માલિક હૈ તેરે સાથ ન ડર ગમ સે તૂ ઐ દિલ, મહેનત કરે ઇન્સાન તો કયા કામ હૈ મુશ્કિલ…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

કોલેજ પછી મને ફિલ્મ મેગેઝીન “મૂવી માં નોકરી મળી. એ સમયે મને ફિલ્મો પ્રત્યે એટલો બધો પ્રેમ નહોતો, જોકે, કેટલાક મહિનાઓમાં જ મને મારા જીવનનો ઉદ્દેશ મળી ગયો, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે મને પ્રેમ થઈ ગયો.
બોલીવૂડ જે એક સમયે ઝાડની આજુબાજુ નાચનારા ગરીબ દેશનું સિનેમા મનાતું હતું, હવે આખી દુનિયામાં એક નિરાળા આર્ટ ફોર્મની જેમ લોકપ્રિય થઈ ચૂક્યુ છે. બોલીવૂડ ખુદ એક સંસ્કૃતિ છે, ધર્મ છે. ફિલ્મોએ આપણા સપના અને મહત્વકાંક્ષાને એક નવો આકાર અને આયામ આપ્યો છે. બીજાની ખબર નહીં પણ મારા માટે જો હિન્દી ફિલ્મો ન હોત તો જીવન ઉલ્લાસ અને જાદુથી વંચિત રહેત.
-અનુપમા ચોપરા


હિન્દી ફિલ્મોના રસિક પ્રેમીઓનો એક યુગ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં જીવતો હતો. મોટાભાગના ફિલ્મપ્રેમીઓ જેને “પીટ કલાસ કહેવાય એમાંથી આવતા,સિનેમામાં હમેશા થર્ડ કલાસ પહેલા ફુલ થઈ જતો અને દર્શકોમાં ભૂરી પટ્ટીના સ્લીપરો અને ટાયરના ચંપલ પહેરેલાઓની બહુમતી રહેતી. એક્શન ફિલ્મોમાં ગળામાં રૂમાલ પહેરીને દર્શકો આવતા અને શર્ટના બે બટન ખુલ્લા!
આજના મલ્ટિપ્લેક્સએ એ સાચા રસીક પ્રેમીઓને ગુમાવી દીધા છે. ફિલ્મ જોવા કોઈ પ્રસંગમાં જવાનું હોય એ રીતે લોકો તૈયાર થઈને જાય એ વાત જ સિનેમાપ્રેમીને સમજાતી નથી.સામાન્ય બહુમતી જનતા કહેવાતા લોકોએ હિન્દી ફિલ્મોને ભરપૂર પ્રેમ કર્યો છે. આજે એ વર્ગની પહોંચ જ નથી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોવાની.
અમુક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોઈને મોટા થયેલા લેખકો મલયાલમ, કન્નડ, તમિલ જેવી સાઉથની ફિલ્મો અને કોરિયન ફિલ્મોના ગુણગાન ગાતા થાકતા નથી. હોલીવૂડ મૂવી પર ઓવારી જનારા એ યુગમાં પણ હતા જ જે વટ થી કહેતા કે, “હું કોઈ દિવસ હિન્દી ફિલ્મ જોતો જ નથી!
આવા લોકોને ખબર જ નથી કે, હિન્દી ફિલ્મ એટલે બહુમતી ગરીબ જનતાનો પ્રાણ હતી.એ કપૂર કુટુંબ, દિલીપ, રાજ, દેવ, નૌશાદ અને શંકર જયકીશન, અમિતાભ, ધમો, પ્રાણ, અજિત, ગબ્બર, મધુબાલા, હેમા માલિની, લતાજી અને એ ઉપરાંતના સેંકડો નામો. જ્યારે પરદા પર રાજેશખન્ના હાથ ઊંચા કરીને “યહાં વહા સારે જહાં મે તેરા રાજ હે,તેરે હી તો સર પર મ્હોબત કા તાજ હે કિશોરકુમારના મસ્ત અવાજમાં લલકારે ત્યારે ગરીબ જનતાના હાથ ખિસ્સા સુધી આપોઆપ પહોંચી જતા અને ખિસ્સાનું પરચુરણ છૂટે હાથે પરદા ભણી ફેંકાઈ જતું!
