મુંબઈ સમાચાર દ્વિશતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ

ઉત્સવ

પહેલી જુલાઈ, ૨૦૨૨ના રોજ ઈતિહાસના પાના પર એક સુવર્ણ સિદ્ધિ લખાશે. એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ બીજી સદી પૂરી કરી ત્રીજી સદીમાં પ્રવેશ કરશે. જાજરમાન ઈતિહાસ અને ઝળહળતા ભવિષ્ય સાથે પ્રકાશિત થતા આ અખબારના સાર્થક પ્રવાસને વધાવવા ૧૪મી જૂને મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરમાં એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ‘મુંબઈ સમાચાર’ની કોમેમોરેટિવ પોસ્ટેજ સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યું.
વર્ષ ૨૦૨૧માં જ્યારે અખબારે ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્ર્વને પોતાના ભરડામાં લીધું હતું. રાજ્યમાં અને મુંબઈમાં ઘણા પ્રતિબંધો હતા, આથી તે સમયે સમારંભ યોજવાનું શક્ય અને સલાહભર્યું નહોતું. ત્યારથી જ ૨૦૦મા વષર્ની પૂર્ણાહુતિ ધામધૂમથી કરવાની ઈચ્છા સૌ કોઈની હતી. વર્તમાનપત્રના તંત્રી નીલેશ દવેને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાનો વિચાર આવ્યો અને લગભગ એક વર્ષથી પ્રયત્નો થયા. પોસ્ટલ સ્ટેમ્પની મંજૂરી મળી તે બાદ તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ બહાર પાડવમાં આવે તેવી ઈચ્છા સૌની હતી અને તેને પૂરી કરવા સૌ કોઈએ જહેમત ઉઠાવી. હજારોની મેદની સાથે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન સરળ નહોતું, પરંતુ સૌના સહયોગથી તેને સફળ બનાવી શકાયું ત્યારે ‘મુંબઈ સમાચાર’ એ તમામનો આભાર માને છે.
————-
મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હોરમસજી કામાએ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવોનું સ્વાગત કરતાં પ્રવચન કર્યું હતું અને સૌ વાચકોનો આભાર માન્યો હતો.
———
દેવેન્દ્ર ફડણવીસ: ભાજપના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી અખબારને સહયોગ આપવામાં કોઈ કસર છોડી નહોતી. અગાઉ ૨૦૧૭માં તેઓ ‘મુંબઈ સમાચાર’ની મુલાકાતે પણ આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ આયોજનમાં જ્યારે પણ તેમનાં સહકાર અને માર્ગદર્શન માગ્યાં ત્યારે અમને મળી રહ્યાં છે. ‘મુંબઈ સમાચાર’ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
———-
મુંબઈ સમાચારના તંત્રી શ્રી નીલેશ દવેએ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આશીર્વચન આપવા આમંત્રણ આપ્યું હતું.
———-
મુંબઈ સમાચારના ડિરેક્ટર શ્રી મહેરવાનજી કામા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી વડા પ્રધાનશ્રીના વક્તવ્યને માણી રહ્યા છે.
———–
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી ઉદ્ધવ ઠાકરેનું મુંબઈ સમાચાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સમાચારને અભિનંદન આપતું
વક્તવ્ય આપ્યું હતું.
————–
દેવુસિંહ ચૌહાણ: ‘મુંબઈ સમાચાર’ની કોમેમોરેટિવ સ્ટેમ્પને મંજૂર કરાવવામાં કેન્દ્રમાં રાજ્યકક્ષાના સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન દેવુસિંહ ચૌહાણનો ખૂબ જ મોટો ફાળો છે. અખબારની સિદ્ધિને સમજી તેમણે તમામ વહીવટી પ્રક્રિયાને પાર પાડવા માટે અમારું માર્ગદર્શન કર્યું અને કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ વધાર્યો તે બદલ તેમનો આભાર.
—————–
સાંસદ મનોજ કોટક: પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાનો વિચાર આવ્યો ત્યારે માહિતી મળી કે આ માટે સ્થાનિક લોકસભાના સાંસદનો ભલામણપત્ર જોઈએ. બસ જુલાઈ, ૨૦૨૧થી લઈ આજ સુધી સતત ‘મુંબઈ સમાચાર’ સાથે રહી મનોજ કોટકે ગુજરાતી સમુદાય અને ગુજરાતી ભાષા પ્રત્યેની પોતાની જવાબદારી અને લાગણીનો અનુભવ કરાવ્યો છે. એક વર્ષ દરમિયાન વારંવાર રૂબરૂ અને ફોન પર તેમનો સંપર્ક કરવામાં આવતો રહેતો હતો. તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢી સંપૂર્ણ આયોજનમાં સહભાગી બની અમને સહકાર આપ્યો છે. ‘મુંબઈ સમાચાર’ પરિવાર સદૈવ તેમનો આભારી રહેશે. તેમની સાથે તેમના મુંબઈ અને દિલ્હી ખાતેના કાર્યાલયના સ્ટાફનો પણ એટલો જ સહકાર રહ્યો હતો. કાર્યક્રમમાં તેમનાં પત્ની શ્રીમતી સીમા કોટક ઉપસ્થિત રહ્યાં હતાં તેની અમે નોંધ લઈએ છીએ. આ સાથે ભાજપના તમામ ગુજરાતી નેતાઓની શુભેચ્છા પણ ‘મુંબઈ સમાચાર’ સાથે રહી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.