મોદી સરકારે પડકારો વચ્ચે કરેલા પરિવર્તન: પરીક્ષા ચાલુ છે અને રહેશ

ઉત્સવ

સ્પેશિયલ-જયેશ ચિતલિયા

મોદી સરકારે પડકારો વચ્ચે કરેલા
પરિવર્તન: પરીક્ષા ચાલુ છે અને રહેશે
નરેન્દ્ર મોદી સરકારના આઠ વરસની કામગીરીની સમીક્ષા-તેની ટીકા-ટિપ્પણ ચાલુ છે. અનેકવિધ અવરોધો, પડકારો અને પરીક્ષા વચ્ચે સરકારે પરિવર્તનના પવનને ચાલુ રાખ્યો છે. ખૂબ ટીકાઓ થઈ અને ભરપુર પ્રસંશા પણ થઈ. ભારતીય અર્થતંત્ર ત્રણ વરસ કોવિડ સામે લડયા બાદ હાલ ગ્લોબલ સંજોગોને કારણે સર્જાયેલી પરિસ્થિતિ સામે લડી રહી છે. હવેની લડાઈ મોંઘવારી સામે છે. રિઝર્વ બેંક તેમાં સતત સાથ પુરાવી રહી છે. આ યુધ્ધ લાંબું ચાલશે એવા એંધાણ છે. જેની સામે લડતા રહી સરકાર દેશને વિકાસ માર્ગે આગળ લઈ જવા સતત પ્રયત્નશીલ છે.
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વરસની કામગીરીના જમા-ઉધાર પાસાં-પરિબળો મુલવાઈ રહ્યાં છે. જેવી જેની દ્રષ્ટિ અને અભિગમ, પૂર્વગ્રહ કે અનુગ્રહ, અંતિમવાદ કે ભકિતવાદ, પ્રસંશા કે ટીકા, ઘણુંબધું થઈ રહ્યું છે. કિંતુ આ બધા વચ્ચે નરેન્દ્ર મોદી તેમનું કામ એ જ જોશથી કરી રહ્યા છે. રાજકીય, સામાજિક અને આર્થિક મોરચે સતત લડી રહ્યા છે. વિશ્ર્વમાં ભારતનું નામ, ઈમેજ, પ્રતિષ્ઠા એક નવી ઊંચાઈ સર કરી રહ્યા છે એ વાતને મોદીના દુશ્મનો-વિરોધીઓએ પણ માનવી પડે.
મોદીના આ સમયમાં ભારતના વિદેશો સાથેના સંબધોએ એક નવી ગરિમા ધારણ કરી છે, મોદી જ્યાં-જ્યાં જાય છે ત્યાં ભારતના સકારાત્મક નારા બોલાય છે. વંદે માતરમના પોકારો અલગ ઉમંગથી ઉચ્ચારાય છે. તાજેતરના અભ્યાસ મુજબ અનેક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. પાંચ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનતા ભારતને હજી વાર લાગશે, કિંતુ માર્કેટ કેપની દ્રષ્ટિએ ગ્લોબલ માર્કેટ કેપમાં ભારતે પોતાનું પાંચમું સ્થાન બનાવી લીધું છે. જેનો યશ મોદી સરકારના આર્થિક સુધારાના પગલાંને આપવો રહ્યો. સ્ટોક માર્કેટને ઈકોનોમીનું બેરોમીટર માનીએ કે ન માનીએ, ભારતનું સ્થાન ગ્લોબલ ઈક્વિટી માર્કેટ કેપમાં છેલ્લા ત્રણ મહિનામાં ૩.૧ ટકા જેટલું થયું છે. માર્કેટ વેલ્યૂ-માર્કેટ કેપની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને યુએસએ છે, બીજા સ્થાને ચીન, ત્રીજા જપાન, ચોથા હોંગકોંગ અને પાંચમા સ્થાને ભારત આવ્યું છે.
છેલ્લા અમુક મહિનાઓમાં સર્જાયેલી ગ્લોબલ સમસ્યા દરમ્યાન ઘટેલા અન્ય દેશોના બજારોની તુલનાએ ભારત એકમાત્ર એવું બજાર રહ્યું છે, જે સૌથી ઓછું ઘટયું છે, જે તેની મજબૂત ક્ષમતાનો સારો સંકેત આપે છે. વિતેલા એક દાયકામાં ભારતનું માર્કેટ કેપ ૧૨.૧ ટકા વધ્યું છે, કે ગ્લોબલ ઈક્વિટી માર્કેટ કેપ ૮.૪ ટકા વધ્યું છે. વિતેલા અમુક મહિનાઓમાં વિદેશી રોકાણ વિપુલ પ્રમાણમાં પાછું ખેંચાયું છે, પણ સ્થાનિક રોકાણ સતત વૃદ્ધિ પામ્યું છે, સ્થાનિક રોકાણનું વધતું જોર સારા સંકેત ગણાય.
