મુશર્રફ જીવે કે મરે, ભારતને શો ફરક પડે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર પરવેઝ મુશર્રફ સાવ ભુલાઈ જ ગયા છે. શુક્રવારે અચાનક તેમનું નિધન થઈ ગયું હોવાની વાતો વહેતી થતાં લોકોને મુશર્રફ પાછા યાદ આવી ગયા. જો કે મુશર્રફના મોતના મામલે અવઢવ જ રહી. પહેલાં સમાચાર આવ્યા કે, મુશર્રફ ગુજરી ગયા છે. લાંબા સમયથી બીમાર મુશર્રફને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ને વેન્ટિલેટર પર હતા.
મુશર્રફની હાલત ખરાબ હોવાથી એ ગમે ત્યારે ઢબી જશે એવું લાગતું હતું તેથી આ સમાચારને સૌએ સાચા માની લીધેલા ત્યાં સમાચાર આવ્યા કે, મુશર્રફ હજુ જીવે છે ને હોસ્પિટલમાં ભરતી છે. ભારતમાં કેટલીક અતિ ઉત્સાહી વેબસાઈટ્સે મુશર્રફના મોતના સમાચાર છાપી મારેલા પણ પછી કાઢી નાખ્યા. મોડી રાત સુધી આ બધું ચાલતું રહ્યું ને મુશર્રફ જીવે છે કે ગુજરી ગયા એ વિશે અવઢવ ચાલુ જ રહી.
મુશર્રફ એક સમયે પાકિસ્તાનના શાસક હતા તેથી મીડિયા તેમના મોતના સમાચારને મહત્ત્વ આપે તેમાં કશું ખોટું નથી પણ ભારતને મુશર્રફ જીવે કે મરી જાય તેનાથી કોઈ ફરક પડતો નથી. બલકે પાકિસ્તાનીઓને પણ કોઈ ફરક પડતો નથી કેમ કે મુશર્રફ પાકિસ્તાનના તખ્તેથી બહુ લાંબા સમય પહેલાં જ ગાયબ થઈ ચૂક્યા છે, પોતાનું મહત્ત્વ ખોઈ ચૂક્યા છે.
ભારત માટે તો મુશર્રફ યાદ કરવા જેવા માણસ છે જ નહીં ને સાફ શબ્દોમાં કહીએ તો વિશ્વાસઘાતી હતા. ભારતે પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવેલો ત્યારે મુશર્રફે ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હતું. મુશર્રફે ભારત સામે કારગિલ યુદ્ધ છેડીને ભારતના ૫૭૨ જવાનોનો ભોગ લીધો હતો. કારગિલ યુધ્ધ પાકિસ્તાને આપણી સાથે ગદ્દારી કરીને આપણી પીઠમાં ખંજર ભોંક્યું તેની કડવી યાદોને તાજી કરે છે ને આ કડવી યાદોના સર્જક મુશર્રફ હતા.
ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં કારગિલ યુદ્ધ અનોખું છે કેમ કે આ યુદ્ધ પાકિસ્તાન સીધું નહોતું લડ્યું. પાકિસ્તાને આતંકવાદીઓની આડમાં કારગિલમાં હુમલો કર્યો ત્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. પાકિસ્તાને કારગિલ પર આક્રમણ કર્યું ત્યારે તેની દાનત આખું કાશ્મીર હડપ કરવાની હતી.
કારગિલ શ્રીનગરથી ૨૦૫ કિલોમીટર દૂર આવેલું છે જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના સ્કારડુથી ૧૭૩ કિલોમીટર દૂર છે. આ કારણે વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વનું છે. કારગિલ પર કબજો થાય તો કાશ્મીર ખીણ અને લેહ-લદ્દાખ પર પણ આસાનીથી કબજો કરી શકાય તેથી પાકિસ્તાની લશ્કરની કારગિલ પર કબજો કરવાની મેલી મુરાદ વરસોથી હતી.
આઝાદી બાદ ૧૯૪૮માં પાકિસ્તાને પહેલી વાર હુમલો કર્યો ત્યારે પણ પાકિસ્તાને જોઝીલા પાસ પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે કારગિલમાં યુદ્ધ થયું હતું પણ ભારતીય સેનાએ પાકિસ્તાની લશ્કરને ભગાડીને કબજો કરી દીધેલો. પાકિસ્તાને ૧૯૯૯માં ફરી એ જ બદદાનતથી હુમલો કરેલો. આ હુમલાનું કાવતરું મુશર્રફે ઘડેલું. એ માટે મુશર્રફે અટલ બિહારી વાજપેયી જેવા સારા માણસ સાથે ગદ્દારી કરી હતી.
