મારા પપ્પાએ ઉપરવાળાનો ડર રાખીને પ્રામાણિકપણે જીવન જીવતાં શીખવ્યું

પુરુષ

પ્રિય પપ્પા… – દેવેન ભોજાણી

૧૯ સપ્ટેમ્બરના રોજ દેવેન ભોજાણીના પિતાએ લખેલો એક લેખ ‘ઘોડિયું નાનું ને દોરી મોટી’.
ચાર વર્ષ થઇ ગયાં, નામ પાડ્યુંં હતું દેવેન. ચાલીમાં નાની રૂમ એટલે ચાલીના દોસ્તાર સાથે રમીને ઘેર આવ્યો. મમ્મીએ કહ્યું થોડી વાર ઘોડિયામાં સૂઇ જા. દેવેને પૂછ્યું, મમ્મી, ઘોડિયું નાનું ને દોરી મોટી કેમ? બેટા, આપણી ૮૮ની રૂમ છે. તું ઘોડિયામાં સૂઇ જા. હું રૂમની બહાર બેસી તને હીંચકા નાખી શકું એટલે દોરી મોટી રાખી છે. માતાજી આપણને ભવિષ્યમાં ત્રણને બદલે તેર વ્યક્તિની સગવડ કરી આપશે. ભવિષ્યમાં આ જ દોરી કામમાં આવશે. (શબ્દશ:)

મારા પપ્પાનો જન્મ અમદાવાદમાં થયો છે. એમનું નામ બલવંતરાય ભોજાણી, પણ ઘણા લોકો એમને બટુકભાઇના નામથી પણ ઓળખે છે. એમનું બાળપણ ખૂબ જ કષ્ટદાયક પરિસ્થિતિમાં વીત્યું હતું. સાત વર્ષની ઉંમરે જ તેમણે મમ્મીની (મારાં દાદી) છત્રછાયા ગુમાવી દીધી હતી. ત્યાર બાદ મારા દાદાએ બીજાં લગ્ન કર્યાં હતાં અને મારા પપ્પાની ઉંમર બાર વર્ષની થઇ ત્યારે મારા પપ્પા અને મારી બે ફોઈને સાવકી માને સહારે છોડીને મારા દાદા એટલે કે એમના પપ્પા પણ આ ફાની દુનિયા છોડી ગયા. દાદાના ગુજરી ગયા પછીના ફક્ત છ જ મહિનાનાં ગાળામાં મારાં મોટાં ફોઈનાં લગ્ન થઇ ગયાં. ત્યાર બાદ ઘરમાં કોઈ બાબતે ઝઘડો થયો હશે તો પપ્પાને તેર વર્ષની ઉંમરે જ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તે વખતે ફક્ત તેર વર્ષની ઉંમરમાં મારા પપ્પા અને મારી ફોઈ એકદમ અનાથ જેવાં થઇ ગયાં. એમણે ઘણાં સગાંસંબંધીઓને મદદ માટે વિનંતી કરી, પણ કોઈ તેમની વહારે આવ્યું નહીં એટલે પપ્પા એમના કોઈ દૂરના મામા થતા હતા, જેઓ પોરબંદર રહેતા હતા એમને ત્યાં બહેનને લઈને પહોંચી ગયા. એ દૂરના મામાને ત્યાં જ તેઓ બન્ને મોટાં થયાં. તેઓ એમને સારી રીતે રાખતા હતા. જોકે તેમનું ઘરનું અને બહારનું તમામ કામ પપ્પાએ કરવું પડતું હતું. મારા પપ્પાએ એક દિવસ હિમ્મત કરીને જિંદગીમાં આગળ વધવા માટે અને સફળ થવા માટે પોરબંદર છોડ્યું. ઘણાં નાનાં-મોટાં શહેરોમાં એમણે નોકરી કરી. એમનાં બહેન (મારાં ફોઈ)નાં લગ્ન પણ કરાવ્યાં. ત્યાર બાદ પપ્પા મુંબઇ આવ્યા.