ફાસ્ટેસ્ટ ઈકોનોમી ખરેખર?
નાણાકીય વરસ ૨૦૨૧-૨૨માં પણ ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું હોવાનું અભ્યાસ કહે છે, જો કે ઘણાં અર્થશાસ્ત્રીઓ તેને ગિમિકસ કે અધ્ધરતાલ ગણે છે. આ નકકર વિકાસ નહીં હોવાનું માને છે. આ વિભિન્ન માન્યતા કે મતભેદોને બાજુએ મૂકી આંકડાઓ તરફ નજર કરીએ તો ઉત્પાદન અને સર્વિસ સેકટરનો ગ્રોથ ઊંચો રહયો છે, ખાસ કરીને સર્વિસ સેક્ટરની વૃદ્ધિ નોંધપાત્ર છે. ચોથા કવાર્ટરમાં ગ્લોબલ તનાવ-અનિશ્ર્ચિતતાને લીધે માત્ર ૪.૧ ટકા રહેલો જીડીપી ગ્રોથ આખા વરસમાં ૮.૭ ટકા જેવો અંદાજાયો છે. સરકાર તરફથી કેપિટલ ખર્ચ ચાલુ રહ્યો છે. તેમ છતાં રોજગાર સર્જનના મામલે ભારતે ઘણું કરવાની જરૂર છે.
નકારાત્મક પાસાં
કેટલીક નેગેટિવ બાજુઓ પર નજર કરીએ તો સરકાર હજી જીએસટીને સ્થિર અને ગુંચવણમુકત કરી શકી નથી, તેમાં હજી ક્ધફયુઝન ચાલુ છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસની જેટલા જોરશોરથી જાહેરાત થાય છે તેના કરતા તેના અમલમાં ભારે વિલંબ થાય છે, જેને કારણે આશરે હાલ સેંકડો ઈન્ફ્રા પ્રોજેકટસ વિલંબમાં હોવાને કારણે તેનો ખર્ચ ભરપૂર પ્રમાણમાં વધી ગયો છે. જમીન અને શ્રમ કાયદાના સુધારા હજી અદ્ધર લટકી રહ્યા હોવાથી ઘણી બાબતોમાં અવરોધ ઊભા થાય છે. બેરોજગારીની સમસ્યા મોટો બોજ બની છે. રશિયા-યુક્રેન યુદ્ધનો ક્યાંક તો અંત છે, પરંતુ ભારતમાં ધર્મના નામે ચાલતી રાજકીય લડાઈનો અંત ક્યાંય દેખાતો નથી, જે દેશને ભીતરથી કોતરી રહી છે. મોદી સરકાર પાસે જ આનો કાયમી અંત લાવવાની આશા રાખી શકાય. કેન્દ્ર અને રાજયોના વિવાદ તેમ જ રાજકીય કાવાદાવા-રમતો આખરે તો દેશના વિકાસને હાનિ પહોંચાડે છે. કિંતુ આ મામલે દરેક જણ પોતાની સત્તાનું ગણિત જ ચલાવે છે.
રાજકીય-સામાજિક સમસ્યાના ઉકેલ
કેટલીક રાજકીય-સામાજિક બાબતો પર નજર કરીએ તો બીજી ટર્મના પડકારરૂપ ત્રણ વરસમાં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવી, જમ્મુ-કાશ્મીર અને લદાખને નવો દરજજો આપ્યો. અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું શરૂ કરીને આ વચનનો અમલ કર્યો, જે હવે ૨૦૨૩માં પૂરું થવાની ધારણા છે. આઝાદીના ૭૫ વરસ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન જાહેર કરીને નવી પહેલ ભરી, જેણે રાષ્ટ્રને નવી ગરિમા આપવાનું કામ કર્યુ છે. કોવિડની બંને લહેર દરમ્યાન ગરીબ વર્ગના આશરે ૮૦ કરોડ લોકોને વિનામુલ્ય અનાજ આપીને પણ વિક્રમ કર્યો. ભારતે સ્થાનિક સ્તરે કોવિડની વેક્સિન બનાવીને પોતાની પ્રજા ઉપરાંત અન્ય દેશોને પણ સહાય કરી, જે એક અભૂતપૂર્વ ઘટના અને સિદ્ધિ કહી શકાય. આ ઉપરાંત આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબો માટે ઓફર કરીને અત્યાર સુધીમાં ૨૨ કરોડ લોકોને તેમાં નોંધી લીધા છે, જેમને સરકારી નેજા હેઠળ હેલ્થ ઈન્સ્યુરન્સ સપોર્ટ મળશે. ખેડૂતોના ખાતામાં દર વરસે ૬૦૦૦ રૂપિયા જમા કરાવવાનું પાલન કર્યુ. વિવાદાસ્પદ કૃષિ કાનૂન પાછો ખેંચી લીધો, એફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ્સ મારફત આશરે બે કરોડ લોકોને ઘર ઉપલબ્ધ બનાવ્યા. તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમ્યાન ભારતીયોને યુક્રેનથી રેસ્કયુ કર્યા. હવે ઘેર-ઘેર પાણી-વીજળી પહોંચાડવાનું લક્ષ્ય પૂરું કરવાનું છે.
