.
લીને વિચાર આવ્યો કે જાણીતા મૃત લેખકોના ખોટા પત્રો બનાવીને શા માટે તેને વેચી ન શકાય. આઈડિયા કામ કરી ગયો. એક અનુમાન અનુસાર તેમણે ૪૦૦ કરતાં પણ વધારે લેખકોના પત્રો બનાવ્યા અને તેને વેચી ઠાઠથી જીવવાનું શરૂ કરી દીધું, પરંતુ આ સહેલું નહોતું. આ પત્રો ખોટા જ હતા, પરંતુ તેને બનાવવાનું લી માટે સહેલું હતું.
આ પત્રોની સ્ટાઈલ, ભાષા, હસ્તાક્ષર, ફોન્ટ બધું તો અસલી લાગતું હતું, પરંતુ તેની લેખનસામગ્રી પણ અસલી જ લાગતી હતી. તેમણે ઘણા મોટા લેખકોના ખોટા પત્રો બનાવી તેને વેચ્યા, પણ અમુક વાચકોને કે પત્રો ખરીદનારને આ પત્રો ખોટા હોવાનો શક થયો. તેમણે લી ઈઝરાયલ પાસેથી પત્ર ખરીદવાનું બંધ કરી દીધું. લીએ આનો ઉકેલ પણ શોધ્યો. તેઓ આર્કાઈવ પર જવા લાગ્યાં અને ત્યાંથી સાચા પત્રો ચોરવા લાગ્યાં, પણ છેલ્લે તે પકડાઈ ગયાં. કોર્ટમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી, પણ અફસોસ જતાવ્યો જ નહીં.
તેમણે કહ્યું કે આ મારા જીવનમાં સૌથી વધારે રચનાત્મક વર્ષ છે, જેમાં મેં ખૂબ લખ્યું. મેં ગુનો કર્યો છે, હું માનું છું અને મને જે સજા આપવામાં આવે તે મંજૂર છે.
જોકે તેમને જેલમાં મોકલવામાં ન આવ્યાં. તેમને પાંચ વર્ષ માટે પ્રોબેશન અને છ મહિના માટે નજરબંધ રાખવામાં આવ્યાં. તેમના ખોટા પત્રોથી ચકિત થઈ જનારી એફબીઆઈએ પણ તેમને પ્રતિભાશાળી માન્યાં. આ બધાથી બહાર નીકળ્યા બાદ લીએ પોતાના આ ફ્રોડ પર એક આત્મકથા લખી, કેન યુ એવર ફરગિવ મી… ૨૦૧૮માં આ જ નામથી એક ફિલ્મ પણ આવી. ફિલ્મમાં લીની ભૂમિકા મેલિસા મેકાર્થીએ નિભાવી અને આ ફિલ્મને જબરજસ્ત સફળતા મળી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.