રાજ્યસભામાંથી વધુ એક સાંસદ સસ્પેન્ડ

દેશ વિદેશ

વિપક્ષના સાંસદો માફી માગે: પ્રહ્લાદ જોશી

નવી દિલ્હી: રાજ્યસભાની કાર્યવાહી ખોરવી નાખવા બદલ બુધવારે આમ આદમી પક્ષ (આપ)ના સાંસદ સંજય સિંહને સપ્તાહના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા વધીને ૨૪ (રાજ્યસભાના ૨૦ અને લોકસભાના ચાર સાંસદ) થઇ હતી.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે જો સસ્પેન્ડ કરાયેલા સાંસદો માફી માગે અને ગૃહમાં પ્લેકાર્ડ લઇને દેખાવ નહિ કરવાની બાંયધરી આપે તો તેમનું સસ્પેન્શન પાછું ખેંચી શકાય છે.
દરમિયાન, તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ ડોલા સેને જણાવ્યું હતું કે રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા ૨૦ સાંસદ સંસદના સંકુલમાં પચાસ કલાક સુધી વારાફરતી દેખાવ યોજશે. તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ સુસ્મિતા દેવે જણાવ્યું હતું કે વિપક્ષના સાંસદો
સસ્પેન્શનના વિરોધમાં અને ભાવવધારાના મુદ્દે સંસદમાં ચર્ચા નહિ કરવા દેવાય ત્યાં સુધી દેખાવ યોજવા અહીં જ જમશે અને ઊંઘશે.
અગાઉ, મંગળવારે ટીએમસીના સાત, દ્રમુકના છ, તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના ત્રણ, માર્ક્સવાદી પક્ષના બે અને સામ્યવાદી પક્ષના એક સહિત વિપક્ષના કુલ ૧૯ સાંસદને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા આ ૧૯ સાંસદ એક અઠવાડિયા સુધી રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ નહિ લઈ શકે. મોંઘવારી તેમ જ જીવનજરૂરિયાતની વસ્તુઓ પર લાદવામાં આવેલા જીએસટીને મુદ્દે ૧૮ જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીને સતત ખોરવી નાખવા બદલ તેમ જ ગૃહની વૅલ છોડીને ફરી તેમની બેઠક પર જતા રહેવાની નાયબ અધ્યક્ષ હરિવંશે કરેલી વારંવારની વિનંતીની અવગણના કરવા બદલ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વી. મુરલીધરને ૧૦ સાંસદને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી, પરંતુ મૌખિક મત લીધા બાદ હરિવંશે એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવેલા ૧૯ સાંસદોનાં નામ વાંચી સંભળાવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોને અધ્યક્ષે ગૃહ છોડી જવા જણાવ્યું હતું, પરંતુ સાંસદોએ વૅલમાં વિરોધપ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું અને આ કારણે ગૃહની કાર્યવાહી બે વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
ભાજપના પીયૂષ ગોયલે કહ્યું હતું કે રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભારે હૃદયથી લેવામાં આવ્યો હતો, કેમ કે આ સાંસદોેએ અધ્યક્ષની વારંવારની વિનંતીની અવગણના કરી હતી. એકવાર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની તબિયત સારી થઈ જાય અને તેઓ સંસદમાં હાજરી આપતાં થાય ત્યાર બાદ મોંઘવારીને મુદ્દે ચર્ચાવિચારણા કરવા સરકાર તૈયાર છીએ.
અગાઉ, અયોગ્ય વર્તન કરી સંસદની કાર્યવાહી ખોરવી દેવાને મામલે લોકસભાએ સોમવારે કૉંગ્રેસના ચાર સાંસદને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. લોકસભાએ ઠરાવ મંજૂર કર્યા બાદ કૉંગ્રેસના સાંસદ માણિકરામ ટાગોર, ટી. એન. પ્રતાપન, જ્યોતિમણા અને રામ્યા હરિદાસને સંસદના બાકી સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. સ્પીકર ઓમ બિડલાએ ચેતવણી આપી હોવા છતાં પૉસ્ટર દર્શાવી ગૃહની કાર્યવાહી ખોરવી નાંખવા બદલ આ ચારે સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. (એજન્સી)
———-
અમે તો અહીં જ રહીશું, ઊંઘીશું અને જમીશું:
સંસદના ગૃહમાં ધાંધલ કરવા બદલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સંસદસભ્યોએ સંસદભવનના પ્રાંગણમાં ‘અઠે દ્વારિકાધીશ’ કર્યું છે. સંસદના ગૃહોમાં અયોગ્ય રીતે વિરોધ પ્રદર્શન કરવા બદલ અત્યાર સુધી ૨૪ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં રાજ્યસભાના ૨૦ અને લોકસભાના ૪ સભ્યો છે. એ બધાએ સંસદભવનના પ્રાંગણમાં ગાંધી પ્રતિમા સામે પચાસ કલાકના ધરણાં પર બેસવાનો નિર્ણય લીધો છે. ધરણાં પર બેસવા માટે સંસદભવનના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પથારી કરી ત્યારની તસવીર. એ રીતે ધરણાં પર બેસનારા સાંસદોએ જણાવ્યું હતું કે ‘અમે તો અહીં જ રહીશું, ઊંઘીશું અને જમીશું.’ (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.