મોંઘવારી આર્થિક સમસ્યાથી વધે છે, પરંતુ તેનો જન્મ રાજકીય સમસ્યાથી થાય છે!

ઉત્સવ

ઇન્કમ ટેક્સ આવક મર્યાદા મુજબ લાગુ થાય છે તો જીએસટી કેમ ગરીબ-મધ્યમ વર્ગ અને તવંગર બધાને સમાન?

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

મોંઘવારી શબ્દ એક જનરલ પર્સેપ્શન અને વાસ્તવિકતા છે, પરંતુ તેની અસર પ્રજાના વિવિધ વર્ગ પર જુદી જુદી પડે છે. મોંઘવારી હારતી નથી, તેમ છતાં આપણે તેની સામે લડવું પડે અને જીતવું પણ પડે. સરકાર અને રિઝર્વ બેંક તેને અંકુશમાં રાખવા પરંપરાગત માર્ગ અપનાવે છે, જ્યારે કે સમય-સંજોગના પરિવર્તન સામે આ વિષયમાં નવા-નોખા માર્ગ વિચારવા જોઈએ. આવકની મર્યાદાના આધારે પ્રત્યક્ષ વેરો લાગુ પડે છે તો આવકના ધોરણે પરોક્ષ વેરો કેમ નહીં? પ્રજાએ પોતાનું બચત-રોકાણનું કલ્ચર પણ વિકસાવવું જોઈએ. બાકી મોંઘવારીને માત કરવી કઠિન છે
મોંઘવારી વિશે આપણને કાયમ એક ભ્રમમાં રાખવામાં આવે છે કે મોંઘવારી અર્થતંત્રની સમસ્યા છે યા અર્થતંત્રને કારણે ઊભી થાય છે, વધે છે. ખરેખર આ સંપૂર્ણ સત્ય નથી. એ ખરું કે અર્થતંત્રના સંજોગો મોંઘવારીને જન્મ આપે છે, પરંતુ અર્થતંત્રના એ સંજોગોને કોણ જન્મ આપે છે. મોટે ભાગે રાજકારણનાં પરિબળો આ કામ કરે છે. માનો કે ન માનો, પોલિટિક્સ ઈકોનોમિક્સને મેનેજ કરે છે અને મિસમેનેજ પણ કરે છે. હાલ દુનિયાભરમાં મોંઘવારીની બુમરાણ મચી છે તે મૂળ તો રશિયા-યુક્રેનના યુદ્ધમાંથી સર્જાઈ છે, શું આ યુદ્ધ આર્થિક કારણ ગણાય? નહીં, આ એક સીધું અને સ્પષ્ટ રાજકીય કારણ છે. અમેરિકા, ચીન અને યુરોપના દેશોનું રાજકીય કારણ-હિત-લક્ષ્ય છે. આ યુદ્ધ રાજકીય કારણસર ઊભાં થાય છે અને યુદ્ધ રાજકીય કારણોને જન્મ આપે છે તેમ જ આર્થિક પરિબળોને વકરાવે છે. સત્તા પર બેઠેલા લોકો જ્યારે સ્થાપિત હિતોની ફેવરમાં અને પોતાના રાજકીય લાભમાં ખોટા, અયોગ્ય, અન્યાયી અને અવ્યવહારુ આર્થિક નિર્ણયો લે છે ત્યારે દેશના અર્થતંત્રને સજા મળે છે અને પ્રજાએ સહન કરવાનું આવે છે.
ફુગાવા-વ્યાજદરના વધારામાં પ્રજાનો મરો
ક્રૂડ-કોમોડિટીઝને કારણે મોંઘવારી વધતાં દુનિયાની સેન્ટ્રલ બેંકો પ્રવાહિતા ઘટાડવા ધિરાણના વ્યાજદર વધારવા શરૂ કરે છે. કડક નાણાં નીતિ અપનાવવાનું પસંદ કરે છે. આ વિષચક્ર આખરે તો પ્રજાને જ ભરડામાં લે છે. વ્યાજદર વધારાથી ધિરાણ મોંઘાં બને છે, કંપનીઓના વ્યાજબોજ વધવાથી તેમની પ્રોડક્ટ કે સર્વિસ મોંઘાં બને છે. મોંઘવારી વધતાં માગ ઘટે, માગ ઘટવાથી ઉત્પાદનને અસર થાય, વેચાણને અસર થાય. આમ વિષચક્ર ગોળ ગોળ ફર્યા કરે છે, જેમાં મધ્યમ અને ગરીબ વર્ગ તેનો ભોગ બને છે.
