રાઉત સામે કાર્યવાહીમાં આટલું મોડું કેમ થયું?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મુંબઈના ગોરેગાંવની પત્રા ચાલી કૌભાંડમાં અંતે શિવસેનાના સાંસદ સંજય રાઉત જેલભેગા થઈ ગયા. સંજય રાઉતની રવિવારે સાંજે અટકાયત કરાઈ હતી ને પછી સોમવારે સવારે ઈડી દ્વારા ધરપકડ કરાઈ. ઈડીએ રાઉતની પીએમએલ હેઠળ ધરપકડ કરી હોવાથી પીએમએલએ કોર્ટમાં રજૂ કરાયા ને પીએમએલએ કોર્ટે ૪ ઓગસ્ટ સુધી રાઉતના રિમાન્ડ મંજૂર કરીને ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. ઈડીએ કોર્ટ સમક્ષ સંજય રાઉતની આઠ દિવસની કસ્ટડી માગી હતી પણ કોર્ટે ચાર દિવસની કસ્ટડી જ મંજૂર કરી છે.
સંજય રાઉતની બહુ ગાજેલા મુંબઈના ગોરેગાંવની પત્રા ચાલી કૌભાંડમાં ધરપકડ કરાઈ છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી પત્રા ચાલીનો વિસ્તાર મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)માં આવે છે. રિયલ એસ્ટેટ ડેવલપર પ્રવીણ રાઉતે પત્રા ચાલીમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરીને રઝળાવી દીધા છે ને આ કેસમાં પ્રવીણ રાઉત જેલની હવા ખાય જ છે.
પ્રવીણ રાઉતની ગુરુ આશિશ ક્ધસ્ટ્રક્શન કંપનીને આ ચાલીના રિડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ અપાયેલા. કંપનીને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) તરફથી ૩૦૦૦ ફ્લેટ બનાવવાનું કામ સોંપાયું હતું. આ ફ્લેટ મધ્યમ વર્ગના લોકોને આપવાના હતા. આ ઉપરાંત પત્રા ચાલીમાં રહેતા લોકો માટે પણ ૬૭૨ ફ્લેટ બનાવીને આપવાના હતા. બાકી રહેલી જમીન ખાનગી બિલ્ડરોને આપવાની કંપનીને છૂટ અપાયેલી.
૨૦૦૮માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)એ કંપની સાથે આ કરાર કરેલો. કંપનીએ મ્હાડા માટે ૩૦૦૦ ફ્લેટ ના બનાવ્યા કે ચાલીમાં રહેતાં ૬૭૨ લોકો માટે પણ ફ્લેટ ના બનાવ્યા પણ ૨૦૧૧માં આ ૪૭ એકરની વિશાળ જગ્યાનો બાકી રહેલો પ્લોટ બીજા બિલ્ડરોને વેચી દીધો. આ રીતે કંપનીએ ૯૦૧ કરોડની કમાણી કરી ને પછી બાકી રહેલી જમીન પર સ્કીમ મૂકીને ૧૩૭ કરોડ રૂપિયા ઉઘરાવી લઈને કુલ ૧૦૩૮ કરોડની ગરબડ કરી હતી.
આ નાણાં પ્રવીણ રાઉતે પોતાનાં સગાં સહિત ઘણાં લોકોને આપ્યાં હતાં ને તેમાંથી જ કેટલીક રકમ સંજય રાઉતને પણ અપાયેલી એવું કહેવાય છે. આ કેસમાં સંજય રાઉતની ૯ કરોડ રૂપિયાની અને પત્ની વર્ષાની બે કરોડ રૂપિયાની સંપત્તિ પહેલાં જ જપ્ત કરવામાં આવી છે. સંજય રાઉતનાં પત્નીની આ કેસમાં પહેલાં પૂછપરછ કરાયેલી તેથી રાઉત પરિવાર પર તવાઈ હતી જ ને હવે ધરપકડ કરાઈ છે.
સંજય રાઉતની ધરપકડ અપેક્ષિત છે, કેમ કે રાઉત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ સામે લાંબા સમયથી આક્રમક મૂડમાં હતા. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર હતી ત્યારે સંજય રાઉત ભાજપ સામેના વિરોધનો મુખ્ય ચહેરો હતા. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી તરીકે સંજય રાઉત ભાજપને ખરીખોટી સુણાવવામાં કોઈ કસર નહોતા છોડતા તેથી ગમે ત્યારે તેમનો વારો પડશે એ નક્કી જ હતું. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારે ઉદ્ધવ વતી સંજય રાઉતે સેનાપતિપદ સંભાળીને એકનાથ શિંદે અને ભાજપ સામે મોરચો માંડેલો.