ટૂંકમાં કહીએ તો એટલું જ કે”ભારતની બહુમતી સામાન્ય ગરીબ જનતાનું હિન્દી ફિલ્મો અને સિંગલ સ્ક્રીન થિયેટરો એક ‘રજવાડું’ હતું અને દરેક માણસ એ રજવાડાનો પોતે જ રાજા હતો. અને આ સિંગલ સ્ક્રીન સિનેમાની એક ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ છે, અને આ ફિલ્મ દરેક હિન્દી ફિલ્મ શોખીનોના દિલો-દિમાગમાં રાજ કરે છે. એક વખત એવું બન્યું, ઇટાલિયન દિગ્દર્શક સેસીલ ડિમેલો એ હિન્દી ફિલ્મ “હુમાયુ જોઈ ને મહેબૂબખાન ને પત્ર લખ્યો અને કહ્યું કે તમે આ ફિલ્મમાં શરૂઆત નું દૃશ્ય દોડતા ઘોડા અને ઊડતી ધૂળ આટલી અદ્ભૂત રીતે ક્યાં કેમેરા થી અને કેમ કરી ફિલ્માવ્યું છે? જેમાં કેમેરા પર ધૂળ ઊડતી નથી અને સ્પષ્ટ દૃશ્ય આવ્યું છે! મોગલે આઝમમાં શીશમહેલવાળા સેટ પર કોઈ પણ કેમેરાથી શૂટિંગ શક્ય નથી અને આટલો મોંઘો સેટ પાણીમાં ગયો! એવું દરેક નિષ્ણાતો એ જજમેન્ટ આપી દીધું ત્યારે કે. આસિફએ શૂટિંગ કરી દેખાડ્યું અને લોકો અવાક થઈ ગયા!
મહેબૂબ ખાન અને કે. આસિફ અભણ માણસો હતા!
આજે જ્યારે ટેક્નોલોજી આટલી આગળ વધી ગઈ છે ત્યારે પણ કોઈ ભારતીય ફિલ્મ સર્જકે દુનિયા ના બીજા લોકો અવાક થઈ જાય તેવી કોઈ કારીગીરી બતાડી શક્યા નથી!
એક “ઝેન કથા છે કે ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે ગયેલ તાલિબને ગુરુ ચાના પ્યાલા માં પૂરો ભરાઈ જવા છતાંય ચા રેડતા જાય છે અને તાલિબ તેઓ ને અટકાવે છે ત્યારે કહે છે કે “ભાઈ તારું પણ આવું જ છે!પહેલા તારા મન મસ્તક માં અગાઉ થી ભરેલો કચરો ખાલી કર, ત્યારે જ જ્ઞાન રૂપી ચા તારા પ્યાલામાં ભરાશે!
એટલે ઘણી વખત પોતાના મન મસ્તકમાં ભરેલા કચરા સાથે કોઈ નવા સુધારા કરવા નીકળે તે સુધારા શક્ય નથી બનતા!
પ્રથમ હિંમત તો પોતાનું કન્ડિશનિંગ પોતાની જાતે તોડવાની જ કરવાની હોય છે!
મહેબૂબ ખાન જ્યારે પોતાની સફળ ફિલ્મ ઔરતની રિમેક બનાવવા માંગતા હતા ત્યારે એમના બધા સ્નેહીઓએ એમને રોકેલા કે, ઔરત ફિલ્મ એટલી સફળ છે અને એવી અસરકર્તા બની છે કે, એની રિમેક ન જ બનાવવી જોઈએ. પણ મહેબૂબ ખાન ઔરતની રિમેક બનાવવા તપ્પર હતા. બિરજુનું પાત્ર વધારે મહત્ત્વપૂર્ણ બનાવવું. ફિલ્મનો આરંભ અને અંત અલગ બતાવવો અને સુખીલાલાના પાત્રને વધારે ઉઠાવ આપવો. એવી રીતે મધર ઇન્ડિયા ફિલ્મ બનાવવી.
