મોજ કરવા કારણ જોઈએ?

વીક એન્ડ

મસ્ત રામની મસ્તી-મિલન ત્રિવેદી

આનંદ કરવા માટે કોઈ કારણની જરૂર પડે, પણ જેને મોજ કરવી જ છે, આનંદ કરવો જ છે તે કારણ પણ ગમે ત્યાંથી શોધી લે, જેમ કે સટ્ટો રમવાવાળા ક્રિકેટ મેચની રાહ ન જુએ. એકબીજાનાં ચંપલ હવામાં ઉછાળી અને ચત્તું પડશે કે બઠ્ઠું તેના પર શરત મારી હાર-જીત કરી લેતા હોય છે. પીવાવાળા પણ કોઈ પ્રસંગની રાહ નથી જોતા, પરંતુ આજે બહુ ગમગીની, દુ:ખ છે ખોલ બોટલ, આજે ખૂબ આનંદ છે ખોલ બોટલ, આજે કાંઈ કામ નથી ખોલ બોટલ, આજે ખૂબ કામ કર્યું થાકી ગયા ખોલ બોટલ. એમ મોજ કરવાવાળા ગમે ત્યાંથી કારણ શોધી મોજ કરી લેતા જ હોય છે. ભાવનગર રહેતા અમારા વડીલ મિત્ર અને કેમિસ્ટ એસોસિયેશનના કર્તાહર્તા પ્રદીપ મહેતાના આ શબ્દો મને હૃદયસોંસરવા ઊતરી ગયા છે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગૂમડાની રૂઝ, ટાઢિયા તાવની ટાઢ, આ બધું અંદરથી આવે. આજે જ સાળંગપુર હનુમાનજી મહારાજના આશીર્વાદ થકી તેમના સાંનિધ્યમાં, પરમ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાનના સંતોના પ્રેમ પ્રતાપે વિશાળ જનમેદની સમક્ષ હાસ્યની રમઝટ બોલી.
અમે તો શું બોલવાના, કાલાવાલા કરીએ, પરંતુ લોકોએ કાર્યક્રમ ખૂબ માણ્યો. કારણ જે નક્કી કરીને બેસે છે કે આજે મજા કરવી છે તો મજા આવે જ. અમારા સત્યન પટેલ, પ્રદીપ મહેતા, જશુભાઈ પટેલ આ બધા તો મોકળા મને હસી શકે છે, કારણ હૃદયથી શુદ્ધ છે. હમણાં તો ‘મુંબઈ સમાચાર’ બસો વર્ષની ઉજવણી કરી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીસાહેબ પણ વખાણ કરતાં થાકતા નથી. તે નિમિત્તે મુંબઈમાં બહુ મોટો જલસો રાખેલ છે, પણ મુંબઈવાસીઓ ત્યારે જ મજા માણી શકશે જ્યારે અંદરથી નક્કી કરે કે ‘મુંબઈ સમાચાર’ને વધાવી લેવું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં પણ અમારા તંત્રી નીલેશ દવે આમંત્રણ આપી ચૂક્યા છે. ચાલો, સાથે મળીને મોજ કરીએ.
બહેનોને એક નમ્ર વિનંતી કરવાની કે વરસાદને જેટલા આનંદથી તમે વધાવો છો એટલા જ આનંદ સાથે ‘વરના સાદ’ને પણ વધાવવો. બિચારો રાજીનો રેડ થઈ જાય. વરસાદની મજા લોકો અલગ અલગ રીતે માણતા હોય છે. જેવો ઝરમર ચાલુ થાય એટલે કોઈને જામ યાદ આવે, કોઈને કોઈ અંગત નામ યાદ આવે, તો કોઈને ખાલી બામ યાદ આવે. જામ અને નામવાળા મોજ માણી શકે, બાકી બામવાળા કચ કચ કરે. અમુક લોકો મોસમ પ્રમાણે સુખી અને દુ:ખી થતા હોય. જેવો વરસાદ પડે એટલે કાયમ હાસ્ય દરબારનું આયોજન કરવાવાળો પણ ફોન કરે કે મિલનભાઈ, એકાદ ગઝલ ગાયકને એરેન્જ કરો. આપણે સરસ મજાનો માહોલ બનાવી અને ગઝલ સાંભળીએ. ગઝલ ગાયક પણ સમજતો હોય કે પાર્ટીના પેટમાં