યુવાન સરપંચની દીર્ઘદૃષ્ટિથી ગામ બન્યું પ્લાસ્ટિક મુક્ત અને શુદ્ધ પાણી યુક્ત

લાડકી

કવર સ્ટોરી -અનંત મામતોરા

આઝાદીનાં પંચોતેર વર્ષો પછી પણ ભારતનાં ગામડાંઓના ખસ્તા હાલ માટે જેટલો ભ્રષ્ટાચારને જવાબદાર ગણવામાં આવે છે, તેટલા જ વર્ષોથી ખુરશી પર ચોંટેલા અભણ અને દીર્ઘદૃષ્ટિ-વિહીન નેતાઓને પણ ગણવામાં આવે છે, પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. ભણેલીગણેલી નવી પેઢીનો પ્રવેશ રાજનીતિ અને વહીવટના ક્ષેત્રે તાજગીનો અનુભવ કરાવે છે, સાથે સાથે સમસ્યાઓના ઉકેલ બાબત એક નવી દૃષ્ટિ પણ લાવ્યો છે.
૫ જૂન આપણે વિશ્ર્વ પર્યાવરણ દિવસરૂપે ઊજવીએ છીએ ત્યારે એક યુવાન સરપંચની પહેલ અને દીર્ઘદૃષ્ટિથી કઈ રીતે ભારતનું એક ગામડું ન માત્ર પ્લાસ્ટિક મુક્ત થયું, પણ ગંદા પાણીને પ્રક્રિયા દ્વારા પીવા માટે લાયક અને વાપરવા લાયક બનાવાયું તેની વાત આપણા બધા માટે પ્રેરણાદાયક છે.
રાજસ્થાનમાં જન્મેલી અને દિલ્હીમાં ઊછરેલી પ્રિયંકા તિવારી આમ તો અન્ય છોકરીઓ જેવી સામાન્ય જ છે. ભણીગણીને લગ્ન કરીને ઠરીઠામ થવું એ પરિવારની પરંપરા મુજબ ૨૦૧૯માં તેનાં લગ્ન ઉત્તર પ્રદેશના રાજપુર ગામમાં થયાં. દિલ્હી જેવા શહેરથી ગામડામાં આવેલી પ્રિયંકાના મનમાં પહેલી નજરે ગામની છાપ સ્વાભાવિક રીતે જ સારી નહોતી પડી. યોગ્ય વ્યવસ્થાઓ, તંત્ર અને કાર્યપદ્ધતિનો અભાવ ઊડીને આંખે વળગે તેવો હતો. ગામમાં કચરાના નિકાલની વ્યવસ્થા પણ નહોતી, નાળાં તૂટેલાં હતાં, ગામમાં સ્મશાન પણ નહોતું. એક શહેરમાં ઊછરેલી છોકરી માટે આ બધું અકળાવનારું હતું.
જનસંપર્કના વિષયની સ્નાતક પ્રિયંકા સામાજિક રીતે જાગૃત હતી, એટલે આ પરિસ્થિતિમાં બદલાવની તેને જરૂરિયાત લાગી. પોતાનાં સાસુ-સસરા સાથે તે આ બાબતે ચર્ચા પણ કરતી હતી. તેનો પતિ એક વેપારી છે, સસરા પ્રોફેસર અને સાસુ શિક્ષક છે, એટલે તેઓ પ્રિયંકાની વાત સાથે સહમત પણ હતાં અને તેને ટેકો પણ આપતાં હતાં. ૨૦૨૧માં જ્યારે પંચાયત ચૂંટણીની ઘોષણા થઈ ત્યારે પ્રિયંકાના સસરાને લાગ્યું કે પ્રિયંકા માટે પોતાની લગન અને ક્ષમતા બતાવવાનો આ એક યોગ્ય મોકો છે. ‘જો ગામમાં પરિવર્તન લાવવું હોય તો આ સોનેરી અવસર છે,’ સસરાએ પુત્રવધૂને કહ્યું. સસરાની પ્રેરણાથી ૨૯ વર્ષની પ્રિયંકા સરપંચની ચૂંટણી લડી અને જીતી પણ ખરી! શપથ વિધિ પત્યાના બીજા જ દિવસે રાજપુર ગ્રામ પંચાયતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો. જોકે તે જાણતી હતી કે વર્ષોથી પ્લાસ્ટિક વાપરવા ટેવાયેલું ગામ રાતોરાત બંધ તો ન કરી દે. આ એક લાંબી પ્રક્રિયા રહેવાની હતી. પહેલા કદમ તરીકે પંચાયતે ગામના દુકાનદારો, ફેરિયાઓ અને ઘરોમાં કપડાંની થેલીઓ વિતરિત કરી. બીજું, પ્લાસ્ટિકના