મને ગૌરવ છે કે મારો દીકરો દેશ માટે જીવી રહ્યો છે: હીરાબા

ઇન્ટરવલ

નવી સવાર-રમેશ તન્ના

૧૮મી જૂન, ર૦રરના રોજ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબાએ એકસોમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૮મી જૂન, ૧૯ર૩ના રોજ જન્મેલાં હીરાબાએ છેક ફેબ્રુઆરી, ર૦૦પમાં કહ્યું હતું કે મારો દીકરો (નરેન્દ્ર) એક દિવસ જરૂર ભારતનો વડા પ્રધાન બનશે. આ કોલમ લખનાર લેખક એ વખતે અમેરિકાથી પ્રકાશિત થતા એક ગુજરાતી સાપ્તાહિકમાં ફરજ બજાવતા હતા. એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવાના હતા.
એ નિમિત્તે નરેન્દ્રભાઈનાં માતુશ્રી હીરાબાનો વડનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને, હીરાબાના અન્ય પુત્ર પંકજભાઈ મોદીની સાથે રહીને વિશેષ ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેમણે કહ્યું હતું કે, મને ગર્વ છે કે મારો નરેન્દ્ર દેશ માટે જીવી રહ્યો છે. તેણે પોતાનું જીવન પૂરા દિલથી દેશના ચરણે ધર્યું છે, જ્યારે તેણે નિર્ણય કર્યો કે હું હવે દેશ માટે જીવીશ પછી તેણે એ નિર્ણયનો પૂરેપૂરો અમલ કર્યો છે, જે માતાનાં સારાં નસીબ હોય તેની કૂખે આવો દીકરો જન્મે.
હીરાબાનું આરોગ્ય ખૂબ જ સારું છે, શતાયુ પ્રવેશે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. એકસોમાં વર્ષે તેઓ કોઈ પણ પ્રકારની દવા લેતા નથી. કઠોર પરિશ્રમ અને હકારાત્મક વિચારોના કારણે તેઓ પોતાની સ્વસ્થતા જાળવી શક્યા છે. હીરાબા ઉત્તમ માતા છે, તેમણે પોતાના સંતાનોને કાયમ સાચું બોલવું, નીડર રહેવું અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની શીખ સતત આપી છે. હીરાબા સૂર્યોદય પહેલાં ઉઠી જાય અને નિયમિત ભગવાનની પૂજા કરે. તેઓ સાદો ખોરાક ખાય છે, તેઓ બહારનું જમતા નથી, પોતાના અંગત કામો જાતે કરે છે. હીરાબા અત્યારે પોતાના પુત્ર પંકજભાઈ મોદી સાથે ગાંધીનગરની બાજુમાં આવેલા રાયસણ ગામે રહે છે.
હીરાબાએ છેક ફેબ્રુઆરી-ર૦૦પમાં એવી આગાહી કરી કે- પોતાનો દીકરો ચોક્કસ ભારતનો વડા પ્રધાન બનશે અને ઉત્તમ કાર્યો કરશે. હીરાબા નરેન્દ્રભાઈ વિશે કહે છે કે નાનપણથી જ તેનો સ્વભાવ બીજા કરતાં જુદો હતો, એ ઘોડિયામાં હતો ત્યારથી જ જુદો તરી આવતો. બીજા છોકરાઓ ખૂબ રડે આ ભાઈ ખૂબ ઓછું રડે. તેણે ખાસ તોફાન કર્યાં હોય તેવું મને યાદ નથી. પોતે કોઈની સાથે ઝઘડો ના કરે, બીજાનો ઝઘડો પોતાની માથે લઈ લે. કોઈને અન્યાય થતો હોય કે ક્યાંય ખોટું થતું હોય તો તેને ચચરી જાય, તે સહન કરે નહીં.
નાનપણથી જ તેને સ્વચ્છ રહેવાની ટેવ, સુઘડ ઘણો. કપડાં વ્યવસ્થિત પહેરે જેવું તેવું ના ચલાવી લે. પોતાના દરેક કાર્યો જાતે જ કરતો. ઘરમાં નવી કોઈ વસ્તુ લાવીએ તો કહે કે જેટલી જરૂર હોય તેટલી જ વસ્તુ લાવો ખોટો સંગ્રહ ન કરશો. દેશમાં હજારો લોકો તડપતા હોય ત્યારે આપણે ઘરમાં વસ્તુઓનો ઢગલો કરીએ તે વ્યાજબી ના ગણાય. એ વખતે મને થતું કે આવું બધું તે ક્યાંથી શીખી લાવે છે. પછી મને સમજાયું કે તેનું વ્યક્તિત્વ જ જુુદું છે.
હીરાબાએ ર૦૦પમાં એ વખતે કહ્યું હતું કે તે ખૂબ હિંમતવાળો છે, તેનામાં કુદરતી રીતે જ ઘણી બધી શક્તિઓ છે. એકવાર એ નક્કી કરે મારે અમુક કામ કરવું છે તો પછી એ કામ કરીને જ રહે છે. પડકારો આવે તો પણ પોતાનો નિર્ણય ફેરવે નહીં જે કરવાનું છે તે કરવાનું જ. તેની અંદર ઘણી તાકાત છે, આ તાકાતને કારણે જ તેણે પોતાના વિરોધીઓને હંમેશાં પછાડ્યા છે.
હીરાબાએ એ વખતે કહ્યું હતું કે, એ નાનો હતો ત્યારથી જ હું કહેતી હતી કે એ મોટો નેતા બનશે. તેનામાં ઘણી શક્તિ છે એ શક્તિ ગુજરાત માટે, દેશ માટે કામમાં આવે છે તેનો મને આનંદ છે.
પોતાનાં માતાનાં શતાયુ પ્રસંગે લખેલા બ્લોગમાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લખ્યું છે:
“મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વીસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધાં હતાં. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારાં માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યા છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ર્ચિંત થઈને સૂતા હતા, એમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં.”
“સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહુ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયાં હતાં. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.
“અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડાં ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારા કુટુંબની અતિઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલા ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિશ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીરમાં ઘૂસી ન જાય.
“મારા માતા આત્મનિર્ભર હતાં, સ્વાશ્રયી હતાં. પોતાનું કામ અન્ય લોકોને કરવાની વિનંતી ક્યારેય કરી નથી. ચોમાસામાં અમારા માટીના ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થતી. જોકે, માતા ખાતરી કરતી હતી કે અમને ઓછામાં ઓછી તકલીફ પડે. જૂન મહિનામાં ચામડી બાળે નાખે એવી ગરમીમાં તેઓ છત પર ચડીને નળિયાઓ રિપેર કરતાં હતા. જોકે, તેઓ સાહસિક પ્રયાસો કરે તેમ છતાં અમારું જૂનું ઘર ચોમાસામાં વરસાદ સામે ટકી શકે એમ નહોતું.
હીરાબાનું આખું જીવન આદર્શ ભારતીય માતાનું જીવન છે. તેમને શત્ શત્ વંદન.
—————-
છાંયડો
શાતા આપે તે માતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.