આર્થિક મોરચે અનેકવિધ સુધારાના પગલાં ભરીને આર્થિક વિકાસને નવું બળ પૂરું પાડ્યું. જેમાં પ્રોડકશન લિન્કડ પ્રોત્સાહન સ્કિમ, નાના-મધ્યમ એકમો માટે સહાય યોજના, પ્રગતિલક્ષી બજેટ સહિતના અનેકવિધ કદમનો સમાવેશ થાય છે. મોદી સરકારે કોવિડ-૧૯ની ત્રણેય લહેરોને પાર પાડી, તેમાં લોકોને સહાયરૂપ થઈને આ વિકરાળ સમસ્યાનો સામનો કરી જગતને એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું, પરંતુ એ પછી પણ મોદી સરકાર સામે ઘણાં સવાલો-સમસ્યા ઊભા છે. જેમાં હાલ મોંઘવારી સૌથી મોટી-ગંભીર સમસ્યા અને પડકારો ઊભા છે.
રિઝર્વ બેંકનું ફોકસ ઈન્ફલેશન
અત્યારના સંજોગોમાં સરકારની સાથે-સાથે રિઝર્વ બેંક સામે પણ મોટા પડકાર આવી ઊભા છે. આ પડકારોને પહોંચી વળવા રિઝર્વ બેંક સતત સક્રિય છે. તેણે ગ્રોથને વધુ વિપરીત અસર ન થાય એ મુજબ ફુગાવાને અંકુશમાં રાખવાનો છે. ગયા બુધવારે પચાસ બેસિસ પોઈન્ટ રેપો રેટ વધારીને ફુગાવાને ક્ધટ્રોલમાં રાખવા વધુ એક કદમ ભર્યુ છે, જે બજારની ધારણા મુજબનું છે. હવે આ રેટ ૪.૯૦ ટકા થયો છે. હજી મે મહિનામાં જ તેણે અચાનક ૪૦ બેસિસ
પોઈન્ટનો વધારો કર્યો હતો, આમ બે મહિનાથી પણ ઓછા સમયમાં ૯૦ બેસિસ પોઈન્ટનો વ્યાજ વધારો અમલી બન્યો છે. આની ધિરાણ પર અસર થશે, કેટલીક ચીજો અને સર્વિસીસ મોંઘી બનશે. જો કે રિઝર્વ બેંકે વરસ ૨૦૨૨-૨૩ માટે જીડીપી ગ્રોથ રેટનો અંદાજ ૭.૨ ટકા જાળવી રાખ્યો છે. જયારે કે વિશ્ર્વ બેંકે ભારતના જીડીપીની ધારણા ૭.૫ ટકા મૂકી છે. રિઝર્વ બેંકે આની સામે ઈન્ફલેશન રેટનો અંદાજ ૫.૭ ટકાથી વધારીને ૬.૭ ટકા કરાયો છે. આ અંદાજનો આધાર ક્રૂડનો ભાવ ૧૦૫ ડૉલર આસપાસ રહે અને ચોમાસું સામાન્ય રહે એના પર છે. અર્થાત, જો આમાં વિપરીત સંજોગો જોવાયા તો મોંઘવારી વધુ ઊંચે જવાનો ભય રહેશે. રિઝર્વ બેંકે પર્યાપ્ત પ્રવાહિતા ઉપલબ્ધ રાખવાની ખાતરી આપી છે. વર્તમાન સંજોગોમાં રિઝર્વ બેંકની ભૂમિકા વધુ અહમ અને સંવેદનશીલ બની છે. દરમ્યાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલને ફુગાવો ઊંચો રહેવાની ધારણા મૂકી છે. અમેરિકા તેની ફુગાવાની ધારણા ઊંચી મૂકે એવી શક્યતા પણ છે. સમય હજી વધુ પડકારો અને પરીક્ષાનો છે, પણ પરિવર્તનનો દોર ચાલુ રહેશે એવી આશા અને વિશ્ર્વાસ ઊંચા રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.