રિઝર્વ બેંક દ્વારા ધિરાણ પરનો વ્યાજદરનો વધારો તાજેતરમાં અમલી બન્યો, જેનું કારણ હાઈ ઈન્ફ્લેશન છે. યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદર વધાર્યા એ પણ હાઈએસ્ટ ઈન્ફ્લેશનનું કારણ છે. આપણે ભૂતકાળમાં દાયકાઓ સુધી બહુ જ ઊંચા ફુગાવાના દર જોયા છે, તેમાંથી આપણે નીચા દરે પહોંચ્યા, એ જ રીતે આપણે ધિરાણ પર પણ બહુ ઊંચા દર જોયા છે, જેમાંથી હાલના દરે પહોંચ્યા છીએ. આગામી સમય હજી પણ નીચા દરનો આવવાનો છે, કિંતુ અત્યારનો વધારો સંજોગોને આધીન અનિવાર્ય છે. હવે પછી વ્યાજ વધારો ફરી આવશે એ પણ લગભગ નિશ્ર્ચિત છે. રિઝર્વ બેંક સિસ્ટમમાં પ્રવાહિતાને જાળવવા સાથે ફુગાવાને અંકુશમાં રાખવા આવાં પગલાં ભરતી હોય છે, જેમાં વિકાસને વેગ આપવાનું પણ લક્ષ્ય હોય છે, પણ અત્યારે પ્રાયોરિટી મોંઘવારીને ડામવાની છે. આ તમામ પગલાંને પરિણામે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી બને છે. જેની સીધી અસર ઓટો, હાઉસિંગ, સિમેન્ટ અને સ્ટીલ સેક્ટર પર પડી શકે. કંપનીઓના વ્યાજદરનો બોજ વધવાથી તેમની નફાશક્તિ ઘટે. શેરબજારમાં સ્ટોક્સના ભાવો ગગડે, માર્કેટ વોલેટાઈલ થાય અને નિરાશા વધારે. હોમ લોન મોંઘી થવાથી ઘર ખરીદીને અસર થાય. જોકે અગાઉના ઊંચા દરોની તુલનાએ હોમ લોનના દર નીચા કહી શકાય. કાર લોન – પર્સનલ લોન મોંઘી થાય છે, જેના ઉપાય લોકો પોતાની આવી ખરીદી મોકૂફ રાખીને કરી શકે, કંપનીઓને કાર વેચવી છે, બાઈક વેચવાં છે, સ્માર્ટ મોબાઈલ, ટીવી, ફ્રિજ વેચવાં છે. એ તો બધાં ગતકડાં કરશે, શું તમે કાર સહિતની આ તમામ મોંઘી ચીજો વિના રહી ગયા છો? તમે આવી ખરીદી ટાળશો અથવા બંધ કરશો કે મોકૂફ રાખશો તો કંપનીઓને આપોઆપ ભાવઘટાડાની ફરજ પડી શકે. આપણે આપણી લાઈફ સ્ટાઈલ કે શોખને સમય-સંજોગ મુજબ બદલતાં શીખવું પડે. કંપનીઓની નફાખોરી ચાલુ રહેવાની છે. તેમનું સ્થાપિત હિત જુદું છે. આજે કંપનીઓ અબજો રૂપિયા માર્કેટિંગ પાછળ ખર્ચીને આપણા માથા પર ઢોલ-નગારાં વગાડ્યા કરે છે અને તેના આ ખર્ચના બોજ ભાવવધારા મારફત આપણા જ માથે નાખે છે.
કરોડપતિ અને કોમન મેન સરખા?
