મુંબઈમાં હવે હેલ્મેટની સખતાઈ

આમચી મુંબઈ

પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ નહીં પહેરે તો દંડ ભરવો પડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હેલ્મેટ પહેર્યા વિના બેફામ ટુ-વ્હીલર ચલાવનારાઓ પર લગામ લગાવવાના ભાગ રૂપે ટ્રાફિક પોલીસે હવેથી હેલ્મેટની સખતાઈનો નિર્ણય લીધો છે. ટુ-વ્હીલર ચલાવનારા સાથે પાછળની સીટ પર બેસેલી વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવી પડશે અને આ નિયમનું ઉલ્લંઘન કરનારે ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.
મુંબઈની ટ્રાફિક પોલીસે આ સંબંધે બુધવારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ટુ-વ્હીલર પર પાછળ બેસેલી વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ ૧૫ દિવસ બાદ અમલમાં આવશે. ત્યાર પછી આ નિયમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ સામે પગલાં લેવાનું શરૂ કરવામાં આવશે, એવું નોટિફિકેશનમાં જણાવાયું છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ ઘણી વાર યુવાનો હેલ્મેટ વિના જ બેફામ ટુ-વ્હીલર ચલાવતા નજરે પડે છે. આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ખરેખર તો ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર (પિલન રાઈડર) બન્નેએ હેલ્મેટનો ઉપયોગ કરવો મોટર વેહિકલ ઍક્ટ-૧૯૮૮ની કલમ ૧૨૯ સહિત ૧૯૪ (ડી) અનુસાર ફરજિયાત છે. હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવનારાને ૫૦૦ રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાયદામાં જોગવાઈ છે.
નોટિફિકેશન અનુસાર હવેથી આ કાયદાનો સખતાઈથી અમલ કરવામાં આવશે. ૧૫ દિવસ પછી ટુ-વ્હીલર પર પાછળ બેસેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરી ન હોય તો તેણે પણ ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.