મારા પપ્પા એટલે નખશિખ ઈશ્ર્વરે ઘડેલા પિંડનો માણસ

પુરુષ

પ્રિય પપ્પા…-હિતેનકુમાર

મારા પપ્પાનું નામ ઈશ્ર્વરલાલ જગજીવનદાસ મહેતા. નવસારીની નજીક ગણદેવી, એની બરાબર બાજુનું તોરણ ગામ એ એમનું વતન. ત્યાં જ એમનો જન્મ થયો. આજે તો એ ઘર તૂટી ગયું છે, પણ જમીન આજે પણ છે જે મારા હૃદયની ખૂબ જ નજીક છે. એ જમાનામાં નોકરી-ધંધા અર્થે આફ્રિકા જવાનું ચલણ હતું. તો મારા દાદા પણ આફ્રિકા ગયા હતા. ખૂબ જ ભયંકર કહી શકાય એવી ઘટના બની જેના કારણે મારા પપ્પાનું જીવન જ બદલાઇ ગયું. દાદાજી આફ્રિકામાં ઠરી ઠામ થઇ ગયા હતા એટલે તેમણે મારાં દાદી અને પપ્પાને (તે વખતે પપ્પાની ઉંમર એક વર્ષની હતી) આફ્રિકા બોલાવ્યાં હતાં. મારાં દાદીએ ત્યાં જવાની તૈયારી શરૂ કરી દીધી હતી, એ સમય દરમિયાનમાં આફ્રિકાથી તાર આવ્યો કે એક મોટરસાઇકલ અકસ્માતમાં મારા દાદાનું અવસાન થયું છે. મારા પપ્પા ફક્ત એક જ વર્ષના હતા ત્યારે જ એમના પપ્પા એટલે કે મારા દાદાનું અવસાન થયું હતું. ત્યાર બાદ મારા પપ્પા ખૂબ જ દારુણ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. તોરણ ગામની શાળાની બહાર મારાં દાદી ગોળીઓ વેચવાનું કામ કરીને પપ્પાને ઉછેરી રહ્યાં હતાં. તોરણ ગામ આજે પણ ખૂબ જ નાનું છે. ગામમાં આજે પણ રોજગારીની ઓછી તકો છે તો વિચારો એ જમાનામાં શું હાલત હશે? પરિવારનું જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ થયું હતું એટલે જ્યારે મારા પપ્પા પાંચ વર્ષના થયા ત્યારે મારાં દાદી તેમના ભાઈ એટલે કે મારા મામા કલ્યાણભાઈને ત્યાં સુરત રહેવા આવી ગયાં. તેમણે જ મારા પપ્પાને ઉછેર્યા. એ જમાનામાં સુરતમાં બગીઓ ચાલતી હતી અને મામાનું ઘોડાની લગામ બનાવવાનું કામ હતું. પપ્પા ૬-૭ વર્ષની ઉંમરથી જ જીવન ભારતી સ્કૂલમાં ભણતાં ભણતાં મામા સાથે ઘોડીની લગામ બનાવવાનું પણ કામ કરવા લાગ્યા હતા. તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. દસમું ધોરણ પાસ કર્યા બાદ એમના મનની કોઈ જીદ હશે, એના કારણે એ મુંબઈ શિફ્ટ થયા. મુંબઈમાં સરકારી લગ્ન નોંધણી વિભાગમાં નોકરી કરતાં કરતાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર બાદ તેઓ યુનિકેમ લેબોરેટરીમાં પરચેઝ વિભાગમાં નોકરીએ લાગ્યા.
