ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે?

ઉત્સવ

અભિમન્યુ મોદી

ભારતના રાષ્ટ્રપતિ તરીકે નવો ચહેરો કયો આવશે એ સવાલ વિષે ચર્ચા-વિચારણા કરતાં પહેલાં અમુક સવાલોના જવાબ મનોમન વિચારો. તમે નોટબંધી આવશે એવું સપનામાં પણ વિચારેલું? મનમોહન સિંહની સરકારના સમયે પ્રપોઝ થયેલો જીએસટી ટેક્સ ફટાફટ રીતે અમલી થઈ જશે એવું વિચારેલું? મનમોહન સિંહની સરકારને જે કારણથી હરાવવામાં આવી તે લોકપાલ ક્યારેય લાગુ નહિ પડે એવી કલ્પના કરેલી? મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી કોંગ્રેસની સરકાર ઊથલી જશે એવી ધારણા બાંધેલી? ભાજપ વિરુદ્ધ સતત ઝેર ઓકી રહેલો હાર્દિક પટેલ ભાજપનાં ગુણગાન ગાતો જોડાઈ જશે અને ભાજપ તેને સંઘર્ષશીલ યુવા નેતા તરીકે પ્રમોટ કરશે એ સપનામાં પણ વિચાર્યું હતું? રાષ્ટ્રપતિ તરીકે ન જાણીતું હોય એવું નામ રામનાથ કોવિંદ સપાટી પર આવશે એવું વિચારેલું? ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બનશે એવો અછડતો અંદાજ પણ હતો? જો આ બધા સવાલના જવાબ નકારમાં હોય તો આપણે એ કસરત કરવાની રહેતી જ નથી કે ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે.
સિમ્પલ વાત છે. ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. ભાજપ પરંપરાને સન્માન આપે છે, પરંતુ નિર્ણયો ડ્રામેટિક લેવામાં માને છે. કોંગ્રેસ ઘરડી થઈ ગઈ છે. ભાજપ તરોતાજા યુવાન પક્ષ છે એવું તો નથી, પરંતુ તે કોંગ્રેસ જેવી ઘરડી અને અશક્ત પાર્ટી તો નથી જ. એટલે ભાજપ યુવાનોને તો ખાસ ધ્યાનમાં રાખે છે અને બદલાતા જમાનાને પણ ધ્યાનમાં રાખે છે. માટે રાષ્ટ્રપતિ તરીકે કોણ આવશે તેના સંભવિત ઉમેદવારોની યાદીમાંથી એક પણ નામ ન આવે તે બનવાજોગ છે. રાષ્ટ્રપતિ માટે એ જ ઉમેદવાર આવશે જે ભાજપ ઈચ્છશે તે ઓપન સિક્રેટ જેવી હકીકત છે. રાષ્ટ્રપતિની ચૂંટણી વિષે વાત કરતાં એક ભાજપી નેતાએ કહ્યું પણ ખરું કે ભાજપ પાસે પચાસ ટકા જેટલો વોટ-શેર તો ઓલરેડી આવી ગયો છે. માટે ફરીથી રાષ્ટ્રપતિ પદ પર ભાજપની કોઈ વ્યક્તિ આવશે તે નક્કી છે. જો તે વ્યક્તિ આપણે એટલે કે બધી ન્યુઝ ચેનલો અને મીડિયા હાઉસે બનાવેલી સંભવિત યાદીમાંથી કોઈ હશે તો આશ્ર્ચર્ય થશે, કારણ કે ભાજપને એવું જ કરવું હોય જે કોઈએ વિચાર્યું ન હોય.
ઇન્ડિયન પ્રેસિડેન્શિયલ ઈલેક્શન ૨૦૨૨ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશનાં બધાં રાજ્યોની વિધાનસભાના સભ્યો, લોકસભાના સભ્યો અને રાજસભાના સભ્યોની સંખ્યા ગણતરી ચાલુ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં હજુ વિધાનસભાનું ગઠન થયું નથી એટલે તે આ ચૂંટણીમાંથી બાકાત રહેશે, પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકસભામાં રહેલા સંસદસભ્યો પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મત આપી શકશે. આ જ કારણે આ વર્ષે દરેક સભ્યના વોટની વેલ્યુ ૭૦૮માંથી ઘટીને ૭૦૦ થઈ ગઈ છે. પોંડિચેરી અને દિલ્હી તથા બધા કેન્દ્રશાસિત પ્રદેશોના મેમ્બરો પણ આમાં સમાવિષ્ટ છે. ૫૪૩ જેટલા લોકસભાના સભ્યો છે. ૨૩૩ રાજ્યસભાના સભ્યો છે. બધાં રાજ્યોની વિધાનસભાના સભ્યો મળીને ૪૧૨૦ જેટલા સભ્યો થાય છે. ટોટલ ૪૮૯૬ જેટલા નેતાઓ કે જે તે પાર્ટીએ નિયુક્ત કરેલા માણસો પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં ભાગ લેશે. એન્ગ્લો-ઇન્ડિયન સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી.
