મારા પપ્પા ગાંધીજી નહોતા, પણ મારા માટે ગાંધીજી કરતા પણ મોટા હતા

પુરુષ

પ્રિય પપ્પા… – અરવિંદ વૈદ્ય

હું મારા પપ્પાને દાદા કહેતો હતો. એમનું નામ ગોપાલકૃષ્ણ વૈદ્ય. નામ પરથી જ ખબર પડશે કે આ મરાઠી નામ છે. બેઝિકલી હું મરાઠી છું, પણ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં મારા પપ્પાની લોજિંગ-બોર્ડિંગની હૉટેલ હતી. હું બે-ત્રણ વર્ષનો હોઇશ ત્યારે અમદાવાદમાં આવ્યો. ભદ્ર વિસ્તારમાં મોટે ભાગે મરાઠી વસ્તી જ છે, ત્યાં અમે રહેતા. મને જે ક્ષેત્રમાં સફળતા મળી અને મારા પપ્પા જે ધંધો કરતા હતા એ એક ધ્રુવના બે છેડા હતા એવું કહી શકાય. પપ્પાની હૉટેલમાં જમવા માટે માસિક કૂપન સિસ્ટમ હતી. ત્યાં માણસો જમવા આવતા હતા અને રહેવા માટેની થોડી જગ્યા હતી તો દસેક માણસો ત્યાં રહેતા હતા. પપ્પાની લૉજમાં ૪૦૦થી ૪૫૦ મેમ્બર હતા. મારા પપ્પાના સારા સ્વભાવના કારણે આજુબાજુની ઑફિસના ટોપ ઓફિસરો અમારે ત્યાં જમવા આવતા. પપ્પા ડબલ કાચાનું ધોતિયું, માથે ટોપી, ખમીસની ઉપર કાળો કોટ પહેરતા. એમને જોઇને કોઈને પણ ખબર પડી જાય કે આ મરાઠી માણૂસ છે, પણ તેઓ ગુજરાતી સારું બોલતા. એમને અને નાટકને કંઈ જ લાગેવળગે નહિ, પણ મરાઠી નાટકોવાળા અમારી હૉટેલમાં ઊતરતા. તેઓ પપ્પાને નાટકના પાસ આપતા એટલે અમે નાટક જોવા જતા હતા. કદાચ એના કારણે મારામાં નાટક પ્રત્યેનો ઝુકાવ આવ્યો હોઇ શકે. બીજું વી. શાંતારામની ફિલ્મો જયારે અમદાવાદમાં લાગતી, ત્યારે એમનો ડિસ્ટ્રિબ્યુટર અમારે ત્યાં જ રોકાતો. એ સમયે ફિલ્મો રીલ્સ પરથી દેખાડવામાં આવતી હતી, તો ફિલ્મ બરાબર ચાલે છે કે નહિ એ જોવા માટે રિલીઝના એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે ફિલ્મ રજૂ થવાની હોય તો ગુરુવારે નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર માટે એક સ્પેશિયલ શો રાખવામાં આવતો હતો. એમાં અમે જતા એટલે દરેકેદરેક ફિલ્મ લોકો જુએ એ પહેલાં મેં જોઈ હતી. મારાં મમ્મી સારાં ગાયિકા હતાં. આ બધી વસ્તુઓએ જાણતાં-અજાણતાં મારા મનમાં એક છાપ છોડી હતી.
