Homeરોજ બરોજમીટુ મુવમેન્ટનું શું થયું? ગાજ્યા મેહ વરસ્યા નહિ?

મીટુ મુવમેન્ટનું શું થયું? ગાજ્યા મેહ વરસ્યા નહિ?

રોજ બરોજ – અભિમન્યુ મોદી

બિગ બોસની લોકપ્રિયતાનો માપદંડ શું? વિવાદાસ્પદ સેલિબ્રિટીના અંગત જીવનમાં ચંચુપાત કરવાનું અને તેણે કંઈ ખોટું નથી કર્યું પણ પરિસ્થિતિને વશ થઈને તેનાથી ખોટું કાર્ય થઈ ગયું છે એવું પ્રજાના માનસમાં ઠસાવી દેવાનું. જેના પર ડઝનેક મોડેલ અને અભિનેત્રીઓએ યૌન શોષણનો આરોપ લગાવેલો એવા સાજિદ ખાન પ્રત્યે આજના નેટિઝન્સ સહાનુભૂતિ દાખવી રહ્યા છે. એક સમયે હેશટેગ ’મીટુ’ સાથે બહુ ગાજેલા સાજિદ ખાન પર આજ નેટિઝન્સ વરસી પડ્યા હતા. પણ બિગબોસની કમાલ જુઓ, ચારિત્ર્યના શુદ્ધીકરણ માટે કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી. રિયાલિટી શોમાં આવીને રડમસ બનીને આપવીતી રજૂ કરવામાં આવે એટલે લોકો તેને માફ કરી દે. સાજિદ ખાન પણ હવે એ કક્ષાએ પહોંચવા લાગ્યો છે, પરંતુ તેની સાથે વિસરાઈ ગયેલી મીટુ મુવમેન્ટ ફરી યાદ આવી ગઈ.
ચાર વર્ષ પહેલાં ભારતમાં તો બિલાડીના ટોપની જેમ યૌન શોષણથી પીડિત મહિલાઓનો રાફડો ફાટ્યો હતો, બોલીવુડમાં મીટુ મુવમેન્ટ પૂરબહાર ખીલી હતી, તેનો સંપૂર્ણ શ્રેય તનુશ્રી દત્તાને ફાળે ગયો, તનુશ્રીએ ૨૦૧૮માં એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ૨૦૦૮માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના આઈટમ સોંગના પિક્ચરાઈઝેશન વખતે નાના પાટેકરે તેની જાતિય સતામણી કરી હતી. તનુશ્રીના આક્ષેપ પ્રમાણે, ડાન્સ સીક્વન્સમાં ફેરફારના બહાને નાના પાટેકરે તેની સાથે અશ્ર્લીલ ચેષ્ટા કરી હતી. કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે નાના પાટેકરને સાથ આપેલો, આ ઉપરાંત કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ વર્ષો પહેલા ચોકલેટ ફિલ્મ બનાવેલી તેમાં પણ સેટ પર નિર્વસ્ત્ર થઈને ઈરફાન ખાન સાથે ડાન્સ કરવા તનુશ્રી પર દબાણ કર્યું હોવાનો તેણે આરોપ લગાવ્યો હતો. અને લોકો પાસેથી તનુશ્રી મદદની અપીલ કરી. પછી તો જાણે દબાયેલી અભિનેત્રીઓમાં ઊર્જાનો નવસંચાર થયો હોય તેમ રોજ એક અભિનેત્રીની ફેસબુક પોસ્ટ પર એક નામાંકિત વ્યક્તિનું નામ જોવા મળે જેણે શારીરિક ચેષ્ટા કરીને પેલી પર ત્રાસ ગુજાર્યો હોય.
રાહુલ ગાંધીથી લઈને કેજરીવાલ સુધીના રાજકીય પક્ષના મોટા માથા પણ સરકાર પર મીટુના નામે લાંછન લગાવતા હતા. પણ કોઈને પૂછો કે આ મી ટુ એટલે શું તો કોઈ નક્કર જવાબ ન મળે! હોલીવુડના સૌથી પ્રખ્યાત ફિલ્મ સર્જકોમાં એક હાર્વે વેઈનસ્ટેઈન સામે જાતિય સતામણીનો આરોપ મૂકનારી અભિનેત્રી અલિસા મિલાનોએ ૨૦૧૭ના ઑક્ટોબરમાં ટ્વિટર પર ‘મીટુ’ હેશટેગ બનાવ્યું પછી આ બે શબ્દો આખી દુનિયામાં ફેલાઈ ગયા હતા પણ ભારતમાં ‘મીટુ’ હેશટેગ બહુ લોકપ્રિય નહોતું બન્યું. લોકોને જે સાંભળીને આંચકો લાગી જાય એવી જાતિય સતામણીની વાતો બહાર નહોતી આવી.
