મેં હંમેશાં એવી જ ફિલ્મો પસંદ કરી છે જેમાં વાર્તા જ સ્ટાર હોય: આયુષમાન ખુરાના

મેટિની

અનંત મામતોરા

આયુષમાને વીતેલાં ૧૦ વર્ષમાં બૉલીવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરી છે. તેણે વાર્તાને ધ્યાનમાં રાખીને જ કામ કર્યું છે પછી ભૂમિકા કોઇ પણ હોય. સ્પર્મ ડોનેટ કરવાવાળો વિકી ડૉનર હોય કે ટાલિયાપણાનો શિકાર બનેલો બાલા હોય, તેણે દરેક પાત્રમાં ઓતપ્રોત થઇને એવી ખૂબીથી ભજવ્યાં છે કે લોકોએ પણ તેના પર ‘અંધાધૂન’ પ્યાર
વરસાવ્યો છે.
તેણે પોતાને મળેલી દરેક ફિલ્મો પાછળ ‘દમ લગા કે હઇશા હઇશા’ એવી રીતે કર્યું છે કે લોકો બોલી ઊઠ્યા ‘બધાઇ હો’.
બૉલિવૂડમાં પરિવર્તનની લહેર લાવનાર આયુષમાન એક દાયકાથી બૉલીવૂડમાં છે. આગામી સમયમાં એ ફિલ્મ ‘અનેક’ તેમ જ ‘ડૉક્ટરજી’ના નવા અવતારમાં નજરે પડશે.
આ વર્સેટાઇલ એક્ટરને એક ઇન્ટરવ્યુ દરમ્યાન પુછાયું કે તારી પાસેથી પ્રેક્ષકોને હંમેશાં આશા રહી છે, તેં ઇન્ડસ્ટ્રીની દિશા બદલી છે. તેં આ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ પૂરાં કર્યાં એને તું કઇ રીતે જુએ છે તેના જવાબમાં તેણે કહ્યું કે ‘મને લાગે છે કે આ દસ વર્ષ એક ક્રાંતિ સમાન છે. એમાં મારી જ નહીં, પૂરી ઇન્ડસ્ટ્રીની દિશા બદલાઇ છે જ્યાં વાર્તાના ક્ધટેન્ટે જ સિનેજગત પર રાજ કર્યું છે. જ્યારે મારી પહેલી ફિલ્મ ‘વિકી ડૉનર’ ૨૦૧૨માં આવી હતી ત્યારથી જ ક્ધટેન્ટ સિનેમાએ સારું પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી. મારી જ વાર્તા નહીં, ‘કહાની’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ અને ‘પાનસિંહ તોમર’ જેવી સારી ફિલ્મો પણ આવી હતી. આ બધી ફિલ્મોમાં મોટા મોટા સ્ટાર્સ નહોતા, પણ વાર્તાઓ જ સ્ટાર હતી. ત્યાર બાદ તો ‘દમ લગા કે હઇશા’ હોય કે ‘બધાઇ હો’ હોય, ‘અંધાધૂન’ હોય કે ‘ડ્રીમ ગર્લ’ હોય કે પછી ‘આર્ટિકલ ૧૫’ હોય કે ‘બાલા’ હોય, એવી અનેક ફિલ્મો આવી જેમાં સમાજમાં કંઇક નવું સાંભળવા કે કહેવા મળે છે. આ સિવાય હું ભાગ્યશાળી રહ્યો કે સારા સ્ક્રિપ્ટ રાઇટર અને સારા દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળ્યો.
જોકે ‘વિકી ડૉનર’ પછી આયુષમાનની બે-ત્રણ ફિલ્મો નહોતી ચાલી, પરંતુ ‘દમ લગા કે હઇશા’ બાદ જે પણ ફિલ્મો તેણે પસંદ કરી એ બધી સુપરહિટ થઇ. સ્ક્રિપ્ટ પસંદ કરવામાં આવી સમજ કેવી રીતે વિકસાવી એ પ્રશ્ર્નના જવાબમાં આયુષમાન કહે છે કે ‘આવી સમજ તો શરૂઆતથી હતી, પરંતુ મને એવા પ્રકારની ફિલ્મો મળી નહોતી રહી. ‘વિકી ડૉનર’ બાદ કદાચ ઇન્ડસ્ટ્રીને પણ ખબર નહીં હોય કે મારી સાથે કરવાનું શું છે. ત્યારે આ પ્રકારની મને જોઇતી હતી એવી ફિલ્મો બહુ ઓછી બનતી હતી અથવા મને મળતી નહોતી. જોકે મારે વર્ષમાં એક ફિલ્મ તો કરવી જ હતી એટલે જે મળી એમાંથી જ પસંદ કરતો રહ્યો. ત્યાર બાદ નસીબ જોગે ‘દમ લગા કે હઇશા’ જેવી ફિલ્મ આવી જેણે બધું જ બદલી નાખ્યું. મને સારી ફિલ્મો મળવા લાગી. મારી પસંદ પણ બહેતર થતી ગઇ. મેં હંમેશાં કહ્યું છે કે તમે તમારી અસફળતાથી ઘણું શીખો છો તો એ ત્રણ ફિલ્મો એવી હતી જે મને ઘણું શીખવી ગઇ.’
