રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શક્તિપરીક્ષણ

ઉત્સવ

સર્વાનુમત આવકાર્ય, પણ સત્તા પક્ષનું પલ્લું ભારે ગુજરાત અને રાજ્યોમાં ભાજપ ભણીનો પવન ૭૨ વર્ષમાં માત્ર એક જ વાર બિનહરીફ ચૂંટણી

કારણ-રાજકારણ – ડૉ. હરિ દેસાઈ

રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત સાથે જ હવેના રાષ્ટ્રપતિ કોણ બનશે એની અટકળોમાં એમની સર્વાનુમત વરણી હશે કે ખરાખરીનો જંગ ખેલાશે એની ચર્ચા ચાલુ છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પાછલી હરોળમાં રહેવાનું પસંદ કરીને અન્ય પક્ષના નેતાને ઉમેદવારી કરાવવાનું સ્વીકાર્યું છે. જોકે વર્તમાન સત્તારૂઢ પક્ષની કાર્યપદ્ધતિ નિહાળ્યા પછી વિપક્ષના ઉમેદવાર થવાનો મહારાષ્ટ્રના મોટા ગજાના નેતા ગણાતા શરદ પવારે તો નન્નો ભણી દીધો છે. એવું જ કંઈક ડો. ફારુક અબદુલ્લાનું પણ અપેક્ષિત છે.
પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી વિપક્ષ માટે સક્રિયતા દાખવી રહ્યાં છે. વચ્ચે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારનું નામ પણ ગજવવામાં આવ્યું, પણ એમણે હજુ સક્રિય રાજકારણમાં રહેવાના સંકેત આપ્યા છે. સત્તાપક્ષ કયા ઉમેદવારને મૂકીને સર્વાનુમત કરાવે એ કહેવું મુશ્કેલ છે. જોકે એ કારીગરી માટે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાને મિશન સોંપાયું છે. રાષ્ટ્રપતિની ભૂમિકા બંધારણ મુજબ મંત્રી મંડળની સલાહ પ્રમાણે વર્તવાની હોવા છતાં જ્યારે રાજકીય સ્થિતિ પ્રવાહીમય હોય ત્યારે જ એ નિર્ણાયક ભૂમિકામાં આવે છે.
એટલે જ રાષ્ટ્રપતિ ભલે દેશના પ્રથમ નાગરિક અને ત્રણેય લશ્કરી દળોના સુપ્રીમ કમાન્ડર મનાતા હોય; પરંતુ એમની ભૂમિકા ખૂબ સીમિત રહે છે. સત્તાપક્ષના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદીની ચાણક્યબુદ્ધિ અને એમના સાથી અમિત શાહની કોઈ પણ મિશનને પાર પાડવાની કુનેહ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)નો હાથ ઉપર રાખવાના સંજોગોનું નિર્માણ
કરી શકે.
વિપક્ષોના સંયુક્ત ઉમેદવારની શોધ ચાલી રહી છે. ૨૧ જૂને ફરીને વિપક્ષો મળશે. સત્તા મોરચાના ઉમેદવાર અંગે તો છેલ્લે સુધી રહસ્ય રહેશે અને જે ઉમેદવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુકાવે એ સ્વીકાર્ય બનવાનો.
કોંગ્રેસમાં ભાગલાનું નિમિત્ત
વર્ષ ૧૯૫૦ની રાષ્ટ્રપતિની પહેલી ચૂંટણીથી આજ લગી માત્ર એક જ વાર એટલે કે જ્યારે મોરારજીભાઈ દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર હતી ત્યારે જુલાઈ ૧૯૭૭માં નીલમ સંજીવ રેડ્ડી બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. સંયોગ પણ કેવો કે રેડ્ડી ૧૯૬૯માં સત્તારૂઢ કોંગ્રેસના રાષ્ટ્રપતિપદના સત્તાવાર ઉમેદવાર હતા, પણ એ મોરારજીભાઈ આણિ મંડળીના જૂથના હતા. એ વેળાનાં કોંગ્રેસી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને પોતાના કહ્યાગરા રાષ્ટ્રપતિ ખપતા હતા અને આ જ મુદ્દે બેંગલુરુના ગ્લાસ હાઉસમાં કોંગ્રેસમાં ભાગલા પડ્યા.
