માથાફરેલ નાઇજીરિયનના ચાકુ હુમલાથી નાસભાગ

આમચી મુંબઈ

આઠ જણ ઘાયલ: પોલીસે મહામુશ્કેલીએ તાબામાં લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ચર્ચગેટ નજીક માથાફરેલ નાઇજીરિયને અચાનક સાતથી આઠ લોકો પર ચાકુથી હુમલો કરતાં નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. નાઇજીરિયનને પકડવા આવેલી પોલીસ પર પણ તેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા બાદ આઝાદ મેદાન પોલીસે નાઇજીરિયન વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ટાટા ગાર્ડન નજીક બુધવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. નાઇજીરિયનની ઓળખ જ્હોન (૫૦) તરીકે થઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાઇજીરિયન બુધવારે સાંજે ફૂટપાથના કિનારે બેઠો હતો. તે અચાનક ઊભો થયો હતો અને ચાકુ કાઢીને ત્યાંથી પસાર થતાં લોકો પર હુમલો કરવા લાગ્યો હતો. તેણે કરેલા હુમલામાં સાતથી આઠ લોકોને ઇજા પહોંચી હતી. દરમિયાન બનાવની જાણ થતાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેણે પોલીસ કર્મચારી પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ કર્મચારીઓએ ત્યાર બાદ નાઇજીરિયનને તાબામાં લીધો હતો. આ ઘટનામાં નાઇજીરિયનના હાથમાં પણ ઇજા પહોંચી હતી. આરોપીને ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપી માનસિક રીતે અક્ષમ હોવાનું પોલીસને લાગી રહ્યું છે. આરોપીએ ચાકુ ક્યાંથી મેળવ્યું હતું અને તેણે લોકો પર હુમલો શા માટે કર્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.