મહેબૂબ ખાનની ઈચ્છા હતી બિરજુનું પાત્ર દિલીપકુમાર કરે અને રાધા નરગીસ બને. દિલીપકુમારના ઈન્કારને કારણે એ શક્ય ન બન્યું એટલે મહેબુબખાન અમેરિકાથી હોલીલવૂડ એક્ટર સાબુને મુંબઈ લઈ આવ્યા અને સહકુટુંબ વસવાટ કરવા એને એક ફ્લેટ અપાવી દીધો. મધર ઇન્ડિયામાં બિરજુની ભૂમિકા સાબુ કરશે એવી જાહેરાત કરી એટલે આર્ટિસ્ટ એસોસિએશને વિરોધ કર્યો કે,બહારના એક્ટરો નહિ ચાલે!એટલે સાબુને પડતો મુકવો પડ્યો.
મહેબૂબને બધાએ સલાહ આપી કે આ રિમેક મૂકો પડતી.એક પાત્ર પસંદ કરવા આટલી માથાકૂટ! એટલે મહેબૂબ ગુસ્સે થઈને બોલ્યા “હું કલાકારો પર નિર્ભર નથી, કલાકારના નામથી મારી ફિલ્મ ચાલતી નથી! અને અંતે બિરજૂના રોલમાં સુનિલદત પસંદગી પામ્યા.
બળદગાડાની રેસના દ્રષ્યના શૂટિંગમાં મહેબૂબ ચાલતી જીપમાં શૂટિંગ કરતા હતા અને સુનિલદત પોતાના ગાડામાંથી ઉથલી પડ્યા અને મહેબૂબ એ ભાગ સુનિલ,પૈદલ દોડ એમ કહીને તત્કાલ આ દ્રશ્ય કથામાં ઉમેરી દીધું!
શાહુકાર સુખીલાલાના માણસો બિરજૂને બહાર કાઢવા માટે ઘાસની ગંજીઓમાં આગ લગાડે છે તે દ્રશ્યમાં નરગીસ ખરેખર આગમાં સપડાઈને બેભાન બની ગઈ તે વખતે સુનિલ દત એમને ખરેખરી આગમાંથી બચાવીને બહાર લઈ આવ્યા એ ગંભીર ઘટના પણ ફિલ્મમાં શૂટ થઈ ગયેલી, કેમેરામેન ફરદુન ઇરાનીને મહેબૂબ ખાનની સૂચના હતી કે, અલ્લાહની મરજી હશે એ થશે પણ તમે કેમેરા બંધ નહિ કરતા.
મેહબૂબ ખાને વિતરકોને જે કિંમતમાં ફિલ્મ વેચેલી એના કરતાં વધુ ખર્ચ થઈ ગયો છતાંય વિતરકોને વધુ પૈસા ચૂકવવાનું નહોતું કહ્યું. વધારે પૈસાની જરૂરિયાત પૂરી કરવા મહેબૂબ ખાનએ પોતાની બધી સંપત્તિ ગીરવે મૂકી દીધેલી.
પૈસાને કારણે ફિલ્મની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરે એ મહેબૂબ ખાન નહીં. મધર ઇન્ડિયાની પ્રિન્ટ લંડનમાં મિક્સિંગ કરીને ટેક્નિકલર પ્રિન્ટ કઢાવી.
પરદેશ લઈ જતા પહેલા ફિલ્મની પ્રિન્ટ સેન્સરમાં મોકલી અને સેન્સર થઈ ત્યારે ફિલ્મ જોનાર સેન્સર સભ્યોએ મહારાષ્ટ્ર સરકારને ભલામણ કરી કે આ ફિલ્મ ખૂબ સમજવા જેવી અને સુંદર છે એટલે અમારી ભલામણ છે કે આ ફિલ્મની કર દ્વારા થનારી આવક ફિલ્મ સર્જક મહેબૂબ ખાનને આપવી. આ માગણી મંજૂર થઈ અને ફક્ત મહારાષ્ટ્રમાંથી કરની આવક પચીસલાખ રૂપિયા મહેબૂબ ખાનને મળી. આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં ફિલ્મ રજૂ થઈ ત્યાં ત્યાં સફળતાનાં દરેક રેકોર્ડ બ્રેક કર્યા.
હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં ત્રણ ફિલ્મો માઈલસ્ટોન છે. મધર ઇન્ડિયા, મોગલે આઝમ અને શોલે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.