‘ભુલભુલૈયા-૨’માં ભુલાઈ જવાય એટલો રોલ મળ્યાનો અફસોસ છે: અમર ઉપાધ્યાય

મેટિની

ફિલ્મનામા – કલ્પના શાહ

‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’નો ચોકલેટી હીરો અમર ઉપાધ્યાય તો બધાને હજી યાદ જ છે. તે ઉપરાંત તેણે ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘સાથિયા’, ‘કસૌટી’, ‘કુસુમ’, ‘મોલક્કી’ જેવી પોપ્યુલર ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. અમરની ઈચ્છા મોટા પડદા પર મોટું કામ કરવાની હતી, પણ હજી તેને જોઈએ તેવી સફળતા નથી મળી. છેલ્લે અમર બોલીવુડની લેટેસ્ટ સફળ ફિલ્મ ‘ભૂલભુલૈયા-૨’માં નજર આવ્યો હતો. અમર પોતાની એક્ટિંગ કરિયર વિષે દિલ ખોલીને વાત કરે છે. હમણાં જ રિલીઝ થયેલી અને સફળતાને વરેલી ‘ભૂલભુલૈયા-૨’ માટે અમર કહે છે કે ‘એ વાત સાચી છે કે અત્યારે દક્ષિણની ફિલ્મો ખૂબ સફળ થઈ રહી છે અને સરખામણીમાં હિન્દી ફિલ્મો પાછળ રહી છે, પણ આ પનોતીને ‘ભૂલભુલૈયા-૨’એ તોડી છે. લોકોને જે પારિવારિક મનોરંજન જોઈતું હતું તે તેમને અમારી ફિલ્મમાં મળ્યું. અમારી ફિલ્મની ખાસિયત એ છે કે પાછલી ‘ભૂલભુલૈયા’માંથી મંજુલિકા સિવાય કંઈ જ લેવાયું નહોતું, બધું જ નવું હતું.’
‘ભુલભુલૈયા-૨’માં દમદાર સીન મળવા
જોઈતા હતા
‘એક અભિનેતા તરીકે મને ચોક્કસ એવી ઈચ્છા હતી કે મને ‘ભૂલભુલૈયા-૨’માં એક-બે એવા દમદાર સીન મળે જેમાં હું મારું કૌવત દેખાડી શકું, પણ પછી મારી એ ફરિયાદ રહી નહીં, કારણ કે મને અનીસભાઈ, ટી-સિરીઝ, મુરાદ ખેતાનીની ફિલ્મમાં તબ્બુ સાથે કામ કરવાનો મોકો મળ્યો. સંજય મિશ્રા જેવા મારા પ્રિય કલાકાર સાથે કામ કરવાનો મોકો મળ્યો. સેટ પર અનીસભાઈ બધા કલાકારને એક્ટિંગ કરીને સમજાવતા હતા અને તેમની સેન્સ ઓફ હ્યુમર તો લાજવાબ હતી. શૂટિંગમાં અમે ખૂબ મસ્તી કરી છે. અનીસભાઈએ મને પ્રોમિસ કર્યું છે કે હવે પછીની ફિલ્મમાં સારો અને મોટો રોલ મને આપશે. તેમણે કહ્યું છે કે એવો રોલ આપીશ કે તું યાદ કરીશ અમર. તેમણે કબૂલ કર્યું કે તેઓ અભિનેતા તરીકે મારી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શક્યા, પણ તેમણે પ્રોમિસ કર્યું છે કે હવે પછીની ફિલ્મમાં દમદાર ભૂમિકા આપશે.’
તબ્બુ સાથે સેટ પર કરી ખૂબ મસ્તી
નેશનલ એવોર્ડ વિનર તબ્બુ જેવી અભિનેત્રી સાથે કામ કરવાનો મોકો મળે એ જ મોટો અનુભવ છે. તેઓ એક પ્રોફેશનલ એક્ટર છે. પોતાની કરિયરમાં તેમણે ઘણી મોટી અને સાર્થક ફિલ્મો કરી છે. તેલુગુ ફિલ્મોથી શરૂ કરીને તમિળ ફિલ્મ અને પછી હિન્દી ફિલ્મો. બે નેશનલ એવોર્ડ અને છ ફિલ્મફેર એવોર્ડ તેમના ખાતે નોંધાયેલા છે. તેમના નામ આગળ પદ્મશ્રી પણ લાગે છે. આવી મહાન અને સમર્થ અભિનેત્રી સાથે કામ કરીને ખૂબ મજા પણ આવી અને ઘણું શીખવા પણ મળ્યું. તબ્બુ એકદમ વિનમ્ર છે અને ખૂબ સમજીને અભિનય કરે છે. સેટ પર મેં જોયું કે તેઓ ડાયરેક્ટરનાં અભિનેત્રી છે. અનીસભાઈ સેટ પર જે પણ સૂચના આપે તેનું તેઓ પાલન કરતાં હતાં. એક કમાલનાં અભિનેત્રી છે અને એવાં જ કમાલનાં મનુષ્ય પણ. સેટ પર તેઓ હંમેશાં મજાક-મસ્તી કરીને હળવું વાતાવરણ રાખતાં હતાં.’
‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’ના રી-રનથી થઈ જૂની યાદો તાજી
એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’ના પુન: પ્રસારણને પણ લોકો એટલો જ પ્રેમ આપી રહ્યા છે. બપોરે પ્રસારિત થતા શોમાં પણ તેનો ટીઆરપી ખૂબ ઊંચો છે. ટીવી, ફિલ્મો કે ઓટીટી પર કેટલાંક સર્જનો ‘કલ્ટ’ બની જાય છે. મને લાગે છે કે આ સિરિયલ પણ એ જ કક્ષામાં આવે છે. ‘હમ લોગ’, ‘રામાયણ’ અને ‘મહાભારત’ની જેમ આ સિરિયલને પણ પ્રેમ મળે છે. હમણાં જ હું એક રેડિયો ચેનલ પર ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. મારી એન્ટ્રી વખતે એ લોકોએ ‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’ની ટ્યુન વગાડી. હું એકદમ ભાવુક થઈ ગયો હતો. બધાએ મારો ઓટોગ્રાફ લીધો. રેડિયો જોકી સહિત બધાએ કહ્યું કે કેવી રીતે એ લોકો પરિવારની સાથે તે શો જોતા હતા.’
મહિલાઓના મુદ્દાઓ પર જાગૃતિ જરૂરી છે
મારી પાછલી સિરિયલ ‘મોલક્કી’થી પોતાની બાળકીઓને જમીનદારોને વેચવાની કુપ્રથા પર જાગૃતિ ફેલાયેલી, પણ મહિલાઓ અને બાળકીઓ વિશેના કેટલાક મુદ્દાઓ ખૂબ ગંભીર છે. દહેજ જેવી કુપ્રથા ઓછી થઈ છે, પણ ખતમ નહીં. દેશના કેટલાક ભાગમાં આજે પણ બાળવિવાહ થાય છે, તે બંધ થવા જોઈએ. મુદ્દાઓ તો અગણિત છે. આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બને તો જરૂર જાગૃતિ ફેલાય, જેમ કે ‘પેડમેન’ અને ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ જેવા મુદ્દાઓથી લોકો જાગૃત થયા.
એક સફળ લગ્ન પાછળ પત્નીનો હાથ હોય છે!
લોકો મને મારી ફિટનેસ વિષે હંમેશાં પૂછે છે. ફિટ રહેવાની કોઈ ઉંમર નથી હોતી. ૬૦ વર્ષે પણ તમે કસરત કરી શકો છો. યોગ, પ્રાણાયામ અને કંઈ નહીં તો ચાલી તો શકો જ છો. ફિટનેસની ટિપરૂપે એટલું જ કહીશ કે જે કરો, નિયમિત કરો, તો જ ફાયદો થશે. યુવાન વયથી કસરત કરનારા ચાલીસ વર્ષના થાય ત્યારે તેમની ઉંમર નથી દેખાતી. ચાલીસ વર્ષના યુવાન દેખાવા માટે, હું પચ્ચીસ વર્ષના યુવાનોને કહીશ કે કોઈ ને કોઈ કસરત જરૂર કરો. કામ સાથે આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. લોકો મારા સફળ લગ્નજીવનનું રહસ્ય પૂછે છે. હું એટલું જ કહીશ કે બંનેએ એકમેકને અનુકૂળ થવું પડે. મારાં સફળ લગ્નનું શ્રેય મારી પત્નીને જાય છે. હું થોડો આક્રમક સ્વભાવનો છું. કામના ઉતારચઢાવને કારણે તણાવમાં રહું અને ચિઢાઈ પણ જાઉં, પણ મારી પત્ની એવા સમયે એકદમ શાંત રહે છે. મને સાંભળે અને સંભાળે છે. હું બહુ સારા નસીબવાળો છું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.