તનુશ્રીએ એક્ટર નાના પાટેકર સામે જાતિય સતામણીનો આક્ષેપ કરતાં જ સ્થિતિ બદલાઈ ગઈ અને ભારતીય યુવતીઓની હિંમત ખૂલી ગઈ. ભારતીય મહિલાઓએ પણ ભૂતકાળમાં પોતાના પર થયેલા બળાત્કારને બીજા પ્રકારની જાતિય સતામણીની વાતો લોકો સામે મૂકવા માંડી હતી. ગાયક કૈલાશ ખેર, અભિનેતા રજત કપૂર અને આલોકનાથ, ડિરેક્ટર વિકાસ બહલ સહિતના સમાજના સફળ કહેવાતા લોકો સામે આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો. આ કહેવાતા મોટા લોકોએ ભૂતકાળમાં કઈ રીતે પોતાને હવસનો શિકાર બનાવેલી કે જાતિય સતામણી કરેલી તેની વાતોનો મારો ચલાવીને મહિલાઓએ તેમને ખુલ્લા પાડવા માંડેલા. નરેન્દ્ર મોદી સરકારના તત્કાલીન રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન એવા એમ.જે. અકબર સામે ચાર યુવતીઓએ જાતિય સતામણીના આક્ષેપો કરતાં અકબરે ઘરભેગા થવું પડેલું. પત્રકાર તરીકે અકબરે ઘણાં અંગ્રેજી અખબારોના એડિટર તરીકે કામ કરેલું. કૉંગ્રેસી તરીકે રાજકીય કારર્કિર્દી શરૂ કરનારા અકબર ઉગતા સૂરજને પૂજીને મોદીની પંગતમાં બેસી ગયા હતા. મોદીએ તેમને મિનિસ્ટર બનાવેલા પણ ચાર યુવતીઓએ જાતિય સતામણીની ફરિયાદ કરી તેમાં અકબરની રાજકીય કારકિર્દી પતી ગઈ. અકબરે યુવતીઓ સામે બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી હતી પણ કેસ કદી કર્યો જ નહીં.
બે મહિના સુધી બહુ ગાજયા બાદ આક્ષેપો કરનારી અભિનેત્રીઓ બી ગ્રેડની ફિલ્મોમાં અંગ પ્રદર્શન કરતી જોવા મળી હતી. ઘણાં તો આક્ષેપને પબ્લિસિટીનું સ્ટંટ પણ ગણાવતા હતા. એક માત્ર તનુશ્રીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. બાકી તો ટીવી ચેનલ અને સોશિયલ મીડિયામાં આપવીતી વર્ણવતી માનુનીઓના આક્ષેપ ક્યારેય સિદ્ધ થયા જ નહિ.ભારતમાં વિદેશમાં ચાલતા ટ્રેન્ડને અનુસરવાનો ભારે ટ્રેન્ડ છે. તનુશ્રી ખુદ ’મીટુ’ શબ્દથી અજાણ હતી પણ નેટિઝન્સની ફૌજ ઉતરી અને મીટુ મુવમેન્ટ ચાલવા લાગી. લોકો કોઈ પણ પોસ્ટ કરે તેમાં હેશટેગ મીટુ અચૂક લખેલુ હોય. કોઈએ એવી તપાસ પણ ન કરી કે આ મીટુ આવ્યું ક્યાંથી? પરંતુ અહીં સવાલ થાય કે શું સ્ત્રીઓનું શોષણ થવું એ નવી વાત છે?
વિશ્ર્વના દરેક ખૂણે વાસના ભૂખ્યાં વરૂઓની પ્રજાતિ માનવ વેશમાં શ્ર્વસે છે. તેના માટે શરીરની ભૂખ સંતોષવા સ્ત્રીનું શિયળ લૂંટવું સામાન્ય વાત છે. દર બીજે દિવસે અખબારોમાં પાખંડી બાબાઓના નામ છપાઈ છે, જે પ્રભુના નામે કામલીલા કરીને વિકૃત સંતોષ મેળવે છે. થોડા સમય પહેલા કેરળમાં ચર્ચના પાદરીઓની ઘૃણાસ્પદ હકીકતો સામે આવી. જેમાં કેરળની ગરીબ યુવતીઓને પાદરીઓ પોતે પ્રભુ ઈસુના સીધા પ્રતિનિધિ હોવાનો દાવો કરીને સંબંધ ગાઢ બનાવે છે, જિંદગીમાં કોઈક ચમત્કાર થવાની આશામાં શ્રદ્ધાળુઓ પાદરીને આધીન થતા જાય છે અને છેવટે પાદરી પોતાનું પોત પ્રકાશી યૌનશોષણ સુધી પહોંચે છે. બધા જ પાદરીઓ આવા હોતા નથી, પરંતુ કેરળમાં વધુ પડતા કિસ્સાઓ બહાર આવતા કેરાલિયન પ્રજાની ચર્ચ પરથી શ્રદ્ધા ઊઠી ગઈ હતી. આ ફરિયાદ કરનારા યુવતીઓમાં નન પણ સામેલ હતી. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે દરેક પાદરી પાસે એક ડાર્ક બુક છે જેમાં તેની પાપલીલાનું વિગતે વર્ણન થયેલું છે.
