મંત્રી

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આપણો દેશ મંત્રીઓથી ભર્યો પડ્યો છે. આપણા દેશમાં કેટલા બધા મંત્રીઓ છે? નાના, મોટા, રાજ્યના, કેન્દ્રના, નવા, હાલના, ભૂતપૂર્વ એવા ઘણાં બધા મંત્રીઓ છે. આ બધા મંત્રીઓ દેશમાં કચરાની જેમ ફેલાયેલા છે. સરકારનો તંબુ મંત્રી નામના હાલતા ડોલતા લાકડા પર ટકી રહ્યો છે. લાકડાઓ હાલતા રહે છે, સરકાર ચાલતી રહે છે! આપણે આપણા જીવનમાં કેટલા મંત્રીઓને જોઈએ છે? આ દેશમાં ઘણી બધી ખુરશીઓ છે અને લોકો પણ ઘણા છે, પણ જ્યારે કેટલીક ખાસ ખુરશીઓ પર અમુક ખાસ લોકો બેસે છે તો એ લોકો મંત્રી બની જાય છે!
કેટલાક લોકો મંત્રી બની જવાને જીવનનો આખરી મુકામ માને છે! એવા લોકો જન્મ્યા, મંત્રી બન્યા અને મરી ગયા. કેટલાક લોકો દેશને માટે મંત્રી બને છે, પરંતુ ઘણા લોકો મોજ શોખ માટે જ મંત્રી બને છે!
તમે એક માણસના હાવભાવ, એની ચાલ ઢાલ જોઈને દૂરથી જ કહી શકો કે કોઈ મંત્રી આવી રહ્યાં છે. કારણકે મંત્રી થવા માટે ઘણું બધુ જરૂરી છે પણ બસ ક્ષમતા જરૂરી નથી! મૂર્ખ મંત્રીઓ બહું સારા હોય છે. મૂર્ખ મંત્રીઓ ઘણા લાંબા સમય સુધી મંત્રી બની રહે છે. લાંબો સમય મંત્રી બની રહેતા-રહેતા ઘણી વખત એ મુખ્યમંત્રી પણ બની શકે છે! તમારામાંથી જે પણ મૂર્ખ હોય એ મંત્રી બનવાનો પ્રયત્ન કરી શકે છે. એમાં પણ જો એ મહામૂર્ખ હશે તો જલદીથી મંત્રી બની જશો. સમજદાર લોકો કદાચ આ કારણે જ રાજકારણમાં નથી જતા. એમને ડર લાગે છે કે ક્યાંક કોઈ દિવસ એ લોકો મંત્રી ન બની જાય, જેથી મૂર્ખ લોકો મંત્રી નહીં બનશે તો ક્યાં જશે? આપણે બધા એ આશા રાખીને મૂર્ખ મંત્રીઓને પસંદ કરીએ છે, કે ભગવાની ઈચ્છા હશે તો એ મૂર્ખમંત્રી બની જશે. એ મંત્રી બની પણ જાય છે. મંત્રી બનવું જ છે? જો મૂર્ખ થઈને પણ તમે મંત્રી નહીં બનો તો, મંત્રી બનીને તો મૂર્ખ બનવાનું જ છે!
જ્યારે હું મધ્યપ્રદેશમાં હતો, મને લાગતું હતું કે મારા જ રાજ્યમાં સૌથી વધારે મૂર્ખ મંત્રીઓ છે. પરંતુ જ્યારે હું આખા દેશમાં ફર્યો, ત્યારે મેં જોયું કે આ અભિમાન કરવું નકામું છે, કારણકે બીજા રાજ્યોમાં પણ સારા એવા મૂર્ખ મંત્રી છે.
તમે જાણો છો, મૂર્ખતા બે પ્રકારની હોય છે. એક એ જે દેખાય છે એ અને બીજી એ જે દેખાતી નથી. મંત્રી જેવું કામ કરવાનું શરૂ કરે છે, એની મૂર્ખતા પ્રગટ થવા લાગે છે. એટલા માટે જ આપણા દેશમાં મંત્રીઓ કામ નથી કરતા અને એટલે આપણો દેશ બુદ્ધિશાળી ઓનો દેશ લાગે છે.
દરેક મંત્રી જુદા-જુદા પ્રકારના હોય છે. કેટલાક મંત્રીઓ સતત પ્રવાસ કરતા રહે છે. ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં આવતા જતા રહે છે. ઘણા મંત્રીઓ દરેક પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લે છે. તેઓ આપણને લગ્ન પ્રસંગમાં, અંતિમ સંસ્કારમાં, ઉદ્ઘાટનમાં, સેમિનારમાં ગમે ત્યાં જોવા મળી જશે. કેટલાક મંત્રીઓ અમુક ફાઈલોનો નિકાલ કરે છે અને અમુક ફાઈલોનો નિકાલ નથી કરતા. કેટલીક ફાઈલોનો નિકાલ કરવાનું કહીને પણ તેઓ નિકાલ નથી કરતા. કેટલાક મંત્રી પોતાનો દરબાર ભરે છે, તો કેટલાક બીજાના દરબારમાં બેસે છે. કેટલાક મંત્રીઓએ સાબિત કરવાના પ્રયાસમાં રહે છે કે એ મોટામોટા નેતાઓની કેટલા નજીક છે. કેટલાક મંત્રીઓ હકીકતમાં મોટા નેતાની નજીક હોય છે. મોટાભાગના મંત્રીઓ જે ખાતામાં હોય છે, એના સિવાયનું બીજું જ કોઇ ખાતું ઇચ્છે છે. કેટલાક મંત્રીઓ ઑફિસરોની વાત માને છે, કેટલાક નથી માનતા. કેટલાંક મંત્રીઓ શરૂઆતમાં ના પાડે છે, પણ પાછળથી માની લે છે.
કેટલાક મંત્રીઓ પોતે જ ભ્રષ્ટાચાર કરે છે. કેટલાક મંત્રીઓ એમના છોકરા, સાળા, પત્ની વગેરેના માધ્યમથી લાંચ લે છે. કેટલાક પોતે પ્રમાણિક રહી બીજાને ભ્રષ્ટાચાર કરવા દે છે. કેટલાક મંત્રીઓ તો ભ્રષ્ટાચારનો વિરોધ કરીને પણ ભ્રષ્ટાચાર કરતા રહે છે. કેટલાક મંત્રીઓ લાગણીશીલ હોય છે, તો કેટલાક લાગણીશીલ હોવાનું પ્રદર્શન કરે છે.
આ દેશમાં કેટલી બેરોજગારી ફેલાયેલી છે! આ બેરોજગારોમાંથી એક મોટી સંખ્યા મંત્રીપદ પર બેઠેલા છે. જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, ત્યારે મને બહું ખુશી થાય છે. ચાલો, થોડા બીજા મંત્રીઓ લાગી ગયા, એટલે કે કામે લાગી ગયા!
ત્રણ-ચાર વર્ષ મંત્રીપદ પર રહીને એક મંત્રી જીવનભરની કમાણી કરી લે છે. મંત્રીપદ પરથી દૂર થયા પછી એ મંત્રી કોઈ કામના નથી રહેતા.
જો કે મંત્રીપદ પર હોય તો પણ એ શું કામના હોય છે?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.