મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પાયો નાખનારા સંત તુકારામ

વીક એન્ડ

માજમાં વ્યાપેલી બૂરાઈઓ અને સામાજિક વ્યવસ્થા પર ભક્તિપદોના માધ્યમથી પ્રહાર કરનારા તુકારામના મંદિરનું તાજેતરમાં વડા પ્રધાન મોદીજીએ ઉદ્ઘાટન કર્યું

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

‘માગું એક જ હું દેવ, તારા ચરણની સેવ.
બીજું લઉં ન આપે તોયે, રિદ્ધિ, સિદ્ધિ, મુક્તિ ચારે.
સતસંગ સર્વ કાળ, દૃઢ પ્રેમનો સુકાળ.
તુકો કહે રામનામ, તેણે સરે મારું કામ.’
(ભાવાનુવાદ: કિશોરલાલ મશરૂવાળા)
સાવ સરળ ભાષામાં, સાવ સાધારણ લોકોને સમજાય તેવા ભાવ સાથે અભંગો રચીને ભક્તિમાર્ગને સમૃદ્ધ કરનાર મહારાષ્ટ્રના મહાન સંત શ્રી તુકારામ મહારાજના ઉપર લખ્યા તેવા અનેક અભંગો છે, જે ભક્ત હૃદયને પુલકિત કરે છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીજીએ તેમના મંદિરનું લોકાર્પણ કરીને ભક્તોને સુંદર ભેટ આપી છે. સંત તુકારામ વારકરી સંપ્રદાયના સંત અને કવિ હતા. તેમણે પોતાનાં અભંગ અને કીર્તન વડે લોકોને જાગૃત કરવાનું કામ મોટે પાયે કર્યું છે. કહેવાય છે કે સંત તુકારામે જ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પાયો નાખ્યો હતો. વડા પ્રધાનના કાર્યાલય તરફથી મળેલી માહિતી મુજબ સંત તુકારામના સ્વર્ગવાસ પછી તેમના જન્મસ્થળ દેહુમાં એક શિલા પર મંદિર બનાવાયું હતું, પણ તેને ઔપચારિક રીતે મંદિરરૂપે વિકસિત નહોતું કરવામાં આવ્યું.
સંત તુકારામ વૈષ્ણવ ધર્મમાં આસ્થા રાખતા હતા અને વિષ્ણુના પરમ ભક્ત હતા. ૧૬૩૦માં પડેલા ભયાનક દુકાળમાં તેમનાં પત્ની અને પુત્રનું મૃત્યુ થયું. કહેવાય છે કે ત્યાર બાદ તેઓ અભંગ ભક્તિ તરફ વળ્યા. તેમણે બીજા વિવાહ કર્યા હતા, પરંતુ તે સંબંધમાં કટુતા વ્યાપેલી રહી. તે પછી તેમણે પોતાનું અધિકાંશ જીવન ભક્તિપદો અને અને કીર્તન રચનામાં પરોવી દીધું. સમાજમાં વ્યાપેલી બૂરાઈઓ અને સામાજિક વ્યવસ્થા પર તેઓ ભક્તિપદોના માધ્યમથી પ્રહાર કરતા હતા, તેને કારણે તે વખતના પ્રભાવશાળી લોકોનો વિરોધ પણ તેમણે ખૂબ સહન કરવો પડ્યો. તુકારામ મહારાજનાં ચાર હજારથી વધુ ભક્તિપદો આજે ઉપલબ્ધ છે. કાળની થપાટમાં કેટલુંક સાહિત્ય કદાચ નામશેષ પણ થયું હોય. તેમનાં પદોના અંગ્રેજી અનુવાદ માટે દિલીપ ચિત્રેને ૧૯૯૪માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો છે. અહીંયાં ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષાના જાણીતા નિબંધકાર અને અનુવાદક કિશોરલાલ મશરૂવાળાએ પણ તુકારામ મહારાજના અભંગોનો સુંદર અનુવાદ કર્યો છે, જેમાંથી જ એક ઉપરનું અભંગ છે.
સંત તુકારામના વંશજ ડો. સદાનંદ મોરેએ જુલાઈ, ૨૦૧૮માં એક આલેખમાં તુકારામ મહારાજના અભંગોમાં મળતી શિક્ષા પર વિસ્તારથી વર્ણન કર્યું હતું. ડો. મોરેના કહેવા મુજબ સંત તુકારામે સંત જ્ઞાનેશ્ર્વર, એકનાથ, નામદેવ અને કબીર જેવા સંતોની વાણી આત્મસાત્ કરી હતી, માટે તેઓ કહેતા રહેતા હતા કે ધર્મનું પાલન પાખંડનું ખંડન કરવા માટે થાય છે. ડો. મોરે લખે છે કે તે જ તેમનો સાચો ધર્મ હતો, તેમની શિક્ષા સમાનતા અને માનવતાના પ્રેમ પર આધારિત હતી.
