રાયપુરના સુરેન્દ્ર બૈરાગીની ‘બર્તન બેંક’ વિશે જાણો છો?

પુરુષ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

અત્યારે ભારત જ નહીં, પણ આખી દુનિયા ઓલમોસ્ટ પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરી રહી છે અને ઘણા દેશોએ તો આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવી શકાય એ દિશામાં કામ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ભારતે પણ બંને દૂષણોને નાથવા માટેના વિકલ્પો શોધવાનું શરૂ કરી દીધું છે. રવિવારે જ આપણે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. આજે આપણે અહીં વાત કરીશું એક એવા વ્યક્તિત્વ વિશે કે જેણે એકલા હાથે જ આ સમસ્યા સામે લડવાની શરૂઆત કરી દીધી છે, જ્યારે આપણે ઘણા તો હજી એ જ વિચારીને હાથ પર હાથ ધરીને બેઠા છીએ કે આપણે એકલા શું કરી લેવાના? પણ આ એટિટ્યુડથી તો આપણે ન તો ક્યાંય જઈ શકીશું કે પછી ન તો ક્યારેય કંઈ હાંસિલ કરી શકીશું… ચાલો વધારે સમય વેડફ્યા વિના મળીએ સુરેન્દ્ર બૈરાગીને કે જેઓ એક અનોખી બેંક ચલાવે છે અને પર્યાવરણ બચાવવામાં અને પ્રદૂષણની સમસ્યાને નાથવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સુરેન્દ્ર બૈરાગીને મળવા માટે આપણે પહોંચી જવું પડશે છત્તીસગઢના રાયપુર ખાતે…
આઈ નો, આઈ નો, હવે તમને થશે કે બેંક ચલાવીને કોઈ વ્યક્તિ કઈ રીતે પ્રદૂષણને રોકી શકે કે પર્યાવરણને બચાવવામાં પોતાનું યોગદાન આપી શકે, બરાબરને? ભારે ઉતાવળા તમે તો ભાઈસા’બ, થોડી ધીરજ રાખો, એ વિશે જ તો આપણે આગળ માંડીને વાત કરવાના છીએ.
‘ભારત સહિત આખી દુનિયાને પ્રદૂષણની સમસ્યા સતાવી રહી છે અને આ પ્રદૂષણ ફેલાવવામાં સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા કોઈ ભજવતું હોય તો તે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકે ભલે આપણી લાઈફ ઈઝી બનાવી દીધી હોય, પણ સરવાળે પર્યાવરણ માટે તો તે હાનિકારક જ છે. તાંબા, પિત્તળ, સ્ટીલની સરખામણીએ પ્લાસ્ટિક એ સહેલો વિકલ્પ છે, પરંતુ એ વાત પણ એટલી હદે સાચી છે કે પ્લાસ્ટિકને એક વખત વાપરીને ફેંકી દઈને આપણે પર્યાવરણને ક્યારેય ન ભરપાઈ કરી શકાય એવું અને એટલી હદનું નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણ તો ફેલાય જ છે, પણ તેને કારણે માટીની ગુણવત્તા પર પણ અસર જોવા મળે છે, આ જ પ્લાસ્ટિક નદી, નાળાના માધ્યમથી સમુદ્ર સુધી પહોંચે છે અને ત્યાં પણ જીવસૃષ્ટિ માટે તે નુકસાન પહોંચાડવાનું જ કામ કરે છે…’ શબ્દો છે સુરેન્દ્ર બૈરાગીના.
આ જ કારણ છે કે દુનિયાભરના લોકો પોતપોતાની રીતે આ સમસ્યામાંથી ઊગરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જ ક્રમમાં સુરેન્દ્ર બૈરાગીએ અને તેમના પરિવારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલિ આપી દીધી છે અને લોકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળે એ માટે ‘બર્તન બેંક’ એટલે કે વાસણોની બેંક ચલાવે છે. જોઈએ શું છે આ બર્તન બેંક અને તે કઈ રીતે કામ કરે છે.
વાતનો દોર આગળ વધારતાં તેઓ જણાવે છે કે ‘હું ખુદ એક લોખંડની ફેક્ટરીમાં ક્લાર્ક તરીકે કામ કરું છું અને પ્લાસ્ટિકની વિરુદ્ધની લડાઈના શ્રીગણેશ અમારા ઘરથી જ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં તો અમે લોકોએ ઘરમાં પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની પૉલિથિન બેગ્સનો ઉપયોગ કરવાનું બંધ કર્યું અને તેની જગ્યાએ કપડાંની થેલીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. મારી પત્નીએ પણ મને આ પહેલમાં સાથ આપ્યો અને અમે લોકોએ અમારા અડોશી-પડોશીઓને, બજારમાં જઈને લોકોને પ્લાસ્ટિકની થેલીને બદલે કપડાંની થેલીનો ઉપયોગ કરવા સમજાવ્યા અને એટલું જ નહીં, તેમને રોજબરોજના ઉપયોગમાં લેવા માટે કપડાંની થેલીઓ પણ પહોંચતી કરી.’
