મુસ્લિમ કુસ્તીબાજનો ગોલ્ડન પંચ

લાડકી

આજે પણ દીકરીને રિવાજોમાં કેદ કરી રાખવાની માનસિકતાને સનોફરની ધોબીપછાડ

કવર સ્ટોરી -પૂજા શાહ

ભારતમાં વસતો મુસ્લિમ સમાજ રાજકીય કારણોસર હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ તેમની સામાજિક-શૈક્ષણિક સ્થિતિ વિશે થવી જોઈએ તેટલી ચર્ચા થતી નથી. લઘુમતી સમાજ હજુ અમુક અંશે પછાત છે અને તે માટે અન્ય કારણો સાથે શિક્ષણનો અભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા મહદંશે જવાબદાર છે. દરેક સમાજમાં ઓછા કે વત્તા પ્રમાણમાં આવી માનસિકતા હજુ છે જ. હિન્દુ સમાજ પણ આમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ખોટા અને પછાત સામાજિક નીતિનિયમોનો સૌથી વધારે અને સીધો કોઈ ભોગ બનતી હોય તો તે જે તે સમાજની મહિલાઓ હોય છે. મુસ્લિમ સમાજની મહિલાઓ એટલી જ પ્રતિભાશાળી, બુદ્ધિશાળી અને બોહાશ હોવા છતાં તેમને જોઈએ તેટલું પ્રતિનિધિત્વ મળતું નથી. ત્યારે આ સમાજમાંથી આવતી એક યુવતી સૌના માટે આશાનું કિરણ લાવી છે. આ કિરણનું નામ છે… સનોફર પઠાણ.
અમદાવાદના જુહાપુરા વિસ્તારના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી સનોફરે મહિલાઓ માટે સામાન્ય ગણાતા કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી હોત તો પણ તેની નોંધ લેવામાં આવત ત્યારે આ છોકરીએ તો એવા ક્ષેત્રમાં ઝંપલાવ્યું કે જ્યાં જવા આજે પણ તમામ છોકરીઓએ એક જંગ લડવો પડે છે અને એ છે કુસ્તીબાજી. ભારતમાં છેલ્લા થોડા સમયમાં કુસ્તીબાજી કરતી મહિલાઓએ દેશ નહીં, વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે અને એ યાદીમાં પોતાનું નામ જોડવા થનગની રહી છે સનોફર.
આમ તો સનોફરનું આ કોઈ નાનપણનું સપનું નહોતું. સનોફર અનાયાસે આ સફરમાં જોડાઈ. નાનપણમાં સનોફરનું વજન ખૂબ વધતું હતું, આથી કોઈએ સ્વિમિંગ કરવા જવા કહ્યું. સનોફરના પિતાએ તેને સ્વિમિંગ ક્લાસમાં મોકલી. સ્વિમિંગ કરીને થાકીને આવતી સનોફર ઘરે પેટભરીને નાસ્તો કરી લેતી. આમ થતાં વજન તો ઘટવાને બદલે વધ્યું, આથી ફરી કોઈએ કરાટે ક્લાસમાં મોકલવા કહ્યું. સનોફરના પિતા સલીમે ત્યાં મોકલી. અહીં તે કરાટે સાથે જુડો વગેરે પણ શીખવા લાગી. ૧૪ વર્ષની ઉંમરે તેણે સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો ને સીધો ગોલ્ડ મેડલ જીત્યો. સનોફર જે કંઈ નવું આવે તે શીખતી રહી. તેના કોચ હનીફરાજા શેખે તેને કહ્યું કે હવે તું એક જ રમત પર ધ્યાન આપ. સનોફરની ઊંચાઈ અને મજબૂત બાંધો જોઈ તેમણે કુસ્તીબાજીમાં આગળ વધવાની સલાહ આપી.
૨૦૧૬માં તેણે ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવતા ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલી તુર્કીની કુસ્તીબાજને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો. ત્યાર બાદ ઘણી રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને એક પછી એક ઘણા ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલની હકદાર એ બનતી ગઈ. સનોફર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઈ આવી. જોકે ત્યાં રશિયન કુસ્તીબાજ સામે તે હારી ગઈ. ત્યારે સનોફરને સમજાયું કે તેણે હજુ ઘણી મહેનત કરવાની જરૂર છે.
