રૂપિયો નબળો પડતાં સોનામાં ₹ ૫૯૯નો ઉછાળો, ચાંદીમાં ₹ ૧૨૬૫નો ચમકારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૭થી રૂ. ૫૯૯ની તેજી આવી હતી. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૧ ટકાનો ઉછાળો આવ્યાના નિર્દેશો સાથે સ્ટોકિસ્ટોની તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની આક્રમક લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬૫ના ચમકારા સાથે રૂ. ૬૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો નવ પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થયો હતો. તેમ જ પ્રવર્તમાન રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે આજે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૭ વધીને રૂ. ૫૧,૦૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૯૯ વધીને રૂ. ૫૧,૨૦૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૧ ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬૫ના ઉછાળા સાથે ફરી રૂ. ૬૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૨,૦૭૬ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં અને ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૮૫૫.૬૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ૧૮૫૯.૧૦ ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સોનામાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં શાંઘાઈ ખાતે કૉવિડ-૧૯ લૉકડાઉનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હોવાથી હવે ચીનની સોનામાં માગ કેવી રહે છે તેના પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે. તેમ છતાં વર્તમાન પરિબળો જોતા સપ્તાહ દરમિયાન સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૨૮થી ૧૮૬૪ ડૉલરની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી
રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.