મુંબઈ સમાચાર દ્વિશતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ

ઉત્સવ

ભાવિન શાસ્ત્રી

૧૪મી જૂને ‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરી દેનારા જાણીતા ગાયક-સંગીતજ્ઞ સુરત નિવાસી ભાવિન શાસ્ત્રીને કેમ ભુલાય? ગરબા હોય કે ગઝલ, ઊર્મિગીતો હોય કે દેશભક્તિથી ભરેલાં બોલીવૂડી ગીતો હોય, તેમના પહાડી બુલંદ અવાજે શ્રોતાગણને રસતરબોળ કરી દીધા હતા. વડા પ્રધાન મોદીજી કાર્યક્રમમાં પધાર્યા ત્યાં સુધી તેમણે વાચકોને તેમના મધુર સૂરોમાં જકડી રાખ્યા હતા. તેઓ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આર્ટ એન્ડ કલ્ચરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે.
મુલુંડની પ્રખ્યાત નવરાત્રિ હોય કે ખેલ મહાકુંભ, નરેન્દ્ર મોદીના સાંનિધ્યમાં થયેલો નમો યુથ કોન્ક્લેવ હોય કે દેશભક્તિથી રંગાયેલા અનેક કાર્યક્રમો હોય, તેમણે દરેક કાર્યક્રમને એક વિશેષ ઊંચાઇ આપી છે. ગીત-સંગીત દ્વારા પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવા માગતા ભાવિનભાઇ સૂફી વિચારધારાના પણ ચાહક છે. મોટી મોટી ક્ધસર્ટ ગજવનારા ભાવિન શાસ્ત્રીએ ‘માંઝી- ધ માઉન્ટન મેન’નામની હિન્દી ફિલ્મમાં ગીતો પણ ગાયાં છે.
————
મિલન ત્રિવેદી
દ્વિશતાબ્દી કાર્યક્રમમાં મહેમાનો ગીત-સંગીતમાં તો તરબોળ થયા જ હતા, સાથે સાથે હાસ્ય કલાકાર અને લેખક મિલન ત્રિવેદીએ સહુને પેટ પકડીને હસાવવામાં કશી કચાશ રાખી નહોતી. ઇટીવી ગુજરાતીમાં હાસ્યરસથી ભરપૂર ‘વાહ ભઇ વાહ’શોના સંચાલક તરીકે ૪૮૫ એપિસોડ કર્યા છે. ‘લાફ્ટર એક્સપ્રેસ’ નામની સિરીઝમાં હજારથી વધારે કોમેડી ગેગ્સ ભજવ્યા છે. ‘હમારી સાસ લીલા’ હોય કે ‘સાવધાન ઇન્ડિયા’, તેમણે અનેક હિન્દી-ગુજરાતી ચેનલ પર પોતાની કળા દર્શાવી છે. નવથી દસ વિદેશ ટૂરો કરી છે. ફિલ્મ રાઇટિંગ, ડાયલોગ રાઇટિંગ અને ક્ધસેપ્ટ રાઇટિંગ પણ તેમના વ્યવસાયનો એક ભાગ રહ્યો છે. નાટ્યલેખન-નાટ્યકાર તરીકે રંગભૂમિ સાથે છેલ્લાં ૩૦ વર્ષથી સંકળાયેલા મિલનભાઇની ‘મસ્તરામની મસ્તી’ નામની હાસ્ય કોલમ પણ દર શનિવારે ‘મુંબઈ સમાચાર’માં પ્રકાશિત થાય છે.
————–
શોભિત દેસાઈ
દ્વિશતાબ્દી કાર્યક્રમના ગુજરાતી ગીતસંગીતના કાર્યક્રમમાં સંચાલક તરીકેનું સ્થાન જાણીતા કવિ અને ગઝલકાર શોભિત દેસાઇએ શોભાવ્યું હતું. ચાર હજારથી વધુ સ્ટેજ શો કરી ચૂકેલા શોભિતભાઈએ આરંભથી અંત સુધી પોતાની આગવી શૈલીમાં સંચાલન કરીને વાચકોને રસતરબોળ કરી દીધા હતા. તેમણે ગુજરાતી-હિન્દી ભાષામાં ૬ નાટકો પણ લખ્યાં છે જે અનેક કોમર્શિયલ અને એક્સપરિમેન્ટલ થિયેટર્સમાં ભજવાયાં છે. મહાન ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબ પર આધારિત ‘અંદાઝ-એ-બયાં ઓર’ નામના તેમના વન મેન શોને ખૂબ ખ્યાતિ મળી હતી જે મુંબઈ, કોલકાતા, ગુજરાત સહિત અમેરિકામાં પણ ભજવાયા હતા. મરીઝ અને રમેશ પારેખની કવિતાઓ પર આધારિત ‘એક ખોબો ઝાકળ’ નામના નાટકનું દિગ્દર્શન-ચિત્રણ પણ તેમણે કર્યું હતું. તેમના પાંચ કાવ્ય સંગ્રહ ‘અરે!’, ‘સુખનવર શોભિત’, ‘અહમ્ ઓગાળવા આવ્યા’, ‘હવા પર લખી શકાય’ અને ‘અંધારની બારાખડી’ પ્રગટ થઇ ચૂક્યા છે. તેમને હાઉસ ઓફ લોર્ડ્ઝ દ્વારા પ્રતિષ્ઠિત ‘ધ ઇન્ટરનેશનલ પોએટ ઓફ ધ યર ૨૦૧૧’નો એવોર્ડ પણ મળ્યો છે.
