માણસ ન તો કોઈ ઋતુ છે કે ન કોઈ તાપમાન, પણ કોણ જાણે કેમ એ બદલાઈ જાય છે

મેટિની

અરવિંદ વેકરિયા

મેં પૂરા જોશથી ‘તિરાડ’ નાટકની શરૂઆત કરી દીધી. નિર્માતાનો ઉત્સાહ અને લેખક-મિત્ર રાજેન્દ્ર શુક્લ એમાં સહાયરૂપ હતા, કદાચ એટલે જ હું જોશભેર પ્રયત્નશીલ બની શક્યો. છતાં મારા આ કાર્યને ઘણા વિઘ્નસંતોષી વખોડતા રહ્યા. આવા લોકો બીજાની ખામીઓ શોધી એમાં જ રસ લેતા હોય છે. હું એને સૌથી મોટી ખામી ગણું છું. હોય! પાંચે આંગળીઓ ક્યાં સરખી હોય છે? એ વખતે તો પાંચ આંગળી જેટલી સંસ્થા અને નિર્માતાઓ જ હતાં, કદાચ. મારે તો મારું કામ કરવું હતું. લોકોના મોઢે ક્યાં ગરણું બાંધવા જવું! મડદાને બાંધવાની પ્રથા છે, જીવતા ઉપર બળવાનો રિવાજ ત્યારે પણ હતો જ. મેં મગજને ઠંડું રાખી ‘અંત હળવો થઈ જશે, ભાર દે શરૂઆત પર’ ઉક્તિ ધ્યાનમાં રાખી કલાકારોનો સંપર્ક શરૂ કરવાનો પ્રયાસ ચાલુ કરી દીધો. ‘જીવન ચોપાટ’ની નિષ્ફળતાની કે એમાં થયેલી ભૂલો હવે મારે ભૂલી જવાની હતી. ભૂલ તો જીવનનું પાનું છે, ભૂલનું પાનું ફાડી મારા નાટકના પેશનના આખા પુસ્તકને ન ખોવાનો નિર્ધાર કરી મેં સૌપ્રથમ દેવેન્દ્ર પંડિતને ફોન જોડ્યો…
મેં કહ્યું, ‘જય હો… પંડિત સાહેબ…’
‘અરે… દીકરા, જય હો… બોલ બેટા,’ પંડિતજીએ મારો અવાજ ઓળખી અને તરત પ્રત્યુત્તર આપ્યો.
‘પંડિતજી, એક નાટક બનાવવાનો પ્લાન કરું છું,’ મેં કહ્યું.
‘સરસ! મારી શુભ-કામના તારી સાથે જ છે,’ પંડિતજીએ કહ્યું.
મેં કહ્યું, ‘માત્ર શુભ-કામના નહિ, તમારે પણ નાટકના એક ભાગરૂપે જોડાવાનું છે.’
‘એટલે…’ પછી ખાસ્સો સમય આ ‘એટલે’ પછી ગયો.
મેં સામેથી કહ્યું, ‘તે દિવસની જેમ આજે સાંજે ચાર વાગે બેન્કમાં મળવા આવું?’
‘અચ્છા, આવ… વાત કરીએ!’ એમણે કહ્યું.
ખરેખર! પંડિતજી માનતા કે આપણે હૃદયમાં રહેતાં શીખીએ, બાકી હવામાં રહેવામાં મજા નહિ. મેં આ વાત પછી મનમાં થોડી અવઢવ તો અનુભવી કે હા પાડશે કે ના? જોકે એમના સ્વભાવને હું બહુરૂપી સંસ્થાના વખતથી જાણતો હતો જે ‘જીવન ચોપાટ’ નાટકથી પરિપક્વ બન્યો હતો. મને હતું કે એ જે હશે એ ચોખ્ખી વાત કરી દેશે. મને અંધારામાં તો નહિ જ રાખે. જૂઠમાં આકર્ષણ હોય છે, પરંતુ સ્થિરતા તો સત્યમાં જ હોય છે. એ જે હશે એ સાચું જ કહી દેશે. ફોન પર વિગતો કહેવી એના કરતાં રૂબરૂ જવાનું નક્કી કર્યું.
બીજા દિવસે પાટકર હોલમાં સામ કેરાવાલાને તારીખ માટે મળવા જઈશ ત્યારે પંડિતજીને મળતો આવીશ એવું નક્કી કર્યું.
