માનનું પોટલું

ધર્મતેજ

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં આપણે ભગવાનના પ્રશાસન અને નિયમનની વિશિષ્ટ શક્તિની વાત સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પોતાની સર્જન અને વિસર્જન શક્તિની વાત કરે છે. ભગવાનની આ શક્તિ માનવના માનને કેવી રીતે ઓગાળી દે છે તે સમજીએ.
ભગવાન કૃષ્ણ કહે છે- सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्
અર્થાત્ હે અર્જુન બધા જ જીવપ્રાણી માત્ર પ્રલય કાળમાં મારા આધીન રહેલી પ્રકૃતિને જ પામે છે. વળી ઉત્પત્તિ કાળે હું જ ફરી આ બધી સૃષ્ટિનું સર્જન કરું છું.
આ શ્ર્લોક ભગવાનની અદ્ભુત સર્જન અને વિસર્જન શક્તિને સમજાવે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા ભગવાન છે. તેમની ઇચ્છા વગર સૂકું પાદડું પણ હલી શકતું નથી. જે થયું, જે થાય છે અને જે થાશે એ ભગવાનની કર્તૃત્વશક્તિથી જ થાય છે, આ સમજણ જો દરેક માનવી આત્મસાત કરે તો તેને પોતાના કાર્ય અને સિદ્ધિનો અહંકાર કે માન ના આવે. બાકી માનનું પોટલું છોડવું અતિ કઠણ છે.
સૃષ્ટિના આદિકાળથી જ માણસે વિશ્ર્વવિજેતા બનવાનો વિક્રમ નોંધાવ્યો છે. તેણે પૃથ્વીના પેટાળમાં જઈને પ્રભુત્વ મેળવ્યું. પક્ષી કરતાં વધારે ઊંચાઈએ ઊડીને આકાશ કબ્જે કર્યું. વિશ્વના અનેક રહસ્યોનો તાગ મેળવીને સંશોધન કર્યું. પશુઓ અને પક્ષીઓ પર કાબૂ મેળવીને પોતાનું ધાર્યું કામ કરાવ્યું. વિજ્ઞાનના અનેક અણધાર્યા પ્રયોગો કરીને મનુષ્યજીવનને સુવિધામય બનાવ્યું. બધાં તત્ત્વો ઉપર કાબૂ મેળવીને તે વિશ્વવિજેતા પણ બન્યો. પરંતુ માનવ ‘માન’ નામના એક મહાવૈરી પર કાબૂ મેળવી શક્યો નથી! એ છે સૂક્ષમાતિસૂક્ષ્મ અને પીડે છે પારાવાર ! સૂક્ષમાતિસૂક્ષ્મ હોવાથી પ્રથમ તો તેને પિછાણવો મુશ્કેલ. ક્યારેક વાણીથી વદાઈ જાય કે વર્તનમાં ડોકાઈ જાય, ત્યારે તેના અસ્તિત્વની તીક્ષ્ણ આર, પ્રથમ તો સામાવાળાને ભોકાંય; માનને સંઘરીને ફરતી વ્યક્તિને તો હજુ કદાચ તેનો અણસાર પણ ન આવ્યો હોય !!
જગતની સઘળી ક્રિયાઓ પોતાના અસ્તિત્વના જાનપણાં સાથે થતી હોય છે. પછી એ અત્યંત સાત્ત્વિક ક્રિયાઓ જેવી કે; દાન, તપ, ભક્તિ, સેવા કેમ ન હોય! વ્યક્તિ પોતે દેહરૂપ છે કે નામરૂપ છે, તેમ સમજી જાણે અજાણે માનના જ્વરમાં ફસાય છે, માનના સૂક્ષ્મ જીવાણુંઓ રૂધિરમાં ભળી સમગ્ર દેહમાં અભિસરણ કરતા જ રહે છે. જ્યારે આ જીવાણુંઓ વિપુલ સંખ્યામાં વહેવા લાગે, ત્યારે માનનો આ મહાવ્યાધિ વર્તમાનમાં
ડોકાય છે.
કોઈ કદર કરે કે બિરદાવે એવી ભાવના સાથે કરેલી ભક્તિમાંથી પણ ગુમાનની ગંધ આવે છે. માત્ર નૈતિક કર્તવ્ય કે ખાતાપાલનથી થયેલી ભક્તિ કે સેવામાં અંત:કરણનો આનંદ ન મળે. આવી ભક્તિને માનમાં રૂપાંતરિત થતાં વાર લાગતી નથી. તેથી કરેલા કોઈપણ કાર્યમાં, કર્તવ્યપાલન કે ખાતાપાલન સાથે સાથે પ્રેમ અને ઉત્કટ ભાવના ભળે, તો એવા માનરહિત કાર્યની સુવાસ ચારે તરફ પથરાય છે. પોતે આવું કાર્ય કરવું છે. એવી તેને જાણ જ રહેતી નથી. કવિશ્રી ઉમાશંકર જોશીએ આ જ ભાવને નિરૂપતા ગાયું છે, વ્યક્તિ મટીને બનું, વિશ્ર્વમાનવી.
પ્રમુખસ્વામી મહારાજે માનના સ્વાદની વિચારપ્રેરક વાત કરી છે. તેઓ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતને ટાંકીને સમજાવે છે કે, જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં અને જેમ શ્ર્વાન હોય તે સૂકા હાડકાંને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મુર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું.
હા, આ માનના સ્વાદને જ્યાં સુધી નહીં મુકાય ત્યાં સુધી સુખ ન આવે.
એકવાર નિરંતર ઉછાળા મારતાં સાગરમાંથી એક બિંદુ ઊડીને દૂર એક લિસ્સા પથ્થરના અંકે ગોઠવાઈ ગયું. પથ્થરે પૂછ્યું, ‘રે ! તું અહીં કેમ છુપાયું ?’ ‘રાક્ષસથી હું ત્રાસી ગયો છું’ ‘બિંદુ બોલ્યું. કયો રાક્ષસ?’ ‘આ સાગર; મારે હવે એની સાથે સ્પર્ધામાં ઊતરવું છે.’ અરે પાગલ ! સૂરજના તાપે સળગી તું તો પલભરમાં અદૃશ્ય થઇ જઈશ. વિરાટ સાગરનો સંબંધ તોડી તે તારી જાતને ક્ષુદ્ર બનાવી દીધી. ઈર્ષા, તિરસ્કાર અને હીનતાની ભાવનાથી તારો અહં જાગ્યો લાગે છે. બસ, સાગરમાં એક કુદકો માર, તું બિંદુ મટી સ્વયં સાગર બની જઈશ. તારી કીમત વધી જશે. હા, ભગવાનના સર્વકર્તાપણામાં આપણે માન ઓગાળીશું તો જ આપણી કીમત વધશે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.