————-
ભરત પંડ્યા
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ગુજરાત તરફથી હાજરી પુરાવી. અમુક કારણોને લીધે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવી શક્યા નહોતા, પરંતુ ભરતભાઈએ હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
————-
નિશીથ શાહ
‘મુંબઈ સમાચાર’ દ્વિશતાબ્દી કાર્યક્રમમાં પધારેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ પ્રસંગે જે આકર્ષક સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું તેના કોન્સેપ્ટથી લઇને ડિઝાઇનિંગનું કામ નિશીથ શાહે ખૂબીપૂર્વક સંભાળ્યું છે. ઇનિટ ડિઝાઇન અને ગો બનાનાઝના સહ-સંસ્થાપક નિશીથ શાહ છેલ્લા બે દાયકાથી ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન ક્ષેત્રે સંકળાયેલા છે. તેમણે ૨૦૦૮માં યુએસએમાં ‘ચાલો ગુજરાત’ નામની વિશ્ર્વસ્તરીય ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં હાલના વડા પ્રધાન અને એ વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા. આ ઉપરાંત પણ અનેક ઇવેન્ટ દેશ-પરદેશમાં કરી છે.
————–
અરવિંદ ભંડારી
છેલ્લાં ૨૬ વર્ષથી આઉટડોર પબ્લિસિટી સાથે સંકળાયેલા અરવિંદભાઇએ ૧૬ વર્ષ પહેલાં મિનિમેક્સ એડ્સ. પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની શરૂ કરી છે. મલાડમાં ઓફિસ ધરાવતા અરવિંદભાઇના ગ્રાહકોમાં એન્ટરટેઇનમેન્ટ અને ઇવેન્ટ ઉદ્યોગ, એફએમસીજી ક્ષેત્ર, સરકારી તેમ જ બેન્કિંગ ક્ષેત્રે તેમના અનેક ગ્રાહકો છે. હોર્ડિંગ્સ ઉપરાંત રેલવે, બસ તેમ જ મોલ્સમાં પણ પબ્લિસિટી ક્ષેત્રે સંકળાયેલા છે. અનેક સામાજિક કે સેવાકીય પ્રવૃત્તિમાં રાહત દરે કે નિ:શુલ્ક હોર્ડિંગ્સ પણ આપે છે. કોરોનાકાળ દરમ્યાન કોવિડ માર્ગદર્શન આપતી સૂચનાઓ માટે તેમણે સરકારને નિ:શુલ્ક હોર્ડિંગ્સ ફાળવ્યાં હતાં.
————-
ભાવિક શાહ
‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી કાર્યક્રમમાં વિડિયોગ્રાફીનું કામ જેમણે બહુ સારી રીતે સંભાળ્યું હતું તે ભાવિક શાહ ઘાટકોપરમાં જિનલ સ્ટુડિયો ચલાવે છે. તેમના પિતા વિનોદ શાહ (બંટી)એ ૧૯૮૪માં આ વ્યવસાય શરૂ કર્યો હતો. છેલ્લાં ૨૨ વર્ષથી આ કામ ભાવિકભાઇએ સંભાળી લીધું છે. ઘાટકોપરની નવરાત્રિ હોય કે અન્ય કોઇ પણ કાર્યક્રમ હોય, તેની વિડિયોગ્રાફી કરીને લાઇવ ટેલિકાસ્ટ કરવામાં તેઓ માહેર છે. ‘મુંબઈ સમાચાર’એ ૨૦૦ વર્ષ પૂરાં કર્યાં એ નિમિત્તે જે સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પડી તેનું ગાફિક્સ પણ તેમણે જ કર્યું હતું.
