મોબાઇલ બન્યો મહિલા સશક્તીકરણનું પ્રતીક

લાડકી

લાઈમ લાઈટ-વીણા ગૌતમ

તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (૨૦૧૯-૨૦૨૧)ના આંકડા જણાવે છે કે દેશના જે વિસ્તારોમાં વધારે મહિલાઓ પાસે મોબાઇલ છે તે મહિલાઓ એ વિસ્તારોની મહિલાઓ કરતાં વધારે સ્વતંત્ર અને આર્થિક રીતે પગભર છે, જ્યાં ઓછી સંખ્યામાં મહિલાઓ પાસે મોબાઇલ છે. જો એમ કહેવામાં આવે કે મોબાઇલ મહિલાઓના સશક્તીકરણનું પ્રતીક થઈને સામે આવ્યો છે તો આ વાતમાં જરા પણ અતિશક્યોક્તિ નથી. દેશમાં સૌથી વધારે મોબાઇલ ધરાવતી મહિલા ગોવામાં છે અને એ સંજોગ નથી કે ગોવાની મહિલાઓ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની મહિલાઓ કરતાં વધારે હરેફરે છે અને પુરુષોની જેમ ઇવનિંગ ટાઇમ પણ માણે છે. તેઓ બીજા પ્રાંતોની મહિલાઓ કરતાં આર્થિક નિર્ણય લેવામાં વધારે સ્વતંત્રતા ધરાવે છે. રાજસ્થાન સરકારે મહિલાઓના સશક્તીકરણ અને મોબાઇલ વચ્ચેનો સંબંધ સમજી લીધો છે, આથી સરકારે ચિરંજીવી યોજના અંતર્ગત ૧.૩૩ કરોડ મહિલાને ફ્રી સ્માર્ટ મોબાઇલ આપવાનો નિર્ણય કર્યો છે.
દેશમાં મહિલાઓ પાસે મોબાઇલ ફોન હોવાનો જે સરેરાશ રાષ્ટ્રીય રેકોર્ડ છે તે ૫૪ ટકા છે એટલે કે દેશમાં ૫૪ ટકા મહિલાઓ પાસે મોબાઇલ ફોન છે. ગ્રામીણ અને શહેરી મહિલાઓ વચ્ચેનો તફાવત ચકાસીએ તો શહેરમાં લગભગ ૭૦ ટકા મહિલાઓ પાસે મોબાઇલ ફોન છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં ૪૫ ટકા મહિલાઓ પાસે પોતાનો મોબાઇલ ફોન છે. સવાલ એ છે કે મોબાઇલ આખરે મહિલાઓને કઈ રીતે સશક્ત કરી શકે છે. મોબાઇલે મહિલાઓને ઘણા પ્રકારની તાકાત આપી છે. સૌથી પહેલી વાત એ છે મોબાઇલને લીધે તે માત્ર લોકો સાથે સ્વતંત્ર થઈને વાત જ કરી શકે છે તેટલું જ નહીં, તેના દ્વારા ઘણા પરિચિત-અપરિચિત લોકો સાથે મિત્રતા રાખી શકે છે અથવા તો તેના નિયમિત સંપર્કમાં રહે છે.
આજની તારીખમાં મહિલાઓની જ નહીં, સમાજના કોઈ પણ વિભાગની પ્રગતિનું મોબાઇલ એક વ્યાવહારિક પ્રતીક છે, પરંતુ મહિલાઓ પાસે મોબાઇલ હોવો માત્ર એક ફોન હોવાનું નથી, પણ દેશદુનિયા સાથે રૂબરૂ થવાનું માધ્યમ પણ છે. દેશમાં જેટલા મોબાઇલ ફોન છે, તેમાંથી ૭૫ ટકા સ્માર્ટ ફોન છે, તેથી ઈન્ટરનેટ પણ તેમાં ચાલે છે. ઈન્ટરનેટ હાલમાં સસ્તું થયું છે તેથી મહિલાઓ માટે જાણે આખા બ્રહ્માંડના દરવાજા ખૂલી ગયા છે. આ અકારણ નથી કે ભારતના જે વિસ્તારોમાં મોબાઇલ વધારે છે ત્યાં આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક ઉન્નતિ વધારે છે, જ્યારે જ્યાં નથી તે વિસ્તારો પછાત છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં માત્ર ૪૬.૫ ટકા મહિલાઓ પાસે જ મોબાઇલ છે. આ જ રીતે પશ્ર્ચિમ બંગાળમાં પણ ૫૦ ટકા મહિલાઓ પાસે જ મોબાઇલ છે. બિહારમાં ૫૧ ટકા, હરિયાણામાં ૫૦, પંજાબમાં ૬૧.૨ ટકા, રાજસ્થાનમાં ૫૦.૨ ટકા અને મધ્ય પ્રદેશમાં ૩૮.૫ ટકા મહિલાઓ પાસે મોબાઇલ ફોન છે.
