ભૂતકાળ તરફ ભીની આંખ અને ભવિષ્ય તરફ ઉઘાડી આંખ જ સફળતાની ચાવી છે

મેટિની

અરવિંદ વેકરિયા

કલાકારોને શોધવા ખરેખર અઘરા છે. આ એવું કામ લાગે જાણે ચા રકાબીમાં રેડ્યા પછી છીંક આવવી… દરેક જાત જાતના સવાલો પૂછે… આમ કદાચ ઘરે જ કામ વગર બેઠા હોય, છતાં એવું પૂછે કે જાણે આપણે સાવ નવા નવા આ લાઈનમાં આવી ગયા. (જોકે દરેકને એ ‘સ્વતંત્રતા’ છે.) સવાલો કેવા? નવરા હોવા છતાં પોતાનાં બીજાં કમિટમેન્ટોનું લાંબુંલચક લિસ્ટ આપણી સામે ધરી દે.
દસ દિવસ તો વાંધો નથી, પછી કદાચ એક-બે દિવસ નહિ અવાય અથવા વચ્ચે કદાચ ચાર-પાંચ દિવસ મારે દેશમાં જવું પડે. બની શકે કે નામી નિર્માતા કે દિગ્દર્શકને આવું ન પણ પૂછતા હોય. મહિનામાં કેટલા શોની એવરેજ મળશે? જે આપણા હાથમાં ન હોય એ વાતનો ગેરંટી સાથે જવાબ કેમ આપી શકાય! મેં નક્કી કરી લીધું કે આપણને સ્વીકાર્ય હોય તો જ પછી બધું નક્કી કરી પસંદગીનો થપ્પો મારવો.
થોડું આપણાપણું જાળવવાની કોશિશ તો કરવી જ, જેમ વાયરમાં કરંટ ન હોય તો લોકો કપડાં જ સૂકવે. ગરજ તો બંને પક્ષે હોય છેને! એટલે ઘમંડ નહિ, પણ પોતાપણાનો કરંટ તો જાળવી રાખવો જોઈએ.
તરુણ નાયકે તો મને રોલ માટે સામેથી કહેલું એટલે બીજા
કોઈ વાયડા સવાલોની શક્યતા નહોતી. તરુણ નાયકે જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ, બંને તખ્તે અભિનય કરેલો. મારે ‘તિરાડ’ નાટક માટે નોકરની ભૂમિકા માટે જરૂર હતી જેમાં એના ખભે ભાર કહો તો માત્ર હળવી પળો પ્રેક્ષકોને પૂરી પાડવા પૂરતો હતો. રિલીફ ન રાખવા બદલ ‘જીવન ચોપાટ’નો ભાર હજી હું અનુભવી રહ્યો હતો.
મેં તરુણ નાયકને ફોન કરવા ફોનનું ચકરડું ફેરવ્યું. મેં એને વાત કરી કે હું એક નાટક કરું છું એમાં કોમેડી રોલ છે, ફાવશે? મને કહે કે ‘દાદુ, હુકમ કરો.’ મહેનતાણા માટે મેં કહેલી રકમ કોઈ પણ જાતની રકઝક વગર સ્વીકારી લીધી. મારો વિચાર હતો કે આ વખતે રિહર્સલ થોડાં વહેલાં રાખું.
આ તો માત્ર મારો વિચાર જ હતો, વાસ્તવમાં નક્કી કરવાનું હતું કે બીજા કલાકારોને ફાવશે કે નહિ? બધાનો સંપર્ક કર્યા પછી જ ખબર પડે. પંડિતજી અને નયન ભટ્ટ તો નોકરીવાળા, એટલે શક્યતા નહીંવત્.
મેં તરુણ નાયકને ‘સમય’ માટે વાત કરી તો મને કહે કે ‘મને કોઈ પણ સમય ફાવશે, કારણ કે પ્રીમિયર લિમિટેડ (ફિયાટ કાર બનાવતી એ સમયની ખૂબ જાણીતી કંપની)માં હમણાં સ્ટ્રાઈક ચાલે છે, એટલે હું ઘરે જ છું. આ હડતાલ ઝટ પૂરી થાય એવા કોઈ અણસાર દેખાતા નથી.’ ચાલો! હળવી પળોની થતી ભારે ચિંતાનું તાત્પૂરતું નિવારણ આવી ગયું.