આપણે સૌ ઈન્કમ ટેક્સ (આવકવેરો) આપણી વાર્ષિક આવકના આધારે ભરતા હોઈએ છીએ, વાર્ષિક આવકના જુદા જુદા સ્લેબ મુજબ દરેક વ્યક્તિને તેનો આવકવેરાનો દર લાગુ પડે છે, જે લોજિકલ પગલું કહી શકાય, જેમાં જે વધુ કમાય તે વધુ વેરો ભરે, ઓછું કમાય તે ઓછો વેરો ભરે. જેઓ અમુક મર્યાદામાં જ કમાતા હોય તેમને વેરો લાગુ પડે જ નહીં. અર્થાત્ સરકાર માને છે કે અમુક મર્યાદામાં વાર્ષિક આવક ધરાવતા વર્ગે ઈન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. આ ઉપરાંત પણ સરકાર વ્યક્તિઓને તેમની આવકમાંથી ચોક્કસ સાધનોમાં રોકાણ કરાય ત્યારે તેમને કરમાં રાહત અથવા કરમુક્તિ જેવી સુવિધા પણ આપે છે. આ બધું પ્રત્યક્ષ વેરામાં સંભવ છે, તો શું પરોક્ષ વેરામાં આવું માળખું ન બની શકે? દાખલા તરીકે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિવિધ ચીજવસ્તુઓ અને સર્વિસીસ પર પાંચ ટકાથી ૨૮ ટકાની રેન્જમાં લાગે છે. કિંતુ આ ટેક્સનો દર કરોડપતિઓને અને સામાન્ય માનવીને સમાન લાગે છે. આ કઈ રીતે ન્યાયી કે વાજબી ગણાય? કારણ કે અહીં પણ દરેકની આવકના સ્તર તો જુદા જ છે, કોઈ વરસે બે કરોડ કે બસો કરોડ કમાય છે અને કોઈ વરસે બેથી ચાર લાખ કમાય છે, પણ બંનેએ વીજળી બિલ પર, વીમા પ્રીમિયમ પર, સહિત અનેક પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પર સમાન દરે જ ટેક્સ ભરવો પડે છે. તો શું આને અસમાનતા ન કહેવાય? કારણ કે આજની તારીખમાં સૌથી વધુ કરબોજ
પરોક્ષ લાગે છે. જેનો ભોગ સાવ સામાન્ય માનવીને માથે પડે છે. મોંઘવારીનું આ પણ એક મહત્ત્વનું કારણ ન ગણાય? સરકારે આ વિષયમાં વિચારવાની જરૂર છે અને પ્રત્યક્ષ વેરાની જેમ આ પરોક્ષ વેરામાં પણ આવકના આધારે ટેક્સના દર લાગુ કરવાનો માર્ગ કાઢવો જોઈએ.
વેરાનું માળખું બદલાવું જોઈએ
આ વિષય અભ્યાસનો અને ચર્ચાનો છે, આમ ફુગાવાને ડામવા સરકારે પરંપરાગત ઉપાય ઉપરાંત નવા ઈનોવેટિવ માર્ગ પણ વિચારવા જોઈએ. સુપર રિચ ટેક્સ કેમ લાગુ કરાતો નથી? ખાસ કરીને આવાં પગલાં જ્યારે મોંઘવારી બહુ જ પીડા આપી રહી હોય ત્યારે તો ભરાવા જોઈએ. અનેકવિધ લાખોપતિઓ-કરોડપતિઓ જે દરે જીએસટી ભરે એ જ દરે સામાન્ય માણસે પણ જીએસટી ભરવાનો આવે છે એ કેટલું ન્યાયી છે? અહીં આવકનાં ધોરણો કે સ્લેબ અથવા મર્યાદા કેમ ધ્યાનમાં લેવાતાં નથી? માનીએ કે પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાનું માળખું જુદું છે,
તો શું આ ફેરફાર થઈ જ ન શકે? કમસે કમ મોંઘવારીના ઊંચા દર વખતે તો આવી જોગવાઈ ન થઈ શકે? અથવા મધ્યમ વર્ગના જીએસટીના પેમેન્ટને ચોક્કસ ધોરણો તૈયાર કરીને રિફંડ કરવાની જોગવાઇ ન થઈ શકે? સરકારે કેવી પ્રોડક્ટ અને સર્વિસીસ પર જીએસટી લાદી દીધો છે, જેનો આખરી બોજ તો પ્રજા જ ઉઠાવે છે. લક્ઝરી આઈટમ્સ ઉપરાંત કેટલીય આવશ્યક ચીજો અને સેવાઓ પર પણ ભારે જીએસટી છે. અલબત્ત, સરકાર માટે રેવન્યુ કલેક્શનનો આ મજબૂત માર્ગ બની ગયો છે, પરંતુ કરવેરા ગરીબ પ્રજા પર અસહ્ય બોજ બની જાય એવા તો ન જ હોવા જોઈએ. સરકાર ચાહે તો સુપર રિચ લોકો પર, નફાખોરી મારફત સંપત્તિવાન બનતા વર્ગ પર ઊંચો ટેક્સ લાદીને અને કરચોરો પાસેથી મહત્તમ કરવસૂલી કરી ગરીબ વર્ગને રાહત આપી શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.