વપરાશ પર દંડની ઘોષણા કરી. પહેલી વાર માટે રૂપિયા ૫૦૦, બીજી વાર માટે ૧,૦૦૦ અને ત્રીજી વારમાં દુકાનદારનું લાઇસન્સ કેન્સલ! તેની સમાંતરે પ્લાસ્ટિકથી પર્યાવરણ અને આરોગ્યને થતા નુકસાનને સમજાવવા ગામમાં બેઠકોનું આયોજન પણ કર્યું. આ પગલાંઓથી લગભગ ૩૦થી ૩૫ ટકા પ્લાસ્ટિક ઓછું થયું. તે સિવાયએક દૂરંદેશીભર્યું પગલું લેવાયું. બાળકોના નાસ્તાના પેકેટ અને ચોકલેટ રેપર્સ પણ પ્લાસ્ટિકના કચરામાં નોંધનીય હોય છે. એટલે બાળકોને આ બધું ભેગું કરીને બે રૂપિયા પ્રતિ કિલો કમાવા પ્રોત્સાહન આપ્યું. સ્કૂલ અને કોલેજમાં પણ જાગૃતિ અભિયાન ચલાવ્યું. તેના પરિણામે પ્લાસ્ટિક ૭રથી ૭૫ ટકા ઓછું થયું.
‘મારું લક્ષ્ય આ ટકાવારી બે વર્ષમાં ૯૫ ટકા સુધી પહોંચાડવાની છે. હું આશા રાખું છું કે વયસ્કો અને બાળકો બંને માટે ચલાવાયેલા જાગૃતિ અભિયાનથી આ પ્રક્રિયા મારો સરપંચ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયા પછી પણ ચાલુ રહેશે,’ પ્રિયંકા કહે છે.
દરેક ગામમાં ‘પ્લાસ્ટિક બેંક’ સ્થાપવામાં આવેલી. હવે પ્રિયંકાના કામમાંથી પ્રેરણા લઈને ઉત્તર પ્રદેશ સરકારે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરૂ કર્યાં છે. ભેગું કરેલું પ્લાસ્ટિક પ્રક્રિયા કરીને દાણામાં ફેરવાશે અને પછી જાહેર બાંધકામ વિભાગને અપાશે, જેનો ઉપયોગ રોડના બાંધકામમાં કરવામાં આવશે. પ્લાસ્ટિક ઉપરાંત દૂષિત પાણી પર પ્રક્રિયા માટે ગામના ચારેય ખૂણામાં ચાર શોષ ખાડા, જેને ઈંગ્લિશમાં જજ્ઞફસ ઙશિં કહેવાય છે, તે બનાવ્યા. હજી તેને ગયાના તળાવ સાથે જોડવામાં આવ્યા નથી, પણ તેનો ઉપયોગ ભૂગર્ભ જળસિંચન માટે થાય છે. ‘અમે ગામમાં એક કાંપ ગાળણ કેન્દ્ર સ્થાપીને પછી આ ખાડાઓ ગામના તળાવ સાથે જોડવા પ્રયત્નશીલ છીએ અને પછી આ જળનો ઉપયોગ સિંચાઈ માટે થઈ શકે,’ પ્રિયંકાએ સમજાવ્યું.
ગામની અન્ય મોટી સમસ્યા એટલે સ્મશાનનો અભાવ. તેઓ જણાવે છે, ‘એક વાર દિલ્હીથી ગામ પાછા આવતાં મેં જોયું કે એક પરિવાર ધોધમાર વરસાદમાં પોતાના સ્વજનનો મૃતદેહ લઈને લાચાર ઊભો હતો, એ રાહમાં કે વરસાદ રોકાય તો અંતિમક્રિયા કરી શકાય. આ જોઈને ગામમાં સ્મશાનની કેટલી તાતી જરૂર છે તેનો મને અહેસાસ થયો. તેનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે અને એકાદ મહિનામાં તે તૈયાર થઈ જશે.’
એક વર્ષમાં આટલાં મહત્ત્વનાં કર્યો પૂરાં કરનાર પ્રિયંકાએ પંચાયતમાં એક લાઇબ્રેરી પણ બનાવી છે. પ્રિયંકા કહે છે, ‘પંચાયતમાં ઘણાં કાર્યો ચાલતાં હોવાથી ત્યાં પુસ્તકો રાખી શકાય તેવું નથી. અમે આ માટે કોઈ નાણાં અને પુસ્તકોના દાનની રાહ જોઈએ છીએ જેથી યોગ્ય લાઇબ્રેરી બની શકે.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.