મફત શિક્ષણની ભારતીય પરંપરા અગ્રહાર ગામો અને ટોલ વિદ્યા કેન્દ્રના રૂપમાં

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

શતાબ્દીઓ સુધી ભારતમાં વિદેશી શાસન રહ્યું હોવા છતાં મફત શિક્ષણની પરંપરા કેવી રીતે જીવિત રહી? એ મહત્ત્વનો અને આજે ચર્ચાનો વિષય છે ત્યારે હજારો વર્ષો પહેલાં આ દેશમાં વિદ્વાન બ્રાહ્મણ તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં વિદ્યાર્થીઓને હંમેશાં મફત શિક્ષણ આપવા ઉત્સુક હતા. આ પરંપરા કાશી, નાશિક, વાઇ અને નદિયા જેવાં સંસ્કૃતનાં પ્રાચીન કેન્દ્રોમાં જીવિત હતી. આ બાબત પરથી સ્પષ્ટ તારણ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં વિદ્યાર્થીઓ ઊંચામાં ઊંચું શિક્ષણ મફતમાં પ્રાપ્ત કરતા હતા. આ બધું કેમ શક્ય હતું? આજે આ લેખના માધ્યમ દ્વારા જાણીએ અને સમજીએ.
શરૂઆતમાં જ્યારે જીવનની જરૂરિયાતો અને જ્ઞાનનું ક્ષેત્ર સીમિત હતું ત્યારે તમામ પ્રકારના શિક્ષણનું કામ પરિવારમાં જ થતું હતું, પરંતુ પાછળથી તે અપૂરતું લાગ્યું અને અન્ય પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો જન્મ અને વિકાસ થયો. શૈક્ષણિક સંસ્થાઓની જરૂરિયાતોને પહોંચી વળવા અર્થ (નાણાં) જરૂરી છે. પ્રાચીન ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કઈ સુવિધાઓની આવશ્યકતા હતી અને તેના સંચાલન માટે નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવતી હતી તે જાણતાં વર્તમાનમાં તેને સુધારવાના દૃષ્ટિકોણથી જાણવું જરૂરી છે. આશ્રમનું સમગ્ર સંચાલન ગુરુ દ્વારા કરવામાં આવતું હતું જેમાં શિષ્યો તેમને મદદ કરતા હતા. બૌદ્ધ ધર્મના ઉદય પછી બૌદ્ધ વિહારો મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રૂપાંતરિત થયા. આ વિહારોમાં રહીને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા. વિહારો પણ ગુરુકુળની જેમ સંપૂર્ણ રહેણાકી હતા. વિહારોમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવતું હતું. આમાંથી કેટલાક વિહારોએ પાછળથી યુનિવર્સિટીનું સ્વરૂપ લીધું. એ જ રીતે વિવિધ સંપ્રદાયોના વિદ્વાનોએ પણ તેમના મઠોમાં શિક્ષણની વ્યવસ્થા કરી, જેના કારણે તેઓ પણ શિક્ષણનાં કેન્દ્રો બન્યા. અગ્રાહર ગામો પણ ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો તરીકે વિકસિત થયાં.
અગ્રહાર એટલે શું? મીના શ્રીપાલ પોતાના લેખ ‘પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થામાં’ લખે છે કે પ્રાચીન ભારતમાં સારા પ્રસંગો પર રાજા બ્રાહ્મણોને પોતાની સભાઓમાં આમંત્રણ આપતા તથા તેમને કોઈ ગામમાં વસાવી તેમના જીવનનિર્વાહ માટે તે ગામની સમગ્ર આવક તેમને દાન કરી દેતા. આવાં ગામોને અગ્રહાર કહેતા હતા. બાદમાં તે ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો બની જતાં હતાં જ્યાં સંસ્કૃતનાં વિભિન્ન શાસ્ત્રોનું મફત અધ્યયન થતું હતું. આવા અગ્રહાર ગામની વાત ઉદાહરણ રૂપે જોઈએ. કલિંગના રાજા ઉપવર્મા પોતાના રાજ્યમાં એ વાતનું ધ્યાન રાખતા કે રાજ્યમાં અગ્રહારોની સંખ્યા ૩૨થી ઓછી ન થાય. નિશ્ર્ચિત આ યુગમાં રાજાએ ધર્મ અને શિક્ષણના કાર્યને પ્રોત્સાહન આપવાની નીતિનું પાલન કર્યું છે.