ઇન્દિરાજીએ પોતાના ઉમેદવાર તરીકે વી. વી. ગિરિને મુકાવ્યા અને અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરવાની અપીલ કરીને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રેડ્ડીને હરાવ્યા હતા. બીજો સંયોગ પણ એ હતો કે ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સીના પ્રતાપે માર્ચ, ૧૯૭૭માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ જ નહીં, સ્વયં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પણ પોતાની રાયબરેલી લોકસભા બેઠક હારી ગયાં હતાં. એ પછી ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં એ ભારે બહુમતી સાથે ચૂંટાઈને ફરી વડાં પ્રધાન બન્યાં ત્યારે એ જ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા!
હોદ્દાની ગરિમા હણાઈ
ઇન્દિરાજીને કહ્યાગરા રાષ્ટ્રપતિ ખપતા હતા. સામાન્ય રીતે વડા પ્રધાનોને કહ્યાગરા રાષ્ટ્રપતિ જ ખપે છે. પહેલા વડા પ્રધાન પંડિત નેહરુ અને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે મતભેદ હતા, પરંતુ બંનેએ હોદ્દાઓની ગરિમા જાળવી હતી. એકમેકની ભૂમિકાનો આદર કર્યો હતો. જોકે પાછળથી વડા પ્રધાનના કહ્યાગરા રાષ્ટ્રપતિઓની લાંબી પરંપરા સ્થાપિત થઈ. તમામ ક્ષેત્રે વિરાટ વ્યક્તિત્વોમાંથી ક્રમશ: વામણાઓનો યુગ આવ્યો એમ રાષ્ટ્રપતિભવનનું પણ થયું. ક્યારેક ડો. રાધાકૃષ્ણન કે ડો. એ. પી. જે. અબ્દુલ કલામ જેવાં વ્યક્તિત્વો મળ્યાં, પણ મહદંશે કહ્યાગરા રાષ્ટ્રપતિની જ પરંપરા ચાલી.
અલાહાબાદ હાઇ કોર્ટે વડાં પ્રધાન શ્રીમતી ગાંધીને લોકસભાનાં સભ્ય તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ આપ્યો. એ પછીના ઘટનાક્રમને પગલે ઇન્દિરા ગાંધીએ કેબિનેટમાં ઠરાવ કરાવ્યા પહેલાં જ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહમદ પાસે ઈમર્જન્સીના જાહેરનામા પર મતું મરાવી લીધું હતું.
કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી રેડ્ડી રાષ્ટ્રપતિ થયા. એ પછી ઇન્દિરાજીના ગૃહમંત્રી સરદાર ઝૈલ સિંહને કોંગ્રેસ સુપ્રીમોએ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે સામે ઈમર્જન્સી અંગે વિરોધી ચુકાદો (ડિસેન્ટિંગ જજમેન્ટ) આપનારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હંસ રાજ ખન્ના વિપક્ષના ઉમેદવાર હતા. ઝૈલ સિંહ જીત્યા. વડાં પ્રધાન ઇન્દિરાજી માટે પોતે ઝાડુ પણ કાઢવાની તૈયારી ધરાવતા હોવાનું નિવેદન કરનારા આ રાષ્ટ્રપતિએ તો વડા પ્રધાનને મળવા જવાની વાત કરી હતી. એ વેળા ઇન્દિરાજીએ એમને સાફ કર્યું હતું કે તમારે મને નહીં, મારે તમને મળવા આવવું પડે.
જોકે ઇન્દિરાજીની ૧૯૮૪માં શીખ સુરક્ષા અધિકારીઓ દ્વારા જ હત્યાને પગલે દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો થયાં ત્યારે દુ:ખી થયેલા રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે ઇન્દિરા-પુત્ર રાજીવ ગાંધીને વડા પ્રધાનપદના શપથ તો લેવડાવ્યા, પરંતુ પાછળથી બન્ને વચ્ચે મનમેળ નહોતો. એ વેળા વડા પ્રધાનના દાવેદાર પ્રણવ મુખરજીને પાછળથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ બનાવ્યા, પણ વડા પ્રધાન નહીં બનાવ્યાનો ગમ એમને નાગપુરના આર.એસ.એસ.ના સમારંભમાં સામેલ થવા સુધી પ્રેરતો રહ્યો.
