રેસ્ટોરાંમાં મંદિર કે મંદિરમાં રેસ્ટોરાં?

ઉત્સવ

રંગ છલકે -ક્ધિનર આચાર્ય

કર્ણાટક ડાયરી
વહેલી સવારે અમે જાગી ગયા. સૌપ્રથમ બેન્ગલુરુ પેલેસ જોવાનું નક્કી કર્યું હતું. પેલેસ દસ વાગ્યે ખૂલે છે. અમે વહેલા જ પહોંચી ગયા હતા. પેલેસના ગેટ ખૂલ્યા અને અમે અંદર પ્રવેશ કર્યો. બેન્ગલુરુ પેલેસ એક વિશાળ, ખૂબ વિશાળ પ્રોપર્ટી છે. ૪૫૪ એકરમાં ફેલાયેલા કેમ્પસમાં ૪૫ હજાર ચોરસ ફૂટ બાંધકામ ધરાવતો સુંદર મહેલ છે.
વાસ્તવમાં આ ઈમારત અગાઉ એક અંગ્રેજની માલિકીની હતી. બન્યું એવું કે મૈસુરના તે સમયના યુવરાજ બેન્ગલુરુમાં રહીને અભ્યાસ કરતા હતા, પરંતુ તેમને રહેવા માટે તેમના સ્ટેટસને અનુરૂપ નિવાસ નહોતું. તેમના ગાર્ડિયને રેવ. ગેરેટ નામના અંગ્રેજ સજ્જન પાસેથી વર્ષ ૧૮૭૩માં આ બંગલો ૪૦ હજાર રૂપિયામાં ખરીદ કર્યો. એ પછી તેમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા અને તેને પેલેસ જેવો લુક આપવા, તેમાં ઠાઠમાઠ ઉમેરવા અનેક ફેરફારો કરવામાં આવ્યા. સ્ટેઈન્ડ ગ્લાસ અને અરીસા બ્રિટનથી મગાવવામાં આવ્યા અને જનરલ ઈલેક્ટ્રિક પાસેથી લાકડાના પંખા તથા મેન્યુઅલ લિફ્ટ ખરીદવામાં આવ્યાં.
બેન્ગલુરુ પેલેસમાં શું શું છે? એ જ જે બધા પેલેસમાં હોય છે. સાગ અને સીસમનું રાચરચીલું, હાથીદાંત, ચાંદી, સોનાના આર્ટિકલ્સ. હા! એક વાત યુનિક છે: અહીંના વિશાળ ગ્રાઉન્ડમાં અનેક જગવિખ્યાત મ્યુઝિક બન્ડના શો યોજાઈ ચૂક્યા છે. બીજી એક રસપ્રદ બાબત એ છે કે અહીંનો પેલેસ જોવા માટે તમારે પગરખાં ઉતારવાં પડે છે, કારણ કે શાહી પરિવાર આ મહેલને મંદિર માને છે. ગણપતિનું મંદિર. વર્ષો પહેલાં અહીં ભયંકર આગ લાગી હતી. ઘણું બધું ભસ્મ થઈ ગયું, પરંતુ અહીં સ્થાપિત ગણેશ મૂર્તિને ઊની આંચ ન આવી. ત્યારથી આ પેલેસને રાજ પરિવાર ગણપતિનું ઘર જ માને છે.
બેન્ગલુરુ પેલેસ એક સુંદર મહેલ છે, પરંતુ તેમાં ફિદા થઈ જવા જેવું કશું નથી. હા! મહેલની સામે સ્થિત બગીચામાં ફોટોગ્રાફી કરવાની મજા પડે એમ છે. એ સિવાય અહીં આપણે મોહી પડીએ તેવું ખાસ કંઈ નથી. મહેલની તોતિંગ જમીન પર રાજકારણીઓનો ડોળો છે. દેવે ગૌડાએ તો જમીન હડપવા મરણિયા પ્રયાસો કરી લીધા છે. મામલો હાલ કોર્ટમાં છે અને સંપત્તિ પર હજુ રાજ પરિવારનો કબજો છે.