હું જ્યારથી સમજણો થયો ત્યારથી આજદિન સુધી એમના જેટલા કોમળ હૃદયનો માણસ મેં મારી આખી જિંદગીમાં નથી જોયો. અમારાં સાગાં-વહાલાં અને મારા પિતાજીને ઓળખતા બધા જ લોકો એવું માને છે કે સ્વભાવથી લઈને દરેક બાબતમાં હું મારા પપ્પાની પ્રતિકૃતિ જ છું, પરંતુ આજે પણ મને લાગે છે હું મારા પપ્પા જેવો નથી બની શક્યો. હજુ ઘણું બધું બાકી છે જે મારા પપ્પામાં હતું. મારા પપ્પાએ પુષ્કળ સંઘર્ષ કર્યો. સુરતથી આવીને જોગેશ્ર્વરી ઇસ્ટમાં ધનાભાઈની ચાલમાં દસ બાય દસની એક નાનકડી રૂમમાંથી એમનો ઘરસંસાર શરૂ કર્યો હતો. એ જ ચાલમાં મારા મોટા ભાઈ, મારી બહેન અને મારો જન્મ થયો. ચાલમાં દરેક પ્રકારના માણસો રહેતા હતા, છતાં પણ ત્યાં ઈશ્ર્વરભાઈ (મારા પપ્પા)નો દબદબો હતો, કારણ કે એ વિસ્તારના ડેવલપમેન્ટ માટે એમણે ખૂબ જ કામ કર્યું હતું. લાઇટથી લઈને પાણી, શૌચાલય વગેરે જેવી ઘણી નાગરિક સુવિધાની વ્યવસ્થા માટે મારા પપ્પાએ ખૂબ જ મહેનત કરી હતી. એ વિસ્તારમાં જે પણ કંઈ ડેવલપમેન્ટ થયું હતું એ મારા પપ્પાને આભારી છે, તેથી લોકો એમને ખૂબ જ પ્રેમ આપતા હતા અને આજે પણ લોકો એમને એમનાં કામ અને કોમળ સ્વભાવ માટે માનની નજરે જુએ છે.
તેમના માટે એવું કહેવાય છે કે પરચેઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવા છતાં તેઓ એકમાત્ર એવા પ્રામાણિક માણસ હતા જેમણે પોતાના માટે ક્યારેય એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નહોતો કર્યો, પરંતુ આજે પણ હું એમના જીવનનાં છેલ્લાં વર્ષોને યાદ કરું છું ત્યારે ખૂબ જ ડિસ્ટર્બ થઇ જાઉં છું. તેમનું એવું સપનું હતું કે જ્યાં નોકરી કરતા હોઈએ તેની નજીકમાં જ ઘર હોય. તો બપોરે જમીને પાછા નોકરી પર જઈ શકાય. તે માટે જ તેમણે એમની ઓફિસની સામે જ ફ્લેટ ખરીદ્યો હતો, પણ એ ઐશ્ર્વર્ય કદાચ એમનાં નસીબમાં નહોતું. એ કમ્ફર્ટ એમને મળ્યું જ નહિ. ત્યાં શિફ્ટ થયાના એક-દોઢ વર્ષમાં જ એમને પેરાલિસિસનો ઍટેક આવ્યો અને નોકરી છોડવી પડી. એ વખતે મારી ઉંમર બહુ નાની, પણ એક માણસ ઘણાં બધાં સપનાં સાથે જીવતો હોય અને અચાનક એક પછી એક એ સપનાંઓ તૂટતાં જાય અને જે વેદના થાય એ વેદના મને એમનામાં અનુભવાતી હતી. એ વર્ષોમાં મેં એમને પોતાની જાત સાથે અને પરિસ્થિતિ સુધારવા માટે ખૂબ જ સંઘર્ષ કરતા જોયા, પરંતુ એ થઇ શક્યું નહિ. ૧૯૮૮માં પપ્પાનું અવસાન થયું. એમનાં છેલ્લાં ૬-૭ વર્ષ ખૂબ જ પીડાદાયક રહ્યાં હતાં.
