મલિકને બહુ પહેલાં પતાવી દેવાની જરૂર હતી

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પોષનારા નેતાઓમાંથી એક યાસિન મલિકને અંતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવી દીધો. મલિક સામે ટેરર ફંડિંગ એટલે કે આતંકવાદને પોષવા માટે તન, મન, ધનથી મદદ કરવાનો આરોપ હતો. મલિકને કેટલી સજા કરવી એ મુદ્દે હવે ૨૫ મેના દિવસે દલીલો થવાની છે પણ મલિક સામેના આરોપો જોતાં તેની જીંદગીના બાકીના દહાડા જેલના રોટલા તોડવામાં પૂરા થશે એ નક્કી છે.
મલિક સામે આતંકવાદને નાથવા બનાવાયેલા અનલોફુલ એક્ટિવિટીઝ પ્રીવેન્શન એક્ટ (યુએપીએ) તથા ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની જુદી જુદી કલમો હેઠળ આતંકવાદ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના આરોપ મૂકાયા હતા. આઈપીસી હેઠળ દેશ સામે યુદ્ધ છેડવા બદલ રાજદ્રોહ તથા ગુનાહીત ષડયંત્ર રચવાના આરોપ મુકાયેલા. યુએપીએની જુદી જુદી કલમો હેઠળ આતંકવાદી કૃત્ય, આતંકવાદી કૃત્યો માટે નાણાં ઊભાં કરવાં, આતંકવાદી કૃત્ય કરવા ષડયંત્ર રચવું, આતંકવાદી સંગઠન કે ટોળકીના સભ્ય હોવું સહિતના આરોપ મૂકાયેલા.
મલિક સામેનો કેસ ૨૦૧૭માં નોંધાયેલો. ૨૦૧૯માં મલિક સહિત કુલ પાંચ લોકો સામે આરોપનામું મુકાયેલું. એનઆઈએનો આરોપ હતો કે, મલિક તથા તેના સાથીઓને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન પાસેથી નાણાં મળતાં હતાં. કાશ્મીરમાં અરાજકતા ને અશાંતિ ઊભી કરવા માટે આતંકવાદી સંગઠનોએ લોકોને પથ્થરમારો કરવાના ચાળે પણ ચડાવેલા. એ માટે પાકિસ્તાન પૈસા મોકલતું ને મલિક એ વહેંચતો એવો એનઆઈએનો આરોપ હતો.
કોર્ટને આ બધા આરોપોમાં વજૂદ લાગેલું પણ ન્યાયના સિદ્ધાંતને ખાતર મલિકને વકીલ રોકીને બચાવ કરવા કહેવાયેલું પણ મલિક તોરમાં હતો. પોતે ભારતના બંધારણને માનતો નથી એવો બકવાસ કરીને મલિકે વકીલ રોકવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમિકસ ક્યુરી નીમિને મલિકને તેની સામેના આરોપોની સમજ તથા તેનાં પરિણામો સમજાવવા કહેલું. મલિકે એમિકસ ક્યુરીને પણ સાફ શબ્દોમાં કહેલું કે, પોતે બચાવ કરવા માંગતો નથી ને ફાંસીએ લટકાવી દેવાનો હોય તો એ પરિણામ ભોગવવા પણ તૈયાર છે.
ગયા મહિને છેલ્લી સુનાવણી વખતે કોર્ટે મલિકને ફરી બચાવની તક આપી હતી. મલિકે એ વખતે પણ એ જ વાજું વગાડ્યું હતું કે, પોતાની સામેના આરોપો અંગે પોતે કોઈ બચાવ કરવા માંગતો નથી. મલિકે પોતે આરોપી હોવાનું પણ સ્વીકારી લીધું હતું. મલિકની કબૂલાતના કારણે મલિક દોષિત ઠરશે એ નક્કી થઈ ગયેલું ને ગુરૂવારે એવો જ ચુકાદો આવ્યો.
રસપ્રદ વાત એ છે કે, મલિકની જેમ તોર બતાવવાના બદલે વકીલ રોકીને બચાવ કરનારા કામરાન યુસુફ, જાવેદ અહમદ ભટ્ટ તથા સૈયદાહ આસિયા ફિરદોસ અંદ્રાબી નામના ત્રણ આરોપીને કોર્ટે છોડી મૂક્યા છે. મલિકે અક્કડ બતાવવાના બદલે દેશના ન્યાયતંત્રના નિયમોનું પાલન કરીને વકીલ રોક્યો હોત તો તેના માટે બચવાની તક હતી પણ અહંકારમાં ને અહંકારમાં તેણે એ તક વેડફી નાંખી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે યાસિન મલિકનું બોર્ડ લગભગ પતી ગયું છે. મલિક અત્યારે ૫૬ વર્ષનો છે ને તેની સામે સાબિત થયેલા આરોપો જોતાં આજીવન કારાવાસથી ઓછી કોઈ સજા તેને થાય એવી શક્યતા નથી પણ મલિકના ધંધા જોતાં તેને આજીવન કારાવાસની સજા થાય તો એ પણ બહું ઓછી કહેવાય. કાશ્મીરને આતંકવાદની આગમાં કાયમ માટે ધકેલી દેનારા જે કેટલાક હલકટો છે તેમાં યાસીન મલિક પણ એક છે.
