સદી: આસામ અને સૌરાષ્ટ્ર વચ્ચે ગુવાહાટીના બારસાપારાસ્થિત એસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની મૅચમાં બુધવારે સદી ફટકાર્યા બાદ ઉજવણી કરી રહેલો સૌરાષ્ટ્રની ટીમનો બૅટ્સમેન એચ. દેસાઈ. (એજન્સી)
કોહિમા: ૧૬ વર્ષીય મણિપુરના મધ્યમ ઝડપી બૉલર ફિરોઈજમ સિંહ બુધવારે અહીં સિક્કિમ સામેની રણજી ટ્રોફીની મેચમાં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂમાં નવ વિકેટ ઝડપનાર ચોથો ભારતીય બન્યો હતો.
મણિપુરના જમણા હાથના ઝડપી બૉલર ફિરોઈજમે સિક્કિમ સામે રણજી ટ્રોફી પ્લેટ ગ્રૂપ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ફિરોઈજમે પોતાની શાનદાર બૉલિંગથી સિક્કિમની ટીમને પ્રથમ દાવમાં ૨૨૦ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચમાં મણિપુરે ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મણિપુરની ટીમ ૫૬.૫ ઓવરમાં ૧૮૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિક્કિમ તરફથી સુમિત સિંહે ૩ વિકેટ લીધી હતી. ૧૩મી ડિસેમ્બરે શરૂ થયેલી આ મેચના પ્રથમ દિવસની રમતના અંતે સિક્કિમે વિકેટ ગુમાવ્યા વિના ૫૮ રન બનાવ્યા હતા, પરંતુ બીજા દિવસે ૧૬ વર્ષના ફિરોઈજમે સિક્કિમની બૅટિંગને તબાહ કરી નાખી હતી. આ યુવા ઝડપી બૉલરે ૯ બૅટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિક્કિમની પ્રથમ ૯ વિકેટ જોતિનના ખાતામાં પડી હતી. તે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં ૧૦ વિકેટ લેનારો પ્રથમ ભારતીય અને એકંદરે ત્રીજો બૉલર બની શક્યો હોત, પરંતુ સિક્કિમની છેલ્લી વિકેટ રેક્સ રાજકુમારે લીધી હતી. સિક્કિમ માટે સૌથી વધુ ૪૭ રન સુમિત સિંહે ફટકાર્યા હતા. ૧૮૮૯-૯૦માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં પ્રથમ વખત ૧૦ વિકેટ લેવાનો રેકોર્ડ બન્યો હતો. ત્યાર બાદ આલ્બર્ટ મોસે તેની ફર્સ્ટ ક્લાસ મેચમાં ૨૮ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી. આ પછી ફિટ્ઝ હિન્ડ્સે સમાન રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં ૩૬ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી.
૧૬ વર્ષીય ફિરોઈજમ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂની એક ઇનિંગમાં ૯ વિકેટ લેનારો ચોથો ભારતીય બન્યો છે. અગાઉ મહારાષ્ટ્રના વસંત રંજનેએ ૧૯૫૬-૫૭માં કર્યું હતું. તેણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં ૩૫ રન આપીને ૯ વિકેટ લીધી હતી. અમરજિત સિંહે ૧૯૭૧-૭૨માં તેમના પછી આ સિદ્ધિ હાંસલ કરી હતી. અમરજિતે ૪૫ રનમાં ૯ વિકેટ લીધી હતી. ૨૦૧૯/૨૦માં સંજય યાદવે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં બાવન રન આપીને ૯ વિકેટ લીધી હતી.