પપ્પાની ઘણી બધી યાદો હજી પણ મારી નજરની સામે તરવરે છે. મુંબઈમાં બધા નિમ્ન-મધ્યમ વર્ગના લોકોનું એક પોતાનું ઘર હોય એવું સપનું હોય. એવું સપનું પપ્પાનું પણ હતું. મુંબઈ માટે કહેવાય છે કે ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એ વાત આજે પણ એટલી જ લાગુ પડે છે. ત્યારે પપ્પાએ જોગેશ્ર્વરી વેસ્ટમાં તેઓ જ્યાં નોકરી કરતા હતા, બરાબર એની સામે જ એક ફ્લેટ ખરીદ્યો હતો. સ્વાભાવિક છે કે નવા ફ્લેટમાં રહેવા જતાં પહેલાં આપણે તેની સફાઈ કરીએ છીએ. તો ફ્લેટમાં રહેવા જતાં પેહલાં હું, મારો મોટો ભાઈ અને પપ્પા સફાઈ કરવા ગયા. ત્યારે મારી ઉંમર ૧૨-૧૩ વર્ષની હશે. ઘરની સફાઈ કરતા સમયે મેં એમને ખૂબ જ ખુશ જોયા હતા. તેમના ચેહરા પર એ સ્પષ્ટ દેખાતું હતું કે મામાને ઘરે ઊછરેલો એક જણ મુંબઈ આવે છે, સંઘર્ષ કરે છે, ચાલમાંથી પોતાના જીવનની શરૂઆત કરે છે અને પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરે છે. એ ફ્લેટની સફાઈ કરતી વેળાએ મેં, મારા પપ્પાએ અને મારા ભાઈએ સાબુના પાણીમાં નાના બાળકની જેમ જે રીતે લસરકા લઈને મજા કરીને જે સફાઈ કરી છે એ આજે પણ મને યાદ છે. આમ જોવા જાઓ તો ૫૩૫ સ્ક્વેરફૂટનું ઘર નાનું લાગે, પણ ૧૦૦ ફૂટના ઘરમાંથી એક સામાન્ય નોકરી કરતી વ્યક્તિ માટે એક સારા વિસ્તારમાં એક મોટો ફ્લેટ હોવો એ ખૂબ જ મોટી વાત કહેવાય. એ સફાઈ વેળા સપનાના ઘર માટે પપ્પાની આંખોમાં જે ચમક હતી એ આજે પણ મને યાદ છે. આ ઘર સાથે મારા પપ્પાની યાદો જોડાયેલી છે. એ યાદગીરી આજે પણ મારા દિલમાં વસી ગયેલી છે, એ કારણસર જ્યાં સુધી મારા શ્ર્વાસ ચાલે છે ત્યાં સુધી હું એ ઘરમાંથી શિફ્ટ નહિ થાઉં. મારાં મમ્મીના અવસાનને આજે નવ મહિના થયા, પણ આજે પણ હું એ જ ઘરમાં રહું છું. હું કે મારી પત્ની સોનલ એ ઘરમાંથી શિફ્ટ થવાનું ક્યારેય પણ વિચારી નથી શકતાં. આજે હું સારામાં સારા વિસ્તારમાં ઘર લઇ શકું એ પરિસ્થિતિમાં છું તેમ છતાં પણ આ જ ઘરમાં રહું છું. અહીં પપ્પા સાથેની મારી યાદો જોડાયેલી છે.
પપ્પાની તબિયતનો પ્રોબ્લેમ થયો હતો ત્યારે મોટા ભાઈ પણ આર્થિક રીતે પગભર થયા નહોતા. હું ૯મા ધોરણમાં ભણતો હતો. મારી બહેન નાની હતી. આ બધી સમસ્યાઓની વચ્ચે પપ્પા તેમના જીવનના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થતા હતા. એ સમયે એમણે ખૂબ જ સંઘર્ષ કર્યો. એમના પ્રોવિડન્ટ ફંડમાંથી આવેલા રૂપિયામાંથી એક રિક્ષા ખરીદી હતી કે ઘરનો મોટો દીકરો રિક્ષા ચલાવશે તો ઘરમાં થોડી આર્થિક મદદ થઇ શકે. ત્યાર બાદ એમની પાસે બીજી કોઈ પણ પ્રકારની બચત નહોતી એટલે મેં પણ ઘરની પરિસ્થિતિ જોઇને ઘર પ્રત્યેની મારી જવાબદારી નિભાવવા માટે ભણતાં ભણતાં જ નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. મેં ફૂટપાથ પર ૧૪ ૧૪ રૂપિયામાં શર્ટ પણ વેચ્યાં છે અને મુંબઈની લોકલ ટ્રેનમાં બોલપેન પણ વેચી છે. રાત્રે રિક્ષા પણ ચલાવતો હતો અને સાથે સાથે નાટકોમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. અભિનય ક્ષેત્ર એ આર્થિક રીતે અનિશ્ર્ચિતતાનો ધંધો છે, પણ મારા પપ્પાને મારા પર વિશ્ર્વાસ હતો કે હું જે પણ કરીશ એમાં જરૂરથી સફળ થઇશ, તેથી તેમણે મને ક્યારેય મારા કામ માટે ટોક્યો નહોતો. મારો અભિનયક્ષેત્રે પ્રવેશ એ પણ એમના જ જીન્સની દેન છે એવું મને લાગે છે. મારા પપ્પા રાજ કપૂરના બહુ જ મોટા ફેન હતા. તેમને ગાયક મુકેશજીનાં ગીતો પણ સાંભળવાં બહુ જ ગમતાં હતાં. એ વખતે હું બહુ નાનો હતો, પણ મને યાદ છે કે મેં તેમની સાથે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ જોઇ હતી. બાળપણની સ્મૃતિ સાથે સંકળાયેલી ફિલ્મ અને પપ્પાની સાથે જોયેલી ફિલ્મ. એ યાદોના કારણે એ પણ મારી ઓલ ટાઇમ ફેવરિટ ફિલ્મ બની ગઇ હતી અને કદાચ એ કાચી ઉંમરમાં જ અભિનયના પ્રેમમાં પડી ગયો હોઉં એવુું પણ બન્યું હોય અને એ વખતે જ મારા મગજમાં અભિનેતા બનવાનાં બીજ રોપાયાં હોય. જ્યારે મેં અભિનેતા તરીકે મારી કેરિયરની શરૂઆત કરી ત્યારે પણ મેં નક્કી કર્યું હતું કે મારે અભિનેતા તો બનવું છે, પણ સાથે સાથે ભણતર પણ પૂરું કરવું છે.
