રથયાત્રાની પૂર્વ તૈયારીઓ: હર્ષ સંઘવીની મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક, અખાડાઓની કરતબોની પ્રેક્ટિસ શરૂ

આપણું ગુજરાત

આગામી ૧લી જુલાઈ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને સુભદ્રાજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે. આ વર્ષે 145મી રથયાત્રાને લઈને કોર્પોરેશન, ગુજરાત સરકાર, જગન્નાથ મંદિર અને અખાડાઓ તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને લઈને આજે ગૃહરાજ્ય પ્રધાન અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક મળી હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મંદિરના ટ્રસ્ટી અને મહંતને વિશ્વાસ આપતા કહ્યું હતું કે રથયાત્રા સમયસર મંદિરથી નીકળીને સમયસર પરત ફરે તેનું ધ્યાન રાખજો. હું હજુ પણ મંદિરે આવીશ. તમને કોઈપણ પ્રકારની જરૂર પડે તો મને જાણ કરજો. તેમણે રણછોડજીનું નવું મંદિર બનાવવા અંગેની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓ દરિયાપુરમાં તંબુ ચોકી પહોંચીને ત્યાં પોલીસ અધિકારીઓ સાથે વાત કરી સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.


ગૃહરાજ્ય મંત્રીએ મંદિરના ટ્રસ્ટીઓ સાથેની બેઠક પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. જેમાં બોડી ઓન કેમેરા, ડ્રોન કેમેરા, ફેસ ડિટેક્શન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રામાં 25,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમા 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપની બંદોબસ્તમાં રહેશે.

29,30 જૂન અને 1લી જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. ૧લી જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે. ત્યાર બાદ 7 વાગ્યે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રામાં પહિંદવિધિ માટે મુખ્યપ્રધાનને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. ત્યારબાદ રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રસ્તાનું સમારકામ, નાળાસફાઇ, વરસાદ પડે તો તેની કામગીરી, ભયજનક મકાનો તોડી પાડવા, રસ્તા પર રખડતા પશુ અંગેની કામગીરી, ફાયર સેફટી વગેરે કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે ત્યારે ભજન મંડળી, શણગારેલા ટ્રક, અખાડા તમામ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જેને લઈ અખાડા દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુવાનો તલવાર બાજી, બોડી બિલ્ડીંગ, સ્ટંટ, બરનડી, લાકડી, ચક્કર સહિતના પેક્ટિસ કરી રહ્યા છે. સાથે બાઇક સ્ટંટ પણ કરવામાં આવી રહ્યા છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.