લાગણીના નામે લખોટા સાબિત થનારને મનની ડિક્શનરીમાંથી ડિલિટ કરી દો

લાડકી

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું સંબંધોને ક્યારેય થાક લાગે છે? કેટલાક સંબંધો આજીવન વેંઢારવાના બદલે તોડી નાખવાની ઈચ્છા થાય છે? શું સંબંધોના વોર્ડરોબની નવેસરથી ગોઠવણીની જરૂર ખરી? એનો બોજ ઉપાડીને થાકી ગયેલી આપણી જાતને પ્રશ્ર્ન કરવો જોઈએ કે હકીકતમાં કેટલા સંબંધો નિભાવવા યોગ્ય છે અને કેટલા તોડવા યોગ્ય?
આપણી પાછલી જિંદગીની છેલ્લી પાટલી સુધી ડોકિયું કરતાં જણાય કે આપણે એવા તો કેટલાય સંબંધોના બોજ તળે દબાયેલા છીએ કે જેમાંથી નથી છૂટી શકતા કે નથી છટકી શકતા. માત્ર પ્રેમી કે પ્રેમિકા અથવા પતિ-પત્નીના સંદર્ભે નહિ, પણ આપણે જેની સાથે કનેક્ટેડ છીએ એવાં દરેક નજીકનાં રિલેશન્સ આ કેટેગરીમાં આવી જાય છે. ઈમોશન્સના દાવ ફેંકી, આપણને એમાં જ જકડી રાખીને વળી આપણો જ ઉપયોગ કરવાની બાય બોર્ન કળામાં તેઓ નંબર વન હોય છે. અરે, ત્યાં સુધી કે ઘણી વાર આપણા પર જ નભતા, આપણા ટેકાથી જ ઉપર ચડેલા વળી પાછા આપણી જ ડાળીઓ કાપવા પર ઊતરી આવે છે અને આવા પરગ્રહવાસીઓને બધી ખબર હોવા છતાં કહેવાતા આપણાઓ માટે પોતાની બલિ આપવા પણ તૈયાર થાય છે. જાણે દુનિયાના બીજા છેડેથી આવેલી આવી વ્યક્તિઓ પોતાના દુ:ખે પણ અન્યોને સુખ આપવા તત્પર રહે ત્યારે રીતસરની એમના પર દયા આવે છે અને એટલે જ આપેલાં કમિટમેન્ટની ઐસીતૈસી કરીને, લાગણીના નામે લખોટા સાબિત થતા કેટલાક લોકોને બરાબરના ઓળખી વેસ્ટ થતી આપણી એનર્જીને યોગ્ય દિશામાં વાળવી એ પોતાની જાત માટે કંપલ્સરી બની જાય છે.
આપણે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લઈએ એટલે ગેરંટી, વોરંટીથી માંડીને એના તમામ ફીચર ચેક કરીએ છીએ. ઈવન એ વસ્તુના માસ્ટર મિત્રો કે અન્ય દસ લોકોને જે તે વસ્તુ વિશે પૂછીએ છીએ. ત્યાર બાદ ઓનલાઈન પણ ચેક કરીને છેલ્લે ભાવતાલ કરી પછી ખરીદીએ છીએ. શું કામ? તો કે આપણું ઈન્વેસ્ટમેન્ટ એળે ન જાય. જ્યારે સંબંધોમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ક્યારેય આવો વિચાર કર્યો? કોઈ સાથે ઈમોશનલી કનેક્ટ થતાં પહેલાં ગેરંટી, વોરંટીનો વિચાર આવ્યો? જે તે સંબંધની અવધિ કેટલી ચાલશે એવું વિચાર્યું? માતા, પિતા અને સંતાનો થતાં એમાંથી નિપજતા અન્ય કૌટુંબિક સંબંધો આપણને આપમેળે મળે છે, પરંતુ પતિ-પત્ની, મિત્રો, કલિગ્સ, બોસ, પડોશીઓ વગેરે સાથેનો સંબંધ આપણે જાતે કેળવીએ છીએ અને આ જાતે કેળવેલા સંબંધો ક્યારેક એટલા હાવી થાય કે આપણી જાતને સાઈડલાઈન કરી માત્ર એને કહેવા ખાતર નિભાવવા પડતા હોય છે અને ઘણી વાર તો કુદરતે આપેલા અર્પિત સંબંધોનો બોજ પણ એટલો વધી ગયો હોય છે કે વ્યક્તિની પીઠ કાચબા જેવી કરી નાખી હોય…
બીજું એ કે આપણને કાયમ એવું જ શીખવવામાં આવતું હોય છે કે ‘નમતું મૂકો’, ‘જતું કરો’, ‘આપણા છે, મટી નથી જવાના’, ‘બોલશે, પણ બોલવા નહિ દે’, ‘બે શબ્દો બોલે તો સાંભળી લેવાના’, ‘મોટાં છે તો બોલેય ખરાં’ વગેરે અને ખાસ તો ‘તું તો સમજદાર છે’ આ પ્રકારનું ટેગ જેની પાછળ લાગે એણે સમજી જ જવાનું કે એનો ક્યાંક તો ભોગ લેવાશે. ક્યાંક તો એના ભાગે અન્યાય સહન કરવાનો વારો આવશે. ભૂલ હોય કે ન હોય, એને ઝૂકવું પડશે જ, પણ કોના માટે? આવા ખોખલા સંબંધના માટે? એ સારી પેઠે જાણે છે કે મોઢેથી મારા હોવામાં ને ખરેખર મારા હોવામાં જમીન-આસમાનનો ફેર છે. આપણા માટે જતું કરવું અને નમતું મૂકવું એ સૌથી સારો ગુણ છે, પરંતુ વાત જ્યારે લાગણીમાં ઘસાવાની હોય ત્યારે સામેના પક્ષનો ટર્ન પણ અહીં એટલો જ જરૂરી છે નમતું મૂકવા અને જતું કરવા. આ પણ ન ભૂલવું જોઈએ. એટલે આજ દિન સુધી ખભે પરાણે લટકીને પીઠ મજબૂત બનાવવાનો ડોળ કરતા કહેવાતા ‘આપણા’ માટે કેટલીક વાર સંબંધ તોડીને પણ સામેવાળાને અહેસાસ કરાવવો જરૂરી છે કે તમે મૂર્ખ તો નથી જ.
