મનુષ્યો જ નહીં, પક્ષીઓમાં પણ છે લોકશાહી!

ઉત્સવ

પ્રાસંગિક – સંજય છેલ

વિશ્ર્વની સમાજ વ્યવસ્થાઓમાં લોકશાહી શ્રેષ્ઠ વ્યવસ્થા મનાય છે, કેમ કે તેમાં વ્યક્તિગત આઝાદી અને સામૂહિક એકમતનો સુંદર સમન્વય હોય છે, પણ રખે એવું માનતા કે લોકશાહી એ મનુષ્યોની ખોજ છે, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધન એવું કહે છે કે પક્ષીઓ પણ લોકશાહી પદ્ધતિથી નિર્ણયો લે છે અને તેનું પાલન પણ કરે છે, તે પણ મનુષ્યોથી બહેતર!
તમે સંસદમાં ધ્વનિ મતથી પસાર થતા પ્રસ્તાવો વિષે તો સાંભળ્યું જ હશે. પક્ષીઓ પણ આ રીતે ધ્વનિ મતથી નિર્ણય લઈને પોતાનો માળો છોડવાનું કે માળામાં પાછા ફરવાનું નક્કી કરે છે.
‘કરંટ બાયોલોજી’ નામના એક વિજ્ઞાન મેગેઝિનમાં પ્રગટ થયેલા એક સંશોધનમાં આ વાત કહેવાઈ છે. એક્સ્ટર યુનિવર્સિટીના જ્ઞાનાત્મક ઉત્ક્રાંતિના પ્રોફેસર એલેક્સ થોર્નટન કહે છે કે ‘ઘણી વાર જોઈ શકાય છે કે પક્ષીઓ એક સાથે ઝુંડમાં ઊડીને આખું આકાશ ઢાંકી
દે છે.
જોવામાં આ દૃશ્ય અત્યંત સુંદર પણ લાગે છે. પક્ષીઓ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માગતાં હોય ત્યારે શોર કરે છે. આ શોર એક નિશ્ર્ચિત સ્તર પર પહોંચે તેનો અર્થ થાય કે હવે જવાની તૈયારી છે અને ત્યાર બાદ પક્ષીઓ સમૂહમાં ઉડ્ડયન કરે છે.’
સૌથી પહેલાં એક
પક્ષી હાકલ કરે છે
જાણે કોઈ નેતા ‘ચલો દિલ્લી!’ની હાકલ કરે અને અનુયાયીગણનો મોરચો નીકળી પડે તેમ, થોર્નટન કહે છે કે નિર્ણય દરમ્યાન પહેલાં એક પક્ષી હાકલ કરે છે. તેનો સંકેત એ છે કે તે જગ્યા છોડવા માગે છે. ત્યાર બાદ પક્ષીઓ સામૂહિક નિર્ણય કરે છે.
સામૂહિક નિર્ણય બે રીતે લેવાય છે, કાં તો પક્ષીઓ શોર કરે છે અથવા અર્ધચંદ્રાકાર આકૃતિ બનાવે છે. ત્યાર પછી જેવી પક્ષીઓમાં સામૂહિક સહમતી થઈ જાય એટલે પાંચ સેક્ધડમાં હજારો પક્ષીઓ એક સાથે પોતાની જગ્યા છોડી દે છે. થોર્નટન કહે છે કે ઘણી વાર શિકારીથી બચવા માટે પણ પક્ષીઓ એક સાથે વૃક્ષો પરથી ઊડી જાય છે.
ધ્વનિ પ્રદૂષણ અને તીવ્ર પ્રકાશ
પક્ષીઓના સંવાદમાં બધા ઉત્પન્ન કરે છે
સતત ઘોંઘાટ અને તીવ્ર પ્રકાશ જેમ આપણને કનડે છે, તેમ પક્ષીઓને પણ તકલીફ થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે ધ્વનિ પ્રદૂષણ અને તીવ્ર પ્રકાશ પક્ષીઓની સંવાદપ્રક્રિયા ખોરવી
નાખે છે.
શહેરમાં અથવા અતિ વ્યસ્ત રસ્તાઓ પર પક્ષીઓ એકમેકને સાંભળી શકતા નથી. આવા સંજોગોમાં જગ્યા છોડવા પર એકમત નિર્માણ થતો નથી. આની સીધી અસર તેમની વસ્તી પર પડે છે.
ખોરાક ગોતવા અને ખાતી
વખતે પણ કરે છે ચર્ચા
પરિવારમાં જેમ આજે કઈ હોટેલમાં જમવા જઈશું? એની ચર્ચા થાય એવું પક્ષીઓ પણ કરે છે, બોલો! સંશોધકો કહે છે કે પક્ષીઓ ખોરાક શોધતી વખતે અને ખાતી વખતે પણ એકમેક સાથે ચર્ચા કરે છે અને એકબીજાને જણાવે છે કે તેમણે પેટ ભરીને ખાઈ લીધું છે.
સંશોધન આ રીતે થયું
સંશોધકોએ આ પ્રયોગ કાગડાઓ પર કર્યો હતો. જ્યાં કાગડાઓ રહેતા હતા તેવાં વૃક્ષો પર રેકોર્ડર બેસાડવામાં આવ્યાં. વિદ્યાર્થીઓના સમૂહે રેકોર્ડ કરેલા સ્વરોનું અધ્યયન કર્યું ત્યારે સમજાયું કે સરેરાશ છ મિનિટ પહેલાં એક પક્ષીના અવાજ પછી બધાં જ પક્ષીઓએ વૃક્ષોને આવજો કહી દીધું હતું.
ક્યારેક શહેરની ભાગદોડને કોરાણે મૂકીને પોતાનાં સંતાનો સાથે પક્ષીઓનું નિરીક્ષણ
કરશો તો આશ્ર્ચર્ય અને આનંદ સાથે તમને પણ ઘણું જાણવા મળશે એ ચોક્કસ. પ્રયત્ન
કરી જોજો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.