યુસીસી: દિલ્હી અભી દૂર હૈ…

ઇન્ટરવલ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને લગ્ન, તલાક, ઉત્તરાધિકાર અને બાળક દત્તક લેવાની બાબતમાં ભારતમાં વિવિધ સમુદાયોમાં તેમનાં ધર્મ, આસ્થા અને વિશ્ર્વાસ અનુસાર અલગ અલગ કાયદાઓ છે, જોગવાઈ કરવામાં આવી છે. જોકે જ્યારથી ભારતને આઝાદી મળી ત્યારથી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કે પછી જેને આપણે સમાન નાગરિક સંહિતા કહીએ છીએ તેનો અમલ કરવામાં આવે એવી માગણી જોર કરી રહી છે, પણ આટલાં વર્ષોમાં યુસીસી હજી કાગળ પર જ છે. આજે આપણે અહીં વાત કરીશું કે ભારતમાં યુસીસીનો અમલ કેટલી હદે શક્ય છે અને જો તેને ભારતમાં અમલમાં મૂકવામાં આવશે તો કયા કયા મુદ્દાઓ અવરોધરૂપ સાબિત થઈ શકે છે.
યુસીસી એક એવો કાયદો છેે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરવામાં નહીં આવે. દેશના બંધારણમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના ‘પ્રયાસ’ કરવા જોઈએ. અલબત્ત, એકસમાન કાયદાની ટીકા દેશના બહુમતી હિન્દુઓ અને લઘુમતી મુસ્લિમો બન્ને સમાજ કરતા રહ્યા છે અને દેશની સર્વોચ્ચ ન્યાયવ્યવસ્થા ગણાતી સુપ્રીમ કોર્ટના શબ્દોમાં જણાવવાનું થાય તો આ એક ‘ડેડ લેટર’ છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પક્ષની સરકાર ફરી યુસીસીનો કાયદો અમલમાં લાવવા અંગે વિચાર કરી રહી છે. હાલમાં તો ભાજપશાસિત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં યુસીસી બાબતે ચર્ચા ચાલી રહી છે.
અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરના વિશેષ દરજ્જા પર પૂર્ણવિરામ અને યુસીસીનો અમલ આ ત્રણેય બાબતોનો ભાજપના ચૂંટણીપ્રચાર દરમિયાન આપવામાં આવેલાં વચનોમાં સમાવેશ થાય છે. આ ત્રણમાંથી પહેલું અને મહત્ત્વનું વચન એટલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, બીજું વચન કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કરવામાં આવ્યો છે અને ત્રીજા અને છેલ્લા વચન એટલે યુસીસીને અમલી બનાવવા અંગે ચર્ચા ચાલી રહી છે. જમણેરી હિન્દુત્વવાદી સંગઠનો, મુસ્લિમ પર્સનલ લૉના સો કૉલ્ડ ‘પછાત’ કાયદાઓનો હવાલો આપીને યુસીસીને અમલમાં મૂકવાની માગણી કરતાં રહ્યાં છે.
ભાજપના ચૂંટણીઢંઢેરામાં એવું જણાવવામાં આવ્યું હતું કે ‘ભારત સમાન નાગરિક સંહિતા અપનાવશે નહીં ત્યાં સુધી લૈંગિક સમાનતા મૂર્તિમંત થશે નહીં.’ જોકે કેટલાક રાજકીય વિશ્ર્લેષકોની વાત પર વિશ્ર્વાસ રાખીએ તો ‘વાસ્તવિકતા વધારે જટિલ છે.’ આ જ વાતને જરા બીજા શબ્દોમાં કહેવાનું થાય તો ભાજપ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે એવો દાવો કરવામાં આવે છે, પરંતુ યુસીસી બનાવવાના વિચારે, દેશના બહુમતી ગણાતા હિન્દુઓ માટે પણ અનપેક્ષિત પરિણામની શક્યતા વધારતો દરવાજો ખોલી નાખ્યો છે એટલું જ નહીં, પણ યુસીસીનો પ્રભાવ મુસલમાનોની સાથે સાથે હિન્દુઓના સામાજિક જીવન પર પણ પડશે, એ બાબત તરફ દુર્લક્ષ કરી શકાય નહીં.
ભારત જેવા વિવિધતાથી ભરપૂર વિશાળ દેશમાં યુસીસીને એકીકૃત કરવાનું ખૂબ જ મુશ્કેલ બનશે. આ જ વાત જો ઉદાહરણ આપીને સમજાવવાની થાય તો હિન્દુઓ ભલે તેમના વ્યક્તિગત કાયદાઓનું પાલન કરતા હોય, પરંતુ જેમ બાર ગામે બોલી બદલાય એ જ રીતે જુદા જુદા રાજ્યમાં રહેતા અલગ અલગ સમુદાય દ્વારા અલગ અલગ પ્રથા તેમ જ રીત-રિવાજોનું પાલન પણ કરવામાં આવે છે. એ જ રીતે બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો પણ બધા જ મુસલમાનો માટે એક સરખો નથી. કેટલાક વોહરા મુસલમાનો ઉત્તરાધિકારીની બાબતમાં હિન્દુ કાયદા અને સિદ્ધાંતોનું પાલન કરે છે. તો સંપત્તિ અને ઉત્તરાધિકારીની બાબતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમોથી આગળ વધીએ અને વાત કરીએ પૂર્વોત્તર ભારતના ખ્રિસ્તીઓની બહુમતીવાળા નાગાલેન્ડ અને મિઝોરમ જેવાં રાજ્યોની તો એમના પાછા પોતાના જુદા જ પર્સનલ લો છે અને ત્યાં તેમના ધર્મનું નહીં, પણ પ્રથાઓનું પાલન કરવામાં આવે છે.
મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગોવાની વાત કરીએ તો ગોવામાં ૧૮૬૭નો સમાન નાગરિક કાયદો છે અને આ જ કાયદો ત્યાં વસતા દરેક સમુદાયના લોકોને લાગુ પડે છે, પરંતુ કેથોલિક ખ્રિસ્તીઓ તથા બીજા કેટલાક સમુદાયો માટે પોતાના અલગ નિયમો છે અને આવા જ એક કાયદા વિશે વાત કરીએ તો ગોવામાં જ હિન્દુ બે લગ્ન કરી શકે છે. ભારતમાં યુસીસી કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામાન્ય રુચિનો મુદ્દો બની રહ્યો છે. ૧૯૭૦થી રાજ્ય સરકારો દ્વારા પોતાના કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. ઘણાં વર્ષો પછી ૨૦૦૫માં કાયદામાં એક સુધારો કરવામાં આવ્યો હતો અને એ પછી વર્તમાન સેન્ટ્રલ હિન્દુ પર્સનલ લૉમાં દીકરીઓને પણ પૂર્વજોની સંપત્તિમાં દીકરા જેટલો જ અધિકાર આપવામાં આવ્યો હતો. કાયદામાં સુધારો કરવામાં આવ્યો એ પહેલાં જ ઓછામાં ઓછાં દેશનાં પાંચ રાજ્યોએ તો પોતાના કાયદાઓમાં પહેલેથી જ ફેરફાર કરી નાખ્યો હતો.
હવે વાત કરીએ કે આખરે આ પર્સનલ લૉ અલગ અલગ મુદ્દા પર એકબીજાથી જુદા કઈ રીતે પડે છે એની. બાળક દત્તક લેવાની બાબતનો વિચાર કરીએ તો હિન્દુ પરંપરા મુજબ ધર્મનિરપેક્ષ અને ધાર્મિક બન્ને હેતુસર કોઈને પણ દત્તક લઈ શકાય છે, કારણ કે સંપત્તિનો વારસદાર દીકરો જ હોઈ શકે છે અને પરિજનોના અંતિમસંસ્કાર દીકરો જ કરી શકે છે. બીજી બાજુ ઈસ્લામી કાયદાની વાત કરીએ તો તેમાં બાળક દત્તક લેવાની મંજૂરી જ આપવામાં આવી નથી, પરંતુ આ જ ભારતમાં એક ધર્મનિરપેક્ષ જુવેનાઇલ જસ્ટિલ લૉ નામનો કાયદો છે, જે દેશના નાગરિકોને ધર્મની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના બાળકને દત્તક લેવાની પરવાનગી આપે છે.
નિષ્ણાતો ખુદ એ બાબતે પણ આશ્ર્ચર્ય વ્યક્ત કરે છે કે એકસમાન કાયદા એટલે કે યુસીસીનો અમલ કરવામાં આવશે તો બાળક દત્તક લેવાના નિયમ બનાવતી વખતે કેવા તટસ્થ સિદ્ધાંતો હશે? આ બાબતે કાયદાના નિષ્ણાતો ખુદ એવો સવાલ કરે છે કે આ નિયમ બનાવતી વખતે ‘કયા સિદ્ધાંતનો અમલ કરવામાં આવશે – હિન્દુ, મુસ્લિમ કે પછી ખ્રિસ્તી?’
યુસીસીમાં પાયાના કેટલાક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ આપણે કરવો પડશે, જેમ કે લગ્ન અને છૂટાછેડાના માપદંડ શું હશે? બાળક દત્તક લેવાની પ્રક્રિયા અને પરિણામ શું હશે? તલાકના કિસ્સામાં ભરણપોષણ કે સંપત્તિના વિભાજનના અધિકાર શું હશે? આખરે સંપત્તિના ઉત્તરાધિકારના નિયમ શું હશે?
નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આ બાબતે રાજકારણ રમાશે, જે આસાનીથી આંચકો આપી શકે છે. સરકાર ધર્માંતર કાયદા અને યુસીસી વચ્ચે સુમેળ કેવી રીતે સાધશે? યુસીસી વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો વચ્ચે લગ્નની સ્વતંત્ર રીતે મંજૂરી આપે છે, જ્યારે ધર્માંતરણનો કાયદો આંતર-ધાર્મિક લગ્નો પર અંકુશ લાવવાની પેરવી કરે છે.
દેશની સર્વોચ્ચ ન્યાયવ્યવસ્થા ગણાતી સુપ્રીમ કોર્ટ ખુદ પણ યુસીસીના મુદ્દે અસ્પષ્ટ જણાતી હોય તો આશ્ર્ચર્ય પમાડે એવી બાબત નથી, કારણ કે છેલ્લાં ચાળીસ વર્ષમાં આપવામાં આવેલા અલગ અલગ ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે ‘રાષ્ટ્રની અખંડિતતા’ માટે એકસમાન નાગરિક સંહિતાને અમલી બનાવવા માટે સરકારને પ્રોત્સાહન આપ્યું છે. ૨૦૧૮માં સરકારને કાયદાકીય ફેરફારો માટે સલાહ આપતી સંસ્થાએ જણાવ્યું હતું કે યુસીસી જરૂરી પણ નથી અને ઇચ્છનીય પણ નથી.
જોકે યુસીસી જાદુઈ ગોળી નથી એ વાત પણ દીવા જેટલી સ્પષ્ટ છે. કાયદાની એકરૂપતાથી તેનું મૂલ્ય વધતું નથી. વાસ્તવમાં તેનું પોતાનું જ આગવું મૂલ્ય હોય છે. એક સારો કાયદો સ્પષ્ટ અને બંધારણીય હોય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.