ભારતમાં ફિલ્મો શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે?

મેટિની

કવર સ્ટોરી -અમિત આચાર્યા

મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો છે કે અઠવાડિયાના બીજા કોઇ વારે નહીં પરંતુ શુક્રવારે જ કેમ ફિલ્મોને રિલીઝ કરવામાં આવે છે? ઘણાં લોકોને એ જ ખબર છે કે વીકએન્ડના કારણે ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન સારું રહે છે, તેના કારણે શુક્રવાર એ રિલીઝ માટે યોગ્ય દિવસ છે. આ એકમાત્ર સાચું કારણ નથી. એના સિવાય પણ અન્ય કારણો છે, જે મોટાભાગના લોકોને ખબર જ નથી. આના માટે સૌથી મોટું કારણ દિગ્દર્શક કે. આસિફ પણ છે. આશ્ર્ચર્ય લાગે છે ને! ચાલો એની વાત કરીએ.
દાયકાઓથી દેશમાં શુક્રવારના દિવસે જ ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે. મોટાભાગના લોકો એવું માને છે વિકએન્ડ એ મૂળ કારણ છે, પરંતુ અન્ય કારણોસર ફિલ્મોને શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. જે હવે એક ટ્રેન્ડ બની ગયો છે. આની પાછળ ઘણી બધી માન્યતાઓ છે. શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવાની રીત હકીકતે હોલીવૂડ પેટર્ન પર આધારિત છે. શુક્રવારે બોલીવૂડ ફિલ્મો રિલીઝ કરવાનો વિચાર હોલીવૂડની શુક્રવારની રિલીઝની પ્રથામાંથી આવ્યો છે. હોલીવૂડમાં પ્રથમવાર ‘ગોન વિથ ધ વિન્ડ’ ૧૫મી ડિસેમ્બર, ૧૯૩૯ શુક્રવારના રોજ રિલીઝ થઈ હતી. દાયકાઓથી અમેરિકામાં શુક્રવારે જ ફિલ્મો રિલીઝ કરવાનો ઇતિહાસ છે. હોલીવૂડના ફિલ્મ મેકરોનું માનવું છે કે શુક્રવારે ફિલ્મ રિલીઝ થયા બાદ શનિવાર અને રવિવારથી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો જોવા મળે છે.
શુક્રવારનો દિવસ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને કલાકારો માટે કસોટીથી ઓછો નથી હોતો. શુક્રવારના દિવસના બોક્સ ઓફિસ કલેકશન પરથી નક્કી થાય છે કે ફિલ્મ હીટ જશે કે ફ્લોપ એટલે કે એવું કહી શકાય કે ફિલ્મમાં કેટલી તાકાત છે, તે ખબર પડી જાય. ભારતમાં શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવાનો વિચાર હોલીવૂડમાંથી આવ્યો હતો. હોલીવૂડમાં ૧૯૪૦ના દાયકામાં તેની શરૂઆત થઇ હતી, પરંતુ ભારતમાં આની શરૂઆત ૧૯૬૦ના દસકાથી થઇ હતી.
ભારતમાં શરૂઆતના (૧૯૪૦-૬૦) દાયકામાં ફિલ્મ ઉદ્યોગ ઉર્દૂ ગીતકારો, લેખકો, મુસ્લિમ સંગીતકારો, દિગ્દર્શકો અને અભિનેતાઓથી ભારે પ્રભાવિત હતો. શુક્રવાર તેમના માટે શુભ હોવાથી તેને અનુકૂળ દિવસ માનીને શુક્રવારે ફિલ્મ રિલીઝ કરાવાનું ચલણ શરૂ થયું. આની શરૂઆત કે. આસિફ સાહેબે કરી હતી. આ પહેલાં ભારતમાં ફિલ્મોની રિલીઝ સોમવારે થતી હતી. મીડિયાના અહેવાલ મુજબ ભારતમાં શુક્રવારે રિલીઝ થનારી પ્રથમ ફિલ્મે કે. આસિફની મુગલ-એ-આઝમ હતી. જે ૫મી ઑગસ્ટ, ૧૯૬૦, શુક્રવારના રોજ રિલીઝ થનારી પ્રથમ ફિલ્મોમાંની એક હતી. ત્યારબાદ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. આ ફિલ્મે આવકના મામલે ઇતિહાસ રચી દીધો હતો. એવું માનવામાં આવે કે ત્યારબાદ જ શુક્રવારને શુકનવંતો માનીને શક્રવારે જ ફિલ્મો રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી. જે બાદમાં ટે્રન્ડ બની ગયો.
ભારતમાં શુક્રવારને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ દેવી લક્ષ્મીનો દિવસ છે, એવું પણ લોકો માને છે. તેથી જ બીજા નિર્માતાઓએ પણ શુક્રવારે તેમની ફિલ્મો રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. ફિલ્મ રિલીઝ જ નહીં પણ ફિલ્મોનું મુહૂર્ત અને મુહૂર્ત શૂટ માટે પણ આ દિવસ જ નક્કી કરવાનું ચલણ શરૂ થયું. નિર્માતાઓમાં એવી માન્યતા ઘર કરી ગઇ હતી કે શુક્રવારે ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે.
શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવા માટે વીકએન્ડ સાથે પણ સીધો સંબંધ માનવામાં આવે છે. નિર્માતાઓ સહિત ઘણા લોકોનું એવું માનવું છે કે શુક્રવારથી વીકએન્ડ શરૂ થાય છે. આ દિવસે ફિલ્મને રિલીઝ કરવાથી શનિવાર અને રવિવાર સતત બે દિવસની રજાનો લાભ બોક્સ ઓફિસ પર થાય. રજા હોવાના કારણે લોકો વીકએન્ડમાં પરિવાર સાથે થિયેટરમાં ફિલ્મ જોવા માટે આવતા હોય છે અને ફિલ્મો વધારે કમાણી કરી શકે છે.
એવું કહી શકાય કે ઘણી બધી રીતે શુક્રવારને ફિલ્મોની રિલીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. સમય પસાર થતા તે ફિલ્મોની રજૂઆતનો સત્તાવાર દિવસ બની ગયો. જો કે ભારતમાં અપવાદ રૂપ ઘણીવાર તહેવારોનો લાભ લેવા માટે ફિલ્મોને શુક્રવાર સિવાય જે-તે તહેવારના દિવસે જ રજૂ કરવામાં
આવે છે.
આડવાત: એવુ પણ કહેવામાં આવે છે કે ફિલ્મ ઉદ્યોગ જ્યારે પા પા પગલી ભરી રહ્યો હતો, ત્યારે ફિલ્મોની આવકનો હિસાબ દૈનિક કરવામાં આવતો હતો અને રોજનું પેમેન્ટ રોજ કરવામાં આવતું હતું. બેન્કો ખુલ્લી રહેતી હોવાના કારણે હિસાબની ચૂકવણી કરવામાં ચૂક ના થાય, તેથી ફિલ્મોને સોમવારે રિલીઝ કરવામાં આવતી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.