મૂળ જૂનું બદરીનાથ ગામ, મંદિરની જમણી બાજુ નારાયણ-પર્વત પર વસેલું છે

ધર્મતેજ

જીવનનું અમૃત – ભાણદેવ

ભગવાન નારાયણ અને તેમની પંચાયતનનાં ભાવસભર દર્શન કરીને અમે બહાર આવ્યા. મંદિરની બહાર, મંદિરના પ્રાંગણમાં પણ અનેક દેવ-દેવી પ્રતિષ્ઠિત છે. તેમનાં દર્શન પણ કરવાં જોઇએ. મંદિરની ડાબી બાજુ એક ખૂણામાં હનુમાનજી મહારાજ પ્રતિષ્ઠિત છે. હનુમાનજી મહારાજની આ મૂર્તિની પ્રતિષ્ઠા નિમકરોલી બાબાએ કરી છે. હનુમાનજી મહારાજની બાજુમાં સાવ ખૂણામાં ભગવાન નારાયણનું ભોગગૃહ છે. અહીં ભગવાનને ધરાવવા માટે ભોગસામગ્રી તૈયાર થાય છે.
પછી તરત બાજુમાં ભગવતી લક્ષ્મીજીનું નાનું મંદિર છે. અમે જગદંબાનાં દર્શન માટે પહોંચ્યા. પૂજારીજી સૌ દર્શનાર્થીઓને કંકુનો ચાંદલો કરે છે. અમે પણ કંકુનો ચાંદલો કરાવ્યો. કંકુ તો લક્ષ્મીજીનો પ્રસાદ ગણાય છે! ઉદ્ધવજી, નારદજી, કુબેરજીની પ્રતિષ્ઠા ભગવાન નારાયણની સાથે પ્રધાન મંદિરમાં છે, તો ભગવાન નારાયણનાં અર્ધાંગિની ભગવતી લક્ષ્મીજી અહીં કેમ મંદિરની બહાર બિરાજમાન છે? તેમને ભગવાનની સાથે મંદિરની અંદર સ્થાન કેમ નથી મળ્યું? શું કારણ છે? કારણ તો પ્રત્યેક વ્યવસ્થાને હોય જ છે. તદ્નુસાર અહીં પણ કારણ છે. શું કારણ છે? કારણ આ પ્રમાણે છે: અહીં આ બદ્રીકાશ્રમમાં ભગવાન નારાયણ તપશ્ર્ચર્યા-રત છે. અહીં તેઓ ગૃહસ્થાશ્રમી નથી અને તપશ્ર્ચર્યા દરમિયાન તો ભગવાન એકલા અર્થાત્ લક્ષ્મીજી વિના રહે છે. તદ્નુસાર અહીં લક્ષ્મીજી ભગવાન નારાયણની સાથે ગર્ભગૃહમાં નહીં, પરંતુ મંદિરની
બહાર એક નાના અલાયદા મંદિરમાં પ્રતિષ્ઠિત છે.
લક્ષ્મી મંદિરની બાજુમાં શાંકર ગાદીના દર્શન થાય છે. શાંકર ગાદીની બાજુમાં જ ભગવાન બદરીનાથની ચાંદીની ચતુર્ભુજ સુંદર મૂર્તિ છે, જે દર્શનીય છે.
પરિક્રમા માર્ગમાં મંદિરની બહાર એક ખૂણામાં ધર્મશિલા છે. યાત્રીગણ તેનાં દર્શન કરે છે. પરિક્રમા માર્ગમાં આગળ જતાં નર-નારાયણની સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. દક્ષિણ ભારતના કોઇ ભક્તે તાજેતરમાં જ આ મૂર્તિઓની અહીં પ્રતિષ્ઠા કરાવી છે. છેલ્લે આવે છે ઘંટાકર્ણ! ઘંટાકર્ણ અહીંના ક્ષેત્રપાલ છે. ધડ વિનાના ઘંટાકર્ણના માત્ર મસ્તકની મૂર્તિ છે.
મંદિરની જમણી બાજુએ નાની યજ્ઞશાળા છે. કોઇ ભાવિક યાત્રી ઇચ્છે તો અહીં યજ્ઞ કરી કે કરાવી શકે છે. અમે એકવાર અહીં વિષ્ણુયોગ કર્યો હતો તેનું સ્મરણ થયું. આ વખતે નારાયણ-ગાયત્રીની માત્ર એક આહુતિ આપી.
મંદિર અને મંદિર-પરિસરમાં દેવદર્શન આ પ્રમાણે સંપન્ન થયાં.
ભારતમાં થોડાં એવાં મંદિરો છે, જયાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા-અર્ચના થાય છે. તેમાંનું આ બદરીનાથ મંદિર એક છે. પૂજાવિધિ પર નિરીક્ષણ કરવાનો, તદ્વિષયક માર્ગદર્શન આપવાનો અધિકાર જોષીમઠના શંકરાચાર્યજીનો ગણાય છે. મંદિરના પ્રધાન પૂજારીજીને રાવલજી કહેવામાં આવે છે. રાવલજી કેરળના નાંબુદ્રી બ્રાહ્મણ હોય છે. રાવલજીનેે પૂજનવિધિમાં મદદ કરવા માટે એક મદદનીશ પૂજારી હોય છે. આ ઉપરાંત મંદિરમાં અનેક કર્મચારીઓ સેવા આપે છે. એક ધર્માધિકારી સમગ્ર મંદિરની પૂજાદિ ધાર્મિક ક્રિયાઓની વ્યવસ્થા સંભાળે છે. મંદિર તરફથી વેદપાઠી બ્રાહ્મણો નિયુક્ત થયા છે. તેઓ પૂજા દરમિયાન ઉપયુક્ત મંત્રોનો પાઠ કરે છે. મંત્રપાઠ શુદ્ધઉચ્ચારપૂર્વક થાય છે.