સંત તુકારામ વિદ્રોહી કવિ તરીકે પણ ઓળખાય છે, કેમ કે તેમણે સ્થાપિત વ્યવસ્થાઓને પડકાર આપ્યો હતો. ડો. મોરેના કહેવા મુજબ તેમનો આ વિદ્રોહ સકારાત્મક હતો, કેમ કે તેમનો ઈરાદો કોઈ વસ્તુને નષ્ટ કરવાનો નહોતો. તેઓ આગળ કહે છે કે ‘ઈશુ મસીહ કહેતા કે હું સમૃદ્ધ કરવા આવ્યો છું, વિનાશ કરવા નહીં. મને લાગે છે કે આ સિદ્ધાંત સંત તુકોબા પર પણ લાગુ પડે છે. તેઓ સીધા એ સ્થાપિત હિતોની ટીકા કરતા હતા જેઓ સમાનતા અને પ્રેમના વિરોધી હતા.’
તેમણે મહારાષ્ટ્રમાં ધર્મ અને જાતિના નામ પર થઇ રહેલા ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો અને તેમનો વિરોધ જ ઓગણીસમી શતાબ્દીમાં મહારાષ્ટ્રમાં થયેલી જાગૃતિનો આધાર બન્યો હતો. તેમણે કહેલું કે જે કોઈ સમાનતા અને માનવતાનો ધર્મ આગળ વધારે તેને ભગવાન માનવો જોઈએ.
ડો. મોરે એ પણ ઉમેરે છે કે સંત તુકારામ પોતાનાં ભક્તિપદો અને કીર્તનમાં એક વાત ભાર દઈને કહે છે કે ધર્મ મનુષ્ય અને ઈશ્ર્વરની સાથે સાથે મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધ વિષે પણ છે. સંત તુકારામને ભક્તો લાડથી તુકોબા કહીને બોલાવે છે. તેમની એક ખાસિયત હતી કે આધ્યાત્મિક વાતો સાથે તેઓ સાંસારિક સમજણ પણ આપતા હતા. વ્યાવહારિક દુનિયામાં રહેવાની રીત પર પણ તેઓ પ્રકાશ પાડતા હતા. તેમણે દુનિયાદારીનો મોહ છોડવા જરૂર કહ્યું, પણ દુનિયાદારી છોડી દો તેવું નથી કહ્યું. આજે આખી દુનિયાને એક જ ચશ્માંથી જોવાનું ચલણ વધ્યું છે ત્યારે સત્તરમી સદીના આ સંતે તે વખતે શીખ આપેલી કે કોઈની ઓળખાણ નષ્ટ કર્યા વિના દુનિયા સાથે કેવી રીતે રહેવાય. તુકોબા હંમેશાં કહેતા કે દુનિયામાં બનાવટી ચીજો ટકતી નથી, અસત્ય લાંબો સમય ટકી ન શકે. સદાનંદ મોરેના કહેવા પ્રમાણે તુકારામ એક સાધારણ પારિવારિક પૃષ્ઠભૂમિના હોવા છતાં તેમના સમકાલીનો કરતાં ઘણા વધારે પ્રગતિશીલ હતા. તેમણે અર્થ સમજ્યા વિના વેદપાઠ કરનારા બ્રાહ્મણોને પડકાર ફેંકેલો કે પોતે ભલે બ્રાહ્મણ નથી, પરંતુ વેદના અર્થ સારી રીતે સમજે છે.
સંત તુકારામના સ્વર્ગવાસના વર્ષ વિષે મતાંતર છે. કોઈ કહે છે તેમનું મૃત્યુ ૧૬૩૯માં થયું હતું, તો કેટલાક લોકો મુજબ તેઓ ૧૬૫૦માં નિજ ધામ પધાર્યા હતા. તેમનો દેહાંત કઈ રીતે થયો તે બાબત પણ વિવાદ છે. તેમના સમર્થકો મુજબ તેમણે સમાધિ લીધી હતી, જ્યારે ટીકાકારોના કહેવા મુજબ તેમની હત્યા થઇ હતી. એ જે હોય તે, પણ મહારાષ્ટ્રના સમાજ પર તેમનો વ્યાપક પ્રભાવ હતો તે નિશ્ર્ચિત વાત છે. તેમનાં અભંગો અને કીર્તનોમાં ધર્મ, અધ્યાત્મ, ભક્તિ અને સંસાર વ્યવહારની ગહન વાતોનો સરળ ભાષામાં ખજાનો છે. તેમના પર મરાઠી, તેલુગુ, હિંદી અને અન્ય ભાષાઓમાં ફિલ્મો બની છે. ૧૯૩૬માં બનેલી મરાઠી ફિલ્મ ઓપન થિયેટરમાં હાઉસ ફુલ જતી હતી. ૨૦૦૨માં ભારત સરકારે તેમને શ્રદ્ધાંજલિરૂપે ૧૦૦ રૂપિયાનો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.