મારા પપ્પાની વાત કરું તો એ એકદમ નાકની દાંડીએ ચાલનારા માણસ. કોઈ પણ પ્રકારનું વ્યસન નહિ. એમની ખૂબ ઈચ્છા હતી કે હું એન્જિનિયર બનું. ત્રણ ભાઈઓમાં હું સૌથી મોટો. અમને ખૂબ જ પ્રેમ કરતા. કમનસીબે હું જ્યારે ૨૫ વર્ષનો હતો ત્યારે જ તેમનો દેહાંત થયો. તેમને કોઈ જ પ્રકારનું વ્યસન નહોતું તેમ છતાં તેમને ગાળાનું કેન્સર થયું હતું. એ અમારા મારે આશ્ર્ચર્યની વાત હતી. એક વાર એમણે ગળામાં દુખાવાની ફરિયાદ કરી એટલે અમદાવાદના ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાનડે અને ડૉક્ટર બાલગેને બતાવ્યું. એ બધા એમના પરિચિત હતા. તેમણે અમને મુંબઈમાં ટાટા હૉસ્પિટલમાં કૅન્સર માટે ટેસ્ટ કરવાની સલાહ આપી. એ સમયે ટાટામાં કૅન્સર વિભાગ નવો નવો શરૂ થયો હતો. ત્યાં દુનિયાના સૌથી સારામાં સારા ડૉક્ટરોમાંના એક ડૉક્ટર પેમાસ્ટર હતા. એમણે કહ્યું કે તમે બહુ જલદી ટેસ્ટ કરાવવા માટે આવી ગયા. સામાન્ય રીતે લોકો કૅન્સરનું સ્ટેજ ખૂબ જ આગળ વધી જાય પછી જ આવતા હોય છે. તમે નસીબદાર છો કે તમને કૅન્સરનું નિદાન વહેલા થયું. ત્યાર બાદ એમણે સારવાર શરૂ કરી. એક મહિના સુધી પપ્પાને રેઝ આપવામાં આવ્યા. કારણ ગમે તે હોય મને ખબર નથી, પરંતુ થયું એવું કે રેઝના કારણે એમના ગળાની આજુબાજુનો ભાગ બળી ગયો, પણ કેન્સરની ગાંઠ હતી એ ન બળી. એના કારણે એમણે બોલવાની ક્ષમતા ગુમાવી દીધી. બાદમાં તેમનું આના કારણે નિધન થયું. આ બધું અમને ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બાદમાં એ પણ ખબર પડી કે ડૉક્ટર અમરિશ પરીખે પણ આ સારવાર અમદાવાદમાં શરૂ કરી હતી, પરંતુ હવે એ બધી વાતોનો કોઈ અર્થ નહોતો.
હું એવું માનું છું કે કદાચ પપ્પાના વ્યવસાયના કારણે જાણતાં-અજાણતાં નાટકો, ફિલ્મો જોતાં જોતાં ક્યાંક અભિનયનો કીડો મારામાં સળવળ્યો હશે. એવું કહેવાય છે કે અમુક કળા આપણને વારસામાં મળતી હોય છે. મારા મામા કોર્ટમાં નોકરી કરતા હતા. તો કોર્ટના મંડળમાં એ જમાનામાં મરાઠીમાં અવેતન રંગભૂમિમાં નાટકો કરતા. તો કદાચ ત્યાંથી પણ મારામાં આવ્યું હોય. અમારા ઘરમાં નાટકચેટકની ક્યારેય ચર્ચા થતી નહોતી, કહેવાનો મતલબ એ કે પપ્પાની હયાતીમાં અમારા ઘરમાં નાટકનું વાતાવરણ જ નહોતું.
પણ આ બધામાં સૌથી સારી વાત એ હતી એ બહુ સજ્જન વ્યક્તિ હતા. એમના સ્વભાવની વાત કરું તો અમારી હોટેલમાં ચારસોથી સાડાચારસો મેમ્બર હતા. સામાન્ય રીતે આટલા બધા મેમ્બર હોતા નથી, પણ એમના પ્રેમાળ અને સાલસ સ્વભાવના કારણે આ શક્ય બનતું હતું. કોઈ વિદ્યાર્થી એમની પાસે આવે તો પહેલી વખત એ મફતમાં જમાડતા. એને કહેતા કે જો જમવાનું સ્વાદિષ્ટ લાગે તો પછી મહિનાની કૂપન લઇ લેજે. એને જમવાનું ગમે જ. ઘણા એવા વિધાર્થીઓ પણ મને મળ્યા છે જેઓ કહેતા કે પહેલી વાર તમારી હૉટેલમાં ગયો ત્યારે મારી પાસે પૈસા નહોતા, તેમ છતાં તમારા પિતાજીએ અમને બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી જમાડ્યા છે અને અમારી પાસે જ્યારે પૈસા આવતા ત્યારે એમને આપતા. મારી આ વાત કહેવાનું તાત્પર્ય એ નથી કે મારા પપ્પાએ મોટું કામ કર્યું હતું. રોજ ચારસો-પાંચસો લોકોના જમવામાં ૪-૫ લોકોને જમાડી દે તો કંઈ ફરક ન પડે, પરંતુ કદાચ એમના મનમાં એવું પણ હોય કે આજે આ જમીને જશે તો કાલે એ મારી હૉટેલનો કાયમી ગ્રાહક બની શકે છે. એવું હોય તો એ એમની કેટલી દીર્ઘદૃષ્ટિ! એમાં એમની વેપારી વૃત્તિ પણ કેટલી સારી. એ પણ અજાણતાં તો મારામાં આવ્યું જ. પપ્પાની એ માણસો જોડવાની વાત હતી, એ મારા મનમાં પહેલેથી જ ઘૂસી ગઈ હતી. જે નાટ્યજગતમાં ખૂબ ખૂબ જરૂરી છે. એ હું એમની પાસેથી શીખ્યો કે જો હું સારું નાટક બનાવું તો જ પ્રેક્ષકો જોવા માટે આવશે.