બપોરે પાટકર હોલમાં સામ કેરાવાલાને મળી, તારીખો માટેની વાત કરી, દેના બેંકની મરીન લાઈન્સની બ્રાન્ચમાં દેવેન્દ્ર પંડિતને નાટકની વિગતે વાત કરવા પહોંચી ગયો. હા, ફિલ્મોની થોડી તારીખો નડતરરૂપ લાગી, પણ એને ઓવર કમ કરવાનું ઉભય પક્ષે નક્કી કરી લીધું.
વળતી વખતે, આમ પણ ઢળતી સાંજ થઈ ગઈ હતી. ચર્ચગેટથી કાંદિવલી પહોંચતાં સાંજ તો વધુ ઘેરી બની જશે ત્યારે નયન ભટ્ટ બેંકમાંથી આવી પણ ગયા હશે. એમને મળી લઉં એટલે ‘હિરોઈન’ પણ નક્કી થઈ જશે એવું વિચારી ચર્ચગેટ સ્ટેશનથી મેં ટ્રેન પકડી.
કાંદિવલી ઊતરી હું એમના ઘરે પહોંચ્યો. સલિલભાઈ અને નયનબહેન બંને હાજર હતાં. આમ પણ કોલેજકાળનો જૂનો સંબંધ તો હતો જ (બહુરૂપી સંસ્થાનો પણ), મીઠો આવકાર મળ્યો. નાટકની કથાવસ્તુ અને એમના પાત્ર વિષે વિસ્તૃતમાં વાત કરી. એમને ગમ્યું પણ. જે દેના બેંકે કેટલા કલાકારોને માત્ર કલાની લાયકાત પર નોકરી આપેલી એ જ દેના બેંકે હવે બીજી જગ્યાએ કામ ન કરવાનો સર્ક્યુલર બહાર પાડેલો.
આ વાત નયનબહેને મને કરી. નાટક કરવામાં વાંધો નહિ આવે, પણ નામ છાપામાં ન આવે એ જોવાનું. હવે? ‘હિરોઈન’નું નામ જાહેરખબરમાં ન આવે એ કઈ રીતે શક્ય બને? છેવટે ‘નયન ભટ્ટ’ને બદલે ‘નયના’ નામ રાખવું, એમ નક્કી થયું. આમ ‘હીરો’ અને ‘હિરોઈન’, બે મુખ્ય પાત્રો નક્કી થતાં રાહત થઈ. હોરર દૃશ્ય માટે ભૂતના પાત્ર માટે એક યુવતીનું નામ મને દેવેન્દ્ર પંડિતે આપ્યું. એ નામ હતું ‘રાધાશ્રી’. એ ટાઉનમાં રહેતી. એનો સંપર્ક કરી એ પણ ફાઇનલ કરી લીધું. સંજીવ શાહ નામનો એક તરવરાટભર્યો યુવાન, જેને મેં ઇન્સ્પેક્ટરના પાત્ર માટે નક્કી કરી લીધો. એ પછી પણ એણે મારી સાથે બીજા બે-ત્રણ પ્રોજેક્ટ કર્યા, પછી અચાનક અલોપ થઈ ગયો, જેની મને આજે પણ જાણ નથી કે એ અત્યારે ક્યાં છે? ખેર! કલાકારો તો નક્કી થઈ ગયા.
ભાઈદાસ હોલની તારીખ માટે હું સુરેશ વ્યાસને મળ્યો. એમણે મને સહાયક દિગ્દર્શક માટે એક નામ આપ્યું, વિદ્યુત શાહ. આજે તો વિદ્યુત શાહ ખૂબ ખૂબ આગળ વધી ગયો છે. સિરિયલો અઢળક કરે છે (દિગ્દર્શક તરીકે). ઇઅઙજ – સ્વામિનારાયણ દાદર ઉપરાંત આ જ સંપ્રદાયના ઘણા પ્રોજેક્ટ્સ વિદ્યુત જ કરે છે. એણે નિર્દેશિત કરેલી ગુજરાતી ફિલ્મ ‘દીકરી ડોલરિયા દેશની’, જેમાં મેં અને રાજનીબાળાએ એના દિગ્દર્શનમાં કામ કર્યું. એનું દિગ્દર્શિત (મિલન અજમેરાના નામે) નાટક ‘પંખી તો સમણાની જાત’, જેમાં મુખ્ય ભૂમિકામાં વિજય દત્ત હતા, એણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. મારા સહાયક તરીકે વિદ્યુત શાહ એક સમયે મારી સાથે હતો, એનો આજે પણ મને ગર્વ છે. આ નાટક ‘તિરાડ’ને બજેટને ધ્યાનમાં રાખી