સુરેન્દ્ર અને તેમના પરિવારે છેલ્લાં ચારેક વર્ષથી પ્લાસ્ટિક સામે જંગ છેડ્યો છે. ૨૦૧૯માં પહેલી વખત એક જૂની ચાદરમાંથી કપડાંની થેલીઓ તૈયાર કરી હતી અને એ થેલીઓ સુરેન્દ્ર અને તેમનાં પત્નીએ આસપાસના લોકોમાં વહેંચી હતી. દરરોજ સાંજે પરિવારના સભ્યો સાથે કે પછી મિત્રો સાથે મળીને સુરેન્દ્ર બજારમાં પહોંચી જાય છે અને લોકોને આ કપડામાંથી બનાવેલી થેલીઓ આપીને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવાનું બંધ કરવા માટે સમજાવે છે. લાંબા સમય સુધી આ રીતે કામ કર્યું અને એવામાં આવી ગઈ કોરોના મહામારી… લોકોને લાગ્યું કે આ મહામારીને કારણે સુરેન્દ્રની આ પહેલને બ્રેક લાગી જશે, પણ એવું થયું નહીં અને કોરોનાકાળમાં તેમણે એક નવી જ પહેલ શરૂ કરી.
‘મહામારીથી બચવા માટે અને પ્લાસ્ટિકના કચરાને ઓછો કરવા માટે અમે ઘરે બેઠાં જ સરળતાથી ડિસ્પોઝ કરી શકાય એવા માસ્ક બનાવવાનું શરૂ કર્યું અને કોવિડના નિયમોનું પાલન કરીને લોકો સુધી એ માસ્ક પહોંચાડ્યા. આ પહેલમાં પણ મારી પત્નીએ મને પૂરેપૂરો સહકાર આપ્યો, રાતોરાત જાગીને તેણે માસ્ક બનાવ્યા. આટલું કર્યા બાદ હવે અમને એવું લાગવા લાગ્યું કે પ્લાસ્ટિક ફ્રી સમાજની દિશામાં એક ડગલું આગળ વધવાનો સમય આવી ગયો છે અને અમે લોકોએ ‘બર્તન બેંક’ શરૂ કરવાનું વિચાર્યું. આપણા ઘરે લગ્ન પ્રસંગ, કોઈ ફેમિલી ફંક્શન, બર્થડે પાર્ટી કે પછી પૂજા-ભંડારો વગેરે તો થતાં જ હોય છે… હવે આવા ફંક્શનમાં આવનારા મહેમાનોને જમવાનું પીરસવા, ખાવા-પીવા માટે વાસણ તો જોઈએને? બસ, આવી કોઈ પણ ઈવેન્ટ માટે અમે લોકોને ફ્રીમાં સ્ટીલનાં વાસણો પૂરાં પાડીએ છીએ,’ એવું વધુમાં જણાવે છે સુરેન્દ્ર.
એટલું જ નહીં, સુરેન્દ્ર તો એવો દાવો પણ કરે છે કે તેમની આ પહેલને કારણે તેમની આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ પ્લેટ્સ, ગ્લાસ, ચમચીઓના ઉપયોગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગરૂક થઈ રહ્યા છે.
સુરેન્દ્રનું એવું માનવું છે કે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી આ નાની નાની પહેલની અસર દેખાવા લાગી છે. બજારમાં લોકો પ્લાસ્ટિકને બદલે કપડાંની થેલી લઈને આવતા થયા છે, બર્તન બેંકને કારણે ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ઓછો થયો છે અને લોકો તેમની બર્તન બેંકમાંથી મળતાં વાસણોનો ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં, પણ લોકો તેમને આર્થિક મદદ કરવા માટે આગળ આવે છે, પણ તેઓ માત્ર મદદ તરીકે વાસણની જ મદદ માગે છે. લોકો પણ એમને ફ્રીમાં પોતાના ઘરનાં વધારાનાં વાસણો આપી જાય છે. આખા બૈરાગી પરિવારે પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ જીવનમાં ક્યારેય થર્મોકોલ કે પછી પ્લાસ્ટિકનાં વાસણોનો ઉપયોગ નહીં કરે કે ન તો પોતાના નજીકના લોકોને એવું કરવા દેશે…
એક એકલો માણસ શું કરી શકે એવો સવાલ કરનારાઓ માટે એક જવાબ સમાન છે સુરેન્દ્ર બૈરાગી અને તેમની આ પહેલ… સુરેન્દ્ર પોતાની પહેલમાં દિવસે ને દિવસે આગળ વધે અને વધુ ને વધુ પ્રગતિ કરીને દેશ અને સમાજને પ્રદૂષણમુક્ત બનાવે એવી શુભેચ્છા પાઠવીએ…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.