પપ્પાની બીજી એક વાત મેં માર્ક કરી કે જમવાનું તો બધે જ સારું બનતું હશે, પરંતુ આવનારા ગ્રાહકો માટેનો તમારો વ્યવહાર પણ એટલો જ અગત્યનો છે, જેથી એ દરેક વખતે તમારે ત્યાં જ આવે. હૉટેલના તમામેતમામ મેમ્બરોને શું ગમે છે એ યાદ રાખતા. એ પણ અજાણતાં મારા મનમાં આવ્યું જ છે. ઘણી બધી વ્યક્તિઓ અને વ્યક્તિ વિશેષને જોડવાની, સાંભળવાની અને એને મનમાં રાખવાની ટેવ પડી ગઈ. એ પણ મને પપ્પા પાસેથી જ મળ્યું. મને આજે પણ એ વાતનો વસવસો છે કે મેં જે સિદ્ધિ મેળવી એ જોવા માટે તેઓ હયાત નહોતા.
પપ્પાની મૂળ ઈચ્છા એવી કે હું એન્જિનિયર બનું. એ ઘટનાની પણ એક મજા છે. હું એક વર્ષ કૉલેજમાં ગયો. ફર્સ્ટ ક્લાસમાં પાસ પણ થયો, પણ મને મજા નહોતી આવતી. એ જમાનામાં બીજા વર્ષે નક્કી થતું કે તમારે એન્જિનિયરિંગના કયા ક્ષેત્રમાં જવું છે. પહેલા વર્ષે સારા માર્ક છતાં બીજા વર્ષે હું કૉલેજમાં ગયો જ નહિ. હું ઘરેથી કોલેજના બહાને નીકળું, પણ કૉલેજ જાઉં નહિ. આવું એક મહિનો ચાલ્યું. મારું મન ડંખ્યું કે આ ખોટું થઇ રહ્યું છે. તો મેં પપ્પાને વાત કરી. દાદા હું કૉલેજમાં જતો નથી. પહેલાં તો એ કંઈ સમજ્યા નહિ. મેં કહ્યું કે મારે કોલૅજ નથી જવું. એમણે મારી બધા પ્રકારની પૂછપરછ કરી અને મને કહ્યું કે તારા માર્ક્સ તો સારા આવે છે તો શું તકલીફ છે. મેં કહ્યું કે પેપર લખવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને ગમતું નથી. મારે એન્જિનિયર નથી બનવું. આ સાંભળીને તેઓ દિગ્મૂઢ થઇ ગયા અને રીતસર જમીન પર બેસી ગયા. મને પૂછ્યું તો તારે શું કરવું છે? એ સમયે મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. એમણે મને એટલું જ કહ્યું કે સારું, તો કૉલેજ નહિ જતો. તને જે ગમે એ કર. હવે ચમકવાનો વારો મારો હતો. મને બીક હતી કે મારી વાત સાંભળીને તેઓ મને વઢશે, મને મારશે, કારણ કે ઘરમાં હું સૌથી મોટો દીકરો. ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો હોવા છતાં કહે મારે કોલેજ નથી જવું.