મેં રજત ધોળકિયાને ન લેતાં રેડિયો વાણીના રેકોર્ડિસ્ટ આનંદ સંતોષીને આ માટે નક્કી કર્યા, આમાં સ્ટોક કલેક્શન વધુ જરૂરી લાગ્યું. મારા પ્રથમ નાટક ‘હું છોકરી છાકમછોળ’ની સેટ ડિઝાઈન જેણે કરેલી એ સુભાષ આશરને આ નાટકની સેટ ડિઝાઈન કરવાનું કામ પણ સોંપી દીધું. સંગીત સંચાલન માટે તો ‘અકસ્માત’ નાટકના નિર્માતા હરીશ શાહ સાથે જ હતા. જ્યારે મેક-અપ માટે મેં ધીરજ રાજપૂતને પસંદ કર્યો, જે આજે નાટકો, સિરિયલો, શેમારુની બનતી ડી.વી.ડી. વગેરેમાં રંગભૂષાની સેવા અવિરત આપી રહ્યો છે. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એ હકીકત એના દીકરા, કિરણે સાકાર કરી દીધી છે. આજે એ એકતા કપૂર સાથે જોડાયેલ છે. વસ્ત્રો માટે મારા બજેટમાં અને મારી રીતે તૈયાર કરી આપનાર અને જેનો હું ઓશિંગણ ઘણી બાબતોમાં છું, એવા કે. કે. ટેલર્સ ફિક્સ જ હતા.
આ અને આના પછી પણ મેં જેટલાં નાટકો કર્યાં એમાં વસ્ત્રો તો કે. કે. ટેલર્સ પાસે જ કરાવ્યાં. નેપથ્યમાં હતા જગદીશ માસ્તર, કનુ જાની. જાહેરખબર મેં અને દીપક સોમૈયાએ સાથે શરૂ કરેલી, કંપનીનું નામ હતું, બી. ડી. એડ્વર્ટાઈઝિંગ (જેમાં બી ફોર ભારતી અને ડી ફોર દીપક) એટલે આ ઘરની જ વાત હતી. આમ પૂરું માળખું તૈયાર થઈ ગયું. આ બધું ઠાકોરજીની કૃપાથી સરસ ગોઠવાઈ ગયું. હવે કોઈ ફરિયાદ નહોતી. ફરિયાદની પણ ઈજ્જત હોય છે, બધા સામે નથી કરાતી. હા! હા! હા!…
હવે રાહ જોવાની હતી કે રિહર્સલ ક્યારથી શરૂ કરવાં, એ પણ બને એટલાં જલદી… અને ‘અકસ્માત’ના થતા શોના ‘એડ્જસ્ટમેન્ટ’માં… હવે ‘જીવન ચોપાટ’નો ભૂતકાળ ભૂલી ફરી મહેનતનાં મંડાણ કરવાં હતાં, કારણ ભૂતકાળ તરફ ભીની આંખ અને ભવિષ્ય તરફ ઉઘાડી આંખ જ સફળતાની ચાવી છે…
***
યુવાની બાળપણમાં તફાવત આટલો જોયો,
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે.
——-
નાનપણમાં વધુ પડતા લાડથી ઊછર્યા હોય એ મોટા થઈને સલાડથી ઊછરે છે.

1 thought on “ભૂતકાળ તરફ ભીની આંખ અને ભવિષ્ય તરફ ઉઘાડી આંખ જ સફળતાની ચાવી છે

  1. સાત્વિકમ શિવમ – જ્યારથી શરુ થયું ત્યારથી વાંચું છું – મુરબ્બી અરવિંદભાઈ વેકરિયાની ગુજરાતી ભાષા પર નું પ્રભુત્વ કોઈ પણ સાહિત્યકારને શરમાવે તેવું છે – સુંદર અને રસપ્રદ પ્રસંગો વાક્યો અને નિરાભિમાની સ્વભાવને કારણે તેઓ સફળતાની લાંબી મજાલ કાપી રહ્યા છે -તેમના ઘણા નાટકો મુંબઈ અને અમદાવાદમાં જોયા છે – આ કોલમને એક પુસ્તક તરીકે પણ પુબ્લીશ કરીશકાય – ખૂબ ખૂબ શુભેચ્છાઓ – નવીન ત્રિવેદી – અમદાવાદ (ઉંમર ૮૩ )

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.