સામાન્ય રીતે વડા પ્રધાન કે રાષ્ટ્રપતિની જ્ઞાતિના ઉલ્લેખો થતા નથી, પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે વડા પ્રધાન મોદીને અનુક્રમે પહેલા દલિત રાષ્ટ્રપતિ કે પહેલા ઓબીસી વડા પ્રધાન ગણાવાયા એ અનપેક્ષિત હતું. અગાઉ વિદેશ સેવામાંથી નિવૃત્ત થયા પછી કોંગ્રેસમાં જોડાયેલા કે. આર. નારાયણન રાષ્ટ્રપતિ બન્યા હતા અને એ કેરળના દલિત સમાજમાંથી આવતા હતા. જોકે એ ખ્રિસ્તી હતા. મોદી પહેલાં એચ. ડી. દેવેગૌડા ઓબીસીમાંથી વડા પ્રધાન બન્યા હતા.
એક જ મહિલા રાષ્ટ્રપતિ
અત્યાર લગી રાષ્ટ્રપતિ ભવનમાં પુરુષ પ્રધાનતા જળવાઈ છે. અત્યાર લગી એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ તરીકે મહારાષ્ટ્રનાં પ્રતિભાતાઈ પાટીલ ચૂંટાયાં છે. વર્ષ ૨૦૦૭માં સત્તારૂઢ કોંગ્રેસ થકી એમની ઉમેદવારી જાહેર કરાઈ ત્યારે વર્તમાન સત્તારૂઢ પક્ષ ભાજપે તેમની સામે રાજસ્થાનના મુખ્ય મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ રહેલા ભૈરોં સિંહ શેખાવતને ઉમેદવાર
બનાવ્યા હતા.
મૂળ રાજસ્થાનનાં પ્રતિભાતાઈ મહારાષ્ટ્રનાં શિક્ષણમંત્રી રહ્યાં અને મરાઠી ગણાયાં એટલે એ વેળાના ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ પણ એમને ટેકો આપ્યો હતો. આ વખતે ગુજરાતનાં મુખ્ય મંત્રી રહેલાં અને અત્યારે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનું નામ ચર્ચામાં છે, પરંતુ વડા પ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતના હોય ત્યારે ગુજરાતનાં રાષ્ટ્રપતિના સંકેત સારા ન જાય. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનનું નામ પણ ઘણા વખતથી ચર્ચામાં રહ્યું. જોકે વડા પ્રધાન મોદી છેલ્લી ઘડીએ જાદુગરની જેમ કોઈ નવું જ નામ લઈને આવશે એ વાત નક્કી. ક્યારેક ચર્ચામાં એ વાત પણ છે કે મોદી દેશમાં અમેરિકી રાષ્ટ્રપતિ શાસન પદ્ધતિ દાખલ કરવાના પક્ષધર છે. એ સંજોગોમાં તેઓ વડા પ્રધાન તરીકે પાછળથી કોઈ નિષ્ઠાવંતને મુકાવીને પોતે અમેરિકી શાસન પદ્ધતિ અમલમાં લાવવા માગે અને સર્વસત્તાધીશ રાષ્ટ્રપતિ બની શકે. એટલે તેઓ વર્તમાન સંજોગોમાં અનુકૂળ રાષ્ટ્રપતિ મુકાવે એવું જરૂર લાગે છે. આગામી મે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં તો વડા પ્રધાનપદના ઉમેદવાર મોદી જ હશે એ વાતનું સ્મરણ રહે.
તિખારો

અમર હૈ ગણતંત્ર
રાજપથ પર ભીડ, જનપથ પડા સૂના,
પલટનોં કા માર્ચ, હોતા શોર દૂના.
શોર સે ડૂબે હુએ સ્વાધીનતા કે સ્વર,
રુદ્ધ વાણી, લેખની જડ, કસમસાતા ઉર.
ભયાતંકિત ભીડ, જન અધિકાર વંચિત,
બંદ ન્યાય કપાટ, સત્તા અમર્યાદિત.
લોક કા ક્ષય, વ્યક્તિ કા જયકાર હોતા,
સ્વતંત્રતા કા સ્વપ્ન, રાવી તીર રોતા.
– અટલ બિહારી વાજપેયી

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.