કમનસીબે ત્યાર બાદ ગળાના કૅન્સરના કારણે તેમનું અવસાન થયું. ગાંધીજી અને તેમના પપ્પા વચ્ચેની વાતો આપણે વાંચીએ છીએ, પણ મારા પપ્પાએ તો એ કરી બતાવ્યું. એ આમ તો ગાંધીજી નહોતા, પણ મારા માટે મારા પપ્પા ગાંધીજી કરતાં પણ મોટા હતા.
મારા પિતાજી ખરેખર કેવા હતા એ હું સંપૂર્ણપણે સમજી જ નથી શક્યો. એમણે ધંધો કેવી રીતે કર્યો એ હજી પણ મારી સમજની બહાર છે. અમારી પાસે ગાડી હતી, પણ એનું મહત્ત્વ નહોતું. ક્યારેક સાંજે કે રજાને દિવસે ફરવા લઇ જતા, પણ અમે મધ્યમવર્ગના જ હતા અને એ રીતે જ જીવન જીવતા હતા, પણ મારા પપ્પાએ અમને કોઈ વાતની કમી પડવા દીધી નથી. એમણે કોઈ દિવસ કોઈ પણ વાતનો આગ્રહ નથી કર્યો. જ્યારે મેં કહ્યું કે મારે એન્જિનિયરિંગ નથી ભણવું તો એમણે આગળ કંઈ પણ પૂછ્યા વગર કહી દીધું સારું. વાત જ પતી ગઈ ત્યાં. આવી રીતે જીવવા માટે ખૂબ મોટું હૃદય જોઈએ.
હું મારા છોકરાઓ સાથે પણ એ જ રીતે વરતું છું. મેં ક્યારેય વંદનાને કે દીકરાને નથી કહ્યું કે હું આ લાઈનમાં છું તો આનું જ ભણ. બીએસસી સુધી ભણ્યા બાદ વંદનાએ ઈચ્છા જાહેર કરી કે મારે આ લાઈનમાં આવવું છે. મેં કહ્યું કંઈ વાંધો નહિ. એમાં ખાસ વાત એ હતી કે વંદનાને પણ મેં મારા નાટકમાં લીધી નહોતી. અન્યના નાટકમાં રોલ કર્યો, જેથી એને નાટકનાં દરેક પાસાંની જાણકારી મળે. મારા દીકરાની ઈચ્છા એડિટિંગ શીખવાની હતી તો એને એ કામ કરવા દીધું. એણે ઘણી બધી ફિલ્મો એડિટ કરી. એને લગ્ન બાદ અમરિકામાં જ્યોર્જિયા યુનિવર્સિટીમાં કોર્સ કરવા જવું હતું. મેં એને સંંમતિ આપી. એ ગયો અને એણે એ કોર્સ પૂરો કર્યો અને આજે એ સી. એન. એન.માં મૅનેજરની પોસ્ટ પર છે. એ ત્યાં રાઇટર-પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે. કહેવાનું તાત્પર્ય એ જ કે મેં મારાં બાળકોને પણ એમને જે ગમતું હોય એ કરવાની છૂટ આપી હતી.
પપ્પાના નિધન બાદ આગળ શું કરવું એ દ્વિધામાં એક વર્ષ એમ જ પસાર થયું. પછી એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. એક વાર અચાનક જશવન્ત ઠાકર સાથે મુલાકાત થઇ. એ વખતે હું અંગ્રેજી અથવા મરાઠીમાં જ વાત કરતો, મને ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી આવડે. મારા ગુરુ હતા રામભાઉ જોશી. એ મરાઠી અવેતન રંગભૂમિના દિગ્દર્શક હતા. અવેતન રંગભૂમિ એટલે એની પાછળ અર્થપ્રાપ્તિ (વેતન)નો હેતુ ન હોય. તેઓ એક મંડળ બનાવીને સામાજિક જાગૃતિ માટેનાં નાટકો કરતા હોય. જશવન્ત ઠાકર એ મારા ગુરુ (રામભાઉ)ના પણ ગુરુ હતા. એમનું એક નાટક જોયું અને તેમનાથી પ્રભાવિત થઈને તેમને મળ્યો. ત્યારે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં નાટ્ય વિદ્યા વિભાગમાં નાટ્ય ડિપ્લોમાનો કોર્સ ચાલતો હતો. એમના કહેવાથી એ જોઈન કર્યું. અમારા પ્રિન્સિપાલ હતા યશવન્ત શુક્લ. જશવન્તભાઈને કારણે બધા જ ગુજરાતી લેખકો અને કવિઓ એમને ત્યાં આવે અને બેઠકો જામતી. એને કારણે મારું ગુજરાતી એકદમ સારું થયું.