૧૯૮૨-૮૩નો એક કિસ્સો હજી પણ મને યાદ છે. એ સમયે મેં નાટકોમાં કામ કરવાની હજી શરૂઆત કરી હતી. મારું પહેલું નાટક હતું ‘કુમારની અગાસી’. ત્યાર બાદ ‘ચિત્કાર’માં હું બેકસ્ટેજમાં કામ કરતો હતો અને એમાં નાનાં-મોટાં પાત્ર ભજવતો હતો. તેના પછી સરિતા જોશી સાથે હું નાટકમાં કામ કરતો હતો. એ વખતે નાટ્યક્ષેત્રે સરિતા જોશીનું ખૂબ જ મોટું નામ હતું અને અત્યારે પણ છે જ. એમની સાથે કામ કરવું એ દરેક કલાકાર માટે ગર્વની વાત કહેવાતી. મારા પપ્પા પણ એમના જબરજસ્ત પ્રશંસક હતા, તેથી મેં પપ્પાને ભાઈદાસ ઓડિટોરિયમમાં નાટકનો શો જોવા માટે આમંત્રણ આપ્યું. તેઓ નાટક જોવા માટે આવ્યા પણ ખરા. નાટકનો શો પૂરો થયા પછી હું બેકસ્ટેજમાં તેમની રાહ જોતો હતો, પણ એ આવ્યા જ નહિ. મેં એમને શોધ્યા, પણ એ ક્યાંય દેખાયા નહિ. હું મૂંઝાઈ ગયો. ઘરે જઈને મેં એમને એ બાબતે પૂછ્યું તો તેમણે કહ્યું કે બેટા, સરિતાબહેન જેવાં દિગ્ગજ કલાકારની સામે તને શુભેચ્છા આપવાની મારી હિમ્મત જ ન થઇ. એ વાત કરતાં કરતાં મેં તેમની આંખોમાં જે ચમક જોઈ હતી એ આજે પણ હું ભૂલી નથી શક્યો.
મને એ વાતનો વસવસો છે કે તેઓ મારી સફળતા જોઈ ન શક્યા. જો તેઓ દસ વર્ષ વધારે જીવી ગયા હોત તો જે સુરત શહેરમાં તેમનું અવસાન (૧૯૮૮) થયું અને એમની અંતિમક્રિયા થઇ, એ સ્મશાન ગૃહના રોડ પર (૧૯૯૮) એમના દીકરાની પાછળ પાંચ હાજર પ્રશંસકો હતા. એ ગર્વની ક્ષણ જોયા વગર તેઓ આ ફાની દુનિયા છોડી ગયા એનો વસવસો મને હંમેશાં રહે છે. એમના જેવો માયાળુ અને બીજાના દુ:ખે દુ:ખી થનારો માણસ મેં જોયો નથી.