પિષ્ટપુરમ્ અગ્રહાર: ડો. અનંત સદાશિવ અલ્તેકર અને ડો. રમેશચંદ્ર મજુમદાર લિખિત પુસ્તક ‘વાકાટક – ગુપ્ત યુગનો ઇતિહાસ’માં લખ્યું છે કે પિષ્ટપુરમ્ (પીઢાપુરમ) આ પ્રકારે ૬ સદીમાં અગ્રહાર ગામમાં બ્રાહ્મણ વિદ્વાન અને ગુરુ બંને સ્વરૂપમાં પ્રસિદ્ધ હતા (તાન્દ્રિદાનપત્ર-એપિ-૧૮/૯૮). પાંડુરંગપલ્લી હજારો બ્રાહ્મણના અધ્યાપક હતા. અંત: આમાં કોઈ સંદેહ નથી કે આ યુગમાં ગ્રામ ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો હતાં. જો ઉપવર્મા જેવા નાના રાજા ૩૬ ગ્રામોનું પાલન કરતા હોય તો વાકાટકો અને ગુપ્ત રાજ્યોમાં અગ્રહારોની સંખ્યા ૧૦૦થી વધુ રહી હશે. આ રાજ્યોના મોટા ભાગના રાજાઓ હિન્દુ ધર્મના રક્ષક અને સંરક્ષક હતા જેમાં સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, પ્રવરસેન દ્વિતીય જેવા અનેક વિદ્યાપ્રેમી રાજાઓ હતા.
કાદિયૂર અગ્રહાર: પ્રો. અનંત સદાશિવ અલ્તેકર પોતાના પુસ્તક ‘પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિ’માં જણાવે છે કે રાષ્ટ્રકુટોના શાસન કાળમાં વેદ, પુરાણ, ન્યાય, દંડનીતિ, નિબંધ તથા ટીકા વગેરેમાં પંડિત એવા ૨૦૦ વિદ્વાનોને કર્ણાટક પ્રદેશના ધારવાડ જિલ્લામાં આવેલ કાદિયૂર આધુનિક નામ ‘ક્લાસ-નામ’નું ગામ કાદિયૂર અગ્રહાર મળ્યું છે. આ ગામ શિક્ષણ કેન્દ્રના રૂપમાં પ્રખ્યાત છે. અહીં બ્રાહ્મણને સ્વાભાવિક પોતાની કીર્તિ પર ગર્વ હોય છે. આ બાબત પર ધ્યાન દેવા યોગ્ય છે કે અગ્રહારમાં માત્ર વેદોનું જ અધ્યયન ન થતું, પરંતુ કાવ્ય, વ્યાકરણ, ન્યાય, દંડનીતિ વગેરે લૌકિક વિષય ભણાવવામાં આવતા હતા. અહીં અધ્યાપકોના વેતન માટે પણ દાન પ્રાપ્ત થતું હતું. આ ગામમાં એક અન્નક્ષેત્ર પણ ચાલતું હતું, જ્યાં મફત ભોજન આપવામાં આવતું. સંભવત: આ અન્નક્ષેત્ર ગામમાં રહેતા નિર્ધન વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતું હશે.
તાલાગુંડા અગ્રહાર: ડો. જ્યોત્સના કામત પોતાના લેખ ‘અગ્રહારનો ઇતિહાસ’માં લખે છે કે મધ્યયુગીન કર્ણાટકમાં સૌથી જૂના અગ્રહારો તાલાગુંડા અથવા સ્થાનકુંદુર (હાલના શિમોગા જિલ્લામાં)ના હોવાનું જણાય છે. એક શિલાલેખના ઉલ્લેખ પ્રમાણે કદંબ વંશના સ્થાપક મયૂરશર્મન (અથવા વર્મન) ના પૂર્વજ અહિચ્છત્રમાંથી બત્રીસ વિદ્વાન બ્રાહ્મણોને લાવ્યા અને સ્થાનકુંદુરમાં સ્થાયી થયા અને તેને અગ્રહારમાં રૂપાંતરિત કર્યું. આ સૂચવે છે કે રાજાઓએ બહારથી વિદ્વાનોને આમંત્રિત કરીને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું અને આ પ્રથા સદીઓ પછી પણ ચાલુ રહી. મયૂરશર્મને અગ્રહારના સમર્થનમાં ૧૪૪ ગામોને અનુદાન આપ્યું હોવાનું કહેવાય છે.
આ અગ્રહારની વધુ વિગતો ઈ. સ. ૧૧૫૦ના એક શિલાલેખમાં ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે તાલાગુંડા આઠ શતાબ્દીઓ સુધી શિક્ષણના પ્રસિદ્ધ કેન્દ્ર તરીકે ચાલુ રહ્યું. વેદ, વેદાંત, શ્ર્લોક, રૂપાવતાર (વ્યાકરણ) અને પ્રભાકર (તત્ત્વજ્ઞાન) જેવા વિવિધ વિષયોના અડતાલીસ વિદ્યાર્થીઓ અને આઠ શિક્ષકો હતા. વધુમાં, પ્રાથમિક કક્ષાએ ક્ધનડ ભાષા શીખવવાની વ્યવસ્થા હતી. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મંદિરના કર્મચારીઓ માટે ડ્રેસકોડની જોગવાઈ કરવામાં આવી હતી.
ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય ટઈંએ તમિળનાડુના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી કોગુલી પ્રાંતના નિર્ગુડાને અગ્રહારમાં રૂપાંતરિત કરી બ્રાહ્મણોને દાન કર્યું.
સર્વજ્ઞપુર અગ્રહાર: મૈસુર જિલ્લાનું હસન આધુનિક અર્સીકેર ગામ જે એક અગ્રહાર હતું, તેના નામથી એવું લાગે કે તે પ્રસિદ્ધ વિદ્યાનું એક કેન્દ્ર રહ્યું હશે. આ સ્થાન પર એક લેખ પ્રાપ્તથી સાહિત્યિક અને શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ પર સારો પ્રકાશ પાડે છે. અહીં બ્રાહ્મણ વેદ, શાસ્ત્ર અને ષડ્દર્શન ભણાવતા હતા. અહીંના બ્રાહ્મણ કાં તો વેદાધ્યયન કરતા રહેતા અથવા કોઈ અન્ય તત્ત્વ-વિદ્યાના વ્યાખ્યાન સાંભળતા અથવા ન્યાય પર વિવાદ કર્યા કરતા હતા. પ્રસન્નતાપૂર્વક પુરાણોના પાઠોનું વાચન અથવા સ્મૃતિ, રૂપક, કાવ્ય – સાહિત્યની ટીકા કરતા હતા. સર્વજ્ઞપુરના નિખિલ બ્રાહ્મણ અધ્યયન તથા ધર્મ અને નીતિના વાક્યભૂતોના શ્રવણમાં તલ્લીન રહ્યા કરતા હતા.
ઉત્તર શિક્ષણનાં કેન્દ્રો
ઉપરોકત બંને અગ્રહાર ગામ પોતાના વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. સામાન્ય રીતે પ્રત્યેક અગ્રહાર ગામમાં બ્રાહ્મણ સંસ્કૃતના વિભિન્ન શાસ્ત્રોનું
મફત અધ્યાપન કરતા હતા. આ માટે તેમને દાન પણ મળતું હતું. ક્યારેક ક્યારેક અન્ય ગામ પણ ઉચ્ચ શિક્ષણનાં પ્રસિદ્ધ કેન્દ્રો હતાં, જેમાં પંડિતને પણ ગામ દાનમાં મળતાં હતાં, કેમ કે દેશ-દેશાંતરથી જ્ઞાનપિપાસુ આવતા હતા. પોંડિચેરીથી ૧૫ કિ. મી. દૂર દક્ષિણ બાહુર એવું ગામ હતું. પ્રાચીન ભારતમાં આ પ્રકારના અગ્રહાર તથા પ્રચુર ધન-દાન પ્રાપ્ત કરનાર વિહાર અનેક હતા. અનુમાન છે કે આધુનિક જિલ્લાના ક્ષેત્રફળમાં ઓછામાં ઓછાં ૨ કે ૩ કેન્દ્ર અવશ્ય રહ્યાં હશે. એટલા માટે કહી શકાય કે મધ્યકાળમાં ઉચ્ચ શિક્ષણ માટે આધુનિક કાળની અપેક્ષા વધુ શિક્ષણ સંસ્થાઓ હતી.
ટોલ: આ લેખને સમાપ્ત કરતાં પહેલાં ટોલ અથવા સંસ્કૃત પાઠશાળાનું વિવરણ આપવું આવશ્યક છે. આ ટોલ આધુનિક કાળમાં બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધુ સંખ્યામાં જોવા મળ્યા હતા. અત્યંત પ્રાચીન કાળમાં ટોલના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓના જીવનનિર્વાહ માટે દાન આપવામાં આવતાં હતાં.
કોર્નવોલિસના સ્થાયી બંદોબસ્તથી જમીનદાર નિશ્ર્ચિત થયા અને તેમને વધુ લાભ થવા લાગ્યો તથા તેમને ટોલને વધુ દાન આપવાનો પ્રારંભ થયો. જે ટોલને આ દાન પ્રાપ્ત ન થતાં તે પંડિત મેળાઓ, ઉત્સવ તથા પૈસાદાર વર્ગ પાસેથી દાન કે ચંદા સ્વરૂપે લઇ વિદ્યાર્થીઓના ભોજન – આચ્છાદનનો ખર્ચ કાઢતા હતા. આ પ્રકારે ટોલ પણ અગ્રહાર ગામમાં એકરૂપ હતા.
આ ટોલનું ઝૂંપડપટ્ટીઓમાં અધ્યાપન થતું હતું. સામાન્યત: પ્રત્યેક ટોલમાં ૨૫ વિદ્યાર્થીઓ હતા અને જે ટોલમાં સન્નીકટ માટીની ઝૂંપડીઓમાં રહેતા હતા. એમાં ૬ અને ૮ વર્ષના પાઠ્યક્રમ હતા, જેથી વિદ્યાર્થી પ્રવેશિકા પરીક્ષામાં સામેલ થઇ શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.