કાશ્મીરમાં આતંકવાદે હજારો લોકોનો ભોગ લીધો છે ને લાખો લોકોને બેઘર કરીને તેમની જીંદગીને દોઝખ બનાવી દીધી છે. કાશ્મીરીઓને આ નર્કથી બદતર જીંદગી આપનારા ટોચના ખલનાયકોમાં યાસિન મલિક એક છે એ જોતાં તેને ફાંસીને માંચડે લટકાવી દેવાય તો પણ ઓછું પડે. મલિક છેલ્લાં ચાલીસ વરસથી કાશ્મીરના આતંકવાદને ભડકાવી રહ્યો છે એ જોતાં તેની બાકીની જીંદગી જેલમાં જાય તો પણ આ ન્યાય બહું મોડો છે. મલિકને તેનાં કુકર્મોની સજા બહું પહેલાં મળવી જોઈતી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં ૧૯૮૦ના દાયકામાં ભડકેલા આતંકવાદનો પ્રણેતા મકબૂલ બટ્ટ હતો. જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના કારણે આ સંગઠન જાણીતું થયું. કાશ્મીરને આઝાદ કરવા જેહાદ છેડનારા મકબૂલ બટ્ટે ઉપરાછાપરી હત્યાઓ કરીને એક જમાનામાં કાળો કેર વર્તાવ્યો હતો. બટ્ટને ઈન્દિરા ગાંધીએ ફાંસીના માંચડે લટકાવી દીધો પછી જેમણે બટ્ટનો વારસો સાચવ્યો તેમાં યાસીન મલિક અને સૈયદ સલાહુદ્દીન મુખ્ય હતા.
મલિક નાની ઉંમરે આતંકના રવાડે ચડી ગયેલો, ૧૭ વર્ષની ઉંમરે આતંકવાદને લગતા કેસમાં પહેલીવાર તેની ધરપકડ થઈ હતી. ૧૯૮૩માં શ્રીનગરમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે મેચમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું મલિકે ઘડેલું. લશ્કરને કાવતરાની ખબર પડી જતાં મલિકને જેલમાં ધકેલી દેવાયો હતો. ૧૯૮૬માં મલિકે જેલની બહાર આવીને ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ પક્ષ બનાવ્યો હતો. સૈયદ સલાહુદ્દીન એ વખતે બટ્ટના સ્થાને આતંકવાદીઓનો ગોડફાધર બની ચૂક્યો હતો તેથી મલિક તેની શરણમાં જતો રહ્યો. મલિક અને સલાહુદ્દીને પૃથ્વી પરના સ્વર્ગ મનાતા કાશ્મીરને આતંકવાદની આગમાં ધકેલીને નર્ક બનાવી દીધું. થોડા મહિના પહેલાં ગુજરી ગયેલા હઝરત અલી શાહ ગિલાની સાથે મળીને મલિકે કાશ્મીરમાં આતંકવાદને જીવતો રાખ્યો છે એ જોતાં તેને બહું પહેલાં સજા થવી જોઈતી હતી પણ કમનસીબે અગાઉની સરકારો એ કામ નહોતી કરી શકી.
જમ્મુ અને કાશ્મીરમાં ૧૯૮૭માં વિધાનસભાની ચૂંટણી વખતે યાસિન મલિકે તોફાન કરાવ્યાં તેથી તેને અંદર કરી દેવાયેલો. મહિનાઓ સુધી જેલની હવા ખાધા પછી બહાર આવેલો મલિક સલાહુદ્દીન સાથે પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાનમાં સલાહુદ્દીન જામી ગયો પણ મલિક થોડા મહિના પછી ગૂપચૂપ પાછો કાશ્મીરમાં આવી ગયો. પાકિસ્તાનના ઈશારે કામ કરતી હુર્રિયત કૉન્ફરન્સમાં જોડાયો. કાશ્મીરમાં તેણે કાળો કેર વર્તાવ્યો હતો. એક આતંકવાદી હુમલામાં ઘાયલ થતા લશ્કરે તેને ઝડપી લીધેલો. મલિક ત્યારે પણ ૧૯૯૪ સુધી જેલમાં રહેલો. એ વખતે જ તેને કાયમ માટે પતાવી દેવાની જરૂર હતી પણ એવું ના થયું.
હવે મોદી સરકારે તેને કાયમ માટે જેલમાં રાખવાનો પાકો બંદોબસ્ત કરીને એ કામ કર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.