ભારતનું પલ્લું આજની મૅચમાં ભારે

દેશ વિદેશ
પાકિસ્તાન સામે ભારે રસાકસી થવાની આશા
દુબઈ: અહીં રમાઈ રહેલા એશિયા કપની ‘સુપર ફોર’ની આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચમાં બંને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.
ભારત ટુર્નામેન્ટની પાકિસ્તાન સામેની પ્રથમ મૅચ જીતી ગયું હોવાને કારણે આજની મૅચમાં ભારતનું પલ્લું ભારે રહેશે.
હોંગકોંગને ૧૫૦ કરતા પણ વધુ રને પરાજય આપી આત્મવિશ્ર્વાસથી થનગની રહેલી પાકિસ્તાનની ટીમ ભારત માટે મોટો પડકાર બની રહેશે.
ટીમમાં રવીન્દ્ર જાડેજાની ગેરહાજરી વર્તાઈ આવશે. અક્ષર પટેલ રવીન્દ્ર જાડેજાનું સ્થાન લેશે.
અગાઉ ઋષભ પંતને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હોવાને કારણે ટીમના કોચ રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરુદ્ધની છેલ્લી  મૅચમાં રવીન્દ્ર જાડેજાને પ્રમોટ કરી ચોથા ક્રમે રમાડ્યો હતો.
કૅપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામેની આજની મૅચમાં પણ આ રીતનું જોખમ ખેડશે કે કેમ તે જોવાનું રહેશે.
ગયા રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં હાર્દિક પંડ્યા શાનદાર બૅટિંગ પ્રદર્શન થકી એકલે હાથે ભારતને વિજય તરફ દોરી ગયો હતો.
આજની મૅચમાં પણ હાર્દિક પંડ્યા એવું જ ફૉર્મ જાળવી રાખશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અગાઉની મૅચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને પાકિસ્તાનના બૉલિંગ આક્રમણ સામે આરામદાયક સ્થિતિમાં નહોતા અને પીચ ધીમી પડતા તેમની સમસ્યામાં વધારો થયો હતો.
કે. એલ. રાહુલે ૩૯ બૉલમાં ૩૬ રન બનાવી તેની અત્યાર સુધીની સૌથી ધીમી રમત રમી હતી.
રાહુલ, રોહિત અને કોહલીની ત્રિપુટી અપેક્ષા પ્રમાણે પ્રદર્શન ન કરી રહી હોવાને કારણે આજની મૅચમાં ભારતની ટીમ તેના ટોચના ઑર્ડરમાં ફેરફાર કરી આક્રમકતા ઉમેરવાનો પ્રયાસ કરશે કે નહીં તે જોવાનું રહેશે.
બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ પ્રથમ દસ ઑવરમાં વધુમાં વધુ રન બનાવવાના પ્રયાસ કરશે.
દુબઈની ધીમી પીચ બૅટ્સમેનો માટે સમસ્યારૂપ બને તેવી શક્યતા છે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કૅપ્ટન), કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આર. અશ્ર્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવી બિશ્ર્નોઈ, ભુવનેશ્ર્વરકુમાર, અર્શદીપસિંહ, અવેશ ખાન.
પાકિસ્તાનની ટીમ: બાબર આઝમ (કૅપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમન, હૈદર અલી, હરીશ રઉફ, અફ્તિખાર અહમદ, ખુશદીલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસિમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદીર, મોહમ્મદ હસનૈન, હસન અલી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.