મારા મોટા ફુવાનું મુંબઈમાં ડ્રાયફ્રૂટનું કામકાજ હતું. તેમણે પપ્પાને મુંબઇ એમને ત્યાં બોલાવી લીધા અને હીરાલાલ મગનલાલ મેવાવાળાને ત્યાં નોકરીએ લગાવી દીધા. પપ્પા થોડો સમય ફોઈ-ફુવા સાથે રહ્યા અને બાદમાં બોરીવલીમાં રજવાડી ચાલમાં ઘર લીધું અને ત્યાં શિફ્ટ થયા. એમનાં લગ્ન પણ ત્યાં એ જ ઘરમાં થયાં હતાં. મારો જન્મ પણ ત્યાં જ થયો. ઘણાં વર્ષો નોકરી કર્યા પછી કામમાં હથોટી મેળવીને પપ્પાએ નોકરી છોડીને મારા નાનાની મદદથી મંગળદાસ માર્કેટમાં પોતાનો ધંધો શરૂ કર્યો.
મારા આ માધ્યમમાં આવવાની વાત કરું તો હું બહુ ભણેશરી પ્રકારનો છોકરો હતો. ભણવામાં એકદમ હોશિયાર, પહેલી બેન્ચ પર જ બેસવાનું અને શિક્ષકોનો લાડકો વિધાર્થી પણ ખરો. ભણવામાં પરીક્ષામાં હંમેશાં એકથી પાંચની વચ્ચે જ નંબર આવે. હું ભણીગણીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતો હતો એટલે મુંબઇની પ્રખ્યાત નરસી મોનજી કોલેજમાં એડ્મિશન લીધું. નાટકચેટકથી બહુ દૂર રહેતો હતો, પરંતુ કોલેજમાં આવ્યા પછી આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાના નાટકોમાં ભાગ લીધો અને ઘણાં બધાં ઇનામો પણ મળ્યાં એટલે કોમર્શિયલ નાટકોમાં કામ કરવાની ઑફરો પણ આવવા લાગી. ધીરે ધીરે મારો શોખ એ વ્યવસાય તરીકે કેળવાઈ ગયો. તેના કારણે હું બી. કોમ. કર્યા પછી આગળ ભણ્યો નહીં.
મારી સાથે એક ખૂબ જ રસપ્રદ ઘટના બની હતી જેનાથી મારી જિંદગીમાં સફળતાનાં પગરણ થયાં હતાં. ૧૯૮૬માં શંકર નાગે નામના નિર્માતા-દિગ્દર્શક ‘માલગુડી ડેઝ’ નામથી હિન્દી સિરિયલ બનાવી હતી. તેમનાં પત્ની અરુંધતી રાવ કાસ્ટિંગ ડિરેક્ટર હતાં. તેઓ ખાસ બેંગલુરુથી મુંબઈ સિરિયલ માટે જરૂરી પાત્રોના કલાકારોના ઓડિશન માટે આવ્યા હતા. એ સિરિયલમાં દરેક એપિસોડમાં એક અલગ વાર્તા આવતી. એમાં એક વાર્તા હતી ‘નિત્યા’. ૧૬-૧૭ વર્ષના છોકરાની આસપાસ આકાર લેતી વાર્તા હતી. મારા નાટ્યગુરુ સ્વર્ગીય મહેન્દ્ર જોશી અને અરુંધતીજી એકબીજાને ઓળખતાં હતાં, તેથી એ વાર્તાના પાત્ર માટે એમણે મારું નામ સજેસ્ટ કર્યું. એમના બીજા એક મિત્ર નૌશિલ મહેતાએ પણ મારું જ નામ આપ્યું હતું, જેમની સાથે મેં પૃથ્વીમાં ‘ડૉક્ટર ડૉક્ટર’ નામનું એક એડલ્ટ એક્સપરિમેન્ટલ નાટક કર્યું હતું. જોકે ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. બબ્બે દિગ્ગજોના સજેશનના કારણે અરુંધતીજીને ખાતરી થઇ ગઈ કે આ પાત્ર કરવા માટે દેવેન જ યોગ્ય છે અને ઓડિશન વગર જ મને સિલેક્ટ કરવામાં આવ્યો. આ રીતે ‘માલગુડી ડેઝ’ એ મારી પ્રથમ ટીવી સિરિયલ કહી શકાય.