એચ. કે. આર્ટ્સ કૉલેજમાં હું પહેલા નંબરે પાસ થયો, તેથી તેના નાટ્ય વિભાગમાં મને વ્યાખ્યાતા તરીકે નોકરી મળી ગઇ. સાત વર્ષ મેં નોકરી કરી. એક વાર મેં જશવન્તભાઈને જણાવ્યું કે મને અહીંયાં કામ કરવામાં મજા નથી આવતી, કેમ કે છોકરાઓને ભણવામાં રસ જ નથી. લગભગ ૧૦૦-૧૫૦ ફોર્મ ભરાય, એમાંથી ૫૦ જણ આવે અને એમાંથી પણ છેવટ સુધી ૫-૧૦ જણ જ રહે, કારણ કે બધાને એમ કે અહીંયાં આવીને રાતોરાત સ્ટાર બની જઈશું, પણ એના બદલે અહીંયાં આવીને ભાષાશુદ્ધિ, શેક્સપિયર એવું બધું શીખવા કોઈ તૈયાર નથી.
નોકરી છોડીને મેં મારો પોતાનો માર્ગ પસંદ કર્યો. કૉલેજ સમયથી અમે ચાર મિત્રો એ. એ. મન્સૂરી (ઈસરો), વિનોદ ભટ્ટ (અભિનેતા), નુરમહોમ્મદ મણિયાર અને હું. અમારી સાથે અન્ય બે છોકરીઓ પણ અમારા ગ્રુપમાં હતી, જે છેવટ સુધી અમારાં નાટકો સાથે જોડાયેલી રહી એનું નામ રક્ષા નાયક અને કમલિની દેસાઇ. અમે વૈદ્ય-મન્સૂરી નામથી ગ્રુપ શરૂ કર્યું. આઈએનટીનાં નાટકો કર્યાં. બાદમાં કાંતિ મડિયા સાથે ઓળખાણ થઇ. તેમની નાટ્ય સંપદા સંસ્થા મુંબઈમાં ચાલતી હતી એની શાખા અમદાવાદમાં શરૂ કરવા માટે મને કહ્યું. એમાં મેં નિર્માતા-દિગ્દર્શક તરીકે ૫૦-૫૫ નાટકો કર્યાં. મને ગમતાં નાટકો જ હું કરતો. લોકોને આશ્ર્ચર્ય થતું કે હું નિર્માતા-દિગ્દર્શક હોવા છતાં એ નાટકોમાં હું મુખ્ય અભિનેતા તરીકે રોલ નથી કરતો અથવા કોઈ નાટકમાં નાનો રોલ હોય તો પણ હું કરી લેતો. હું એવો દિગ્દર્શક છું કે મને ગમે અને લાગે કે પ્રેક્ષકો પણ પસંદ કરશે તો જ નાટક કરતો. ફક્ત પૈસા માટે નહોતો કરતો. મને ન ગમે તો ગમે તેટલા રૂપિયા આપો તો પણ હું ન કરું. લગભગ મારાં બધાં નાટકો સફળ રહ્યાં હતાં. મારી નાટકોની પસંદગીનું એક ઉદાહરણ આપું. એક વાર મારા મિત્ર દિનેશ શુક્લ મારી પાસે એક નાટક લઈને આવ્યા કે તમારી પાસે સમય હોય તો આ નાટક કરો. ચાર-પાંચ શો કરવા છે. નાટકના રિહર્સલમાં મેં એમને કહ્યું કે આ બહુ જ સારું નાટક છે, તમે શો વધારો, નાટક ચાલશે અને ખરેખર એ નાટકે ૨૫૦ શો કર્યા.