૧૯૮૯માં સોનલ સાથે મારાં લગ્ન થયાં અને હું એવું માનું છું કે એ પછી જ મારી જિંદગી બદલાઈ ગઈ. કોલેજના સમયથી જ હું અને સોનલ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં, પણ સોનલના પપ્પાની શરત હતી કે છોકરો સરકારી નોકરી કરતો હોવો જોઇએ. સરકારી નોકરી હોય તો જ લગ્ન શક્ય હતાં. દરેક છોકરીનાં મા-બાપ એના ભવિષ્ય માટે ચિંતિત હોય એ સ્વાભાવિક છે. ૧૯૮૯માં મને એલઆઈસીમાં નોકરી મળી અને સોનલના પપ્પાની મંજૂરી મળતાં અમે લગ્ન કર્યાં અને ત્યારથી મારી તકદીર બદલાઈ ગઈ. એવું કહેવાય છે કે આપણા ઘરમાં અમુક વ્યક્તિનાં પગલાંથી તમારો સમય બદલાઈ જતો હોય છે. મને હજી પણ એ અફસોસ રહ્યા કરે છે કે તેઓ બે-ત્રણ વર્ષ વધારે જીવી ગયા હોત તો સારું થાત, કારણ કે ૧૯૮૯ પછી નાટ્યક્ષેત્રે મને સારી એવી નામના મળી હતી. એટલો સમય પણ એમણે જોયો હોત તો મને અફસોસ ન હોત.
મારા પપ્પાની બે સલાહ મેં હંમેશાં યાદ રાખી છે. એક ‘પીપળ પાન ખરંતી હસતી કૂંપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરે બાપુડિયા’. આ સલાહ તેમના અવાજમાં અક્ષરશ: આજે પણ મને યાદ છે. એ હંમેશાં મને કહેતા કે કોઈની પણ પરિસ્થિતિ પર આપણે હસવું નહિ. બીજી કરોળિયાની વાર્તા પણ મને હંમેશાં કહેતા અને સમજાવતા હતા કે કરોળિયો જાળું બનાવે ત્યારે જોજે. એ વારંવાર ઉપર ચઢે અને નીચે પડે. એવું વારંવાર થાય પણ અમુક સમય પછી તું જોઇશ તો એણે એનું જાળું બનાવી લીધું હોય. એ વાત કરીને સમજાવતા કે જિંદગીમાં ગમે તેટલી ચડતીપડતી, સમસ્યાઓ આવે પણ ડર્યા વગર એનો સામનો કરવો. એક દિવસ તમારી જીત થશે જ થશે. મારો એકપણ દિવસ એવો નહિ હોય કે એમની સલાહને યાદ કર્યા વગર પસાર થયો હશે. અભિનયક્ષેત્રમાં હોવાના કારણે મારા જીવનમાં ઘણા એવા ફેઝ આવ્યા જ હોય. એ વખતે એમની આ સલાહ મને સંઘર્ષ કરવા માટે જોમ આપતી હોય છે.
મારા પપ્પા જેટલા કોમળ હૃદયના અને પ્રામાણિક માનવી આજદિન સુધી મેં જોયા નથી. લોકો કહે છે કે આજે પણ તમે આટલા બધા ‘ડાઉન ટુ અર્થ’ કેવી રીતે રહી શકો છો? તો એ લોકોને હું કહીશ કે મારા માનસપટ પર જ મારા પપ્પાનું વ્યક્ત્વિ છવાયેલું હોય, તો એનો દીકરો અહંકારની સાથે કેવી રીતે જીવી શકે. મારા પપ્પા મારે માટે દુનિયાના શ્રેષ્ઠ માનવી હતા. હું મારા પપ્પા જેવો બનવા માગું છું, પણ એમની સફર અધવચ્ચે જ અટકી ગઈ હતી, જ્યારે મારી પાસે પુષ્કળ સમણાંઓ, એષણાઓ છે. એ શક્તિ મેં મારી મમ્મી પાસેથી મેળવી. જિંદગીના છેલ્લા સમય સુધી ઝનૂનથી તમારે પ્રયત્નો તો કરતા જ રહેવા જોઈએ. આજે મારું જે અસ્તિત્વ છે એ મારાં પપ્પા અને મમ્મીની કેળવણી અને સંસ્કારોના કારણે જ છે.
મારા પપ્પા એટલે ‘નખશિખ ઈશ્ર્વરે ઘડેલા પિંડનો માણસ’. બાળકના જન્મ પછી એ ધીરે ધીરે મોટો થાય એમ એમ એના પર દુનિયાદારીનાં અને સ્વાર્થનાં આવરણ ચઢતાં જતાં હોય છે, પણ મારા પપ્પા પર એ પ્રકારનાં કોઈ પણ આવરણ ચઢ્યાં નહોતાં. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ લોકો સાથે એક નાના બાળકની જેમ જ માસૂમ અને કોમળ હૃદયથી વર્તતા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.