હું નાટકોમાં કામ કરતાં કરતાં ભણતો પણ હતો અને પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. એ જ વખતે મને ‘જો જીતા વહી સિકંદર’ ફિલ્મમાં રોલ મળ્યો. એમાં હું સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કરતો હતો. ત્યારથી દિગ્દર્શક બનવાનું સપનું પણ સેવ્યું હતું. આ ફિલ્મમાં મારો અભિનય ખૂબ જ વખણાયો. ફિલ્મફેર એવોર્ડમાં સહાયક અભિનેતા તરીકેની કેટેગરીના નોમિનેશનમાં સ્થાન પણ મળ્યું. આ નોમિનેશનમાં ઘણા બધા દિગ્ગજો જેમ કે અમરિશ પુરી, ડેની ડેન્ઝોગ્પા, પરેશ રાવલ વગેરે સામેલ હતા. આ બધાં મોટાં નામોની સાથે મારું નાનું નામ પણ જોડાઈ ગયું. આ ફિલ્મ કર્યા પછી મને ઘણી બધી ફિલ્મોની ઑફર આવવા લાગી હતી, તેથી એવું વિચાર્યું કે હાલમાં અભિનેતા તરીકેની ગાડી ચાલે છે તો ડિરેક્શન પછીથી કરીશું. સાથે સાથે સિરિયલોની પણ ઑફર આવવા લાગી હતી. તેમાં ‘એક મહેલ હો સપનોં કા’, ‘ઑફિસ ઑફિસ’, ‘બા, બહૂ ઔર બેબી’, ‘દેખ ભાઈ દેખ’, ‘હમ સબ એક હૈં’, ‘તારા’, ‘મિસિસ તેંડુલકર’, ‘ભાખરવડી’ વગેરે ઘણી બધી સિરિયલો કરી. આ બધી સિરિયલમાં મારું પાત્ર પણ ખૂબ જ જાણીતું થયું. ‘બા, બહૂ ઔર બેબી’ સિરિયલથી દેશ-વિદેશમાં મારી લોકપ્રિયતા ઘણી વધી ગઈ. ઘણા બધા એવોર્ડ્સ મળ્યા, હિન્દી ફિલ્મ જગતમાં પણ લોકો મને એક સારા અભિનેતા તરીકે ઓળખતા થયા. જોકે ‘દેખ ભાઈ દેખ’, ‘ઑફિસ ઑફિસ’, ‘સારાભાઇ વર્સીસ સારાભાઇ’ સિરિયલના પાત્રને હજી પણ લોકો યાદ કરે છે.