મંદિરનો સર્વ વહીવટ એક ટ્રસ્ટ દ્વારા થાય છે. ટ્રસ્ટ દ્વારા એક સર્વાધિકારી નિયુક્ત થાય છે. સર્વાધિકારી મંદિરનો સર્વ વહીવટ સંભાળે છે.
પ્રાત:કાલે મહાભિષેક પૂજા થાય છે. ત્યારથી પ્રારંભ કરીને રાત્રિ સુધી દિવસ દરમિયાન અનેક પૂજા થાય છે. નિયત કરેલ ધનરાશિ આપીને યાત્રી કોઇપણ પૂજામાં ભાગીદાર થઇ શકે છે. આવી રીતે નિયત ધનરાશિ આપીને પૂજામાં ભાગીદાર થનાર યાત્રીને તે પૂજા દરમિયાન મંદિરના મંડપગૃહમાં બેસવાની અનુમતિ આપવામાં આવે છે. ભગવાન બદ્રીનારાયણ અને તેમની પંચાયતનના દેવોનાં શાંતિથી દર્શન કરવા માટે આ એક સારી અને સુંદર તક છે. ‘પુરુષસૂકત’, ‘મહાપુરુષવિદ્યા’, ‘વિષ્ણુસહસ્ત્રનામ’, ‘ગીત ગોવિંદ’ આદિ સ્તોત્રોનો પૂજામાં વિનિયોગ થાય છે. વેદપાઠ પણ થાય છે. પૂજા વિધિવત્ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી થાય છે.
પ્રાત:કાલની મહાભિષેકપૂજા અને શૃંગારઆરતી પછી થતી વિષ્ણુસહસ્ત્રનામથી તુલસીદલા અર્ચનપૂજામાં અમે આ પહેલાં અનેકવાર ભાગીદારી કરી છે. આ વખતે બપોર પછી થનાર કર્પૂર-આરતીમાં ભાગીદાર થવાની અને તે રીતે ભગવાનનાં નિરાંતે દર્શન કરવાની અમારી ઇચ્છા છે. તદ્નુસાર લક્ષ્મીમંદિર પાસે અવસ્થિત નાની ઑફિસમાં ધનરાશિ આપીને અને તે માટેની પાવતી મેળવી લીધી. કર્પૂર-આરતી સાંજે ૫.૦૦ વાગ્યે હોય છે. લાઇનમાં ઊભા રહેવું પડે છે, તેથી અમને સાડાચાર વાગ્યે આવી જવાની સૂચના મળી છે.
હવે અમે મંદિરમાં પુન: દર્શન પામીને મંદિરની બહાર આવ્યા.
પ્રાત:કાલની આ મહાભિષેકપૂજા પછીનો સમય રાવલજીને મળવા માટેનો ઉત્તમ સમય છે. રાવલજીનું નિવાસસ્થાન મંદિરથી સહેજ નીચે આદિકેદારેશ્ર્વર મંદિરની સામે જ છે.
અમે રાવલજીને મળવા માટે તેમના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો.
રાવલજી એકલા જ બેઠા છે. તેમણે સ્મિતપૂર્વક અમારું સ્વાગત કર્યું અને હાથના ઇશારાથી આસન ગ્રહણ કરવા સૂચવ્યું. તદ્નુસાર અમે બેઠા.
અન્યોન્ય કુશળ સમાચાર પુછાયા અને થોડી વાતો થઇ. તેમણે અમને ભગવાન બદરીનાથનું પ્રસાદી વસ્ત્ર અને તુલસીદલનો પ્રસાદ આપ્યો. અમે મસ્તકે ચડાવીને પ્રસાદ ગ્રહણ કર્યો. થોડીવાર બેસીને અમે વિદાય લીધી.
બદરીનાથ તો આ પહેલાં અનેકવાર આવવાનું બન્યું છે.
હવે તો બદરીનાથ એક નગર બની ગયું છે. અલકનંદાના બન્ને કિનારે, નર-પર્વત પર અને નારાયણ-પર્વત પર, મંદિરની ડાબી બાજુ અને જમણી બાજુ એમ ચારેય બાજુ હવે બદરીનાથનગર વસી ગયું છે. પરંતુ મૂળ જૂનું બદરીનાથ ગામ મંદિરની બાજુમાં, મંદિરની જમણી બાજુ નારાયણ-પર્વત પર વસેલું છે. આ જૂની વસાહતમાં નિવાસસ્થાનો પણ છે અને દુકાનો પણ છે. આ જૂના બદરીનાથ ગામની વચ્ચેથી પસાર થઇને એક રસ્તો બ્રાહ્મણીગામ તરફ જાય છે. આ બ્રાહ્મણીગામ બદરીનાથથી માત્ર એક કિ. મી. દૂર છે. આ બ્રાહ્મણીગામની આજુબાજુ ઘણાં તીર્થસ્થાનો છે.
૧. ઋષિગંગાદર્શન, ૨. લીલા ડુંગી, ૩. નંદાદેવીમંદિર, ૪. ઉર્વશીમંદિર.
અમે આ પહેલાં આ તીર્થોના દર્શન અનેકવાર કર્યાં છે. આ વખતે અમે અહીં આવ્યા નથી. માત્ર દૂરથી જ પ્રણામ કરી સંતોષ માન્યો.
બ્રાહ્મણીગામ પાસે ઋષિગંગાને કિનારેકિનારે એક પગદંડી ચરણપાદુકા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.