હાલમાં તે નડિયાદ એકેડેમી ખાતે દિવસના આઠ-દસ કલાક સખત પ્રેક્ટિસ કરે છે. આ સાથે તે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી રહી છે. સરકારની શક્તિદૂત નામની સ્કીમની મદદથી તે આ કરી રહી છે. તેના કોચ રમેશ કુમાર ઓલા તેને ખાસ પ્રેક્ટિસ કરાવે છે અને સનોફર આવનારી એશિયન ગેમ્સમાં ભારતનું નામ રોશન કરવા માગે છે.
આ વાંચવાનું જેટલું સહેલું છે તેટલી જ અઘરી છે સનોફરની સફર. સનોફર કહે છે કે ‘હું એવા સમાજમાંથી આવું છું જ્યાં આજે પણ છોકરીઓને દસમા ધોરણથી આગળ શિક્ષણ મળવું મુશ્કેલ છે. થોડું પરિવર્તન આવી રહ્યું છે, પરંતુ ખૂબ જ ધીમું છે. મેં જ્યારે કુસ્તીબાજીમાં આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે ખૂબ જ નફરતનો સામનો કરવો પડ્યો. ચારેકોરથી માત્ર ને માત્ર ટોણા અને ટીકા. દીકરીને આવાં કપડાં પહેરાવશો? જો તો કેવી મર્દાના લાગે છે? આની સાથે કોણ પરણશે? તમને સમાજની કંઈ પડી નથી? વગેરે.’
નજીકના કે દૂરના સગા કે પછી પાડોશી દરેક એક જ વાત કહેતા, પણ સના સાથે એક મજબૂત પિલર તરીકે કોઈ ઊભું હોય તો તે તેના પિતા સલીમભાઈ. કપડાંનો વ્યવસાય ધરાવતા સલીમભાઈએ દીકરીને કહ્યું, ‘બેટા, તું તારા કામ પર ધ્યાન આપ. જે લોકો આજે તને ટોણા મારે છે તે એક દિવસ તારે માટે તાળીઓ વગાડશે.’ સમાજના ટોણાનો શિકાર મહિલાઓ વધારે આસાનીથી બનતી હોય છે.
સનોફરની માતા આવી નકારાત્મકતાથી પરેશાન થતી ત્યારે પણ પિતા કહેતા કે તું સનાની ચિંતા શું કામ કરે છે. કોઈ છોકરો તેને શું રિજેક્ટ કરવાનો, આપણી સના છોકરો જોવા જશે અને નહીં પસંદ પડે તો રિજેક્ટ કરી દેશે. ધીમે ધીમે સનોફરની માતાની હિંમત બંધાઈ અને દીકરીને અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરવા મૂકવા જવા માટે માતા ટૂ વ્હીલર ચલાવતાં શીખી. માતા-પિતાનો સાથ અને સનાની મહેનત
રંગ લાવી અને આજે એ જ સંબંધીઓ અને મહોલ્લાવાળા પોતાનાં સંતાનોને સનોફર બનાવવા માગે છે. સનાના પિતા ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં જણાવે છે કે ‘હું દરેક માતા-પિતાને કહીશ કે સમય સાથે બદલાઓ. તમારી દીકરીને પૂરતો સપોર્ટ કરો તો એક દિવસ એ તમારું ને દેશનું નામ રોશન કરશે.’
વિનેશ ફોગાટથી પ્રભાવિત સનોફર કહે છે કે ‘જ્યારે ગોલ્ડ મેડલ મળે ને તિરંગો લહેરાય ત્યારે મનમાં કોઈ અલગ જ ભાવ ઉદ્ભવે છે. મને સરકારની સ્કીમથી ઘણો લાભ મળ્યો છે. હા, આટલા ગોલ્ડ મેડલ મળ્યા હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે જીતનારા માટે નોકરીની જોગવાઈ ઓછી છે, જે મળવી જોઈએ.’ સનોફર ખાસ કરીને પોતાના સમાજને એક જ વાત કહેવા માગે છે કે જો છોકરીને તેનો પરિવાર સાથ આપે તો તે કોઈ પણ અડચણ પાર કરી લે છે. સમાજ આપણાથી જ બને છે, આથી પરિવર્તનની શરૂઆત પરિવારથી થશે તો સમાજ આપોઆપ તમારી સાથે જોડાશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.