એક પતિ-પત્નીની મેટર હમણાં જ મારી પાસે આવેલી. એમાં પત્ની પોતાના પતિને ખુશ રાખવાના તમામ પ્રયાસો કરે. પતિ દ્વારા બોલવામાં આવતા ખરાબ શબ્દોય સાંભળી લે. ઘરની આબરૂ અને ઈજ્જત સાથે જોડી, તમામ ક્ષમતાઓ ઓળંગી જઈને પણ વર્ષોથી એ કઠપૂતળીની જેમ પતિ નચાવે એમ નાચે. એમાંથી બહાર નીકળવાની વાત મેં કરી તો તૈયાર ન થયાં. કેમ? તો કહે આપણે ત્યાં હજુ પણ જોડતાં શિખવાડાય છે, તોડતાં નહિ… ૧૦૦ ટકા સંબંધને નિભાવવાના તમામ પ્રયાસો કરવા જ જોઈએ, પણ મરણિયા બનીને, પગે પડીને, સ્વમાન ગુમાવીને, જાતનો સોદો કરીને, રોજ રોજ મરીને અને મનને મારીને જો કોઈ સંબંધ નિભાવવાનો થતો હોય તો બહેતર છે એને તોડીને એમાંથી આઝાદ થવું. મારીમચડીને જો સંબંધને જીવવાનો હોય એના કરતાં એમાંથી આઝાદ થવું શું ખોટું?
બેડ પરનું પલળેલું ઓશીકુંય હવે કહેવા લાગ્યું હોય કે આમાંથી મુક્ત થા. ટોઇલેટ-બાથરૂમનો નળ પણ હાથ જોડીને કહેતો હોય કે કામ વગર મને આરામ આપ. હોમ થિયેટરનો વધી ગયેલો વોલ્યુમ ચાડી ખાતો હોય કે જલદી બહાર નીકળી જા. લાલ થઈ ગયેલું નાકનું ટેરવું જાણે જોર જોરથી બોલી રહ્યું હોય કે હવે હુંય થાકી ગયું. ઘરના સ્પેશિયલ ખૂણે ઊભા રહીને ધડામ દઈને નીચે નમતી પીઠના જાણે લીસોટા ઊપસી આવ્યા હોય. અંદરનો માંહ્યલો પળે પળે પોકારતો હોય કે તોડી નાખ એ તમામ સાથેના સંબંધને જે તને તારાથી જ દૂર કરે છે… એક વાર શરૂ થયેલો કોઈ પણ સંબંધ લાઈફ ટાઈમ એવો ને એવો જ રહે તો વેલ એન્ડ ગુડ, બટ એવું ન થાય તો પરાણે, ઢસડીને કાંઠે પહોંચાડવામાં બેય પક્ષો હાંફી જતા હોય છે. ન ઘરના કે ન ઘાટના જેવી સ્થિતિ એમાં ઉત્પન્ન થાય એ પહેલાં એમાંથી નીકળી જવું એમાં જોડાયેલા તમામ માટે આવકારદાયક હોય છે.
દિવાળી પર ઘરની સાફસફાઈ જેટલી કુનેહથી કરીએ છીએ એટલી જ સફાઈ સંબંધોની કરવી પણ જરૂરી છે. વધારાનો, વણવપરાયેલો, ખોટી જગ્યા રોકતો તથા બિનઉપયોગી સામાનનો નિકાલ કરવામાં જેટલી ઉતાવળ દાખવીએ છીએ એટલી જ ઉતાવળ નકામી સ્પેસ રોકીને નઠારા બની ગયેલા, કેટલાક લોકો સાથે બની બેઠેલા સંબંધને તોડવામાં દાખવવી જોઈએ. આપણા કોમ્પ્યુટરમાં વાઇરસ ન ઘૂસે, આપણો તમામ ડેટા સેફ રહે એના માટે એન્ટિવાઇરસ સોફ્ટવેર વાપરીએ પણ આપણા મનમાં ઘૂસેલા, આપણી લાગણીઓ સાથે ચેડાં કરતા આપણી જ આસપાસ રહેલા કેટલાક વાઇરસને ‘આવ ભાઈ, આવ’નો આવકાર આપીએ છીએ. જિંદગીભરનો બોજ બની બેઠેલા ‘આપણા’ માટે આદર્શો અને મૂલ્યોને એકકોર મૂકીને, સિક્કાની બીજી બાજુનો વિચાર કરી જે તે સંબંધ તોડવામાં પણ ક્યારેક આપણી ભલાઈ હોય છે.
——
ક્લાઇમેક્સ
સંબંધોના નામે મીંડું સાબિત થતા, કસ કાઢીને નિચોવી નાખતા, ગામના મોઢે આપણું જ વાટતા, ઉપયોગ કરીને ફેંકી દેતા સંબંધને મનમાં જ દીવાસળી ચાંપીને સળગાવવાથી ગજબની રાહત થશે…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.