વાજપેયીને પાકિસ્તાન સાથેના સંબંધો સુધારીને ભારતીય ઉપખંડમાં શાંતિ સ્થાપવાના અભરખા હતા. કાશ્મીર સમસ્યા ઉકેલાય તો શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળે એવી પટ્ટી કોઈએ તેમને પઢાવેલી એવું કહેવાય છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ પાકિસ્તાન સાથેના સંબંધો સુધરે તો ભારતમાં શાંતિ થાય ને વિકાસ પણ થાય એ જોતાં વાજપેયીનો ઈરાદો શુભ હતો તેમાં શંકા નથી. આ શુભ ઈરાદા સાથે વાજપેયીએ કાશ્મીર સમસ્યા ઉકેલવા બહુ મથામણ કરી હતી.
વાજપેયી ૧૯૯૯માં બસમાં બેસીને વાઘા બોર્ડરેથી પાકિસ્તાન ગયેલા. જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના લશ્કરી વડા હતા ને નવાઝ શરીફ વડા પ્રધાન હતા. વાજપેયી શરીફ સાથે શરાફત બતાવી રહ્યા હતા ત્યારે પરવેઝ મુશર્રફ ભારતમાં પોતાના સૈનિકોને ઘૂસાડીને કાશ્મીર પર કબજો કરવા માટેનું ઓપરેશન બદ્ર શરૂ કરી દીધું હતું. વાજપેયીને કશી વાતની ખબર નહોતી.
ભારતના કેટલાક ભરવાડ ઘેટાં ચરાવવા ગયેલા. તેમણે શંકાસ્પદ હિલચાલ જોઈને ભારતીય લશ્કરને જાણ કરી. એક બૌદ્ધ સાધુએ પણ ભારતીય લશ્કરને પાકિસ્તાની સૈનિકોની હિલચાલની જાણ કરી પછી ભારતે કારગિલના અંદરના વિસ્તારોમાં પોતાની પેટ્રોલ ટુકડીઓને મોકલીને પ્રતિકાર શરૂ કરેલો. પાકિસ્તાની સૈનિકોએ તેમના પર હુમલો કરીને પાંચ સૈનિકોને પકડી લીધા અને તેમની ક્રૂરતાથી હત્યા કરી. તેમનાં અંગો કાપી નાખીને વિકૃતિની ચરમસીમા વટાવીને અત્યાચારો કરાયેલા.
આ ઘટનાના પગલે ભારતીય લશ્કરે વળતો હુમલો કરીને અંદર ઘૂસેલા પાકિસ્તાની સૈનિકોને સાફ કરવા ઓપરેશન હાથ ધર્યું. પાકિસ્તાનનો ઈરાદો આખા કાશ્મીર પર કબજો કરવાનો હતો. હાઈવે પર ભારતીય સૈનિકો આવે કે તરત તેમને ખતમ કરવાની પાકિસ્તાનની યોજના હતી તેથી ભારતીય સૈનિકોને સીધા પર્વતો પર ઉતારવા એરફોર્સે ઓપરેશન સફેદ સાગર હાથ ધરેલું. પાકિસ્તાની નેવી અચાનક હુમલો ના કરી દે એટલે નેવીને પણ તૈયાર કરાયું ને એ રીતે પૂરી તાકાતથી લડીને ભારતે ૨૬ જુલાઈએ સમગ્ર કારગિલ પર ફરી કબજો કરી લીધો. ભારત માટે આ જીત મોટી હતી ને ભારતીય લશ્કરે અપ્રતિમ સાહસ બતાવીને પાકિસ્તાન પાસેથી આપણો પ્રદેશ આંચકી લીધેલો.
જો કે આ અપ્રતિમ સાહસ પહેલાં ભારતે બહુ મોટી કિંમત ચૂકવી. મુશર્રફની કાશ્મીર પર કબજો કરવાની મહત્ત્વાકાંક્ષાના કારણે ભારતે પોતાના ૫૨૭ સૈનિકોને ખોઈ દીધા. સત્તાવાર રીતે ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા ને તેમના હત્યારા મુશર્રફ હતા. મુશર્રફના કારણે આ દેશના ૫૨૭ પરિવારે પોતાના પરિવારના લાડલાને ગુમાવ્યા હતા.
મુશર્રફ માટે આ હાર કારમી હતી. ભારતના જાંબાઝ જવાનોએ મુશર્રફને તેમની ઔકાત બતાવી દીધી હતી. મુશર્રફને અહેસાસ થઈ ગયો કે, ભારત સામે સીધી રીતે જીતી શકાય તેમ નથી તેથી તેમણે ભારત સામે આતંકવાદને ભડકાવીને યુદ્ધનો રસ્તો અપનાવ્યો. ભારતમાં થયેલા સંખ્યાબંધ મોટા આતંકવાદી હુમલા મુશર્રફની દેન હતા. આ હુમલાઓમાં કેટલા લોકો માર્યા ગયા તેનો હિસાબ અત્યારે કરી શકાય તેમ નથી. સેંકડો પરિવારોએ પોતાનાં સ્વજનોને આતંકવાદની આગમાં હોમાઈ જતાં જોયા. મુશર્રફના હાથ એ લોકોના લોહીથી પણ રંગાયેલા છે.
આવો માણસ જીવે કે મરી જાય, ભારતને શો ફરક પડે? ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.