આ દસ વર્ષમાં તમને શું શીખવા મળ્યું અને જે અત્યારે એક્ટર બનવા સંઘર્ષ કરી રહ્યા છે તેમને શું સલાહ આપવા માગે છે એવા પ્રશ્ર્નના ઉત્તરમાં આયુષમાન જણાવે છે કે ‘આ દસ વર્ષમાં હું ખાસ તો એ શીખ્યો કે ક્ંઇ પણ સ્થાયી નથી, ન સફળતા ન નિષ્ફળતા અને સફળતાથી વધુ નિષ્ફળતા તમને શીખવી જાય છે. બસ, ખુદ પર ભરોસો રાખવો જરૂરી છે. જે એક્ટર બનવા માગે છે તેમને એટલું જ કહીશ કે તમારી આસપાસ એવા લોકોને રાખો કે જે તમને રચનાત્મક પ્રતિભાવ આપે. એવા લોકોને ન રાખો જે ફક્ત તમારી પ્રશંસા જ કરતા રહે. એ લોકો તમને આગળ નહીં વધવા દે. ફક્ત વખાણ તમને આગળ વધવા નહીં દે, લોકોની આલોચનાત્મક નજર પણ જરૂરી છે.’
સફળતા મળ્યા પછી ઘણા લોકો બહેકી જાય છે. તેં પોતાની જાતને આમ સહજ કઇ રીતે રાખી છે જેથી સફળતાથી માથામાં રાઇ ન ભરાઇ જાય, આવા પ્રશ્ર્નના ઉત્તરમાં એ કહે છે કે ‘એ જ તો મેં કહ્યું કે આસપાસ એવા લોકોને ન રાખો જે ફક્ત તમારી વાહ વાહ કરે. તમારા વિશે સાચું બોલે તેવા લોકોને પસંદ કરો. ઘણા લોકો એવા હોય જે ફક્ત તમારાં વખાણ જ કરતા રહે. તમને ચઢાવતા રહે. તમારી મેનેજમેન્ટ ટીમ પણ આવું કરી શકે છે. મારી આસપાસ એવા લોકો છે જે સાચી વાત પર ખૂલીને મારી ટીકા કરતા રહે છે. આવી પરિસ્થિતિને હું સકારાત્મક રીતે લઉં છું. મારી પત્ની અને મારો મેનેજર બન્ને મારા ટીકાકાર છે.’
તારી આગામી ફિલ્મો ‘ડૉક્ટરજી’, ‘અનેક’ અને ‘એક્શન હીરો’ પણ ઘણી અલગ છે? એવા પ્રશ્ર્નના ઉત્તરમાં એ કહે છે કે ‘મારી હંમેશની એ કોશિશ છે કે દરેક વાર કંઇક અલગ કરું. આવનારી ફિલ્મો પણ કંઇક અલગ જ છે. ‘એક્શન હીરો’ પણ બિલકુલ અલગ હશે. તેમાં તો કોઇ સંદેશ પણ નથી.’
ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા હોય છે કે જે તમારું મનોબળ વધારવાને બદલે તોડવા વધુ તત્પર હોય. આવામાં તને એવો આત્મવિશ્ર્વાસ ક્યાંથી આવ્યો કે તું મોટા પરદા માટે બન્યો છે. તારામાં એ ક્ષમતા છે? આ પ્રશ્ર્નના ઉત્તરમાં આયુષમાન જણાવે છે કે ‘મારામાં આ ક્ષમતા સહુ પ્રથમ મારા પપ્પાએ જોઇ. તેમને મારા પર પૂરો ભરોસો હતો. હું કોઇને કહું કે મારે એક્ટર બનવું છે તો લોકો મારા પર હસતા હતા, પરંતુ તેમણે મારામાં મહત્ત્વાકાંક્ષા જગાડી હતી, બાકી હું ખુદ એટલો મહત્ત્વાકાંક્ષી નહોતો.’ ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.