હવે જે સોળમી પ્રેસિડેન્શિયલ ચૂંટણી થશે તે સ્વતંત્ર ભારતના પંદરમા રાષ્ટ્રપતિની નિયુક્તિ માટે થશે. રામનાથ કોવિંદ વર્તમાન પ્રેસિડેન્ટ છે. (તે રિપીટ થાય તેવા ચાન્સીસ કેટલા પ્રતિશત લાગે છે?) બંધારણના આર્ટિકલ ૫૬(૧) મુજબ કોઈ પણ રાષ્ટ્રપતિએ તેની પાંચ વર્ષની મુદત પૂરી કરવી જોઈએ. ચોવીસ જુલાઈએ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદ પર પાંચ વર્ષ પૂરાં થાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી ન રહેવું જોઈએ તેવું બંધારણમાં પણ લખ્યું છે અને એવું જ ભારત જેવા ગૌરવશાળી અને લોકતાંત્રિક દેશ માટે અપેક્ષિત છે. માટે ૧૮ જુલાઈએ મતદાન થશે અને ૨૧ જુલાઈએ મતની ગણતરી થશે. ૨૦૧૭માં રાષ્ટ્રપતિની છેલ્લી ચૂંટણી થઈ હતી. તેમાં રામનાથ કોવિંદ ચૂંટાયા હતા જે તે સમયે બિહારના ગવર્નર હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અઠ્ઠાવીસ દેશોની મુલાકાત લીધી અને છ દેશોમાંથી ઉચ્ચતમ સન્માન મેળવ્યું. લોકડાઉન દરમિયાન પણ તેમણે પ્રેસિડેન્ટ ઓફિસ સંભાળી. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમનું નામ રિપીટ કરી શકાય, પરંતુ હજુ સુધી તો ભારતીય જનતા પક્ષે તેમનું નામ નોંધાવ્યું નથી. (એ શક્યતા પણ નહીંવત્ લાગે છે!)
આપણે આગામી રાષ્ટ્રપતિ કોણ હોઈ શકે તેનાં સંભવિત નામોની ભવિષ્યવાણી તો નહિ કરી શકીએ, પરંતુ કઈ કોમ્યુનિટીમાંથી ઉમેદવાર હોઈ શકે તેનાં લેખાંજોખાં કરી શકીએ. ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈંકેયા નાયડુનું નામ આવ્યું ત્યારે પણ આશ્ર્ચર્ય થયું હતું. તેના પછી રાષ્ટ્રપતિ તરીકે બિહારથી દલિત નેતા તરીકે રામનાથ કોવિંદ આવ્યા. પછી તાળો મળ્યો કે ભાજપે દક્ષિણ ભારત અને ઉત્તર ભારત એમ ભારતની ભૂગોળના બંને ભાગોને સાચવી લીધા. મોદી સરકારની પહેલી ટર્મ વખતે દેશના અને ભાજપના જે સંજોગો હતા તે મુજબ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ નિયુક્ત કરવામાં આવ્યા. હવે પાંચ વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ છે. બંગાળમાં ભાજપ હાર્યું છે તો ઉત્તર પ્રદેશમાં જંગી બહુમતીથી જીત્યું છે. પંજાબમાં ભાજપનું કંઈ ઊપજ્યું નથી તો બીજાં ચાર રાજ્યોમાં ભાજપ જીત્યું છે. લોકસભામાં ભાજપની પહેલી ટર્મ કરતાં વધુ બહુમતી છે, પરંતુ બધાં રાજ્યોના વિધાનસભાના સભ્યોની વાત કરીએ તો એમાં ભાજપના સભ્યો ઘટ્યા છે. તે સિવાય રાજકીય, સામાજિક અને આર્થિક વળાંકો પણ એવા આવ્યા છે કે ફક્ત આંકડાના આધારે મોટો નિર્ણય લઈ શકાય એમ નથી.
