રણબીર, રિતિક કે અક્ષય!

મેટિની

સાઉથનો સપાટો અને હિન્દી ફિલ્મોની એકંદર નિષ્ફળતાના વાતાવરણમાં ‘બ્રહ્માસ્ત્ર’, ‘વિક્રમ વેધા’ કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સાઉથની સફળતાને જડબાતોડ જવાબ આપી શકશે?

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મોનો પહેલા પાંચ મહિનાનો હિસાબ બહુ ઉજળો નથી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ (૩૪૦ કરોડ), ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (૨૦૯ કરોડ) અને ‘ભૂલભૂલૈયા ૨’ (૧૮૦ કરોડ સાથે આગેકૂચ જારી)ના નિર્માતાના ગજવા ગરજી રહ્યા છે, જ્યારે અમિતાભ બચ્ચન, અજય દેવગન, રણવીર કપૂર, શાહિદ કપૂર, પ્રભાસ, કંગના રનૌતની ફિલ્મો સદંતર નિષ્ફળ રહી છે. ધમાકો કરી શકે એવી ફિલ્મ સુરસુરિયા જેવી સાબિત થઈ છે તો ૧૦૦ કરોડના બજેટમાં બનેલી ક્ધનડ ફિલ્મ ઊંૠઋ – ઈવફાયિિં ૨ બોક્સ ઓફિસ પર ટંકશાળ (૧૨૫૦ કરોડનું કલેક્શન થયું છે) સાબિત થઈ છે. જોકે, હવે પછીના ચાર મહિનામાં એવી ત્રણ ફિલ્મ રિલીઝ થવાની છે જે સાઉથની સફળતાને જડબાતોડ જવાબ આપી શકે છે.
‘ઉસકી રોટી’ અને ‘દુવિધા’ જેવી કળાત્મક ફિલ્મો બનાવનાર મણિ કૌલે પોતાના સંગીત ગુરુ ઉસ્તાદ ઝિયા મોઈનુદ્દીન ડાગરને પૂછ્યું હતું કે ‘બીજા તાનસેન ક્યારે જોવા મળશે?’ ઉસ્તાદજીનો જવાબ હતો જ્યારે એમના માટે પ્રેક્ષક હશે ત્યારે.’ એ અનુસંધાનમાં આમિરની ‘ગજની’ને ૧૦૦ કરોડની કમાણીની પહેલી ફિલ્મની સિદ્ધિ અપાવનાર દર્શકો સાઉથની ફિલ્મોની સફળતાને ટક્કર મારે એવી હિન્દી ફિલ્મને પોંખવા તૈયાર બેઠા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આજે રિલીઝ થયેલી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને સપ્ટેમ્બરમાં રિલીઝ થનારી ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘વિક્રમ વેધા’ પાસે એવી અપેક્ષા રાખી શકાય છે. અલબત્ત અંતે તો પ્રેક્ષક માઈ બાપને ગમશે એ જ સાચું.
સૌથી મહત્ત્વની વાત ‘બ્રહ્માસ્ત્ર’ (રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન) સંબંધિત છે. ૨૦૧૮માં એનું શૂટિંગ શરૂ થયું હતું અને ટેક્નિકલ કારણસર એની રિલીઝ વિલંબમાં પડ્યા પછી હવે નવમી સપ્ટેમ્બરે રજૂ થશે. પુષ્કળ પૈસા અને પ્રતિષ્ઠા દાવ પર લાગ્યા હોવાથી ફિલ્મનું પ્રમોશન અત્યારથી જ શરૂ કરી દેવાયું છે. રણબીર કપૂર અને દિગ્દર્શક અયાન મુખરજી વિશાખાપટ્ટનમના મંદિરમાં દર્શન કરી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માગ્યા હશે. બીજી મહત્ત્વની વાત એ છે કે એ બંને ‘બાહુબલી’ અને ‘છછછ’ જેવી અદ્ભુત સફળ ફિલ્મ આપનાર દિગ્દર્શક એસ એસ રાજામૌલીને મળ્યા છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ અને ક્ધનડમાં રિલીઝ કરવાની તૈયારી થઈ ગઈ છે. આ પ્રયાસમાં રાજામૌલી ઘણો સહકાર આપી રહ્યા છે. રસપ્રદ વાત એ પણ છે કે રાજામૌલીના પિતાશ્રી કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે ’બ્રહ્માસ્ત્ર’ જોયા પછી કરેલા સૂચનને પગલે અયાન મુખરજીએ ફિલ્મનું ચાર દિવસનું શૂટિંગ ફરીથી કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ બ્રહ્માસ્ત્ર સાબિત કરવા માટે કોઈ કસર બાકી નથી રખાઈ. એક અહેવાલ અનુસાર આ ફિલ્મ એક જ સમયે વિશ્વભરમાં રિલીઝ કરવાનું આયોજન છે.
સાઉથની અનોખી દિગ્દર્શક જોડી પતિ – પત્ની પુષ્કર – ગાયત્રી તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’ એ જ નામથી હિન્દીમાં બનાવી રહ્યા છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ કરવાની ગણતરી છે. રિતિક રોશન, સૈફ અલી ખાન અને રાધિકા આપટે એના મુખ્ય કલાકાર છે. આ ફિલ્મ સાથે શાહરુખ અને આમિરના નામ ચર્ચાયા પછી રિતિકનું નામ ફાઈનલ થયું. વેતાળ પચિસી (વિક્રમ – વેતાલ)નો આધાર લઈ ફિલ્મની કથાનો પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ માટે જેમ ઉત્સુકતા જગાવવાના પ્રયાસ શરૂ થયા છે એવું રિતિકની ફિલ્મની માટે પણ બનશે તો નવાઈ નહીં લાગે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે વારાણસી પહોંચેલા અક્ષય કુમારે ગંગામાં ડૂબકી લગાવી ફિલ્મની સફળતા માટે આરતી કરી હતી.
‘સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સોનુ – ગોલ્ડ – સાબિત થઈ રહી છે અને બોલીવૂડ ફિલ્મો બનાવવાનું ભૂલી ગયું છે’ એવી થઈ રહેલી ટીકાના સૂર વચ્ચે આ ત્રિપુટીમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. એ સંદર્ભે એવી દલીલ જરૂર કરી શકાય કે બાહુબલીથી દર્શકોને મોટા પડદા પર ભવ્યતા જોવાનો ચસકો લાગ્યો છે. જેફ બેઝોસ કે એલોન મસ્કની ભવ્યતામાં, એમની જાહોજલાલીવાળી લાઈફસ્ટાઈલમાં વધુ રસ ધરાવતા સમાજને એવું જોવામાં રસ છે જે પોતાની પહોંચની બહાર છે. ફેન્ટસી અને ઐતિહાસિક પાર્શ્ર્વભૂમિ ધરાવતી ફિલ્મો એની ગરજ સારી શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.