પપ્પા સાથેની એક વાત મને યાદ આવે છે. એ વખતે હું બહુ નાનો હતો. પપ્પા અમને ક્યાંક ફરવા લઈ ગયા હતા. યાદ નથી એ સ્થળ કયું હતું, પરંતુ કોઇ ધાર્મિક સ્થળ પર ગયા હતા એટલું યાદ છે. ત્યાં અમે એક હોટેલમાં ઊતર્યા હતા. બે-ત્રણ દિવસ હરીફરીને અમે ત્યાંથી ઘરે પરત ફર્યા. ઘરે આવીને બેગ ખોલી અને એક રૂમાલ બતાવતાં મેં કહ્યું કે મને ગમ્યો એટલે હું હોટેલમાંથી રૂમાલ લઇ આવ્યો છું. ત્યારે મમ્મીએ મને સમજાવ્યું કે કોઈ વસ્તુ આપણને ગમી જાય તો આવી રીતે કોઈને પૂછ્યા વગર ન લવાય. મેં સામે દલીલ કરી કે હું રૂમાલ લાવ્યો એ કોઈએ પણ જોયું નથી અને કોઈને ખબર પણ નથી પડી. ત્યારે પપ્પાએ મને એક શિખામણ આપતાં કહ્યું હતું કે ‘કોઈએ જોયું કે ન જોયું, પણ ઉપરવાળો (ભગવાન)તો જુએ છેને. તારા આ કૃત્યથી ઉપરવાળાના ખાતામાં તારા માટે એક મોટું ડેબિટ લખાઇ ગયું છે એ તારે ક્યારેક ને ક્યારેક ભોગવવું પડશે. હંમેશાં ઉપરવાળાનો ડર રાખવાનો કે એ આપણને જોઇ રહ્યો છે. ત્યાર પછી જ તમે નક્કી કરો કે એ જોઈ રહ્યો છે છતાં પણ તમારે આ કામ કરવું છે કે નથી કરવું.’ પપ્પાની એ વાત મારા મનમાં એટલી બધી ઘર કરી ગઈ કે ખોટું કરવાનું તો દૂર, પણ હું વિચારી પણ નથી શકતો અને પ્રામાણિક રહેવાની પપ્પાની આ સલાહ મારી જિંદગીમાં મને ઘણી કામ આવી છે.
નાની ઉંમરમાં મળેલી સફળતાને કારણે હું થોડો હવામાં (અહંકાર) હતો. ત્યારે પપ્પાએ મને સમજાવતાં કહ્યું હતું કે ‘યે દિન ભી ચલા જાયેગા’. બહુ સારા દિવસો હોય તો હવામાં નહીં રહેવાનું અને જ્યારે ખરાબ દિવસો ચાલતા હોય, બહુ હતાશ હોઈએ અથવા આપણને દુ:ખ થાય એવી કોઇ ઘટના બની હોય ત્યારે પણ મનને શાંત રાખવાનું અને હતાશ નહીં થવાનું, કારણ કે ‘યે દિન ભી ચલા જાયેગા.’ સુખ-દુ:ખ જીવનનો એક ભાગ છે, જે આજે છે કાલે એવો દિવસ ન પણ હોય. સુખ હોય કે દુ:ખ, આપણે એક સમાન જીવન જીવવું જોઈએ.
‘જો જીતા વહી સિકંદર’ ફિલ્મની ઑફર જ્યારે મને આવી ત્યારે હું ખૂબ જ મોટી મૂંઝવણમાં હતો. એક બાજુ જીવનમાં આટલી મોટી તક અને બીજી બાજુ જો હું આ ફિલ્મ કરું તો મારી ફાઇનલ યરની પરીક્ષા ન આપી શકું. એ બાબતે મેં પપ્પાને વાત કરી. તેમણે સલાહ આપતાં કહ્યું કે ‘મનોરંજનની દુનિયાને તારી જિંદગીનાં બે વર્ષ આપી જો. એમાં તારું કંઇ વળ્યું તો સારું, નહીંતર ભણતર તો તું પછીથી પણ પૂરું કરી જ શકીશ. તારું મન જે કહે તે કર.’ હંમેશાં વડીલોની સલાહ જીવનમાં બહુ જ કામ આવતી હોય છે.
મારા પપ્પા ચા બહુ જ સરસ બનાવે છે. આજે પણ હું જ્યારે ઘરે હોઉં ત્યારે બપોરની ચા મારા માટે પપ્પા જ બનાવે છે. પપ્પાને કવિતા અને લેખો લખવાનો પણ શોખ છે. કુટુંબમાં કોઇનો પણ જન્મ દિવસ હોય, એનિવર્સરી હોય કે કોઇ શુભ પ્રસંગ હોય ત્યારે પપ્પા એમના માટે લખે. પપ્પા એટલું સુંદર લખે છે કે અમે તેમના લેખની આતુરતાથી રાહ જોતા હોઇએ છીએ. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.