બે પેગ ચાલ્યા ગયા છે એટલે વરસાદનાં ગીત પડતાં મૂકી અને શરાબની ગઝલ શરૂ થાય, પ્રેમભંગની બે-ચાર પંક્તિઓ ગવાય ત્યાં તો કોઈ દિવસ પ્રેમ ન કર્યો હોય તે પણ ગમગીન થઈ જાય. ઉર્દૂ એક ભાષા છે એટલું જ જાણતો હોય છતાં અને એક પણ ઉર્દૂ શબ્દનો અર્થ ન જાણવા છતાં ખાલી આંખમાંથી આંસુ પડવાનાં બાકી હોય એ હદ સુધી ઉદાસ થઈ જાય. એલા ભાઈ, તારે ક્યાં બ્રેકઅપ થયું છે. તેમ છતાં ગઝલના માહોલમાં ગમગીન થતા આજીવન વાંઢાઓને મેં જોયા છે અને આવા ગમગીન થતાને જોઈ મોજ કરતા લોકોને પણ મેં જોયા છે.
અમારા હાસ્યના કાર્યક્રમમાં તો લોકો ખિખિયાટા કરતા હોય છે, પરંતુ અમુક દિવેલ પીધેલાં મોઢાં લઈ અને આગળ બેસી જાય. પછી અમને ગોટાળે ચડાવે. અમને એવું થાય કે અમારી કલા કર્ણની જેમ ખરા સમયે ભુલાઈ ગઈ કે શું? પરંતુ અમે જોક કરીએ ત્યારે તે બીજા દિવસની ઉઘરાણી વિચારતો હોય, અમુક આગલા દિવસે ઘરવાળીએ ઘઘલાવી લીધો હોય તે યાદ કરતા હોય.
અમુક નાની નાની વાતમાં મોજ પડી જાય. હમણાં અંગ્રેજી માધ્યમનો ઉપાડો વધ્યો છે, પરંતુ દરેક અંગ્રેજી શબ્દનું ચોક્કસ ગુજરાતી થતું નથી. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ અને સાથે કોઈ વસ્તુ ફ્રીમાં મળતી હોય તો એમ કહીએને કે એક સાબુ સાથે એક સાબુ મફત. ફ્રી એટલે મફત આવું મેં મારા મિત્ર ચૂનિયાને સમજાવ્યું. એ દિવસે ઘરે બબાલ મચી ગઈ, કારણ કે ચૂનિયાનાં પત્નીએ કહ્યું કે ‘મારી નાની બહેનને ફોન કરીને પૂછી જુઓ કે આ રવિવારે ફ્રી છે કે નહીં.’ ચૂનિયાએ ગુજરાતી બોલવાના આગ્રહ સાથે ફોન કરી અને સાળીને કહ્યું કે ‘આ રવિવારે તું મફત છે?’ કંઈક અર્થના અનર્થ થઈ જાય એટલે અમુક શબ્દો તો અંગ્રેજી પણ બોલવા જોઈએ.
તાજેતરમાં જ એક વરિષ્ઠ પત્રકાર અને લેખક, સાહિત્યકાર સ્વર્ગસ્થ ભૂપતભાઈ વડોદરિયા વિશે એક પરિસંવાદમાં હું ગયેલો, પરંતુ ઓડિયન્સમાં સિનિયર સિટિઝનનું એક ગ્રુપ આવી અને બેસી ગયેલું. આખા કાર્યક્રમ પછી જ્યારે જમવાનું શરૂ થયું ત્યારે મને લાગ્યું કે હવે આ સિનિયર સિટિઝનનો સાચો કાર્યક્રમ ચાલુ થયો. ત્યાં સુધી વક્તાઓ બહુ સારું બોલ્યા, પરંતુ સામે કોઈ પ્રતિસાદ જ ન મળ્યો. કારણ તેમની મોજ જમવામાં હતી, પરિસંવાદમાં નહીં.
સોગિયા મોઢાવાળા ૧૦૦ વર્ષ જીવે તો પણ કોઈ યાદ ન કરે, પણ મોજીલો માણસ ઓછી ઉંમરે જાય તો એની કાણ ઘરે ઘરે મંડાય.
——————
વિચારવાયુ
વિચારવાયુ
એક કાર્યક્રમમાં એક બાળક બહુ ખલેલ પહોંચાડતું હતું એટલે મેં તેની માતાને કહ્યું કે ‘બાળકને ચૂપ કરાવો, મને મજા નથી આવતી.’
બાળકની માતાએ મને કહ્યું કે ‘તે પણ મને ક્યારનો એમ જ કહે છે કે આને…’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.