રાજ મહેલથી અમે પહોંચ્યા ઈસ્કોન ટેમ્પલ. આ મંદિર અહીંના ટૂરિસ્ટ સ્પોટમાં પણ સામેલ છે. શહેર મધ્યે આવેલું આ મંદિર ભૂલભુલામણી જેવું છે. મંદિર સુધી પહોંચવા તમે પગથિયાં ચડવાની શરૂઆત કરો ત્યારથી લઈને પરત ફરો ત્યાં સુધીમાં તમે ક્યાં જઈને, કયા રસ્તે પરત ફર્યા એ તમને સમજાય જ નહીં. ઈસ્કોનનું મેનેજમેન્ટ એકદમ પ્રોફેશનલ છે. હરેકૃષ્ણ હિલ્સ પર સ્થિત આ મંદિરમાં દેવી-દેવતાઓની પ્રતિમા ઓછી છે અને રેસ્ટોરાં-કેન્ટીન વધુ છે. જેટલી રેસ્ટોરાં છે એટલા જ ઠોબારાના સ્ટોલ્સ છે. તેમાં શો પીસ, કી-ચેઈનથી લઈને સીસમના ૨૦ લાખ રૂપિયાના હાથી સુધીની ચીજવસ્તુઓ મળી રહે છે. દર્શન કરીને પરત ફરવાનો રસ્તો જ અહીં એવી રીતે ડિઝાઈન થયો છે કે તમારે ઓલમોસ્ટ તમામ સ્ટોલ્સ અને રેસ્ટોરાંની મુલાકાત લેવી જ પડે. રેસ્ટોરાંમાં જામેલી ભીડ જોઈને આપણને થાય કે અહીં લોકો ખાસ નાસ્તો કરવા જ આવે છે, દર્શન વગેરે તો ગૌણ છે. દસ-પંદર પગથિયાં ઊતરો કે તરત જ તમારો પગ રેસ્ટોરાંમાં જ પડે, એ વટાવીને વળી થોડા દાદરા ઊતરો કે તરત જ કોઈ સ્ટોલમાં. બધું પૂરું કરીને સાવ નીચે તમે આવી જાઓ તો છેલ્લે રોડ પર પણ ઈસ્કોનની એક રેસ્ટોરાં આવે છે. ઉપર તમે કદાચ ચૂકી ગયા હો, ભૂલી ગયા હો તો રખેને તમે ભૂખ્યા ન જતા રહો!
બેન્ગલુરુ એક મહાન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન નથી, પણ ફ્લાઈટ-ટ્રેન કનેક્ટિવિટીને કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. મૈસુર, કૂર્ગ, હમ્પી તેમ જ તમિળનાડુ, કેરળનાં અમુક પર્યટન સ્થળો સુધી પહોંચવા તમારે ફરજિયાત બેન્ગલુરુ ઊતરવું પડે. બેન્ગલુરુમાં એવાં કોઈ જ સ્થળ નથી કે જે જોઈને તમે સ્તબ્ધ થઈ જાઓ. હાઈ-ફાઈ કલ્ચર અહીંનું મુખ્ય આકર્ષણ છે. થોડાં છુટ્ટાંછવાયાં પર્યટન સ્થળો છે. બેન્ગલુરુ-મૈસુર રોડ પર આવેલું પંચમુખી ગણેશ ટેમ્પલ આવું જ એક સ્થળ છે. અહીં ગણપતિની પાંચ મુખવાળી કાંસ્ય પ્રતિમા મંદિરના શિખરના ભાગે બિરાજમાન છે, ગર્ભગૃહમાં ગ્રેનાઈટની પંચમુખી પ્રતિમા છે. એકદમ શાંત સ્થળ છે. ગણપતિની આવી વિરાટ પ્રતિમા વિશ્ર્વભરમાં વિરલ ગણાય છે.
આ થયું બેન્ગલુરુ. હવે અમને પહાડો બોલાવે છે. વનરાજી અને લીલીછમ ચાદરો અને તન-મનને પ્રફુલ્લિત બનાવી દેતું ખુશનુમા વાતાવરણ. મેટ્રો સિટીથી ત્રસ્ત અમે વહેલી સવારે ગાડીમાં ગોઠવાયા અને સાઉથના એક મજાના હિલ સ્ટેશન ભણી અમારી ગાડી દોડતી થઈ. મનમાં અમે પ્રાર્થના કરવા લાગ્યા: કૂર્ગમાં પણ સિમલા, મનાલી કે ઊટીની જેમ પર્યટકોનું કીડિયારું ન ઊભરાયું હોય તો સારું! (આવતા અંકમાં કૂર્ગની સફર)

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.