—————-
થેન્ક યુ, મુંબઈ-બીકેસી પોલીસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરી હોય એટલે સ્વાભાવિક રીતે એ જગ્યાની સુરક્ષા સૌથી મોટો મુદ્દો બની રહે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ના પોલીસ ઈન્સ્પેક્ટર કનૈયાલાલ શિંદે અને તેમના સાથીઓ આ વાત જાણતા જ હોવાથી તેમણે ચાર દિવસ અગાઉથી જહેમત ઉઠાવી હતી અને મુંબઈ એરપોર્ટથી લઈને બીકેસી-જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટર સુધી બંદોબસ્ત ગોઠવ્યો હતો. આખા શહેરમાં ૧,૧૭૭ અને બીકેસીમાં ૬૯૭ અધિકારી અને પોલીસકર્મીએ સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા કરી હતી. શિંદે સાથે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર ભોસલે અને પોલીસ કોન્સ્ટેબલ પ્રમોદ વીરકર અને સુરજ ભાલેરાવે આ વ્યવસ્થાને પાર પાડી હતી. માત્ર મહેમાનોની સુરક્ષા જ નહીં, પરંતુ આવનારા તમામની સુવિધાઓ સચવાઈ રહે તેનું તેમણે ધ્યાન રાખ્યું હતું.
આ સમગ્ર સંચાલન તેમણે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે, વેસ્ટ ઝોનના એડિશનલ સીપી વિનાયક દેશમુખ, ડીસીપી ડી. એસ. સ્વામી, એસીપી કૈલાસ આવ્હાડ, સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિશ્ર્વમ અભ્યંકરના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. ‘મુંબઈ સમાચાર’ તમામ પોલીસકર્મીઓનો આભાર માને છે.
નવી મુંબઈના પોલીસ કમિશનર બિપિન કુમાર સિંહ સહપરિવાર પધાર્યા હતા, તેની અમે નોંધ લઈએ છીએ.
—————
યોગેશ લાખાણી
‘મુંબઈ સમાચાર’ દ્વિશતાબ્દી કાર્યક્રમને શહેરભરમાં હોર્ડિંગ્સ દ્વારા પ્રસિદ્ધિ આપવાનું કાર્ય કરનાર યોગેશ લાખાણી એટલે આઉટડોર પબ્લિસિટીના ભીષ્મ પિતામહ. બ્રાઇટ આઉટડોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે છેલ્લાં ૩૩ વર્ષથી તેઓ વ્યવસાય કરે છે. કોર્પોરેટ ક્ષેત્ર, મનોરંજન ઉદ્યોગ તેમ જ એફએમસીજી ક્ષેત્રે તેમના અનેક માનવંતા ગ્રાહકો છે. ભારતીય રેલવે, ઓલ ઇન્ડિયા રેડિયો એન્ડ ટી.વી. દ્વારા પ્રમાણિત આ કંપની હોર્ડિંગ્સ ઉપરાંત રેલવે બોર્ડ્સ, રેલવે પેનલ્સ, સિનેમા સ્લાઇડ્સ, પ્રોમો, ફુલ ટ્રેન બ્રાન્ડિંગ, બસ સ્ટેન્ડ, બસ પેનલ્સ, મોબાઇલ સાઇન ટ્રક્સ, કિઓસ્ક, ટ્રાફિક બૂથ, ટોલ નાકા તેમ જ ટી.વી. એડ્વર્ટાઇઝિંગ સાથે પણ આ કંપની સંકળાયેલી છે. હિન્દી ફિલ્મો અને બોલીવૂડ કાર્યક્રમોની જાહેરાતોનું ૯૦ ટકા કામ યોગેશભાઇની આ કંપની સંભાળે છે એ ગૌરવની વાત છે. મોટી એડ. એજન્સી સહિત ૧૫૦થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ંપનીઓ તેમની ગ્રાહક છે. શૂન્યમાંથી સર્જન કરનારા દીર્ઘદ્રષ્ટા યોગેશભાઇ લાખાણી એક આદર્શ સમાજસેવક પણ છે. અંધેરીના કોમર્શિયલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા યોગેશભાઇ પાસે ૨૫ કુશળ વ્યાવસાયિક માણસોનો સ્ટાફ છે. તેમણે મુંબઇ ઉપરાંત બીજાં મોટાં શહેરો અને દેશ-વિદેશમાં પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે.
