ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

દેશ વિદેશ

લખનઊ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના રાજકારણના મહારથી કપિલ સિબલે બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્ય સભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામંકનપત્ર ભર્યું હતું. કપિલ સિબલનું રાજીનામું લાંબા વખતથી વારંવાર ચૂંટણીઓમાં પછડાટ ખાતા પક્ષ કૉંગ્રેસ માટે વધુ એક મોટો આંચકો છે. કપિલ સિબલે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી જે પક્ષમાં સક્રિય રહ્યો છું, એ જ પક્ષની વિચારસરણી સાથે મારો સંબંધ રહેશે. કપિલ સિબલ બુધવારે લખનઊ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિસરમાં રાજ્યસભાની ઉમેદવારી માટે નામાંકનપત્ર ભરવા ગયા ત્યારે તેમની જોડે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ તથા પક્ષના અન્ય નેતા પણ હતા. કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનારા ૨૩ નેતાઓમાં એક કપિલ સિબલના રાજ્યસભાના સભ્યપદની મુદત આવતા જુલાઈ મહિનામાં પૂરી થાય છે.
નામાંકનપત્ર ભર્યા પછી કપિલ સિબલે જણાવ્યું હતું કે મેં રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ સ્પર્ધક રૂપે ઉમેદવારી કરી છે. મને ટેકો આપવા બદલ હું અખિલેશજીનો આભાર માનું છું. મેં ૧૬ મેએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હું હવે કૉંગ્રેસનો વરિષ્ઠ નેતા નથી. કૉંગ્રેસ સાથે મારો પ્રગાઢ સંબંધ છે. લગભગ ૩૦-૩૧ વર્ષનો સંબંધ છે. આ નાની વાત નથી. હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને કારણે કૉંગ્રેસમાં જોડાયો હતો. લોકોને એવો વિચાર આવશે કે ૩૧ વર્ષે કોઈ કૉંગ્રેસને કેવી રીતે છોડી શકે? પક્ષ છોડવાનું કઈંક તો કારણ હોય ને! મારા મનમાં પણ કઈંક ખટકો છે, દિલમાં કઈંક રંજ છે. ક્યારેક આવા નિર્ણયો પણ લેવા પડે છે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.