નોકરી છોડ્યા બાદ નાટકોની સાથે સાથે ઇસરોમાં પણ નોકરી કરતો હતો. ત્યાં ભરત દવેની ઓળખાણ થઇ. તેમણે મને ‘ભલાભૂસાના ભેદભરમ’ નામની સિરિયલ ઑફર કરી. સમાજમાં જે પણ ગેરરીતિઓ ચાલી રહી છે એની નુક્તેચી કરવા માટેની આ સિરિયલ હતી. દરેક વખતે એપિસોડ પ્રમાણેના પ્રશ્ર્નો રહેતા, પરંતુ લોકોના મન પર એની અસર બહુ થતી હતી. મારી બોલવાની સ્ટાઇલ અને કહેવાની રીત એટલી બધી લોકોને ગમી ગઈ કે મારું નામ ભલાકાકા જ પડી ગયું. આજે પણ મને લોકો ભલાકાકા તરીકે ઓળખે છે. સિરિયલની અસર લોકોના માનસપટ પર એટલી બધી ઘેરી પડી હતી કે લોકો મારી સલાહ લેવા આવતા થઇ ગયા.
એ ભાલકાકાની વાતો અને એ સિરિયલને કારણે મારા પોતાના ઘડતરમાં મને પણ મોટો ફાયદો થયો છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી આવા સીધાસાદા ભલા માણસના જ રોલ કર્યા છે. ક્યારેય નેગેટિવ રોલ કર્યા નથી. જશવન્તભાઈએ મને શીખવ્યું હતું કે દરેક નાટકમાં સમાજને કંઈક ને કંઈક આપવું જોઈએ એટલે એને કારણે નાટકો પણ એવાં જ કરતો થયો. ગુજરાત સરકાર તરફથી ખૂબ જ વહેલો ગૌરવ પુરષ્કાર પણ મળ્યો. એ વખતે ૬૦ વર્ષની ઉંમર પછી જ આપવામાં આવતો, જ્યારે મને ચાલીસમા વર્ષે જ મળ્યો. હાલમાં હિન્દી સિરિયલ અને ગુજરાતી નાટકોમાં કામ ચાલુ જ છે. મારી ઉંમર દેખાતી નથી, પણ હવે ૮૧નો થઇ ગયો છું એટલે બહુ સ્ટ્રેસવાળું કામ અને વધારે ભાગાદોડી કરતો નથી.
મારાં ધર્મપત્ની (જયશ્રી)ને નાટકો સાથે કંઇ કરતાં કંઇ સંબંધ નહીં, પરંતુ મજાની વાત એ છે કે તે મૂળ ગિરગાંવ (સાઉથ મુંબઇ)માં રહેતી. એના ઘરની સામે જ મરાઠી સાહિત્ય સંઘ હતું. છતાં પણ એને નાટક સાથે કોઇ જ સંબંધ નહીં અને નાટકવાળા સાથે (મારી સાથે) લગ્ન કર્યાં. આ ઉંમરે પણ હું ફિટ દેખાઉં છું તો એમાં સૌથી મોટો ફાળો મારાં ધર્મપત્ની જયશ્રીનો છે. અપવાદ સિવાય આજે પણ હું બહારનું કશું જ જમતો નથી. આજે પણ શૂટિંગમાં મારી સવારની સાત વાગ્યની શિફ્ટ હોય તો મારે ઘરેથી છ વાગે નીકળવાનું હોય ત્યારે પણ સવારમાં વહેલા ત્રણ-સાડાત્રણે ઊઠીને એ મારે માટે ટિફિન, ઉકાળેલું પાણી, નાસ્તો બધું તૈયાર કરી રાખે. એ લઇને જ હું જાઉં. હું લોકોને જેટલો ગમું છું એના કરતાં પણ વધારે મારાં નાટકો અને સિરિયલના કાસ્ટ અને ક્રૂને એ ગમે છે. એના હાથે બનાવેલું જમવાનું એ લોકોને ઘણું જ પસંદ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.