મારું નામ સૅલેબલ છે, તેની સાથે કોઈ સમસ્યા નથી: હાર્દિક પંડ્યા

સ્પોર્ટસ

કોલકાતા: અત્યાર સુધીની નાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં હાર્દિક પંડ્યાએ ઘણા ચઢાવઉતાર, વાદવિવાદ, ઈજા, સર્જરી વગેરે જોઈ લીધા છે, પરંતુ તેનું કહેવું છે કે આ તમામ બાબતોનો હું હસતા મોઢે સામનો કરું છું.
આ બધી સમસ્યાઓ અને વિવાદો વચ્ચે પણ પંડ્યા માત્ર ઑલરાઉન્ડર તરીકે જ નહીં, પરંતુ નેતૃત્વ કરવાને મામલે પણ ચમકી ઊઠ્યો છે.
પ્રથમ જ વખત આઈપીએલમાં પ્રવેશ કરનારી અને અન્ડર રૅટેડ ગુજરાત ટાઈટન્સની ટીમને તે ફાઈનલ સુધી દોરી ગયો હતો.
મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મૅચમાં ગુજરાત ટાઈટન્સને સાત વિકેટે વિજય અપાવી ફાઈનલમાં પ્રવેશ અપાવ્યા બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે લોકો વાત કરતા રહે છે અને એ એમનું કામ છે. હું તેમાં કંઈ ન
કરી શકું.
હાર્દિક પંડ્યાનું નામ સૅલેબલ છે, તેની સાથે મને કોઈ સમસ્યા નથી, હું તમામ બાબતોનો હસતા મોઢે સ્વીકાર કરું છું, એમ તેણે કહ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સમાં મળેલી સફળતાને પગલે વર્ષ ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ કર્યા બાદ લોકોની પંડ્યા પાસેની અપેક્ષાઓ વધી ગઈ હતી કેમ કે તેની સરખામણી ભારતને સૌપ્રથમ વખત વિશ્ર્વ કપ અપાવનાર દંતકથાસમાન કૅપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી રહી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પડતો મૂકવામાં આવ્યા બાદ આ વખતની આઈપીએલની સીઝનની શરૂઆત અગાઉ જ ગુજરાત ટાઈટન્સે પંડ્યાને રૂ. ૧૫ કરોડમાં ખરીદી લીધો હતો.
પ્રથમ જ વખત આઈપીએલમાં રમી રહેલી ગુજરાત ટાઈટન્સની કૅપ્ટનશિપ તેને સોંપવામાં આવી ત્યારે અનેક સવાલ
ઊઠ્યા હતા.
સ્વાભાવિક રીતે જ ધોનીએ મારી જિંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ધોની મારા માટે ભાઈ, મિત્ર, પરિવાર બધું જ છે, એમ જણાવતાં પંડ્યાએ કહ્યું હતું કે એ મારા માટે સર્વસ્વ છે. આઈપીએલની આ સીઝનમાં સારું પ્રદર્શન કરનાર બૅટ્સમેનોની યાદીમાં પંડ્યા પાંચમા ક્રમે રહ્યો હતો.
આઈપીએલની આ સીઝનમાં પંડ્યાએ ૧૩૨.૮૪ના સ્ટ્રાઈક રેટ સાથે ૪૫થી વધુની સરેરાશથી ૪૫૩ રન બનાવ્યા હતા અને ૭.૭૩ની સરેરાશથી પાંચ વિકેટ પણ ઝડપી હતી. (એજન્સી) ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.