ચાલતાં નાટકોની જાહેરખબરો વાંચતાં જણાયું કે નયન ભટ્ટનું નામ ક્યાંય વંચાતું નહોતું. શક્ય છે કોઈ નવા નાટકના રિહર્સલમાં હોય અને નાટકની રિલીઝ વખતે એમનું નામ વાંચવા મળે! આ નયન ભટ્ટ એટલે આજનું ખૂબ જાણીતું નામ. એકતા કપૂરની ‘કહાની ઘર ઘર કી’થી લઈ અગણિત સિરિયલો એમના નામે જમા છે, એ વખતે વાત ‘દૂરદર્શન’થી આગળ વધી નહોતી. નયન ભટ્ટ સાથેનો સંબંધ ચિનાઈ કોલેજના અભ્યાસકાળથી. આગળ પણ જણાવેલું કે અમને જ્યારે કોલેજમાં એકાંકી ભજવવા કોઈ સ્ત્રી-પાત્ર ન મળે ત્યારે અમારે માટે નયન ભટ્ટ એટલે સંકટ સમયની સાંકળ હતાં. એમના પતિદેવ સલિલ ભટ્ટ સાથે પણ એટલો જ ઘરોબો. ત્યારે તેઓ કાંદિવલી (વેસ્ટ), સ્ટેશન રોડ પાસે રહેતાં. તેઓ દેના બેંક, કાંદિવલી (વેસ્ટ) બ્રાન્ચમાં સર્વિસ કરતા. હું હકથી ફોન કરી શકું એવા સંબંધ હતા. ઘણી વખત મારા કોલેજકાળ વખતે એમના ઘરે ગયો છું. સલિલભાઈએ ઘણાં નાટકો પણ દિગ્દર્શિત કર્યાં છે. જ્યારે પણ એમના ઘરે જાઓ એટલે મીઠો આવકાર મળે જ. મકાનની બાંધણી ગમે તેટલી સુંદર હોય, પણ અંદર રહેનારા માણસોની લાગણી જ જો ‘શૂન્ય’ હોય તો એનાં પગથિયાં ગણવાનો કોઈ અર્થ નથી હોતો. જ્યારે અહીં તો ચોથે માળે રહેતાં નયનબહેનનાં પગથિયાં હું બેધડક, વિનાસંકોચ સડસડાટ ચડી જતો.
મેં એમના ઘરે ફોન કર્યો. ફોન સલિલભાઈએ ઉપાડ્યો. થોડું હેલો-હાય થયું. પછી મેં કહ્યું કે જરા નયનબહેનને ફોન આપશો. (એક આડ વાત: નયનબહેનની બહેન, દીના વસાવડા મારી પત્ની ભારતી સાથે ભણી હતી.) મારો અવાજ અને મારી નયનબહેન માટેની વિનંતી સાંભળી તરત બોલ્યા, ‘ડેફિનેટલી, આપું છું.’ આ ડેફિનેટલી એમની તકિયા કલામ જેવો શબ્દ હતો. જાણે-અજાણે ડેફિનેટલી શબ્દ ડેફિનેટલી આવી જ જતો. ફોન નયનબહેને લીધો. મેં મારી નવા નાટકની વાત કરી. એમણે કહ્યું કે ‘સાંજે ઘરે આવો, શાંતિથી વાત થશે.’ મેં ઓ.કે. કહી વાતનું સમાપન કરી લીધું.
બંને મુખ્ય કલાકારો સાથે વાત તો થઈ ગઈ. વાતો તો બંને સાથે મીઠાશભરી હતી. મીઠાશ અંદરનો ભેદ નથી ખોલતી. મોરને જોઈ કોણ કહી શકે કે એ સાપ ખાતો હશે? આ અને આવા અનેક વિચારો મનમાં સળવળાટ કરવા લાગ્યા. બંનેના અનુભવ મારે માટે આમ તો સુખદ જ હતા, છતાં અવળચંડું મન ‘નકારાત્મકતા’ તરફ ઘસડાતું હતું. ગમે તેમ તોય માણસ! એ ન કોઈ ઋતુ છે કે ન કોઈ તાપમાન, પણ કોણ જાણે કેમ એ બદલાઈ જાય છે. નક્કી કરી લીધું કે જે હશે એ સાચી વાત કરી જ લઈશ. એ પણ સત્ય હશે એ કહી જ દેશે. સત્ય કડવું નથી જ હોતું, બસ સ્વાદ અનુસાર ન મળે એટલે ગળે નથી ઊતરતું. સવારે મુંબઈ જઈ, બપોરે સામ કેરાવાલાને મળી, પંડિતજીને બેન્કમાં મળી લઉં. ઘરે પાછા ફરતાં નયન ભટ્ટને ઘરે જઈ આવું. ‘કંઈ મારે લાયક કામ હોય તો કહેજો’ કહેનાર તરુણ નાયક મને નોકરના રોલ માટે યાદ આવ્યો અને ત્રીજો ફોન એને કરવા મેં ફોનનું ડાયલ ફેરવ્યું… (ક્રમશ:)ઉ
***
હું તો ઠોકરથી બચવા નીચું જોઈને ચાલેલો, બસ!,
મને દુશ્મન મળ્યો સામે તો એને નમન લાગ્યું,
હવે આથી વધારે પ્રેમમાં ઊંચાઈ શું આવે?,
તમારા પર લખ્યું’તું કાવ્ય, પણ સૌને ભજન લાગ્યું.
—————-
કોઈએ લખ્યું છે:
દરેક ઘર એક યુદ્ધભૂમિ છે,
પતિદેવ યુક્રેન છે, પત્ની રશિયા છે…
સાસરિયાં તથા પિયરિયાં નાટોના સભ્યો છે,
મિત્રો પોલેન્ડ છે…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.