કોઈ એક સમુદાયમાં ભાજપ માટે જો સૌથી વધુ અસંતોષ ફેલાયેલો હોય તો તે શીખ સમુદાય છે. પંજાબ પ્રાંતમાં ભાજપ હંમેશાં અળખામણો રહ્યો છે. મોદી-શાહના ધ્યાનમાં આ વાત ટોપ પ્રાયોરિટી પર હશે. ભારતને શીખ પ્રેસિડેન્ટ મળ્યે પચ્ચીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો. જ્ઞાની ઝૈલ સિંહ ૧૯૯૪માં પ્રેસિડેન્ટ હતા. તેના પછી એક પણ સરદારજી રાષ્ટ્રપતિ બની શક્યા નથી. શક્ય છે કે શીખોને પોતાની તરફેણમાં કરવા માટે કોઈ શીખ વ્યક્તિને ભાજપ તરફથી પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે ઊભી રાખવામાં આવે. (વિવેક અગ્નિહોત્રી દિલ્હી ફાઈલ્સ બનાવે છે, પણ કાશ્મીર ફાઈલ્સની ધારી અસર ભારતીયો પર નથી પડી એટલે ફક્ત ફિલ્મ પર હવે આધાર રાખી નહિ શકાય.) જો કોઈ શીખ ઉમેદવાર ભાજપ તરફથી રજૂ થશે તો એ ખેડૂત હોય એવું ધ્યાન રાખવામાં આવશે તે ચોક્કસ છે. કિસાન આંદોલનમાં મોદી સરકારે પીછેહઠ કરવી પડી તે સત્ય છે.
ભૂતપૂર્વ મરહૂમ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ ધર્મે મુસ્લિમ હતા, પરંતુ તેમને મુસ્લિમ ઉમેદવાર તરીકે ભારતે જોયા નથી. તેઓ વિજ્ઞાની અને બાળકોની પ્રિય વ્યક્તિ તરીકે જ ઓળખાયા છે. વધુમાં નૂપુર શર્માના નિવેદનને કારણે ફક્ત દેશમાં જ નહિ, પરંતુ વિદેશોમાં પણ ઘણો ઉત્પાત મચ્યો છે. બધેથી વિરોધ શમવાનું નામ નથી લેતો અને જંગી સંખ્યામાં રહેલા મુસ્લિમો નારાજ થયા છે. મુસ્લિમ સમાજની આવી યાદશક્તિ લાંબી હોય છે. તેઓ સરળતાથી ભૂલતા નથી આ વાત ભાજપ જાણે છે. તો અત્યારે મુસ્લિમ સમાજને સુરક્ષા અને મહત્ત્વની વધુ અનુભૂતિ આપવા માટે કોઈ મુસ્લિમ નામ પસંદ કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ છે. કેરળના સ્કોલર રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન કે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી મજબૂત ઉમેદવાર છે.
ત્રીજી શક્યતા છે કે ફરીથી વંચિત સમુદાયમાંથી કોઈ નામને પસંદ કરવામાં આવે. મહાદલિત કે આદિવાસી સમાજમાંથી કોઈ પ્રબળ દાવેદાર બની શકે. આવા સમુદાયોની સંખ્યા મોટી હોય છે. દરેક રાજ્યમાં વંચિતોની સંખ્યા મોટી છે. ભાજપ આ સમુદાયોનાં કામ કરવા પર વધુ ફોકસ કરે છે અને તેનાં કામોની જાહેરાત પણ મોટા પાયા પર આપે છે. સાથે ભૂગોળનું ફેક્ટર પણ ગણતરીમાં લેવું પડે. હમણાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા પર મોટો વિવાદ થયો અને દક્ષિણનાં રાજ્યોએ એકસંપ થઈને વિરોધ કર્યો. ભાજપની પકડ દક્ષિણનાં રાજ્યો પર મજબૂત નથી. બની શકે કે દક્ષિણ ભારતમાંથી કોઈ નામ વિષે ભાજપનું મોવડી મંડળ વિચારતું હોય, પરંતુ વાઈસ પ્રેસિડેન્ટ વૈંકેયાનાયડુ તો દક્ષિણ ભારતના છે જ. તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે બંને વ્યક્તિઓ દક્ષિણ ભારતની હોય એવું બોલ્ડ સ્ટેપ ભાજપ લેશે? શક્યતા ઓછી, પણ નહીંવત્ નહિ.
વધુ બોલ્ડ સ્ટેપ લેવું હોય તો એવું પણ બની શકે કે કોઈ ગુજરાતી નામ આગળ આવે, પરંતુ એ ભૂલ મોદી-શાહ કરશે નહિ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પાંત્રીસ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા જોઈએ, ભારતના નાગરિક હોવા જોઈએ અને લોકસભાના સભ્ય બનવા સક્ષમ હોવા જોઈએ. અત્યારે ભારતમાં અત્યાર સુધી જેટલા પણ રાષ્ટ્રપતિ બન્યા તેમાંથી માત્ર પ્રતિભાસિંહ પાટીલ જ હયાત છે. જોઈએ ભારતને પંદરમા રાષ્ટ્રપતિ કોણ મળે છે?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.