જ્યારે લદ્દાખમાં ૮૧.૨ ટકા, સિક્કિમમાં ૮૮.૬ ટકા, નાગાલેન્ડમાં ૮૨.૫ ટકા, મિઝોરમમાં ૮૨.૩ ટકા, અરુણાચલ પ્રદેશમાં ૭૬.૪ ટકા, મણિપુરમાં ૭૨.૨ ટકા, મેઘાલયમાં ૬૭.૫ ટકા મહિલાઓ મોબાઇલ રાખે છે. પૂર્વોત્તરનો સમાજ વધારે પ્રગતિશીલ અને ખુલ્લા વિચારોવાળો છે. અહીં મહિલા પાસે વધારે આર્થિક અધિકાર છે. કામકાજ, કારોબાર વગેરેમાં આ મહિલાઓ પુરુષો કરતાં આગળ છે. આને લીધે અન્ય વિસ્તારો કરતાં આ વિસ્તારની મહિલાઓ પાસે ફોન વધારે છે.
એમ નથી કે મોબાઇલ એકમાત્ર મહિલાઓના સશક્તીકરણનું પ્રતીક છે, પરંતુ એ વાત બેમત છે કે મોબાઇલ ધરાવતી મહિલાઓ વધારે જાગૃત, વધારે કમાણીની સંભાવનાવાળી અને વધારે પ્રગતિશીલ છે. મોબાઇલે મહિલાઓને માત્ર વાત કરવાની સુવિધા જ આપી છે તેવું નથી, પણ તેમને એક ભાવનાત્મક અનુભૂતિ અને એક અનુભવની તાકાત આપી છે જે ખાસ છે.
મોબાઇલ ફોને મહિલાઓ માટે એક સ્વતંત્ર અને મૌલિક દુનિયા શોધી છે, જ્યાં મહિલાઓ પોતાના મનને સમજી શકે છે, પોતાના લોકો સાથે સંપર્કમાં રહી શકે છે અને પોતાની એક એવી દુનિયા બનાવી શકે છે જેની મોબાઇલ પહેલાં કલ્પના પણ થઈ શકતી નથી. ખરું કહીએ તો ઈન્ટરનેટે મહિલાઓને વર્ચ્યુઅલ આઝાદી આપી છે અને આ આઝાદી માત્ર ભાવનાત્મક નથી. આ પોતાની કારકિર્દીને ઉપર લાવવાનું, કમાણી વધારવાનું અને પોતાની પ્રતિભાને આગળ લાવવાનું પણ માધ્યમ છે. મોબાઇલે મહિલાઓને માત્ર પોતાનું કહેવાની નહીં, પરંતુ અન્યોને જાણવાની-સમજવાની-સાંભળવાની તક પણ આપી છે. હા, એ સાચું કે એના દુરુપયોગથી ઘણી અડચણો પેદા થઈ છે, પણ આજે એવું કયું ક્ષેત્ર છે જેનો દુરુપયોગ નથી થતો. મહિલાઓને મોબાઇલ ફોને મજબૂત કરી છે.
મોબાઇલે મહિલાઓને સ્વતંત્રતા આપી છે તેનો એક પુરાવો એ છે કે પુરુષો નથી ઈચ્છતા કે મહિલાઓ છૂટથી મોબાઇલ વાપરે જે રીતે તે લોકો વાપરે છે. જોકે આ તમામ ક્ષેત્રના પુરુષોનો ખ્યાલ નથી. છતાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, રાજસ્થાન જેવાં અનેક રાજ્યોમાં ખાપ પંચાયતોએ મહિલાઓના મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમાજના તમામ પારંપરિક સુધારક વ્યંગમાં મોબાઇલને મહિલાઓને બગાડનારો માને છે. આ વાતો અને કોશિશો પણ સાબિત કરે છે કે મોબાઇલે મહિલાઓની દુનિયા બદલી નાખી છે. આ વાતનું રિફ્લેકશન ફેમિલી હેલ્થ સર્વેમાં પણ જોવા મળે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.