————–
રાજુ સાવલા
‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી મહોત્સવને ચાર ચાંદ લગાવનારા રાજુ સાવલાને તમે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ કહી શકો. કોલેજકાળમાં અનેક નાટ્યસ્પર્ધાઓ અને શિબિરોમાં પુરસ્કારો જીતનારા રાજુભાઇ ૧૯૮૩માં ઇન્ડિયન નેશનલ થિયેટર સાથે જોડાયા અને અનેક તાંત્રિક વસ્તુઓનો અનુભવ લીધો. ૧૯૮૭માં ‘મુંજાલ થીમ્સ એન્ડ ઓકેઝન પ્રા. લિ.’ની સ્થાપના કરીને વ્યવસાય શરૂ કર્યો. લગ્નનાં આયોજનોનું કામ શરૂ કરનાર રાજુભાઇએ એ સમયમાં ઇવેન્ટ મેનેજમેન્ટ શબ્દ નવો હતો ત્યારે લોકોને ઇવેન્ટ પ્લાન કરતાં શીખવાડ્યું. ૧૯૯૨માં તેમને વિશ્ર્વ સિનેમાને ૧૦૦ વર્ષ પૂરાં થયાની ઇવેન્ટ મળી ત્યાર બાદ તેમણે પાછું વળીને જોયું નથી. માઇકલ જેક્સન, બ્રાયન એડમ્સ, શકીરા કે બિયોન્સે જેવાં વિદેશી કલાકારો હોય કે લતા મંગેશકર, ઝાકિર હુસેન જેવા ભારતીય કલાકારોના કાર્યક્રમો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય કે રમતગમતના કાર્યક્રમો હોય કે પછી ફિલ્મી એવોર્ડ્સની ઇવેન્ટ હોય, રાજુ સાવલાની હાજરી અનિવાર્ય ગણાતી. ૩૫ વર્ષના કાર્યકાળમાં ૩૫૦૦થી વધુ ઇવેન્ટનું કુશળતાપૂર્વક આયોજન કરનાર રાજુભાઇએ ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ’નામની સંસ્થા પણ શરૂ કરી છે જે અંતર્ગત અત્યાર સુધી ૨૦૦ વિદ્યાર્થીઓ તૈયાર થઇ ચૂક્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ તેમની ટીમે સરકાર માટે મીરા-ભાયંદરમાં બે કોવિડ સેન્ટર બાંધવાનું કામ કર્યું હતું જે આજે પણ કાર્યરત છે.
————–
રજની આચાર્ય
‘મુંબઈ સમાચાર’ની ૨૦૦ વર્ષની અવિરત યાત્રાને કચકડે મઢી સુંદર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર લાઇફોગ્રાફર (જીવનચરિત્રકાર) રજની આચાર્ય હાલ ઇન્ડિયન ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર્સ એસોસિયેશનના પ્રમુખ છે. તક્ષશિલા મલ્ટિ મીડિયા પ્રોડક્શનના નેજા હેઠળ છેલ્લાં ૨૦ વર્ષથી લાઇફોગ્રાફી ફિલ્મો બનાવતા રજનીભાઇની પહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી ‘સૌરાષ્ટ્રની જલધારા’ અને ત્યાર પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ડૉક્ટર હરિકેશ બૂચ હોય કે ગાયક મોહમ્મદ રફી, તેમનાં જીવનચરિત્રોની દસ્તાવેજી ફિલ્મો બનાવીને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી છે. હાલ મહાન ગીતકાર-સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઇફોગ્રાફી ફિલ્મ ‘સૂર શબ્દનું સરનામું’ તેમણે બનાવી છે જે જન્માષ્ટમીના દિવસે રિલીઝ થશે. તેમની ફિલ્મોમાં માત્ર દસ્તાવેજીકરણ જ નથી હોતું, પણ તેમાં સાહિત્ય, કવિતા અને સંગીતની પણ છાંટ હોય. ‘શ્રી મુમબઇનાં શમાચાર -૨૦૦ નોટ આઉટ’નું ટિઝર ૧૪મી જૂને દેશના વડા પ્રધાન મોદીજીના હાથે રિલીઝ થયું તે બદલ રજનીભાઈ ધન્યતા અનુભવે છે.
ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાની શરૂઆત કરી એ અગાઉ તેઓ ‘પીસેપીએમ’ અને ‘અપમાન’ જેવી બે ફિલ્મોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે. રામાયણ અને નુક્કડ જેવી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મ ‘જાને ભી દો યારો’ની પબ્લિસિટી પણ સંભાળી ચૂક્યા છે.
————-
હેમરાજ શાહ, અરવિંદ શાહ
શિવસેનાના પ્રવક્તા હેમરાજ શાહ અને તેમના પુત્ર અરવિંદ શાહે કાર્યક્રમમાં હાજરી આપી શોભા વધારી હતી. હેમરાજભાઈ ગુજરાતી ભાષા અને સમુદાયને સહકાર કરવા સતત તત્પર રહે છે અને ‘મુંબઈ સમાચાર’ સાથે તેમનો ઘરોબો છે.
અતુલ શાહ: ‘મુંબઈ સમાચાર’ પ્રત્યે હંમેશાં આદરભાવ અને પ્રેમભાવ રાખનારા ભાજપના પ્રવક્તા અને નગરસેવક અતુલ શાહની ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.