શિંદેના સમર્થક ધારાસભ્યોને ધમકી આપવાથી માંડીને શિવસૈનિકોને ઉશ્કેરવા સુધીના મુદ્દે સંજય રાઉતે આગેવાની લીધેલી તેથી ભાજપ-શિંદેની નજરે ચડી ગયેલા. આ કારણે ઉદ્ધવ સામેનો બળવો સફળ થયો ને એકનાથ શિંદે
મુખ્ય પ્રધાન બન્યા એ વખતે જ નક્કી થઈ ગયેલું કે ઉદ્ધવના જૂથમાંથી સૌથી પહેલો વારો સંજય રાઉતનો પડશે ને એ વાત સાચી પડી છે.
અલબત્ત, સંજય રાઉત પણ આ ધરપકડ માટે જવાબદાર છે જ. ઈડીએ સંજય રાઉતને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ મોકલ્યા હતા, પરંતુ રાઉત જાણીજોઈને હાજર ન થયા તેથી છેવટે ઈડીના અધિકારી પહેલાં રાઉતના ઘરે પહોંચ્યા ને પછી તેમને ઉઠાવીને લઈ ગયા. પહેલાં તેમની અટકાયત બતાવાઈ ને પછી સોમવારે સવારે ધરપકડ બતાવી દેવાઈ.
સ્વાભાવિક રીતે જ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આ ધરપકડ સામે દેકારો મચાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતની ધરપકડને ખોટી ગણાવી છે. ઠાકરેનું કહેવું છે કે હવે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે, બંધારણને તોડવા-મરોડવામાં આવે છે, પણ અમે ઝુકીશું નહીં. રાઉતની ધરપકડના વિરોધમાં મહારાષ્ટ્રના પુણે, પિંપરી-ચિંચવડ, નાગપુર અને જલગાંવમાં શિવસેનાના કાર્યકરોએ દેખાવો કર્યા પણ એ દેખાવો એવા નથી કે ચિંતા કરવી પડે.
સંજય રાઉત ઉદ્ધવના ખાસ માણસ છે તેથી ઉદ્ધવ તેમનો બચાવ કરે તેમાં કોઈ નવાઈ નથી, પણ રાઉતે પત્રા ચાલી કેસમાં ખરેખર વરવી ભૂમિકા ભજવી છે, ખરેખર કોઈ કૌભાંડ કર્યું છે કે નહીં એ કોર્ટ નક્કી કરશે. ઈડી રાઉત સામે શું પુરાવા રજૂ કરે છે તેના આધારે કોર્ટ નિર્ણય લેશે. કોર્ટનો એ અધિકાર છે તેથી એ વિશે કોઈને પણ ટિપ્પણી કરવાનો અધિકાર નથી. કોર્ટને જે યોગ્ય લાગે એ નિર્ણય એ લઈ જ શકે તેથી સંજય રાઉત સામેના પુરાવા કેવા છે કે નહીં એ બધી વાતોના પિષ્ટપિંજણનો અર્થ નથી, પણ આ ઘટનાના કારણે ઈડી ખરેખર જેમણે ખોટું કર્યું તેમને લપેટમાં લે છે કે પછી રાજકીય કારણોસર કાર્યવાહી કરે છે એ સવાલ ફરી ઊભો થયો છે.
આ સવાલ સ્વાભાવિક છે, કેમ કે પત્રા ચાલીનો કેસ આજનો નથી, પણ બહુ જૂનો છે. સંજય રાઉત સામેના આક્ષેપો પણ જૂના છે અને પીએમસી બૅંકનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે જ પ્રવીણ રાઉતને ૧૦૦ કરોડ મળ્યા હોવાનું બહાર આવી
ગયેલું. એ વખતે કેમ સંજય રાઉત સામે કોઈ કાર્યવાહી ના કરાઈ એ સવાલ છે. પ્રવીણ રાઉતની ધરપકડ પણ છેક આ વર્ષે થઈ. અત્યાર સુધી ઈડીએ કેમ રાહ જોઈ એ પણ મોટો સવાલ છે.
આ સવાલોના જવાબ કદી મળવાના નથી એ ખબર છે, કેમ કે ઈડી આવા સવાલોના જવાબ આપવા ટેવાયેલી નથી. ઈડી ઉપરથી ઓર્ડર લઈને કામ કરવા ટેવાયેલી છે ને એટલે જ એ કાર્યવાહી કરી નાંખે છે, પણ દોષિત સાબિત કરી શકતી નથી. કેન્દ્ર સરકારે પોતે લોકસભામાં આ વાત કબૂલી હતી એ જોતાં બીજું શું કહેવું ?

2 thoughts on “રાઉત સામે કાર્યવાહીમાં આટલું મોડું કેમ થયું?

  1. એ હિસાબે તમે તો બહુ બહાદુર છો તમે તો રોજ રાઉત ની જેમ મોદી સાહેબ વિરુદ્ધ બકવાસ કરો છો અને તમને ED નો જરા પણ ડર નથી લાગતો ખરેખર તમે બહાદુર છો 😆

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.