જામનગરનો એક કિસ્સો પણ ગત વર્ષે મીડિયામાં ખૂબ ગાજેલો, સિવિલ હૉસ્પિટલમાં અટેન્ડન્ટ તરીકે કામ કરતી યુવતીઓને સિનિયર તબીબો શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતા હતા અને જો યુવતીઓ મનાઈ ફરમાવે તો તેને બરતરફ કરવાની ધમકી પણ અપાતી હતી. એ વખતે પોલીસનું એક જ નિવેદન હતું કે, આવી કોઈ ફરિયાદ નોંધાઈ જ નથી, અને સિવિલના ઉચ્ચ અધિકારીઓ તો એ વિશે વાત કરવા તૈયાર ન હતા. આ બન્ને કેસનું શુ થયું? ફિંડલું વળી ગયેલું. આ કંઈ પહેલો કિસ્સો નથી, અને દુર્ભાગ્યે આ છેલ્લો કિસ્સો પણ નથી ! વર્ક પ્લેસ પર જાતિય સતામણી, ફિઝિકલ એક્સપ્લોઈટેશન દુનિયાના દરેક ખૂણે થાય છે.લગભગ દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાને આવી સતામણીનો ભોગ બનવું પડે છે.કેટલાક કિસ્સા બહાર આવે છે અને કેટલાક કિસ્સા પૈસાથી, ધમકીથી અથવા શરમના કારણે દબાવી દેવામાં આવે છે. બસમાં, ટ્રેનમાં, ભીડમાં કે સિનેમા થિયેટરમાં સ્ત્રીનાં જનનાંગોને સ્પર્શ કરીને અંધારામાં કે ભીડમાં ખોવાઈ જનારા પુરૂષોનું શુ કરવું ? સ્ત્રીને દુ:ખે એવી રીતે ચૂંટલો ભરીને, દબાવીને ખોવાઈ જનારી કેટલી સ્ત્રીઓની ફરિયાદ કેટલા લોકો સાંભળે છે ?
એવુ પણ નથી કે માત્ર સ્ત્રીઓ અણીશુદ્ધ છે અને પુરુષો નપાણિયા, જોની ડેપ અને અંબર હર્ડના કેસનો ઐતિહાસિક ચુકાદો આવ્યો. તેમાં અમેરિકાની કોર્ટે સ્વીકાર્યું હતું કે મર્દોને પણ મીટુના આરોપસર ફસાવવામાં આવે છે, સ્ત્રીઓ પણ શોષણ કરી શકે છે, અંબર હર્ડ જેવી સ્ત્રીઓ પુરૂષને ખોટી રીતે બદનામ કરીને તેની પ્રતિષ્ઠાને ડાઘ લગાડી શકે છે, ફેમિનિઝમનું પ્રતિનિધિત્વ કરીને પુરૂષને શરીર ભૂખ્યો બનાવી દેવો એ કાયદા વિરુદ્ધ છે.
વાત અને ચુકાદો બન્ને સાચા છે. વિશ્ર્વમાં હંમેશાં પતિ તરફથી પત્નીઓ પર થતી ઘરેલું હિંસાની વાત પ્રકાશમાં આવે છે. માત્ર આટલું જ નહીં મહિલાઓ તરફી આવેલા ચુકાદાઓને લઈ પુસ્તકો પણ પ્રકાશિત થાય પરિસંવાદ યોજાય, પરંતુ જ્યારે પત્નીઓ દ્વારા પતિ પર થતા અત્યાચારની વાત કરવામાં આવે ત્યારે કોર્ટ જ નહીં સમાજ પણ તે વાતને નકારી કાઢે છે અને વ્યક્તિ હાંસીને પાત્ર બને છે, પરંતુ જોની ડેપની જીત બાદ હવે જાતિય સતામણી માત્ર સ્ત્રીની જ થાય છે એવી ધારણા પણ ખોટી પડવા લાગી છે.
મુદ્દો માત્ર એટલો છે કે, ના ‘નો અર્થ ના’ થાય છે, બે સમજદાર, પુખ્ત અને સ્વતંત્ર વ્યક્તિ જો પોતાની મરજીથી એકબીજા સાથે ફ્લર્ટ કરે છે, શારીરિક છેડતી કરે છે, સ્પર્શ કરે છે કે અમુક રીતે જાતિય ઉશ્કેરણીનો પ્રયાસ કરે છે તો એ વિષયના નિયમો જુદા છે, પરંતુ સ્ત્રી કે પુરૂષ બન્નેમાંથી કોઈને પણ જો પરાણે આવા સ્પર્શ, ઉશ્કેરણી કે અણછાજતા વર્તનનો સામનો કરવો પડે છે તો એ ખોટું છે જ તેની ફરિયાદ થવી જ જોઈએ. નહિ કે મીટુના નામે સોશિયલ મીડિયા પર સહાનુભૂતિ મેળવીને છવાઈ જવું. જ્યારે આવી સભાનતા સમાજમાં આવશે કદાચ ત્યારે મીટુ જેવી મુવમેન્ટ પરિવર્તનનું માધ્યમ બનશે. ઉ

 

RELATED ARTICLES

Most Popular