મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા હજારને પાર

આમચી મુંબઈ

રાજ્યમાં ૧,૮૮૧ કેસ, બીએ-પાંચ વેરિયન્ટનો એક કેસ

સાવધાની જરૂરી
મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જાહેરસ્થળોએ હરતીફરતી વખતે લોકોએ કોવિડ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું જરૂરી બન્યું છે. મુંબઈમાં ખાસ કરીને કેસની સંખ્યા વધી રહી છે ત્યારે મુંબઈમાં દાદર શાકમાર્કેટની સાથે ગિરગાંવ ચૌપાટી ખાતે ક્યાંય લોકો માસ્ક પહેરતા જોવા મળ્યા નહોતા. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના સંકટમાં વધારો થઈ રહ્યો છે, જે અંતર્ગત રાજ્યમાં મંગળવારે એક દિવસમાં ૧,૮૮૧ કેસ નોંધાયા છે, જ્યારે પુણેમાંથી એક બીએ.પાંચ વેરિયન્ટનો કેસ નોંધાયો છે, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.
રાજ્યમાં મંગળવારે એક દિવસમાં કોરોનાના ૧,૮૮૧ કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાથી ૮૭૮ દર્દી સાજા થયા હતા. જોકે, રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જ્યારે ડેથરેટનું પ્રમાણ હજુ પણ નીચું છે. પુણેમાંથી ૩૧ વર્ષની મહિલા બીએ.પાંચ વેરિયન્ટ મળ્યો છે, જ્યારે તેના લક્ષણો એસિમ્પ્ટોમેટિક છે તથા હોમ આઈસોલેશનમાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મંગળવારે મુંબઈમાં કોરોનાના ૧,૨૪૨ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૦,૭૦,૮૫૪ છે. ૨૯ જાન્યુઆરી પછી મુંબઈમાં મંગળવારે સૌથી વધારે કેસ નોંધાયા હતા. ૨૯ જાન્યુઆરીએ ૧,૪૧૧ નવા કેસ અને ૧૧ મરણ નોંધાયા હતા. નવા નોંધાયેલા કેસ પૈકી ૧,૧૬૮ (૯૪ ટકા) એસિમ્પટોમેટિક છે, જ્યારે તેમાંથી ૭૪ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક દિવસમાં મુંબઈમાં ૧૭,૧૪૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે ૫૦૬ દર્દી સાજા થવાથી કુલ રિકવર કેસની સંખ્યા ૧૦,૪૬,૨૩૩ છે.
મુંબઈ સિવાય સર્કલમાં થાણે પાલિકાની હદમાં ૧૨૩ તથા નવી મુંબઈમાં ૧૦૮ કેસ નોંધાયા છે, જ્યારે મીરા ભાયંદરમાં ૫૧ કેસ નોંધાયા છે. મુંબઈ સર્કલમાં પનવેલમાં ૩૬, વસઈ-વિરારમાં ૩૫ તથા રાયગઢમાં ૩૨, થાણે શહેરમાં ૩૦ કલ્યાણ-ડોંબિવલીમાં ૨૭ કેસ નોંધાયા છે, જે ચિંતાજનક વાત છે. ભિવંડી સિવાય એક પણ પાલિકામાં ઝીરો કેસ નોંધાયો નથી, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.